ભાસ્કર ઇન્ટરવ્યૂ / આપ તેના કામ પર, ભાજપ મોદી પર અને કોંગ્રેસ પક્ષના નામે લડશે

સંજય સિંહ ‌- દિલ્હી ચૂંટણી પ્રભારી, આપ
સંજય સિંહ ‌- દિલ્હી ચૂંટણી પ્રભારી, આપ
પ્રકાશ જાવડેકર - દિલ્હી ચૂંટણી પ્રભારી, ભાજપ
પ્રકાશ જાવડેકર - દિલ્હી ચૂંટણી પ્રભારી, ભાજપ
પી. સી. ચાકો - દિલ્હી પ્રભારી, કોંગ્રેસ
પી. સી. ચાકો - દિલ્હી પ્રભારી, કોંગ્રેસ

  • દિલ્હીના ત્રણ મુખ્ય પક્ષ સાથે ચૂંટણીના મુદ્દા અંગે વાતચીત કરાઈ

Divyabhaskar.com

Jan 19, 2020, 03:38 AM IST

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીના દંગલમાં ‘આપ’એ તેના યોદ્ધા નક્કી કરી દીધા છે. ભાજપે પણ તેના ભાથામાંથી 57 તીર કાઢી લીધાં છે, 13 બાકી છે. કોંગ્રેસે ઉમેદવારોનાં નામ નક્કી કર્યા છે પણ યાદી હજુ જારી નથી કરી. ભાસ્કરે આપ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણીના મુદ્દા, રણનીતિ અંગે ચર્ચા કરી. તેના સંકલિત અંશ રજૂ કર્યા છે...

આ વખતે વિપક્ષના આંકડા કામ નહીં આવે, પરિણામ ચોંકાવશે: સંજય સિંહ
આપમાં સીએમનો ચહેરો કેજરીવાલ છે. ભાજપ-કોંગ્રેસમાંથી કોણ છે?
- ભાજપ પાસે કોઇ ચહેરો નથી. હરદીપ પુરીએ મનોજ તિવારીને સીએમ ઉમેદવાર કહ્યા અને બે કલાકમાં જ ફરી ગયા. કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં.
આપ 5 વર્ષનાં કામોની વાત કરે છે તો પછી પ્રશાંત કિશોરની જરૂર કેમ પડી?
- એક જમાનો હતો કે જ્યારે બળદગાડાં, રિક્ષા, સાઇકલથી ચૂંટણી થતી. આજે ચૂંટણીમાં ટેક્નિકના નવા-નવા પ્રયોગ કરવાના હોય છે. પ્રશાંત કિશોરની યોગ્યતાનો લાભ લેવામાં તકલીફ શું છે?
જનલોકપાલ, દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા આંદોલન કર્યું, હવે વચનો ગણાવી રહ્યાં છો.
- જનલોકપાલ કાયદો દિલ્હી વિધાનસભામાં પસાર થઇ ગયો. સાડા ચાર વર્ષથી કેન્દ્ર સરકાર કેમ લઇને બેઠી છે? આ સવાલ ભાજપને પૂછવો જોઇએ.
લોકસભા ચૂંટણીમાં આપને સભ્યસંખ્યાથી પણ ઓછા વોટ મળ્યા. હવે શું રણનીતિ છે?
- જનતા ચૂંટણી લડે ત્યારે આંકડા, નંબર કંઇ કામ નથી લાગતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ ચોંકાવનારાં હશે.
પક્ષમાંથી અવાજ ઊઠી રહ્યો છે કે અપરાધીઓને ટિકિટ આપી દેવાઇ.
- કાયદો-વ્યવસ્થા ભાજપના હાથમાં છે, અપરાધીઓને જેલમાં ધકેલે. અમારા ધારાસભ્યો સામે 20-20 કેસ કરાવે.

આ વિકાસ વિરુદ્ધ જૂઠાણાંની લડાઇ છે, મોદી વિકાસના પ્રતીક: પ્રકાશ જાવડેકર
હોર્ડિંગમાં મોદી સિવાય કોઇ ચહેરા દેખાતા નથી.?
- આ મોદી વિ. કેજરીવાલ નહીં પણ વિકાસ વિ. જૂઠાણાંની લડાઇ છે. મોદી વિકાસના પ્રતીક છે અને કેજરીવાલ જૂઠાણાંના.
કેન્દ્ર અને એમસીડીમાં ભાજપ છે. એવામાં શું તમે નિગમ મોડલ પર વોટ માગશો?
- પાંચ વર્ષમાં બહાનાં કાઢવા, વચનોથી ફરી જવું જેવી વાતોથી જૂઠાણાંની સરકાર બેનકાબ થઇ ગઇ. જનલોકપાલ ન લાવ્યા. ગાડી-બંગલા લઇ લીધા. કહેતા હતા કે ભ્રષ્ટાચાર નહીં કરીએ પણ અડધા મંત્રી-ધારાસભ્ય જામીન પર છે. દેશદ્રોહી નારાઓને સાથ આપે છે.
કેજરીવાલના ‘ફ્રીબીઝ’ પોલિટિક્સના પડકારનો કેવી રીતે સામનો કરશો?
- 5 વર્ષથી નહીં, છેલ્લા 5 મહિનામાં ‘ફ્રીબીઝ’ ચાલ્યા છે. સાડા ચાર વર્ષથી ફરિયાદ કરતા રહ્યા કે મોદીજીએ કામ ન કરવા દીધું. હવે કેવી રીતે કરવા દે છે?
સબસિડી અંગે ભાજપની કોઇ યોજના છે?
- તેનો વિઝન ડોક્યુમેન્ટ આવશે. અમે અનધિકૃત કોલોનીઓમાં રજિસ્ટ્રી માટે 20 હજારના સર્કલ રેટના બદલે માત્ર 100 રૂ. લીધા. બીજું, 10 લાખ ઝૂંપડાવાસીઓને બે રૂમના ફ્લેટ મળ્યા. તે પણ સસ્તામાં. લોકોએ નક્કી કરવાનું છે કે 10 લાખના ફાયદાવાળી સરકાર જોઇએ કે 1 હજાર રૂ. માફ કરવાવાળી?

અમે ચહેરા પર નહીં, નિશાન-ઝંડા પર વોટ માગીશું: ચાકો
ભાજપનો ચહેરો મોદી, આપ કેજરીવાલનું કામ બતાવે છે, તમે કોના નામે વોટ માગશો?
- ચહેરા પર નહીં, પક્ષના નામ, ઝંડા-નિશાન પર વોટ માગી રહ્યા છીએ. મોદીના ચહેરાએ ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચમત્કાર નથી કર્યો. દિલ્હીની ચૂંટણીમાં પણ નહીં ચાલે.
કોંગ્રેસ શું રણનીતિ અપનાવી રહી છે?
- સૌથી મોટી રણનીતિ અમારો આત્મવિશ્વાસ છે. લોકસભા ચૂંટણીમાં કોઇએ ધાર્યું નહોતું છતાં અમે બીજા નંબરે રહ્યા. આપે 67 બેઠક જીતી હતી પણ લોકસભામાં ત્રીજા નંબરે આવી ગઇ.
આપની ‘ફ્રીબીઝ’ પોલિટિક્સના મુકાબલા માટે કોંગ્રેસ શું રસ્તો અપનાવશે?
- આ સારું રાજકારણ નથી. અન્ય રાજ્યોની તુલનાએ અહીં વીજળી-પાણી મોંઘાં છે. મારા હિસાબે માત્ર 20 ટકા લોકોને જ ફ્રી વીજળી-પાણી મળ્યા. ચોરી રોકીને અને વિતરણ હાનિ નિયંત્રણથી પૈસા બચાવી વધુ લોકોને રાહતદરે વીજળી આપીશું.
7 વર્ષમાં લોકસભા-વિધાનસભાની 4 ચૂંટણી થઇ, 8 બેઠક એક તરફ રાખીએ તો શૂન્ય બાકી રહે, આ કલંક કેવી રીતે મીટાવશો?
- કોંગ્રેસના વોટ પર્સન્ટેજ વધી રહ્યા છે. મેં પદ સંભાળ્યા બાદ પ્રથમ ચૂંટણી (એમસીડી)માં વોટ પર્સન્ટેજ 9થી 22 અને પછી 25 ટકા થયો. ત્યારથી સતત વધી રહ્યો છે. સંગઠનનું કામ વોટ પર્સન્ટેજ વધારવાનું છે.
કોંગ્રેસની લડાઇ કોની સાથે? ઝાડુ કે કમળ?
- દિલ્હીમાં ભાજપ ભલે લોકસભાની સાતેય બેઠક જીત્યો છે પણ વિધાનસભા ચૂંટણીમાં તેની બેઠકો ઘટશે. અમારી મુખ્ય લડાઇ આમ આદમી પાર્ટી સાથે છે.

X
સંજય સિંહ ‌- દિલ્હી ચૂંટણી પ્રભારી, આપસંજય સિંહ ‌- દિલ્હી ચૂંટણી પ્રભારી, આપ
પ્રકાશ જાવડેકર - દિલ્હી ચૂંટણી પ્રભારી, ભાજપપ્રકાશ જાવડેકર - દિલ્હી ચૂંટણી પ્રભારી, ભાજપ
પી. સી. ચાકો - દિલ્હી પ્રભારી, કોંગ્રેસપી. સી. ચાકો - દિલ્હી પ્રભારી, કોંગ્રેસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી