ડાંગ / તીરકામઠાં લઇ આગળ આવો, આદિવાસીઓના આંદોલનમાં કોંગી MLA મંગળ ગાવીતના આહવાનનો વીડિયો વાઈરલ

ગાંધીનગર ખાતે ચાલતા આદિવાસીઓના આંદોલનમાં ઠાલવેલા આક્રોશનો વીડિયો વાઈરલ

  • આદિવાસીઓના આંદોલન દરમિયાન ડાંગના કોંગી ધારાસભ્યએ આક્રોશ ઠાલવ્યો હતો
  • આંદોલનથી આ સરકાર આદિવાસીઓની માંગણીઓનાં હક્ક આપવાની નથીઃ મંગળ ગાવીત

Divyabhaskar.com

Feb 07, 2020, 03:22 PM IST

સુરતઃ સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજીત બિન આદિવાસીઓને અપાયેલા જાતિનાં પ્રમાણપત્રનાં વિરોધ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાનાં કોંગી ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે આક્રોશ ઠાલવ્યો હતો. આદિવાસીઓને પોતાના હક્ક માટે તીરકામઠાં લઈ આગળ આવવા માટે આહવાન કરતો વીડિયો વાઈરલ થયો છે.

આદિવાસીઓ પર જ સરકાર શા માટે તરાપ મારે છેઃ મંગળ ગાવીત

પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં બિન આદિવાસીઓને ખોટા જાતિનાં પ્રમાણપત્રો આપવાનો મુદ્દો અને બિન આદિવાસીઓ દ્વારા ખોટા જાતિનાં પ્રમાણપત્રો રજૂ કરી વિવિધ સરકારી વિભાગોમાં અનામતનાં નામે નોકરી મેળવ્યાનાં મુદ્દા બાબતે આદિવાસી સંગઠનો સરકારમાં લડત ચલાવી રહ્યા છે. આદિવાસીઓનાં હક્કો બાબતે સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજીત ખોટા જાતિનાં પ્રમાણપત્રનાં પ્રતિ વિરોધમાં ગાંધીનગર ખાતે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં ડાંગ જિલ્લાનાં કોંગ્રેસી ધારાસભ્ય મંગળભાઈ ગાંવિતે ભાજપા સરકાર ઉપર આક્રોશ ઠાલવ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યનાં આબુથી ઉમરગામ-ડાંગ સુધીનો આદિવાસી પટો છે, જે આદિવાસી પટાનાં લાખો આદિવાસીઓ માત્રને માત્ર કહેવા પૂરતા આદિવાસીઓ નથી, જે મૂળ આદિવાસીઓ છે. આદિકાળથી આદિમાનવમાંથી આદિવાસી બન્યા છે. એમનાં પ્રમાણપત્રોની ચકાસણી સરકાર શા માટે કરી રહી છે ? જેમાં હાલની સરકાર દ્વારા ચારણ, ભરવાડોને ખોટા જાતિનાં પ્રમાણપત્રો આપ્યા છે. જેની સરકાર તપાસ કેમ કરતી નથી તેમજ આદિકાળથી આદિવાસીઓ તરીકે ઓળખ ધરાવતા અનુ.જનજાતિનાં લોકો ઉપર જ સરકાર શા માટે તરાપ મારે છે. ભાજપાનાં શાસનમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની ઉપેક્ષા કરી ઉજળિયાતોને નોકરી આપવામાં આવે છે ત્યારે શું આદિવાસી શિક્ષિતો નોકરીને લાયક નથી.

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

તેમણે જણાવ્યું હતું કે આ ભાજપા સરકાર કહે છે કે અમોએ આદિવાસીઓનાં હિત માટે અંબાજીથી ઉમરગામ-વાંસદા-ડાંગ સુધી આદિવાસી યાત્રા કાઢી આદિવાસીઓનો ઉત્કર્ષ કર્યો છે પરંતુ ઉનાઈ માતાનાં દર્શન કરી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મોટા બેનરો પણ લગાડવામાં આવ્યા હતા. જે બેનરોમાં આદિવાસીઓનો એકપણ ફોટો ન હતો ત્યારે આને આદિવાસી યાત્રા કહેવાય ? વધુમાં તેમણે ઉપસ્થિતોને જણાવ્યું હતુ કે સત્યાગ્રહ કે આંદોલનથી આ સરકાર આદિવાસીઓની માંગણીઓનાં હક્ક આપવાની નથી. જેથી આદિવાસી ભાઈઓ અને બહેનોને પોતાનાં હક્કો માટેની લડતમાં જીત મેળવવી હોય તો આદિવાસીઓનું શસ્ત્ર એવું તીરકામઠું લઈને નીકળી પડવાનો હુંકાર કર્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી