વાપી ડબલ મર્ડર કેસ / માતાની હત્યા માટે પુત્રએ રીઢા આરોપીને પણ શરમાવે તેવું પ્લાનિંગ કર્યું હતું, બાઈકે ભાંડો ફોડી નાખ્યો

આરોપી પુત્રએ માતાની હત્યા બાદ મોબાઈલના ડેટા પણ ડિલિટ કરી દીધા હતા(આરોપી પુત્ર અને મૃતક માતાની ફાઈલ તસવીર)
આરોપી પુત્રએ માતાની હત્યા બાદ મોબાઈલના ડેટા પણ ડિલિટ કરી દીધા હતા(આરોપી પુત્ર અને મૃતક માતાની ફાઈલ તસવીર)

  • પાંચ લાખની સોપારીના એક લાખ રૂપિયા એડવાન્સમાં જ ચૂકવી દેવાયા હતા
  • માતાની હત્યાના આરોપી પુત્ર, સોપારી લેનાર તેના મિત્રની ધરપકડ કરાઈ છે

Divyabhaskar.com

Jan 23, 2020, 04:01 PM IST

સુરતઃ વાપીના ચણોદ કોલોનીમાં 11 દિવસ અગાઉ શનિવારે રાત્રે બે મહિલાની ગોળી મારીને થયેલી હત્યામાં પુત્રએ જ માતાની તેના મિત્રને પાંચ લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. માતાના અન્ય પુરુષો સાથે સંબંધથી કંટાળીને, સોશિયલ મીડિયામાં બિભત્સ ચેટિંગ અને મિલકત દાનમાં કરી દેવાની વાત કરતાં પુત્રએ માતાનું કાસળ કાઢી નાંખવાનો રીઢા આરોપીને પણ શરમાવે તેવો ખતરનાક પ્લાન બનાવ્યો હતો. વાપી પોલીસે હત્યા કરાવનાર પુત્ર અને પાંચ લાખની સોપારી લેનાર મિત્રની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હત્યાના એક દિવસ પહેલા જ હત્યાના આરોપી પુત્રએ ગેરેજમાંથી જૂની બાઈક ખરીદી હતી. આ ડબલ મર્ડર કેસમાં ઉપયોગમાં લેવાયેલી આ બાઈકના કારણે ભેદ ઉકેલાયો હતો.

ઘટના શું હતી?

વાપી જીઆઇડીસી સ્થિત ચણોદ કોલોનીમાં રહેતી 51 વર્ષની રેખાબેન બહ્મદેવ મહેતા(મહંતો) અને પુલગામના જવાહર નગર વર્ધા - મહારાષ્ટ્રથી આવેલી તેમની 47 વર્ષની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા શેખર ખડસે ગત 11મી જાન્યુઆરીની રાત્રીએ પોણા નવેક વાગ્યાના સુમારે પોતાના ઘરે ટીવી જોઇ રહી હતી. ત્યારે બાઇક ઉપર આવેલા બુકાનીધારી અજાણ્યા ઇસમે આડેધડ ફાયરિંગ કરીને રેખા અને તેમની સહેલી અનિતા ઉર્ફે દુર્ગાની હત્યા કરી ફરાર થઇ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી હતી. આ કેસમાં વાપી જીઆઇડીસી પોલીસે મૃતક મહિલા રેખા મહેતાના પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડની ફરિયાદ લઇને ગુનો નોંધી ઈન્ચાર્જ ડીવાયએસપી એન.વી. પટેલ અને પીઆઇ એન.કે. કામળિયાના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. દમણ, સેલવાસ, બિહાર અને વેસ્ટ બંગાળ સુધી પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલા રેખા મહેતા(મહંતો) નો પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુ જ મુખ્ય આરોપી નીકળ્યો હતો. માતાના અન્ય પુરુષો સાથે સંબંધથી કંટાળીને, સોશિયલ મીડિયામાં બિભત્સ ચેટિંગ અને મિલકત દાનમાં કરી દેવાની વાત કરતાં પુત્રએ સોપારી આપી હત્યા કરાવી હતી.

તપાસમાં પુત્રને ગંધ આવવા ન દીધી

બેવડી હત્યાને જોતા પોલીસને શરૂઆતથી જ પુત્ર ઉપર શંકા હતી. જોકે, પોલીસે પુત્રને આ બાબતની કોઈપણ જાતની ગંધ આવવા દીધી ન હતી. અંતિમક્રિયા સુધી પોલીસે પુત્રની પૂછપરછ સુધ્ધા કરી ન હતી. આખરે પોલીસને અગત્યની કડી મળ્યા બાદ અટકાયત બાદ તપાસ કરી હતી.

હત્યામાં વપરાયેલી બાઇક એક દિવસ અગાઉ જ ખરીદી હતી

પોલીસની પૂછપરછમાં બિપિને કરેલી કબૂલાત આધારે, માતાની હત્યા કરવા માટે પુત્ર બિપિન તમામ આયોજન કર્યું હતું. મિત્રને પાંચ લાખમાં સોપારી આપ્યા બાદ એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા. હત્યા કરવા આવનાર શુટરને બાઇક પ્રોવાઇડ કરવા માટે એક દિવસ અગાઉ જ ચણોદ કોલોનીમાં ગેરેજ ચલાવતા ઉદ્યમસિંહ સુભાષસિંહ ચૌહાણ પાસેથી સાડા બાર હજારમાં વેચાતું લીધું હતું. રેખા અને તેમની મિત્ર અનિતા ખડસેની હત્યાના બે દિવસ પછી આ બાઇક દમણગંગા નદી કિનારે સ્મશાનભૂમિ પાસેથી મળી આવ્યું હતું. પોલીસે બાઇક કબજે લઇને ચેસિંસ અને એન્જીન નંબરના આધારે તપાસ કરતા મૂળ માલિકે બાઇક વેચવા માટે ગેરેજમાં આપ્યું હતું જે હત્યાના એક દિવસ અગાઉ જ આરોપી બિપિન ઉર્ફે ગુડ્ડુએ ખરીદી કરી હોવાનું જાણવા મળતાં પોલીસની શંકા યકીનમાં બદલાઇ હતી.

માતાની હત્યા બાદ મોબાઈલ ડેટા ડિલિટ કરી દીધા હતા

માતા અને તેની બહેનપણીની હત્યા બાદ બિપિન ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ માતાની હત્યાથી ખૂબ જ દુઃખી હોય તેવી પ્રતિક્રિયા આપી હતી. સાથે જ 108 બોલાવી હતી. પોતે જ હત્યાની સોપારી આપી હોવા છતાં હાવભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર દેખાતો ન હતો. જોકે, પોલીસને પહેલેથી જ શંકા હતી. જેથી પૂછપરછમાં ભાંટો ફૂટી ગયો હતો. પોલીસે બિપિનના મોબાઈલની તપાસ કરતા તેણે મોબાઈલના તમામ ડેટા ડિલિટ કરી દીધા હોવાનું પણ સામે આવ્યું હતું.

X
આરોપી પુત્રએ માતાની હત્યા બાદ મોબાઈલના ડેટા પણ ડિલિટ કરી દીધા હતા(આરોપી પુત્ર અને મૃતક માતાની ફાઈલ તસવીર)આરોપી પુત્રએ માતાની હત્યા બાદ મોબાઈલના ડેટા પણ ડિલિટ કરી દીધા હતા(આરોપી પુત્ર અને મૃતક માતાની ફાઈલ તસવીર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી