વાપી ડબલ મર્ડર કેસ / માતાની હત્યા કરાવનાર પુત્રની કબૂલાત, બેકઅપથી માતાની બિભત્સ ચેટિંગ ફોનમાં જોતો હતો

આરોપી પુત્ર, મૃતક માતા અને તેની મૃતક સહેલીની ફાઈલ તસવીર
આરોપી પુત્ર, મૃતક માતા અને તેની મૃતક સહેલીની ફાઈલ તસવીર

  • ત્રણથી વધારે પુરુષ સાથે સંબંધ હોવાનું જણાતા 5 લાખમાં હત્યાની સોપારી આપી
  • માએ મિલકત દાનમાં આપવાની વાત કરતા દીકરાએ સોપારી આપી હત્યા કરાવી

Divyabhaskar.com

Jan 23, 2020, 12:27 PM IST

સુરતઃ વાપીના ચણોદ કોલોનીમાં 11 દિવસ અગાઉ શનિવારે રાત્રે બે મહિલાની ગોળી મારીને થયેલી હત્યામાં પુત્રએ જ માતાની તેના મિત્રને પાંચ લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસે આપી હતી. માતાના અન્ય પુરુષો સાથે સંબંધથી કંટાળીને, સોશિયલ મીડિયામાં બીભત્સ ચેટિંગ અને મિલકત દાનમાં કરી દેવાની વાત કરતાં પુત્રએ માતાનું કાસળ કાઢી નાંખવાનું આયોજન કર્યું હતું. જો કે, બિહારથી હત્યા કરવા આવેલા ઇસમને માતાની ઓળખ ન થતાં તેમની બહેનપણીની પણ હત્યા કરી હતી. વાપી જીઆઇડીસી પોલીસે હત્યા કરાવનાર પુત્ર અને પાંચ લાખની સોપારી લેનાર મિત્રની ધરપકડ કરી છે. જ્યારે હત્યા કરનાર બિહારના બે શાર્પ શુટર હજુ ફરાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બક એપથી માતાની બિભત્સ ચેટિંગ ફોનમાં જોતો હોવાની કબૂલાત પણ પુત્રએ કરી છે. જેમાં ત્રણથી વધારે પુરુષ સાથે સંબંધ હોવાનું જણાતા આવેશમાં આવી સોપારી આપી માતાની હત્યા કરાવી હતી.

ઘટના શું હતી?

વાપી જીઆઇડીસી સ્થિત ચણોદ કોલોનીમાં રહેતી 51 વર્ષની રેખાબેન બહ્મદેવ મહેતા(મહંતો) અને પુલગામના જવાહર નગર વર્ધા - મહારાષ્ટ્રથી આવેલી તેમની 47 વર્ષની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા શેખર ખડસે ગત 11મી જાન્યુઆરીની રાત્રીએ પોણા નવેક વાગ્યાના સુમારે પોતાના ઘરે ટીવી જોઇ રહી હતી. ત્યારે બાઇક ઉપર આવેલા બુકાનીધારી અજાણ્યા ઇસમે આડેધડ ફાયરિંગ કરીને રેખા અને તેમની સહેલી અનિતા ઉર્ફે દુર્ગાની હત્યા કરી ફરાર થઇ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી હતી. આ કેસમાં જીઆઇડીસી પોલીસે મૃતક મહિલા રેખા મહેતાના પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડની ફરિયાદ લઇને ગુનો નોંધી ઈન્ચાર્જ ડીવાયએસપી એન.વી. પટેલ અને પીઆઇ એન.કે. કામળિયાના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. દમણ, સેલવાસ, બિહાર અને વેસ્ટ બંગાળ સુધી પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલા રેખા મહેતા(મહંતો) નો પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુ જ મુખ્ય આરોપી નીકળ્યો હતો.

ઓળખના અભાવે સહેલી પણ ભોગ બની

માતા રેખાના ચારિત્રથી કંટાળી અને માતાના ત્રણથી વધારે પુરુષો સાથે સંબંધની સાથે સોશિયલ મીડિયામાં પુરુષો સાથે બીભત્સ ચેટિંગ અને પ્રોપટી વિવાદને લઇને પુત્ર બિપિને જ પાંચ લાખમાં મિત્ર કુંદનગીરી શંભુકાંતગીરીને માતાની હત્યાની સોપારી આપી હતી. મિત્ર કુંદનગીરીને હત્યા કરવા માટે એડવાન્સમાં 1 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા. કુંદનગીરીએ બિહારથી બે શુટર્સ બોલાવીને હત્યા કરી હોવાનું વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું. ચણોદ કોલોનીમાં આરબીએલ હાઉસિંગમાં એકલી રહેતી રેખાની સાથે બનાવના દિવસે મહારાષ્ટ્રથી આવેલી તેમની સહેલી અનિતા ઉર્ફે દુર્ગા પણ સાથે હતી. શુટર્સને રેખાની ઓળખ ન થતા બંને મહિલાની હત્યા કરીને બાઇક ઉપર ફરાર થઇ ગયો હતો. જીઆઇડીસી પોલીસે માતાની હત્યાની સોપારી આપનાર પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુ અને બહ્મદેવ રામજી મહેતા અને હત્યાની પાંચ લાખમાં સોપારી લેનાર આરોપી કુંદનગીરી શંભુકાન્ત ગીરીની (રહે. આરબીએલ-ચણોદ કોલોની,વાપી મૂળ રહે. માધોડી, સમસ્તીપુર - બિહાર) ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 27મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ લઇને વધુ તપાસ હાથ ધરી છે.

બક એપથી માતાની બિભત્સ ચેટિંગ પુત્ર ફોનમાં જોતો

સ્થાનિક વિસ્તારમાંથી માતાના ચારિત્રને લઇને અનેક વાતો થતા અને માતા વોટ્સએપ અને ફેસબુક ઉપર પુરુષો સાથે બિભત્સ ચેટિંગ કરતી હોવાનું પુત્ર બિપિનને જાણ થઇ હતી. માતાની અન્ય પુરૂષો સાથેની બિભત્સ ચેટિંગની ખરાઇ કરવા માતાનો મોબાઇલ બેકઅપથી હેક કરીને ચેટિંગ પણ જોતો હતો. ત્રણથી વધારે પુરુષો સાથે સંબંધ અને મિલકત વિવાદને લઇ આખરે પુત્રએ જ માતાની હત્યાની યોજના ઘડી કાઢી હતી. ચારિત્રને લઈને લોકો વાતો કરતા પુત્ર તણાવમાં રહેતો હતો.

હત્યા બાદ પુત્રનું સામાન્ય વર્તન રહ્યું હતું

હત્યા બાદ પુત્ર બિપિન જાણે કે આ ઘટના સાથે પોતાને કોઇ લેવાદેવા જ નથી એ રીતે સામાન્ય વર્તન કરતો રહ્યો હતો. ગોળી મારીને માતાની હત્યાની જાણ થતાં જ તે તાત્કાલિક રૂમ ઉપર પહોંચી ગયો હતો. 108 અને પોલીસને પણ જાણ કરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં પણ સંપૂર્ણ સહયોગ આપતો રહ્યો હતો. પોલીસે આ ઘટનામાં ફરિયાદ પણ બિપિન મહંતોના નામથી જ લીધી હતી. આખરે ફરિયાદી પુત્ર જ આરોપી નિકળ્યો છે.

ફ્રેન્ડ અનિતા બનાવના દિવસે જ મુંબઇથી પરત ફરી હતી

પાંચ લાખમાં માતાની હત્યાની સોપારી આપ્યા બાદ પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુ અને કિલિંગ કોન્ટ્રાક્ટ લેનાર કુન્દનગીરીએ બિહારના શુટરને માતા ર઼ેખાનો ફોટો પણ બતાવ્યો હતો. શનિવારે રાત્રે હત્યાનું નક્કી કરાયું હતું. જોકે, બાઇક ઉપર શુટર પહોંચ્યા ત્યારે ઘરમાં એક નહિં બે મહિલા દેખાતા શુટર કન્ફયુઝ થઇ ગયો હતો. શુટરને આપેલી માહિતી મુજબ રેખા ધરમાં એકલી જ છે પરંતુ બે દિવસ મુંબઇમાં રોકાયા બાદ બનાવના દિવસે જ તેમની મિત્ર અનિતા બપોરે મુંબઇથી પરત થઇ હતી. હત્યારા ઓળખી ન શકતા રેખા અને તેમની સહેલી અનિતાની પણ હત્યા કરી હતી.

રેખાના પતિનું બે વર્ષ પૂર્વે નિધન, અનિતાના પતિની દુકાન

મૂળ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાની અનિતાએ વર્ષો અગાઉ મૂળ બિહારના દરભંગા જિલ્લાના મજનપુરગામના વતની એવા બહ્મદેવ રામજીભાઇ મહંતો સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન જીવન થકી રેખાને બે સંતાન જેમાં એક પુત્રી પૂજા અને પુત્ર બિપિન હતા. પુત્ર પૂજાની માનસિક સ્થિતિ સારી ન હતી અને કોઇક કારણોસર તેમનું મોત થયું હતું. રેખાનો પતિ બહ્મદેવ મહંતો અગાઉ ગુંજન એરિયામાં કપડાંની દુકાન ચલાવતો હતો. જોકે, ત્યારબાદ દુકાન બંધ કરીને માત્ર વ્યાજે નાણાં ધીરવાનું કામ કરતો હતો. ગત 17મી ઓક્ટોબર 2017ના રોજ રેખાના પતિ બહ્મદેવ મહંતોનું હાર્ટએટેકથી મોત થયું હતું. જ્યારે અનિતાનો પતિ વતન મહારાષ્ટ્રમાં વાસણની દુકાન ચલાવે છે. જોકે, રેખાના પતિના મોત બાદ ઘરમાં અજાણ્યા પુરુષોની અવરજવર વધી જતાં પુત્ર બિપિન પોતાની પત્ની અને બાળકોને લઈને ઘરની પાછળ ભાડેથી રહેતો હતો.

X
આરોપી પુત્ર, મૃતક માતા અને તેની મૃતક સહેલીની ફાઈલ તસવીરઆરોપી પુત્ર, મૃતક માતા અને તેની મૃતક સહેલીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી