કોરોના ઈફેક્ટ / વડોદરાના બજારોમાં મંદીનો માહોલ, લગ્ન સિઝનમાં પણ ઘરાકી ન નીકળતા વેપાર-ધંધામાં 70 ટકાનો ફટકો પડ્યો

મંગળ બજારના રસ્તાઓ સુમસાન
મંગળ બજારના રસ્તાઓ સુમસાન
વેપારીઓ ચિંતામાં મૂકાયા
વેપારીઓ ચિંતામાં મૂકાયા

  • કોરોના વાઈરસ પહેલા પણ આર્થિક મંદીનો વેપારીઓ સામનો કરતા હતા, હવે પડતા પટ પાટુ જેવો ઘાટ સર્જાયો
  • કોરોના વાઈરસના કારણે છેલ્લા 15 દિવસથી વેપાર ઠપ્પ થઇ ગયો છે 

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 02:45 PM IST
વડોદરા: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની વડોદરા શહેરના કાપડ, વાસણ, સોના-ચાંદી સહિતના બજારોમાં માઠી અસર પડી છે. હોળી બાદ લગ્નની મોસમ શરૂ થઇ છે. પરંતુ વડોદરા શહેરના બજારોમાં કોરોના વાઈરસના કારણે ઘરાકી ન હોવાથી વેપારીઓને 70 ટકા જેટલો આર્થિક ફટકો પડ્યો છે. જોકે, વેપારીઓ કહે છે કે, ભલે વેપાર નથી. પરંતુ કોરોના વાઈરસમાં કોઇનો જીવ ન જોવો જોઇએ.
લોકો ન છૂટકે જ ખરીદી કરવા માટે નીકળે છે
વડોદરા શહેરના મંગળ બજારમાં આવેલા લક્ષ્મી હોલના માલિક અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, હોળી બાદ લગ્નસરાની મોસમ શરૂ થઇ જાય છે. જે વૈશાખી પૂનમ સુધી ચાલુ રહે છે. હોળી બાદ તુરંત જ બજારોમાં લગ્નની ખરીદી શરૂ થતી હોય છે. અત્યારે બજારો કાપડ, વાસણ, સોના-ચાંદીની ચિજવસ્તુઓ સહિત વિવિધ ચિજવસ્તુઓની ખરીદી કરવા આવતા લોકોથી ઉભરાતા હોય છે. પરંતુ કોરોના વાઇરસના કારણે બજારો સુમસામ ભાસી રહ્યા છે. ન છૂટકે લગ્ન સહિત શુભપ્રસંગો લઇને બેઠેલા લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે.
છેલ્લા 15 દિવસથી વેપાર ઠપ્પ થઇ ગયા
અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ પહેલા આર્થિક મંદીનો વેપારીઓ સામનો કરી રહ્યા હતા. ત્યારે કોરોના વાઈરસને પગલે પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે. જોકે, વેપાર-ધંધો નથી તેનું અમને દુઃખ નથી. પરંતુ વડોદરા સહિત દેશના લોકો કોરોના વાઇરસથી સલામત રહેવા જોઇએ. વડોદરામાં 350થી વધુ કાપડની દુકાનો છે. અને માત્ર 30 ટકા ઘરાકી છે. કોરોના વાઈરસના કારણે છેલ્લા 15 દિવસથી વેપાર ઠપ્પ થઇ ગયો છે.
લગ્નસરાની મોસમ હોવા છતાં બજારમાં ઘરાકી નથી
વાસણના વેપારી જય મહાકાળી વાસણ ભંડારના જગદીશભાઇએ જણાવ્યું હતું કે, લગ્નસરાની મોસમ હોવા છતાં બજારમાં ઘરાકી નથી. કોરોના વાઈરસના ડરથી લોકો વાસણ ખરીદવા માટે બજારમાં આવતા ડરી રહ્યા છે. છૂટા-છવાયા વાસણ બજાર સહિત નવાબજારમાં આવેલા મોટા વાસણ બજારમાં પણ કોઇ ઘરાકી નથી. મંદિના માર સાથે કોરોના વાઈરસનો પણ વેપારીઓને માર પડ્યો છે.
વાઈરસ સક્રમણ ઘટે નહીં ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે
શ્રીજી જ્વેલર્સના માલિક સંજયભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, હોળી બાદ તુરંત જ સોના-ચાંદીના બજારમાં ઘરાકી નીકળતી હોય છે. હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે. પરંતુ, સોના-ચાંદીના બજારમાં કોઇ ઘરાકી નથી. જે ઘરાકી છે તે જુનું સોનું આપીને નવું લેનાર ઘરાકોની છે. આ સ્થિતિ જ્યાં સુધી કોરોના વાઈરસ સક્રમણ ઘટે નહીં ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે.
વેપારીઓને કોરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો
ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના કારણે બજારોમાં સન્નાટો છવાઇ ગયો છે. લગ્નસરાની મોસમ દરમિયાન તમામ બજારો કીડીયારીની જેમ ઉભરાતા હોય છે. માર્ગો ઉપર ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ જતો હોય છે. પરંતુ અત્યારે બજારો અને માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. જાણે વડોદરામાં સ્વયંભૂ કરફ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. કોરોના વાઈરસના કારણે લગ્નસરાની મોસમ હોવા છતાં ઘરાકી ન હોવાના કારણે વેપારીઓને કોરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે.
X
મંગળ બજારના રસ્તાઓ સુમસાનમંગળ બજારના રસ્તાઓ સુમસાન
વેપારીઓ ચિંતામાં મૂકાયાવેપારીઓ ચિંતામાં મૂકાયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી