મહારાષ્ટ્ર / શિવસેના 50:50 ફોર્મ્યૂલા પર અડગ, શિવસેનાની ચેતવણી: અમારી પાસે બીજા પણ વિકલ્પ છે, પરંતુ ત્યાં હજુ જવા નથી માંગતા

  • મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 161 સીટ પર જીત મળી

Divyabhaskar.com

Oct 27, 2019, 12:33 AM IST

મુંબઇઃ બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ધાર્યું પરિણામ ન આવતા ભાજપને થોડી મુશ્કેલી પડી રહી છે. હરિયાણામાં જજપા સાથે મળી તેને સત્તા મળી જશે પરંતુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ મામલે અત્યારે પેચ ફસાયો છે. શિવસેના આદિત્ય ઠાકરેને અઢી વર્ષનું સીએમપદ આપવવાની માગ પર અડી છે. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે સ્પષ્ટ શબ્દોમાં 50-50 ભાગીદારીની ફોર્મ્યુલાને લાગુ કરવા ભાજપ પાસે લેખિત ખાતરીની માગણી કરી. તે પછી જ ગઠબંધન સરકાર રચવા અંગે વાત કરશે. ઉદ્ધવે ચેતવણી પણ આપી દીધી છે કે તેમની પાસે બીજા વિકલ્પ પણ ખુલ્લા છે, પરંતુ ત્યાં સુધી અત્યારે જવા નથી માગતા કારણ કે બંને પક્ષ હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા છે.

અમિત શાહે ઉદ્ધવ સાથે મુલાકાત કરી
ઉદ્ધવ ઠાકરેએ નવા નિમાયેલા ધારાસભ્યો સાથેની મુલાકાતમાં કહ્યું કે સીટો અને સત્તામાં બરોબરીની ફોર્મ્યુલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી ફડણવીસની હાજરીમાં મારા ઘરમાં નક્કી થઇ હતી. નોંધનીય છે કે એપ્રિલ-મેમાં થયેલી લોકસભા ચૂંટણી પહેલાં ગઠબંધનને અંતિમ રૂપ આપવા માટે અમિત શાહે માતોશ્રી જઇ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. શિવસેના ધારાસભ્યોએ પણ આદિત્યને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે. દરમિયાન બે અપક્ષ ધારાસભ્યો નાગપુરના આશિષ જયસ્વાલ અને ભંડાનાના નરેન્દ્ર ભોંડેકરે શિવસેનાને સરકાર રચવા સમર્થન આપ્યું છે.

શિવસેના-ભાજપ ધારાસભ્ય દળની બેઠક અટકી
શિવસેનાએ પોતાના નવા ધારાસભ્યોના શપથગ્રહણ પછી ધારાસભ્ય દળના નેતા પસંદ કરવાની વાત કહી છે. જ્યારે ભાજપે 30 ઓક્ટોબરે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સૂત્રો મુજબ મડાગાંઠ ઉકેલવા સમય મળી જાય તે માટે ભાજપે બેઠક મોડી બોલાવી છે.

ભાજપની સીટો ઘટતા શિવસેનાનું દબાણ
માનવામાં આવી રહ્યું છે કે 2014ની તુલનામાં ભાજપની 17 બેઠકો ઘટી હોવાથી શિવસેના દબાણ બનાવી મોટી ભૂમિકા ઇચ્છે છે. રાજ્યના રાજકારણને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓ અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચવ્હાણે હવા આપી. તેમણે કહ્યું કે ભાજપને સત્તામાંથી દૂર રાખવા પાર્ટીએ તમામ વિકલ્પો પર વિચાર કરવો જોઇએ.

ચૂંટણી પહેલા વહેચણી નક્કી થઇ ગઇ હતી- ઉદ્ધવ
ગુરુવારે ચૂંટણી પરિણામ આવ્યા બાદ ઉદ્ધવે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન જ ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંબંધિત દરેક વાત થઇ ચૂકી હતી. હવે સમય આવી ગયો છે કે તેને અમલમાં લાવવામાં આવે. ઠાકરેએ કહ્યું હતું કે તેઓ તેમની પાર્ટીના નેતાઓ સાથે પહેલા બેઠક કરશે. ત્યારબાદ ભાજપના નેતાઓ સાથે સરકાર બનાવવા મુદ્દે ચર્ચા કરશે.

2014ની સરખામણીએ ભાજપને નુકશાન
આ વખતે વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપને ઝાટકો લાગ્યો છે. 2014માં ભાજપે 122 સીટ પર જીત મેળવી હતી. આ વખતે શિવસેના સાથે ગઠબંધન હોવા છતા તે 105 સીટો પર સમેટાઇ ગઇ છે. બીજી તરફ શિવસેનાએ 2014ની સરખામણીએ 14 સીટો વધુ મેળવી છે. આ રીતે શિવસેના આ વખતે સરકારમાં વધારે ભાગીદારીની માંગ કરી શકે છે. 2014માં બન્ને પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી