• Home
  • National
  • Uddhav Thackeray called the bullet train project a white elephant, criticizing the Modi government

વિકાસ પ્રોજેક્ટ / ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફેદ હાથી ગણાવ્યો, મોદી સરકારની ટીકા કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ફોટો)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ફોટો)

  • ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- શૂન્ય વ્યાજથી ધિરાણ મળે તેને આધારે નિર્ણય લઈ શકાય નહીં
  • ભરત પંડ્યાએ કહ્યું- નવી પેઢીને બુલેટ ટ્રેનનું જ સ્વપ્ન હોય, બળદગાડાનું સ્વપ્ન ન હોય શકે

Divyabhaskar.com

Feb 05, 2020, 01:26 AM IST

મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકાર અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનાને સક્રીયપણે આગળ વધારશે તેમ જણાવ્યા બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું બુલેટ ટ્રેન અંગે એક નિવેદન આવ્યું છે. ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફેદ હાથી ગણાવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલી મુલાકાતમાં ઉદ્ધવ ઠાકરેએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફેદ હાથી સમાન ગણાવ્યો હતો. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે. પંડ્યાએ કહ્યું છે કે બુલેટ ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે અને દેશની જનતા માટે સુવિધાલક્ષી, વેપારલક્ષી, સમયલક્ષી એક ગૌરવશાળી ડ્રીમ પ્રોજેક્ટ છે, તે દેશનો પ્રોજેક્ટ છે. નવી પેઢીને બુલેટ ટ્રેનનું જ સ્વપ્ન હોય, બળદગાડાનું સ્વપ્ન ન હોય, કારણ કે હવે ખેડૂતો પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે.

મહારાષ્ટ્રના વ્યાપારી-ઉદ્યોગને લાભ થાય છે તેવો વિશ્વાસ અપાવો
તેમણે જણાવ્યું હતું કે રાજ્યને કેન્દ્રના ભંડોળમાં તેનો હિસ્સો મળી રહ્યો નથી કે જેથી ખેડૂતોને મદદ કરી શકાય. આ સાથે શિવસેના વડાએ કહ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દેવા માફી યોજના આગામી મહિને લાગુ થશે.
કેન્દ્રની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું હતું કે આ અંગે વ્યાપક ચર્ચા થવી જોઈએ. બુલેટ ટ્રેનથી કોને ફાયદો પહોંચશે? મહારાષ્ટ્રમાં વ્યાપાર અને ઉદ્યોગને શું તેનાથી ફાયદો થશે? જો તેનો લાભ મળવાનો હોય તો મને તેનો વિશ્વાસ અપાવો અને બાદમાં લોકો સમક્ષ જાઓ અને નિર્ણય કરો કે શું કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના હોય પણ જ્યારે તમે ઉંઘમાંથી જાગો છો તો ખબર પડે છે કે આ કોઈ સપનું નથી. તમારે હકીકતનો સામનો કરવો પડે છે.

રાજ્યના વિકાસલક્ષી યોજનાને પ્રાથમિકતા મળવી જોઈએ

સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતને આપેલી મુલાકાતમાં ઠાકરેએ જણાવ્યું હતું કે રાજ્યની આર્થિક સ્થિતિ જોતા વિકાસલક્ષી પરિયોજનાને પ્રાથમિકતા આપવી જોઈએ. અમારે જોવું પડશે કે શું જરૂરી છે. ફક્ત એવા આધાર પર કોઈ નિર્ણય લઈ શકાય નહીં કે આપણને શૂન્ય વ્યાજ પર ધિરાણ મળી રહ્યું છે. કોઈ પણ કારણ વગર ખેડૂતોની જમીન લેવી યોગ્ય નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારે બુટેલ ટ્રેન પરિયોજના પૂર્ણ કરવા માટે ભારતના 75માં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ,2022 સુધીની સમયસીમા નક્કી કરી છે.

ગુજરાત ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા- બુલેટ ટ્રેન દેશની ભવિષ્યની જરૂરિયાત છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન અંગે આપેલા નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, બુલેટટ્રેન એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન અને દેશની જનતા માટે સુવિધાલક્ષી, વેપારલક્ષી, સમયલક્ષી એક ગૌરવશાળી ડ્રીમ પ્રોજકેટ છે, દેશનો પ્રોજેકટ છે. નવી પેઢીને બુલેટ ટ્રેનનું જ સ્વપ્ન હોય, બળદગાડાનું સ્વપ્ન ન હોય કારણ કે, હવે ખેડૂતો પણ ટ્રેકટરનો ઉપયોગ કરે છે.

પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે.જાપાન સરકાર બુલેટ ટ્રેન પ્રોજેકટનાં 80 ટકા લોન એટલે કે 88 હજાર કરોડ, 50 વર્ષ માટે 0.01 ટકાનાં મામૂલી વ્યાજ દરે આપે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોની વ્યાપારી સમજ છે.

બુલેટ ટ્રેન દેશનો પ્રોજેક્ટ: નીતિન
મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ- મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે દ્વારા નકારાત્મક વલણ અપનાવીને આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્રના લોકોને કેટલો લાભ થશે તે દિશામાં પુનઃ વિચારણા કરવા અંગે આપેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારના આ વિવાદમાં ગુજરાત સરકારે પણ ઝંપલાવ્યું છે અને બુલેટ ટ્રેનને દેશ હિત માટે જરૂરી ગણાવી છે. ઉદ્ધવ ઠાકરેએ આપેલા નિવેદનના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન
પટેલે કહ્યું કે આ કોઇ રાજ્યનો નહીં પણ દેશનો પ્રોજેક્ટ છે. મુંબઇ એ દેશનું આર્થિક પાટનગર છે. મુંબઇ સુધી મોટાપાયે લોકો અવરજવર કરે છે ત્યારે આ પ્રોજેક્ટ ઘણો મહત્વનો છે. આ જ રીતે ચેન્નઇ અને બેંગ્લોર વચ્ચે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બજેટમાં કેન્દ્ર સરકારે જોગવાઇ કરી છે. દેશ- વિદેશના લોકો મુંબઇની મુલાકાત લેતા હોય છે. જાપાન સરકારે બુલેટ ટ્રેન માટે નજીવા દરે લોન આપી છે ત્યારે અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન રાષ્ટ્રહિતમાં જરૂરી છે.

X
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ફોટો)મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ફોટો)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી