મહારાષ્ટ્ર / ઉદ્ધવનો 13 વર્ષમાં ઉદ‌્ભવ, બાળા સાહેબનો પ્રિય ચહેરો રાજ ઠાકરે પાછળ પડતો ગયો

Uddhav emerges in 13 years, Bal Thackeray's favorite face Raj Thackeray falls behind

  • શિવસેના એનડીએમાંથી બહાર, હવે સરકાર રચવાની વ્યૂહનીતિમાં વ્યસ્ત 
  • બાળ ઠાકરેના નિધનનાં 7 વર્ષ પછી પહેલીવાર શિવસેના કોંગ્રેસની નજીક 

Divyabhaskar.com

Nov 12, 2019, 06:00 AM IST

ચંદ્રકાંત શિંદે, મુંબઈ: શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના કાળમાં તેમના ભત્રીજા રાજ ઠાકરેને તેમના ઉત્તરાધિકારી માનવામાં આવતા. લોકો કહેતા કે, રાજ ઠાકરેની વક્તૃત્વ શૈલી બાળ ઠાકરે જેવી જ છે. રાજ જ શિવસેનાનું સુકાન સંભાળશે, પરંતુ બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવને જવાબદારી સોંપી. રાજ ઠાકરે બાળપણથી બાળ ઠાકરે સાથે રહેતા. બાળ ઠાકરેએ જ તેમને યુવા સેનાની જવાબદારી સોંપી હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં કોઈ રસ ન હતો. તેઓ શોખથી ફોટોગ્રાફી કરતા રહેતા. ત્યાર પછી અચાનક બાળ ઠાકરે ઉદ્ધવને સક્રિય રાજકારણમાં લાવ્યા અને ઉદ્ધવ પણ ધીમે ધીમે રાજકીય પાઠ શીખ્યા. શરૂઆતમાં તેમણે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં રસ લીધો. 2002માં મુંબઈ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી. શિવસેના જીતી તો બાળ ઠાકરેએ ઉદ્ધવને કાર્યાધ્યક્ષ બનાવ્યા. આ વાતથી નારાજ રાજે 2006માં મહારાષ્ટ્ર નવનિર્માણ નામનો પક્ષ બનાવ્યો. 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પક્ષ ફક્ત એક બેઠક જીત્યો, જ્યારે ઉદ્ધવ સંયમથી આગળ વધતા ગયા. બાળ ઠાકરેના નિધનના 7 વર્ષ પછી શિવસેનાને પહેલીવાર સરકાર રચવાની તક મળી છે.
શિવસેના: 55 વર્ષમાં ફક્ત બે વાર પોતાનો CM બનાવી શકી
1995ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના-ભાજપ ગઠબંધન જીત્યું. શિવસેનાને ભાજપથી વધુ બેઠક મળી. એટલે તેના નેતા મનોહર જોશીને મુખ્યમંત્રી બનાવ્યા. શિવસેનાએ 199માં નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવ્યા. તે ફક્ત સાડા આઠ મહિના જ મુખ્યમંત્રી રહ્યા. જો હવે શિવસેનાનો મુખ્યમંત્રી બન્યો તો તેના 55 વર્ષના ઈતિહાસમાં તેનો આ ત્રીજો મુખ્યમંત્રી હશે.
રાજ્ય: દેશના 29માંથી 17માં ભાજપના ગઠબંધનની સરકાર
દેશના 29 રાજ્યમાંથી 17માં ભાજપ ગઠબંધનની સરકાર છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, બિહાર, ગોવા, મણિપુર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કર્ણાટક, મેઘાલય અને સિક્કિમ સામેલ છે. તેમાંથી 12માં ભાજપના મુખ્યમંત્રી છે.
બ્રેકઅપ: 6 વર્ષમાં બીજી વાર ભાજપ-શિવસેના અલગ થયા
1989 : પહેલીવાર ગઠબંધન. 1990માં વિધાનસભા ચૂંટણી સાથે લડ્યા. 1991ની બીએમસી ચૂંટણીમાં ગઠબંધન તૂટ્યું.
1995 : વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પહેલા ક્રમે રહી, પરંતુ ભાજપ શિવસેનાએ સાથે સરકાર બનાવી.
1999 : સાથે રહ્યા. કેન્દ્રમાં પણ યુપીએ સરકાર દરમિયાન 2004થી 2014 સુધી ભાજપ અને શિવસેના વિપક્ષમાં રહ્યા.
2014 : વિધાનસભા ચૂંટણી અલગ અલગ લડ્યા, પરિણામો પછી શિવસેના ભાજપ સાથે સરકારમાં સામેલ થઈ.
2019 : બંને વિધાનસભા ચૂંટણીમાં સાથે રહ્યા, પરંતુ પરિણામો પછી મુખ્યમંત્રી પદ માટે સંઘર્ષ થયો અને ગઠબંધન તૂટી ગયું.

X
Uddhav emerges in 13 years, Bal Thackeray's favorite face Raj Thackeray falls behind
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી