બે કટ્ટર વિરોધીઓએ ભાષણમાં એકબીજાનો નામોલ્લેખ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે કટ્ટર વિરોધીઓએ ભાષણમાં એકબીજાનો નામોલ્લેખ કર્યો
- પ્રભુ વસાવા ભાજપમાં આવ્યા બાદ પ્રથમ વખત કુવંરજી સાથે એક મંચ પર નજરે પડયા


માંડવી વિધાનસભાના ધારાસભ્ય પ્રભુ વસાવા કોંગ્રેસને રામરામ કહી ભાજપમાં આવ્યા બાદ એક સમયના કટ્ટર વિરોધી કુંવરજી હળપતિ નારાજ જણાતા હતાં. જોકે, આગેવાનોના પ્રયત્નથી હાલ તો કુંવરજીને ભાજપે મનાવી લીધા છે. ગુરુવારે પ્રથમ વખત એક રાજકીય મંચ પર ભાજપમાં આવ્યા બાદ કુંવરજી અને પ્રભુ વસાવા સાથે દેખાયા હતાં. બંને આગેવાનોએ એકબીજાને આવકારીને ખભેથી ખભે મીલાવીને તુષાર ચૌધરીને હરાવવાની વાત કરી હતી.

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય પ્રભુ વસાવાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તે અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કુંવરજી હળપતિ એક સમયે બંને એક બીજાના કટ્ટર વિરોધી હતી અને બંનેની વચ્ચેના વિવાદે માંડવીનો રાજકીય માહોલ ગરમ રહેતો હતો.

અચાનક સ્થાનિક ભાજપના આગેવાનોની જાણ બહાર પ્રભુ વસાવાની ભાજપમાં એન્ટ્રી થઈ જતાં કુંવરજી નારાજ જણાયા હતાં. ત્યારબાદ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કુંવરજી હળપતિને મનાવી લીધા હતાં. અગાઉ માંગરોળ તાલુકાના વાંકલ ગામે સમૂહ લગ્નમાં બંને આગેવાનો એક મંચ પર નજરે પડયા હતાં, પરંતુ ભાજપમાં પ્રભુ વસાવા જોડાયા બાદ પાર્ટીના કે કોઈ રાજકીય કાર્યક્રમમાં બંને એક મંચ પર નજરે પડયા ન હતાં. જોકે, ગુરુવારે માંડવીના સ્વાગત સંમેલન કાર્યક્રમમાં કુંવરજી હળપતિ અને પ્રભુ વસાવા એક મંચ પર જોવા મળ્યા હતાં .આ કાર્યક્રમમાં આગેવાનોની હાજરીમાં બંને અગ્રણીઓએ તેમના ભાષણમાં એક બીજાના નામનો ઉલ્લેખ કર્યો હતો. ખભેથી ખભા મીલાવીને કામ કરવાની વાત કરી હતી.

સાથે મળીને કામ કરશું
કુંવરજી હળપતિએ જણાવ્યું કે પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા એ સારુ થયું. આગળની લોકસભાની ચૂંટણીમાં અમે બંને ભેગા મળીને તુષાર ચૌધરીને જિતાડયા હતાં અને લાલ લાઈટ મળી હતી. હવે અમે બંને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે તો તેમની હાર ન‌શ્ચિ‌ત થઈ ગઈ છે. અમે બંને પક્ષમાં સાથે મળીને કામ કરીશું.

કુંવરજીભાઈ સાથે મળીને કામ કરશું
પ્રભુ વસાવાએ ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે કુંવરજીભાઈ હળપતિ સાથે ભેગા મળીને અમે કામ કરીશું. અને આગામી દિવસમાં ભાજપને વધુ મજબૂત બનાવવાના પ્રયત્ન કરીશું. હું કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર ભાજપમાં જોડાયો છું. ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે ત્યારે તેમના સમર્થનમાં હું ભાજપમાં આવ્યો છું.