• Home
  • International
  • Turkey has launched an airstrike operation in Syria, what is happening now in Syria?

રિપોર્ટ / સિરિયામાં તુર્કીના મિલિટરી ઓપરેશન અંગે ભારતે કહ્યું- સિરિયાના સાર્વભૌમત્વનું સન્માન કરવું જરુરી

તુર્કીના હુમલા બાદ લોકો સુરક્ષિત સ્થાને જવા માટે રવાના થયા હતાં

  • અમેરિકાએ સિરીયા છોડ્યું ત્યારબાદથી તુર્કીએ સિરીયામાં હુમલા શરુ કરી દીધા છે
  • હવે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ પોમ્પીઓનું કહેવું છે કે ઓપરેશનને અમે મંજૂરી નથી આપી
  • કુર્દીશ ફાઇટર્સનું કહેવું છે કે સરહદ પર આગળ વધી રહેલ તુર્કી સેનાને અમે અટકાવી દીધી છે

Divyabhaskar.com

Oct 10, 2019, 07:18 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: બુધવારથી તુર્કી મિલિટરીના વિમાનોએ ધણધણાટી બોલાવીને સિરીયામાં બોમ્બ ફેંકવાનું શરુ કરી દીધું છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગનનું કહેવું છે કે આ ઓપરેશનનો ઉદ્દેશ્ય કુર્દીશ નેતાગીરી હસ્તકની સેનાઓને બોર્ડરમાંથી ખસેડીને ત્યાં સેફ ઝોન બનાવવાનો છે જેથી લાખોની સંખ્યામાં સિરીયાના શરણાર્થીઓ ત્યાં પાછા ફરી શકે. આ અંગે ભારત તરફથી વિદેશ મંત્રાલયે કહ્યું- તુર્કીએ સિરિયાના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઇએ. તુર્કીના આ મિલિટરી ઓપરેશનથી વિસ્તારમાં શાંતિ અને આતંકવાદ વિરુદ્ધની લડાઇ પર અસર પડી શકે છે. દરેક મુદ્દાનું શાંતિપૂર્વક વાતચીતથી સમાધાન કરવુ જોઇએ. આ મુદ્દે તુર્કીને સંયમ રાખવાની અપીલ છે.

આ ઓપરેશન કેમ સ્ટાર્ટ થયું?

અમેરિકાએ જાહેરાત કરી કે તે સિરીયામાંથી તેમની સૈનિકોને પાછા બોલાવી રહ્યા છે. અહીં અમેરિકા સિરીયન ડેમોક્રેટિક ફોર્સિઝ (SDF) સાથે જોડાઇને ઇસ્લામિક સ્ટેટ સામે લડાઇ લડતું હતું. હવે માત્ર SDF આ અભિયાનમાં ચાલુ રહેશે જેને અમેરિકા તરફથી મિલિટરી સપોર્ટ મળતો રહેશે. અમેરિકાના ટ્રૂપ્સના હટ્યા બાદ જ તુર્કીએ સિરીયામાં તેની મિલિટરી મોકલીને ઓપરેશન સ્ટાર્ટ કરી દીધું છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગનનું કહેવું છે કે અમેરિકાએ તેમને આ ઓપરેશન કરવા માટે લીલી ઝંડી આપી છે. SDF જે કુર્દીશ પિપલ્સ પ્રોટેક્શન યુનિટ (YPG)ની દોરવણી હેઠળ છે તેણે અમેરિકાને નો ફ્લાય ઝોન બનાવવા વિનંતિ કરી છે જેથી તુર્કીના હુમલાને અટકાવી શકાય. જ્યારે તુર્કી YPGને એક આતંકવાદી સંગઠન ગણે છે. એટલે હવે તુર્કી ઇસ્લામિક સ્ટેટ સાથે તેને પણ પાડી દેવાના મૂડમાં છે.

SDFનો દાવો- અમે તુર્કીની મિલિટરીને અટકાવી દીધી
કુર્દીશ ગ્રુપ અને સિરીયાના એક્ટિવસિસ્ટે દાવો કર્યો કે મોટાપાયે બોંબવર્ષા છતાંય હજુ તુર્કીના ટ્રૂપ ઘણી જગ્યાએ બહુ આગળ વધી શક્યા નથી. જોકે આ માહિતીની ખાતરી કરી શકાય તેમ નથી કારણ કે સ્થળ પર અત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ છે. SDFના પ્રવક્તા મુસ્તફા બાલીએ કહ્યું કે ગ્રાઉન્ડ અટેકમાં તુર્કીની મિલીટરીને તેમના ફાઇટરોએ પ્રતિકાર આપ્યો છે અને તેઓ આગળ વધી શક્યા નથી.

બોર્ડર પાર કરવા તુર્કી એરસ્ટ્રાઇક કરી રહ્યું છે

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે તુર્કી મિલિટરી એર રેડ અને આર્ટિલરી હુમલા કરી રહી છે. તેમનો ટાર્ગેટ SDFના ઠેકાણાઓ છે જે મોટાભાગે તુર્કીની બોર્ડરની આસપાસ જ છે. અમુક જાણકારોના પ્રમાણે સપાટ ભૂમિ અને SDFના ફાઇટર પાસે લોકો તેમજ હથિયારોની ઓછી સંખ્યા તુર્કીની મિલિટરી માટે ઓપરેશનમાં વધુ સમસ્યા પેદા નહીં કરી શકે. આ ઓપરેશનના પહેલા તબક્કામાં સિરીયાના બોર્ડર ટાઉન- તલ અબ્યાદ અને રસ અલ-ઈનના 100 કિલોમીટરના વિસ્તારમાં કેન્દ્રીત છે. તુર્કીના રક્ષામંત્રાલયે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમના કમાન્ડો એક્શન મોડમાં દેખાઇ રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે જેટ અને આર્ટિલરી દ્વારા 181 ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે.

અમે તુર્કીને એક્શન માટે કોઇ મંજૂરી આપી નથી- પોમ્પીઓ
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીઓનું કહેવું છે કે સિરીયામાં મિલિટરી ઓપરેશન માટે તુર્કીને કોઇ પણ પ્રકારની લીલી ઝંડી દેખાડવામાં આવી નથી. PBS ચેનલ સાથેના એક ઇન્ટરવ્યૂમાં પોમ્પીઓએ કહ્યું- આ ખોટું છે. જોકે તેનાથી વધારે વિગતમાં તેમણે કંઇ જણાવ્યું ન હતું.

પોમ્પીઓએ કહ્યું- તેમના દક્ષિણમાં આતંકવાદીઓનો ખતરો છે. અમે આ મુદ્દે જરુરી પ્રયત્નો કરી રહ્યા છીએ જે અમેરિકાના હિતમાં હોય. ખાસ કરીને સિરીયાથી પેદા થયેલો કટ્ટર ઇસ્લામિક આતંકવાદ. પોમ્પીઓના કહેવા પ્રમાણે અમેરિકા સિરીયામાંથી એટલા માટે પાછુ જઇ રહ્યું છે કારણ કે જે વિસ્તારનો કબજો લેવાનો હતો , તે લઇ લેવામાં આવ્યો છે જેમાં SDFનો પણ મહત્વનો રોલ હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી