છોટાઉદેપુરઃ ઉત્તર ગુજરાતના ગરાસિયા આદિવાસીઓની જેમ પૂર્વ ગુજરાતના રાઠવા આદિવાસીઓને સંગીત, નૃત્ય, રંગીન પોશાક અને આકર્ષક ઘરેણાંનો અનહદ શોખ હોય છે. વડોદરાથી આશરે ૧૦૦ કિ.મી. અંતરે આવેલા રાઠવા આદિવાસીઓના મૂળ વતન છોટાઉદેપુરમાં એટલે કે પંચમહાલના છેડે મધ્યપ્રદેશની સરહદે આવેલ કવાંટ ગામમાં હોળી પછીના ત્રીજા દિવસે આ મેળો ભરાય છે. ક્વાંટના સહિત આજુબાજુ પચ્ચીસ ગામોમાંથી અને મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાંથી આદિવાસીઓ રંગબેરંગી કપડાં પહેરી મેળો માણવા આવે છે. સાથોસાથ અનેક દેશોમાંથી પણ લોકો આદિવાસી સંસ્કૃતિને માણવા આ મેળામાં આવે છે.
આદિવાસીઓ ઢોલના તાલે નૃત્ય કરે
રાઠવા આદિવાસીઓ કુશળ તીરંદાજ હોય છે. રાઠવાઓ વનરાજીથી છવાયેલા જંગલોમાં ઘાસ, વાંસ, પાંદડા અને માટીથી બનાવેલા ઘરોમાં રહે છે. હવે તો તેઓ જાતે બનાવેલી સ્થાનિક માટીની ટાઇલ્સનો ઉપયોગ કરતા થયા છે. આ લોકો માટીની લીંપેલી દિવાલો ઉપર પીઠોરાનું લેખન કરાવે છે. આ પીઠોરાના ચિત્રણ પછી તેઓ માને છે કે, આ ચિત્રણ દ્વારા ઇશ્વર તેમના ઘરમાં વસ્યા છે. આવું જ ચિત્ર મેળામાં પુરૂષો પોતાના આખા શરીર પર સફેદ ટપકાં કરીને કરે છે. સાથોસાથ મોરના પીંછા, વાંસની રંગીન ટોપી અને બળદના ગળે બાંધી શકાય તેવા મોટા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ ઉપર પહેરે છે. ત્યારબાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી નૃત્ય કરે છે. આમ, નૃત્ય સમયે એક સરખા તાલબદ્ધ વાગતા ઘૂઘરાનો અવાજ કર્ણપ્રિય હોય છે.
બારમી માર્ચે મેળો ભરાશે
આદિવાસીઓના આ મેળામાં લગ્ન સંબંધો પણ બને છે જે સામાજિક જીવનને ધબકતું રાખે છે. મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડા અને અન્ય દેવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવના સ્થાનકે મૂકી આવે છે અને માને છે કે દેવને તેઓએ ખુશ કર્યા છે. આદિવાસી દરેક મેળાની જેમ આ મેળામાં પણ સંગીત નૃત્યનું ખાસ મહત્વ છે. પાવા, ઢોલ, તૂર અને પીહો જેવા સંગીતના સાધનો સાથે મેળાનું દ્રશ્ય આકર્ષક બને છે. મેળામાં સામેલ આદિવાસીઓનો રંગબેરંગી પોશાક અને સુંદર ઘરેણાં તેમને અન્યથી જુદા પડે છે. કવાંટનો ગેરનો મેળો અન્ય આદિવાસી મેળા કરતાં ભિન્ન પરંતુ સંસ્કૃતિને જાળવનારો અને ઉજાગર કરનારો મેળો છે. જે આ વર્ષે બારમી માર્ચના રોજ ગેરનો મેળો ક્વાંટ ખાતે ભરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.