ભાસ્કર વિશેષ / કાશ્મીર આવતા પર્યટકો એક જ વર્ષમાં 68% ઘટ્યા, ડિસેમ્બરમાં આવતા પર્યટકો તો 5 વર્ષમાં 12 ગણા ઘટી ગયા, 9191 કરોડનું નુકસાન

કાશ્મીરને કુલ 17,800 કરોડ રૂ.નું નુકસાન થયું.
કાશ્મીરને કુલ 17,800 કરોડ રૂ.નું નુકસાન થયું.

  • રાજકીય ઊથલ-પાથલની અસર, કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા 10 વર્ષની સૌથી નીચી સપાટીએ
  • 2016માં અલગતાવાદી દેખાવોને કારણે પર્યટકોની સંખ્યા ઘટી હતી

Divyabhaskar.com

Feb 01, 2020, 02:32 AM IST

ઇશફાક-ઉલ-હસન, ગુલમર્ગ, કાશ્મીર: વિશ્વની સૌથી ખૂબસૂરત પર્વતમાળા, બરફથી ઢંકાયેલા પહાડ અને સસ્તી સુવિધાઓ દુનિયાભરના પર્યટકોને જમ્મુ-કાશ્મીર તરફ આકર્ષે છે. દર વર્ષે લાખો લોકો કાશ્મીર ફરવા આવે છે અને અવિસ્મરણીય અનુભવ લઇને જાય છે પણ હવે કાશ્મીરના નસીબમાં આ પર્યટકો નથી રહ્યા. તેનું કારણ છે રાજકીય ઊથલ-પાથલ.
સ્થિતિ એ છે કે કાશ્મીર આવતા પર્યટકોની સંખ્યા 10 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઇ છે જ્યારે ડિસેમ્બરમાં આવતા પર્યટકોની સંખ્યા 1 વર્ષમાં પાંચ ગણી ઘટી છે. જમ્મુ-કાશ્મીરના પર્યટન વિભાગના આંકડા મુજબ, કાશ્મીર આવતા દેશ-વિદેશના પર્યટકોની સંખ્યા 10 વર્ષની સૌથી નીચી સપાટીએ છે. આ દરમિયાન પહેલી વાર તેમની સંખ્યા 5 લાખથી ઓછી રહી છે. તેનું કારણ અહીં સતત બદલાતી રાજકીય સ્થિતિ છે. તેનું નુકસાન પર્યટન ક્ષેત્ર અને સ્થાનિક ધંધા-રોજગારવાળાઓએ વેઠવું પડે છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યાનુસાર આનાથી રાજ્યને કુલ 17,800 કરોડ રૂ.નું નુકસાન થયું છે, જેમાંથી 9,191 કરોડ રૂ.નું નુકસાન તો એકલા પર્યટન ક્ષેત્રને થયું છે.
2012માં 13 લાખ પર્યટકો પહોંચ્યા : કાશ્મીર પહોંચેલા પર્યટકોનો છેલ્લાં 10 વર્ષ દરમિયાન કોઇ એક વર્ષમાં સૌથી વધુ આંકડો 2012માં નોંધાયો, જ્યારે 13 લાખ પર્યટક પહોંચ્યા હતા. 2011માં 7.36 લાખ જ્યારે 2010માં અંદાજે 10 લાખ ટુરિસ્ટ અહીં પહોંચ્યા હતા. ટ્રાવેલ એજન્ટ્સના જણાવ્યાનુસાર કાશ્મીરમાં અનિશ્ચિતતા અને ઓગસ્ટથી ઇન્ટરનેટ સેવા બંધ હોવાથી પણ નુકસાન થયું છે. કાશ્મીર ટુરિઝમ અલાયન્સના પ્રેસિડેન્ટ મંઝૂર અહેમદ પખ્તૂન કહે છે કે ઇન્ટરનેટ સેવાઓની તંગીના કારણે વેપાર-ધંધા ઘટી ગયા છે.
ડિસેમ્બરમાં પર્યટકોની સંખ્યા 5 વર્ષમાં પહેલી વાર 32 હજારથી ઓછી
ડિસેમ્બર મહિનામાં બરફવર્ષા, એડવેન્ચર અને કાશ્મીરની ખૂબસૂરતી નિહાળવા સૌથી વધુ ટુરિસ્ટ આવે છે પણ 2019માં આ ભારે નિરાશાજનક રહ્યું. એટલું જ નહીં, 5 વર્ષમાં ડિસેમ્બરમાં પર્યટકોની સંખ્યા 7 હજારથી ઓછી રહી છે. અગાઉ ક્યારેય ડિસેમ્બરમાં 32 હજારથી ઓછા પર્યટકો નથી આવ્યા.
આ રીતે પર્યટક ઘટતા ગયા

વર્ષ પર્યટક
2019 6,954
2018 38,024
2017 65,837
2016 32,481
2015 81,215
X
કાશ્મીરને કુલ 17,800 કરોડ રૂ.નું નુકસાન થયું.કાશ્મીરને કુલ 17,800 કરોડ રૂ.નું નુકસાન થયું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી