આજે હોમગાર્ડ દિવસ / કચ્છમાં મહિલા હોમગાર્ડ યુનિટને ગમે ત્યારે તાળા લાગશે

The women's homeguard unit in Kutch will be locked at any time

  • ઘર સંભાળતી મહિલાઓએ 1971ના યુદ્ધ વખતે કચ્છમાં ગૃહરક્ષક દળમાં પણ નોંધપાત્ર સેવા આપી હતી

Divyabhaskar.com

Dec 06, 2019, 10:31 AM IST
ભુજઃ કચ્છમાં હોમગાર્ડનો અને તેમાં પણ મહિલા બટાલિયનનો ઉજળો ઇતિહાસ રહ્યો છે. 1971ના યુદ્ધ વખતે જિલ્લામાં હોમગાર્ડ મહિલાઓએ ઉત્કૃષ્ઠ કામ કર્યું હતું પણ આજે ચિત્ર બદલાઇ ગયું છે. કચ્છમાં 716 પુરૂષ હોમગાર્ડની સામે મહિલા હોમગાર્ડની સંખ્યા માત્ર 11ની જ છે. પરિણામે મહિલા હોમગાર્ડ યુનિટને ગમે ત્યારે તાળા મારી દેવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ દિવસ હોવાથી આ વિશેષ અહેવાલ આપ્યો છે.
કચ્છના પ્રથમ મહિલા હોમગાર્ડના પુત્રી જ્યોતિ ભટ્ટે કહ્યું હતું કે, છેલ્લે 2013માં મહિલા હોમગાર્ડની ભરતીની પ્રક્રિયા થઇ હતી. ત્યારબાદ મહિલાની સંખ્યા સતત ઘટતી ગઇ છે. મોટાભાગની મહિલાઓએ સ્વેચ્છાએ નોકરી મુકી છે તો અન્ય કર્મચારીઓ નિવૃત થયા છે તો કોઇ હાજર થયા ન હતાં !
ભુજમાં 1965માં મહિલાઓ માટે પણ યુનિટ અસ્તિત્વમાં આવ્યું ત્યારે મનોજબેન મનહરલાલ ભટ્ટે મહિલા હોમગાર્ડ તરીકે પોતાનું નામ લખાવી અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. ત્યારે મહિલાઓને તાલીમ આપવાની પણ શરૂઆત થઇ હતી. આ મહિલાઓને ત્યારે ટ્રાફિક, નવરાત્રિ, બંદોબસ્ત, સિવિલ ડીફેન્સ કંટ્રોલરૂમ, હોમગાર્ડ કંટ્રોલરૂમ વગેરેમાં ફરજ અપાતી હતી. આ દરમિયા 1971 યુદ્ધ વખતે તો હોમગાર્ડની મહિલાઓએ બખુબી સેવાઓ બજવી હતી. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ 24 કલાકની નોકરી કરી દેશની સેવા કરી હતી. ત્યારે સીવીલ ડિફેન્સ કંટ્રોલ રૂમ અને હોમગાર્ડ કંટ્રોલ રૂમ પર મહિલાઓ જ ફરજ બજાવતી હતી. યુદ્ધ દરમિયાન અસામાજીક તત્વોને પકડવામાં પણ તેઓ પોલીસને મદદ કરતા હતા. હોમગાર્ડની સારી કામગીરીને બિરદાવવા 1972માં કમાન્ડર જનરલ તેમજ ડાયરેક્ટર ઓફ સીવીલ ડિફેન્સ ઉદય ચીનુભાઇ કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, મહિલાઓ પણ આટલી જાગૃતી સાથે પોતાની ફરજ બજાવતી હોય ત્યારે અમારું નૈતિક બળ ઉંચુ રહે છે.
કારણ
- પગાર ઓછો અને નોકરી વધારે કરવી પડતી હોવાની માન્યતા.
- પુરૂષો સાથે નોકરી કરવાની હોવાથી ઘરમાંથી રજા નથી મળતી.
- ટ્રાફિક પોઇન્ટ પર નોકરી કરવી પડતી હોવાથી અચકાય છે.
- ખાખી યુનિફોર્મ પહેરવામાં પણ સંકોચ થતો હોવાનું કારણ.
નિરાકરણ
- 8 કલાકની નોકરી સામે રોજના રૂા. 300 મળે છે, જે વધારવા જોઇએ.
- સ્ત્રી હવે તો પુરૂષ સમોવડી બની રહી છે, જૂના વિચારો છોડવા જોઇએ.
- કચ્છ જિલ્લાની કોઇ મહિલાને હોમગાર્ડ બનવું હોય તો તેનું કે તેના પરિવારનું કાઉન્સેલિંગ થવું જોઇએ, જે કરવા હું તૈયાર છું.
આજે કચ્છમાં ક્યાં કેટલા મહિલા હોમગાર્ડ ?
ગાંધીધામમાં 6 કર્મચારી, અંજારમાં-1, નખત્રાણામાં-1 અને ભુજમાં 3 મહિલા હોમગાર્ડ છે. આમ સમગ્ર કચ્છમાં જોઇએ તો, કુલ 11 મહિલા હોમગાર્ડ ફરજ બજાવી રહ્યાં છે.
X
The women's homeguard unit in Kutch will be locked at any time

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી