કચ્છ / રાજ્યના ખાણ ખનીજ ખાતા અને ગૃહ ખાતાના સચિવ નવો સર્કયુલર બહાર પાડે

The Secretary of State for Minerals and Housing will issue a new circular

  • પોલીસ દ્વારા ખનીજ ચોરી પકડવાને લગતા કિસ્સાઓમાં સીમાચિહ્નરૂપ વળાંક
  • લાખોંદના 28 કરોડના ખનીજચોરીના કેસમાં ભુજ કોર્ટે આગોતરા જામીન આપ્યા

Divyabhaskar.com

Dec 13, 2019, 08:26 AM IST
ભુજઃ લાખોંદની સીમમાં આવેલી જમીનમાંથી 28.61 કરોડના મૂલ્યની ખનીજ ચોરીના કેસમાં ભુજની અદાલતે આજે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને રાજ્યના ખાણ ખનીજ ખાતાના તેમજ ગૃહ ખાતાના સચિવને એવી વિનંતી કરી હતી કે આવા કેસમાં સુપ્રીમ કોર્ટે જે નિર્ણયો આપ્યા છે તેના આધારે નવા સર્કયુલર બહાર પાડવામાં આવે. આ કેસ સાથે સંકળાયેલા એડવોકેટના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટનો નિર્ણય એવો છે કે પોલીસને આવા કેસમાં સીધી દખલગીરી કરવાની રહેતી નથી.
લાખોંદના 28 કરોડના ખનીજચોરીના કેસમાં ભુજ કોર્ટે આગોતરા જામીન આપ્યા
લાખોંદની સીમમાં 28.61 કરોડની ખનીજચોરી પકડીને પોલીસે બે આરોપીઓ, જયેશ અંબિકાપ્રસાદ પંડ્યા અને વસ્તાભાઇ મસરીભાઇ ઓડેદરા સામે એફઆઇઆર દાખલ કરી હતી. તેની સામે ભુજની અદાલતમાં આગોતરા જામીન અરજી થતા કોર્ટે તે મંજૂર કરી હતી અને સાથો સાથ સર્કયુલર બહાર પાડવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી. અદાલતના આદેશ મુજબ ચુકાદાની નકલ રાજ્યના ખાણ ખનીજ ખાતાના અને ગૃહ ખાતાના સચિવને પણ મોકલવામાં આવે અને તેમને એવી વિનંતી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક કેસમાં જે નિર્ણયો આપવામાં આવ્યા છે તે મુજબ કાયદાને ધ્યાનમાં રાખીને યોગ્ય સર્કયુલર બહાર પાડવામાં આવે. આ કેસમાં દલીલો કરનારા ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરીના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદા એવા છે કે ખાણ-ખનીજ (વિકાસ અને નિયમન) કાયદા, 1957ના રૂલ્સ 22 મુજબ પોલીસને ખાણ-ખનીજને લગતા કેસમાં સીધી કાર્યવાહી કરવાની સત્તા નથી. ખાણ-ખનીજની બાબતોના નિષ્ણાતોના કહેવા મુજબ કાયદા મુજબ જો કોઇ જગ્યાએ ખોટું થતું હોય તો એક વખત ખાણ-ખનીજ ખાતાએ નોટિસ જારી કરવી પડે, બાદમાં તેના પર પ્રોસેસ થાય, પછી ખાતું જ એફઆઇઆર નોંધાવે. ત્યારે પોલીસની કામગીરી શરૂ થાય.
5.10 લાખ ટનનું ખોદકામ થયું હતું
આ કેસની વિગત એવી છે કે આઇજી સુભાષ ત્રિવેદીની સુચનાથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ. સુથાર, આર.આર.સેલ ભુજની ટીમ, તેમજ પોલીસ ટીમ અને ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમ દ્વારા ભુજ તાલુકાના લાખોંદ ગામની સીમમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સર્વે નં. 295માં બે હેકટર વિસ્તારમાં 1984માં મંજૂર થયેલી વ્હાઇટ ક્લે ખનીજની લીઝમાં તપાસ કરવામાં આવતા ઉત્ખનન થઇ રહ્યું હતું. જીપીએસ દ્વારા માપણી કરવામાં આવતા આ સર્વેવાળી જમીનમાં 93440.99 ટન વ્હાઇટ કલેનું ખોદકામ થયું હતું અને 624784.38 વ્હાઇટ કલેનું ખોદકામ થયા બાદ પુરાણ થયું હોવાનું તથા 510045.99 ટનનું લીઝ વિસ્તાર બહાર ખોદકામ થયું હોવાનું જણાયું હતું.
28.61 કરોડની ખનીજ ચોરી કેવી રીતે થઇ ?
આ લીઝ વિસ્તારમાંથી 1985થી ઓગસ્ટ 2019 સુધીના ઉત્પાદન નિકાસના આંકડા સાથે સરખાવવામાં આવતા 73941.37 ટન વ્હાઇટ કલેની નિકાસ બિનઅધિકૃત રીતે થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેના પર પ્રતિ ટને રૂ. 405 લેખે રૂ. 2.99 કરોડ ઉપરાંત આ રકમના 21 ટકા લેખે રૂ. 62.88 લાખ પર્યાવણીય નુકશાનની વળતરની રકમ, તેમજ ક્વોરી લીઝ વિસ્તાર બહાર 510045.99 ટન વ્હાઇટ કલે ખનીજનું ગેરકાયદે ખોદકામ કરવા બદલ 28.61 કરોડની ખનીજ ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.
આરોપીઓને કઇ શરતે જામીન મળ્યા ?
આ કેસના આરોપીઓ જયેશ અંબિકાપ્રસાદ પંડ્યા અને વસ્તાભાઇ મસરીભાઇ ઓડેદરાને 25-25 હજારની સ્યોર્ટી પર અને આટલી જ રકમના પર્સનલ બોન્ડ પર આગોતરા જામીન આપવામાં આવ્યા હતાં. તેમને 17મી ડિસેમ્બરે 11 વાગ્યે તપાસનીશ અમલદાર સમક્ષ હાજર થવાનું છે. ત્રણ મહિના માટે દર બુધવારે સવારે 11 વાગ્યેથી સાંજે 6 વાગ્યા સુધી ખાણ ખનીજ ખાતાની કચેરીએ હાજર રહી તપાસમાં સહયોગ આપવાનો છે. દર મહિનાની 10મી તારીખે પદ્ધર પોલીસ સ્ટેશને હાજર થવું પડશે. અદાલતની પરવાનગી વિના ભુજ તાલુકાની બહાર નહીં જઇ શકે. સાત દિવસમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે. સાત દિવસમાં પોતાની તથા પોતાના પરિવારની તમામ સ્થાવર અને જંગમ મિલ્કતના દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો આપવી પડશે. બેંકમાં રહેલી રકમ કે મિલ્કતો તબદીલ નહીં કરી શકે. માત્ર એક બેંક ખાતું વાપરી શકશે અને તેમાંથી મહિને 50 હજારથી વધુ રકમ ઉપાડી નહીં શકે. આના જેવી કેટલીક શરતો લાદવામાં આવી છે.
આડેસરની 26 લાખની ખનીજચોરીમાં આરોપીના આગોતરા નામંજૂર
આડેસર વિસ્તારમાં 26,15,925ની ચાયનાકલેનું ઉત્ખનન કરી સંગ્રહ કરેલ ખનીજ પર દરોડો પડવામાં આવ્યો હતો. જેમાં 1 કરોડના જેસીબી, ટ્રકો સહિત કુલ 1,26,15,925નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જે પ્રકરણમાં નાસતા ફરતા આરોપીએ અંજારની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેને સેસન્સ કોર્ટ દ્વારા ફગાવી દેતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
આ કેસની મળતી વિગતો મુજબ ખનીજ ઉત્ખનન કરવાના પ્રકરણ બાબતે પોલીસ દ્વારા આડેસરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર માટીનું ઉત્ખનન (ખોદકામ) કરી ચાયનાકલે માટીનું સંગ્રહ કરી કુલ 26,15,926ના કિંમતનું 5338.8 મેટ્રિકટન ખનીજ ચોરીનો જથ્થો ઉપરાંત 1 કરોડની કિંમતના વાહનો સહિત કુલ 1,26,15,926નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં નાસતો ફરતો મૂળ વીંજાપર અને હાલે આડેસર રહેતો આરોપી નજરમામદ આયુબ હિંગોરજાએ આગોતરા જામીન મેળવવા અંજારના સાતમા અધિક સેસન્સ કોર્ટ સમક્ષ અરજી કરી હતી.
પરંતુ સરકારી વકીલ આશિષ પી. પંડ્યા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી ઉપર હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા અતિ ગંભીર પ્રકારના ગુન્હાઓ નોંધાયેલા છે અને આરોપી રીઢો ગુનેગાર હોવાથી તેને આગોતરા જામીન આપી શકાય તેમ નથી તેવી ધારદાર દલીલો કરતા અંજારની સાતમા અધિક સેસન્સ કોર્ટના જજ ડી.જે મહેતાએ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દઈ ધાક બેસાડતો આદેશ આપ્યો હતો. આને પગલે ખોટુ કરનારાઓમાં ફફળાટ ફેલાયો હતો.
X
The Secretary of State for Minerals and Housing will issue a new circular

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી