ભુજ / કચ્છની લિગ્નાઇટ ખાણો બંધ કરવાની ભેદી હિલચાલ

The secret movement to close Kutch's lignite mines

  • ટ્રક માલિકને 10 દિવસે માંડ એક ટ્રીપ મળે છે, આમાં નાના વ્યવસાયિકનો મરો
  • માતાના મઢ અને ઉમરસર ખાણમાંથી નીકળતા માલમાં માટીનું પ્રમાણ વધુ
  • ક્વોટા ઘટાડીને વધારવાની મેલી રમત બાદ હવે ક્વોલિટી સાથે ચેડા શરૂ 
  • મોટા ભાગના વપરાશકારોએ કચ્છના લિગ્નાઇટથી જાણે મોં ફેરવી લીધું

Divyabhaskar.com

Nov 19, 2019, 08:27 AM IST
ભુજઃ લિગ્નાઇટ પરિવહન ક્ષેત્રે કચ્છમાં વર્ષોથી કાર્યરત જીએમડીસીના ક્વોટા કાપ કરવાની અને સમયાંતરે ખાણો બંધ કરવાની ભેદી હિલચાલ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સમયાંતરે ક્વોટામાં કાપ મુકીને પછી સંગઠન અને ટ્રાન્સપોર્ટરોની રજૂઆતને પગલે થોડા દિવસ બાદ ક્વોટા વધારી આપવાની રમત બાદ હવે જીએમડીસી દ્વારા લિગ્નાઇટના બદલે માટી અને કચરો ભરવામાં આવતો હોવાથી વપરાશકારોની માંગ દિનપ્રતિદિન ઘટી રહી છે. હવે વપરાશકારોની માંગ નથી એ બહાના હેઠળ પરિવહનક્ષેત્રના ધંધા તેમજ એને સંલગ્ન અન્ય ધંધાઓ પર સંપૂર્ણપણે બ્રેક મારી પોતાની યોજના સફળ બનાવવા જીએમડીસી આગળ વધી રહી હોય એવા એંધાણ દેખાઇ રહ્યા છે.
છેલ્લા એક માસથી માતાનામઢ અને ઉમરસર એમ બન્ને ખાણોમાંથી માત્ર ૧૦૦ જેટલી જ ટ્રકોનું પરિવહન થઇ રહ્યું છે. હવે જીએમડીસી આ લિગ્નાઇટના બદલે માટી જેવો માલ આપી રહી છે. વપરાશકારો ઉંચા ભાવ આપીને નમાલો માલ લેવા તૈયાર નથી. પરિણામે હાલે ટ્રક માલિકો ગંભીર કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે. છેલ્લા બે માસથી એક ટ્રકને ૧૦ દિવસે માંડ એક ટ્રીપ મળે છે. પરિણામે કરોડોનું નુકશાન ટ્રક-ટ્રાન્સપોર્ટના વ્યવસાયને થઇ રહ્યું છે.
સામાન્ય રીતે દિવાળી બાદ લિગ્નાઇટની માંગમાં સતત વધારો આવતો હોય છે. કારણકે, નવરાત્રીથી ઈંટના ભઠાવાળા ઈંટો બનાવવાનું શરૂ કરી દે છે. અને ભઠ્ઠાની લિગ્નાઇટની માંગ મોટી હોય છે. ભૂતકાળમાં પાન્ધ્રોથી દરરોજની ૨૦૦૦ જેટલી ટ્રક પરિવહન કરતી હોવા છતાંય વપરાશકારોને માલ પહોંચાડવામાં ભારે દોડધામ કરવી પડતી હતી અને હવે નીતનવા ગતકડાથી આ વપરાશકારો તેમજ ઉદ્યોગોના માલિકો પણ ગુજરાતની અન્ય માઇન્સ તેમજ આયાતી કોલસા તરફ વળ્યા છે. જીએમડીસી વર્તમાન દૈનિક ૨૦૦થી ૩૦૦ જેટલા ક્વોટાની ફાળવણી કરી છે. પણ આવો માલ કોઇ લેવા તૈયાર નથી. જેથી જીએમડીસી ક્વોટા વધારે તેવી પણ કેમ કરવી? આ રીતે જીએમડીસી લિગ્નાઇટની ખાણ બંધ કરવાની ભેદી હિલચાલ કરી રહી હોવાનું ટ્રાન્સ્પોર્ટ અગ્રણીઓએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું.
માલની ગુણવતા સુધારવા પ્રયત્નશીલ : જીએમડીસી
આ અંગે માતાનામઢમાં આવેલી જીએમડીસીની માઇન્સના મેનેજર દાસનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વરસાદને કારણે કદાચ માલ થોડો નબળો હશે. ઇંટોના ભઠ્ઠા પણ વરસાદને કારણે મોડા ચાલુ થાય તેમ હોઇ શકે જેના કારણે માંગ ઓછી હોઇ શકે. પરંતુ માલની ગુણવતા સુધારવા પુરા પ્રયત્ન કરી અને આવતા અઠવાડિયા સુધી વપરાશકારોની માંગ વધશે એવું જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી પરિવહન વધ્યું પણ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ બાબતે ખાસ કાળજી રખાશે. માઇન્સ બંધ કરવાની હિલચાલ અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવી કોઇ વિચારણા પણ નથી અને આવનારા દિવસોમાં લિગ્નાઇટી મોટી માંગ વધશે એવા આશાવાદ સાથે માલની ગુણવતા પર ખાસ ધ્યાન અપાશે એવી ખાત્રી આપી હતી.
સિમેન્ટ પરિવહનમાં પણ ભાડા મળતા નથી
તો સિમેન્ટ પરિવહનમાં સંગઠનના નિયત કરેલા ભાડા આપવામાં આવતા નથી. જે માટે કચ્છનું જિલ્લા સંગઠન નબળું પુરવાર થયું છે. લિગ્નાઇટ પરિવહનના ભાડા અને સિમેન્ટ પરિવહનના ભાડામાં કિલોમીટરના અંતર પ્રમાણે કંપનીઓ દાદ આપતી નથી. પરિણામે આવનારા દિવસોમાં ટ્રક-ટ્રાન્સપોર્ટર તેમજ એને સંલગ્ન ધંધાર્થીઓની હાલત અત્યંત કફોડી બનશે એવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે.
X
The secret movement to close Kutch's lignite mines

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી