જૂનાગઢ / વનવિભાગે ડાઈવર્ઝન કાઢવા 2 વર્ષથી મંજૂરી ન આપતા માલણકા પાસેનો 40 વર્ષ જૂનો પુલ રિપેરિંગના અભાવે પડ્યો

આ પુલ 20-20 ફૂટનાં ત્રણ કટકાથી જોડેલો હતો

  •  1979ની સાલમાં બનેલા 60 ફૂટ લાંબા પુલને રિપેર કરવા મેંદરડા-સાસણ રોડ પર ડાઈવર્ઝન આપવું જરૂરી હતું
  • ફોરેસ્ટ વિભાગ પાસે તેના તાબાની જમીનમાં ડાઈવર્ઝન કાઢી આપવા 2016માં માર્ગ-મકાન વિભાગે મંજૂરી માગી હતી

Divyabhaskar.com

Oct 07, 2019, 03:12 PM IST

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના મેંદરડા-સાસણ રોડ પર માલણકા ગામ નજીકનો પુલ રવિવારે પડ્યો તેમાં માનવીય બેદરકારી સામે આવી છે જે માટે વનવિભાગ જવાબદાર જણાયો છે. નોંધનીય છે કે, વર્ષ 1979માં બનેલા આ 60 ફૂટ લાંબા પુલના સમારકામ માટે છેક 2016ની સાલમાં ડાઈવર્ઝન આપવા વન વિભાગ પાસે મંજૂરી મંગાઈ હતી. પરંતુ વનવિભાગે ઘોર બેદરકારી દાખવીને ડાઈવર્ઝનની મંજૂરી ન આપતા 6 ઓક્ટોબરનાં રોજ સાંજે આ પુલ અચાનક તૂટી ગયો હતો. પુલના ટૂકડા થઈ જતા ત્યાંથી પસાર થઇ રહેલી ત્રણ કાર નીચે ખાબકી હતી. જેમાં 12ને સામાન્ય ઈજા થઈ હતી. હાલ મેંદરડા સાસણનો માર્ગ બંઘ કરી દેવામાં આવ્યો છે.

વન વિભાગે મંજુરી ન આપતા પુલનું કામ રહી ગયું હતું: સરપંચ
માલણકા ગામના સરપંચ ભૂપતભાઈ સસોરે જણાવ્યું કે, 'ગામની આગળ મધુવંતી ડેમ આવેલો છે, તેનું પાણી આ પુલ નીચેથી પસાર થાય છે. અહીંના અનેક નાના પુલિયા અને આ પુલ જર્જરિત હતા, જેમાં તાજેતરમાં નાના પુલિયા રીપેર કરાવ્યા હતા. પણ આ મોટો પુલ રીપેર કરવા માટે ડાયવર્ઝન કાઢવું પડે તેમ હતું. જેની વનવિભાગે મંજુરી ન આપતા તેનું કામ રહી ગયું હતું. જેથી આ પુલ તૂટી પડ્યો છે. હવે નાના વાહનને વાયા જલંધર અને મોટા વાહનને વાયા અજાબ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.'

માર્ગ અને મકાન વિભાગને ફોરેસ્ટ વિભાગે મંજૂરી ન આપતા અકસ્માત થયો
માર્ગ અને મકાન વિભાગના સેક્સન ઓફિસર એન.બી.ભરખડાએ નિવેદન આપતાં કહ્યું કે માર્ગ અને મકાન વિભાગને ફોરેસ્ટ વિભાગે મંજૂરી ન આપતા આ અકસ્માત થયો છે. વર્ષ 2016માં જ પુલના નવિનીકરણ માટે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગ દ્વારા મંજૂરી ન અપાતા પૂલનું સમારકામ થયું ન હતું.

નાળામાં પાણી ભરાતા એક માસ સુધી પુલ રિપેર થઇ શકે તેમ નથી
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એક માસ સુધી આ પુલ રીપેર થઇ શકે તેમ નથી. કારણ કે અહીં પાણીનો ભરાવો એટલો છે કે, નવો પુલ બનાવવો અથવા તો અહીં ડાયર્વઝન કાઢવું મુશ્કેલ છે. મધુવંતી ડેમનાં પાણીની ઝાપટો વાગવાને કારણે આ પુલ તૂટી ગયો છે. આ રસ્તો બંધ થતાં હાલ દેવળીયાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. દેવળીયાથી માળિયાહાટીના થઇ નેશનલ હાઇવે થઇ જૂનાગઢ આવી શકાશે.

આ પુલ 20 ફૂટનાં ત્રણ કટકાથી જોડેલો, જેમાંથી બે કટકા તૂટી પડ્યા
આ પુલ 20-20 ફૂટનાં ત્રણ કટકાથી જોડેલો હતો. જેમાંથી 40 ફૂટનો પુલ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં માર્ગદર્શનમાં ફાયર, 108, વન વિભાગ, આરએન્ડબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમજ ઇજા પામેલા 12 લોકોને સાસણ, મેંદરડા અને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી