તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેઘતાંડવ:વરસાદ બન્યો વેરી ખેડૂતો પાસેથી અંતિમ કોળિયો પણ છીનવી લીધો

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદથી તલ, મગ, ગોવાર, મગફળી, કપાસને નુકસાન
  • રાપર બે ઇંચ, તેરા, લાખણિયા, રવાપર, અટલનગર, ચપરેડી, છાડવારા, આમલિયારામાં દોઢ, આધોઇ, ગાગોદરમાં એક, રવાપરમાં પોણો ઇંચ આફત વરસી

અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણના પગલે કચ્છમાં સતત ત્રણ દિવસથી વરસાદ આફત બનીને આવ્યો છે. ચોમાસા દરમ્યાનના ભારે વરસાદના પગલે મોટાભાગના પાકને નુકસાન થયું હતું પરંતુ ફરી આવી પહોંચેલા વેરી વરસાદે ખેડૂતોના મુખમાંથી અંતિમ કોળિયું પણ છીનવી લીધું છે. ખાસ કરીને મગફળી, તલ, ગોવાર, કપાસ સહિતના પાક પાછળ વાવણી, નિંદામણ, ખેડ વગેરે પાછળ જગતના તાતે કરેલો ખર્ચ નીકળશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. રવિવારે રાપરમાં બે, અબડાસા દોઢ અને ગાગોદરમાં એક ઇંચ આફત વરસી હતી. ઉપરાંત ભુજ, નખત્રાણા, લખપત તાલુકામાં પણ ઝાપટું વરસી ગયું હતું.રાપરમાં વહેલી પરોઢે હાજા ગગડાવી દે તેવા કડાકા-ભડાકા સાથે ભારે પવન અને વીજળીના ચમકારે આવેલી આફતરૂપી મેઘસવારીએ અડધા કલાકમાં શહેરમાં પાણી પાણી કરી નાખ્યુ હતું. શહેરના માલી ચોક, ભૂતિયા કોઠા, આથમણા નાકા બજાર સહિતના વિસ્તારોમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતા.

તોફાની વરસાદે 42 મી.મી. પાણી વરસાવતા ઘડીક ભર તો શ્રાવણીઓ માહોલ ખડો થયો હતો. તાલુકાના બાદરગઢ, નીલપર, ખીરાઇ, સઈ ડાભુંડા, કિડીયાનગર, પ્રાગપર, હમીપર, ઉમેયા, વલભપર, મોટી રવ, નાની રવ, ડાવરી, લાકડાંવાંઢ, ત્રંબૌ, રામવાવ, ભીમાસર, આડેસરપટ્ટી, ફતેગઢ અને પ્રાથળ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે બે ઇંચ ઉપર વરસાદ ખાબકી જતા પાક સંપૂર્ણ નષ્ટ થવાના આરે છે. તૈયાર પાકોમાં મગ, બાજરી, ગોવાળ, મગફળી વગેરેમાં ભારે નુકસાનની દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી હતી. તાલુકાના હાઇવે પટ્ટીમાં સવારે 4થી 6 સુધી એકાદ ઇંચ પાણી પડી જતાં મગફળી, ગોવાર, તલ, મગ સહિતના પાક ધોવાઇ ગયો છે. ખડીરના ગણેશપર સહિત આસપાસના ગામોમાં સવારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. ભચાઉ તાલુકાના કાંઠાળપટ્ટીના છાંડવારા, આમલિયારા, જંગી, વાંઢિયા, શિકારપુર, સામખિયાળી, લાલિયાણા, આધોઇ સહિતના ગામોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડી જતાં ખેતીને ભારે નુકસાન થયું હતું.

પાવરપટ્ટી વિસ્તારના નિરોણા, હરીપુરા, અમરગઢ, ઓરીરા, વેડહાર, બિબર, વંગ, ડાડોર, ઝાલુ, ખારડિયા, ઝુરા સહિતના ગામોમાં સાંજે 4થી 5:30ના સમયમાં ગાજવીજ સાથે અડધોથી પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. વરસાદના કારણે પાવરપટ્ટી વિસ્તારમાં રાબેતા મુજબ વીજ પુરવઠો ખોરવાયો હતો. વધુમાં ખરીફ પાકને ભારે નુકસાન થતાં તેની ગુણવત્તા સારી નહીં રહે, જેથી ખેડૂતોને પાકના ધાર્યા બજાર ભાવ નહીં મળે અને મોટો આર્થિક ફટકો પડશે એમ ખેડૂત ખેતશી આહીરે જણાવ્યું હતું. ગાજવીજ સાથે સતત એક કલાક ચાલુ રહેલા વરસાદથી ભયનો માહોલ સાર્જાયો હતો.
ભુજના તાલુકાના લોડાઇ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ઉપરાંત ચપરેડી, અટલનગર પંથકમાં સાંજે 4થી 5 વાગ્યા દરમ્યાન દોઢ ઇંચ જેટલો વરસાદ પડી જતાં ખેતરોના બંધપાળા તૂટી ગયા હતા તો મોલાતને પારાવાર નુકસાન થયું હતું.
નખત્રાણા તાલુકાના રવાપરમાં બપોરે 1.10 કલાકે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. મગફળીની લણણી શરૂ હોઇ પથારા પલળ્યા, બપોરે ઉગેડી, નેત્રા, દેવીસર પંથકમાં વરસાદી ઝાંપટું વરસી ગયું હતું. રવાપર ઉપરાંત નાગવીરી, નવાવાસ, લીફરી, ઘડાણી, વાલ્કા નાના-મોટા, હરીપર, આમારા, રતડિયા સહિતના ગામોમાં અડધાથી પોંણો ઇંચ વરસાદ
પડ્યો હતો.
લખપત તાલુકાના દયાપર, ઘડુલી, પાનધ્રો, માતાના મઢ, મેઘપર, સારણ, બરંદા, સુભાષપર, વિરાણી, મિઢિયારી, નારાયણ સરોવર, ગુવર, પીપર, તહેરા, કપુરાશી, વર્માનગર, છેર, જાડવા સહિતના ગામોમાં પવનના સુસવાટા, ગાજવીજ સાથે વરસાદી ઝાંપટું વરસી જતાં અડધાથી પોણો ઇંચ પાણી પડ્યું હતું. બરંદાના નવીન રૂપારેલે જણાવ્યું હતું કે, વરસાદથી તલ તેમજ વાડી, ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાની થઇ છે.
વિથોણ પંથકના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

નખત્રાણા તાલુકાના વિથોણ પંથકમાં શનિવાર અને રવિવારના પડેલા વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખાસ કરીને મગફળીનું વાવેતર વધારે હોઇ વરસાદથી ભારે નુકસાની થઇ છે. ખેડૂત અરવિંદ ગઢવીએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે મગફળી કાળી પડી જશે, જેથી ખેડૂતોને નાછૂટકે ઓછા ભાવે વેચવી પડશે. વેરી વરસાદે મગફળી જ નહીં મગ, તલ, કપાસ સહિતના પાકને નુકસાની થઇ છે.

નદીમાં પુર આવતાં તેરા-લાખણિયા માર્ગ અવરોધાયો
અબડાસા તાલુકામાં સતત બીજા દિવસે દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. રવિવારે બિટ્ટા, તેરા, બારા, લાખણિયા, ઉસ્તિયા, નરાનગરમાં દોઢ ઇંચ પાણી પડ્યું હતું. ભારે વરસાદથી તેરા-લાખણિયા અને જતવાંઢ-નરાનગર વચ્ચેની નદીઓમાં પુર આવી જતાં માર્ગ અવરોધાયો હતો. લાખણિયા તેરા પંથકમાં બપોરે રથી 3 વાગ્યા સુધી પવન, ગાજવીજ સાથે આફતરૂપી વરસાદ પડ્યો હતો.
છાડવારામાં વધુ એકથી દોઢ ઇંચ વર્ષાથી ખેતીને ભારે

નુકસાન : મીઠાના અગરો એક મહિનો મોડા શરૂ થશે
ગામના નાયાભાઈ વસાભાઈ આહીરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે, તેમાં રવિવારે વધુ એકથી દોઢ ઈંચ વરસાદ પડી જતા ખેતીને ભારે નુકસાન થયું છે. મીઠાના અગરો એક મહિનો મોડા શરૂ થશે. અગરના માલિક ગુલામ ત્રાણાના જણાવ્યા મુજબ સૂરજબારી પટામાં બે ઈંચ કરતા વધારે વરસાદ પડી જતાં આ વર્ષે મીઠાના અગરો એક મહિનો મોડા શરૂ થશે.

આકાશી વિજળી કચ્છમાં બે પશુપાલકોને ભરખી ગઇ

ગાગોદર | રાપર તાલુકાની જાવાવાંઢમાં ત્રાટકેલી આકાશી વીજળીએ વૃધ્ધનો જીવ લીધો હોવાની ઘટનાએ નાનકડી વાંઢમાં માતમ છવાયો હતો. પલાંસવા નજીક આવેલી જાવાવાંઢના સીમાડે આવેલા ખેતરમાં અંદાજે 55 વર્ષીય દલાભાઇ નામેરી કોલી કામ કરી રહ્યા હતા ત્યારે જ વાતાવરણમાં આવેલા પલટા બાદ વીજળીના કડાકા ભડાકા વચ્ચે વીજળી જાવાવાંઢના સીમાડામાં પડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા સારવાર માટે તેમને પલાસવા સીએચસી લઇ જવાયા હતા પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં તેમણે દમ તોડ્યો હતો. આ અણધારી ઘટનાથી તેમના પરિવાર અને નાનકડી વાંઢમાં માતમ છવાયો હતો.

ઢોરીમાં ભેંસ ચરાવનાર બન્યો ભોગ

ભુજ | ભુજ તાલુકાના ઢોરી ગામે ભેંસ ચરાવતી વેળાએ યુવૈન પર વિજળી પડતા મોતને ભેટયો હતો. ગામના સીમાડામાં ઢોર ચરાવવા ગયેલ યુવાન ભરત દામજી ચૈયા (ઉ.વ. ૨૮) વાળા માલધારી ઉપર આકાશી વીજળી ત્રાટકતા તેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો