વડોદરા / કોરોનાનાં લક્ષણોની શંકા હશે તો દર્દીને 15 દિવસ દેખરેખમાં રખાશે

એસએસજી હોસ્પિટલ - ફાઇલ તસવીર
એસએસજી હોસ્પિટલ - ફાઇલ તસવીર

  • વાઇરસની બીમારી વિશે એસએસજીમાં બેઠક યોજાઇ
  • વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાથી સ્ક્રીનિંગ નહીં કરાય

Divyabhaskar.com

Jan 25, 2020, 01:12 AM IST

વડોદરાઃ ચીનમાં હાહાકાર મચાવીને મહારાષ્ટ્રમાં પણ જેની હાજરી નોંધાઇ છે તેવા કોરોના વાઇરસ સામેની સલામતીના ભાગરૂપે આજે એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અમદાવાદની બી જે મેડિકલ કોલેજના મેડિસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાયે તજ્જ્ઞ તરીકે હાજર રહીને સારવાર અને પૂર્વતૈયારીઓ સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું.

સઘન સારવાર માટે અલાયદો વોર્ડ બનાવાશે
આ બેઠક વિશે એસએસજીના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, ‘ જો કોઇ વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યાનું પુરવાર થશે તો તેની સઘન સારવાર કરાશે. આ માટે હોસ્પિટલમાં અલાયદું કોરોના સેક્શન અને આઇસોલેશન રૂમ પણ તૈયાર કરાયો છે. પણ જો કોઇને કોરોના વાઇરસનાં લક્ષણોની શંકા હશે તોપણ તેવી વ્યક્તિને 15 દિવસની દેખરેખમાં રાખવામાં આવશે.’ આ કોન્ફરન્સમાં એસએસજી હોસ્પિટલનાં તબીબો, ગોત્રી હોસ્પિટલ-કોલેજનાં તબીબો ઉપરાંત કોર્પોરેશન અને જિલ્લા પંચાયતનાં તબીબો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિશે એરપોર્ટ ડાયરેક્ટર ચરણસિંઘે જણાવ્યું કે, સામાન્ય રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ પ્રકારના સ્ક્રિનિંગ થઇ જાય છે પણ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાથી કોરોના વાઇરસના સ્ક્રીનિંગની કોઇ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.’ ઉલ્લેખનીય છે કે, શિયાળાના પ્રારંભ સાથે સ્વાઇનફ્લુના દર્દીઓ વધતા હોવાથી તેની ચર્ચા પણ કરાઇ હતી.

વડોદરાની આસપાસ ચાઇનીઝ કંપનીઓ
વડોદરાની આસપાસના વિસ્તારમાં કેટલીક ચાઇનીઝ કંપનીઓ છે. આ કંપનીઓમાં ચીનથી ઉચ્ચ અધિકારીઓની અવરજવર થતી હોય છે. જોકે તેમનું સ્ક્રીનિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થઇ જતું હોય છે. છતાં સાવધાનીના પગલા રૂપે તંત્ર દ્વારા પણ ચાંપતી નજર રખાઇ રહી છે.

SSGના આઇસોલેશન સેક્શનમાં શું સુવિધા
એસએસજી હોસ્પિટલમાં મેડિકલ નર્સિંગ હોમના સેક્શનમાં સોનોગ્રાફી મશીન, એક્સરે મશીન, જરૂરી દવાઓ અને વેન્ટિલેટર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોઇ કોરોના વાઇરસથી પીડિત દર્દી આવે તો તેની સારવાર આપતાં તબીબો માટેની પ્રોટેક્ટિવ કિટ પણ મૂકવામાં આવી હોવાનું સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું.

X
એસએસજી હોસ્પિટલ - ફાઇલ તસવીરએસએસજી હોસ્પિટલ - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી