ભુજ / શિલ્પગુરૂ સહિત 4 રાષ્ટ્રીય એવોર્ડ અંકે કરીને કચ્છનો દબદબો

The kutch domination by sculpting 4 national awards including sculpture

  • વર્ષ 2017 માટે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વિજેતા જાહેર
  • રોકડ પુરસ્કાર તેમજ એવોર્ડ અને પ્રમાણપત્ર સાથે સન્માન કરાશે 

Divyabhaskar.com

Nov 19, 2019, 08:58 AM IST
ભુજઃ ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વર્ષ 2017 માટે જાહેર કરાયેલા રાષ્ટ્રીય એવોર્ડ પૈકીના શિલ્પગુરૂ સહિતના ચાર એવોર્ડ કચ્છના કારીગરોએ અંકે કર્યા છે. આ તમામ એવોર્ડ બાંધણી માટે જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભુજના મહિલાની સર્વોત્તમ શિલ્પગુરૂ માટે તેમજ ભુજના જ અન્ય મહિલાની નેશનલ એવોર્ડ અને નેશનલ મેરિટ માટે ભુજ તથા તેરાના મહિલાની પસંદગી કરવામાં આવી છે. આ તમામ વિજેતાઓને આગામી સમયમાં દિલ્હી ખાતે યોજાનારા સમારોહમાં એવોર્ડની સાથે રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
ટેક્સટાઇલ ક્ષેત્રે મોખરાનો શિલ્પગુરૂ એવોર્ડ ભુજના નૂરબાનુ મોહમદ ખત્રીએ જીત્યો છે. 64 વર્ષના મહિલા છેલ્લા ચાર દાયકાથી બાંધણીની કલા સાથે સંકળાયેલા છે. તેમણે ત્રણ પીસમાં બનાવેલી બાંધણી શિલ્પગુરૂ એવોર્ડ માટે પસંદ કરાઇ છે. જેના માટે તેમને બે લાખ રૂપિયા રોકડા તેમજ સુવર્ણ અને તામ્રપત્ર આપવામાં આવશે. તેમના પતિ મોહમદભાઇ ખત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું કે, તેઓ ખુદ પણ એક દાયકા પૂર્વે આ એવોર્ડ માટે પસંદ થયા હતા. સ્વીત્ઝરલેન્ડ, સ્વીડન, બ્રાઝિલ્, મેક્સિકો, હંગ્રી, મસ્કત સહિતના વિદેશમાં બાંધણી કલા વિશે નિદર્શન આપી ચૂકેલા મોહમદભાઇએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં તેઓ હેન્ડીક્રાફ્ટ બોર્ડ તરફથી અમેરિકાના પ્રવાસે ગયા હતા જ્યાં 100થી વધુ મહિલાઓને બાંધણીની તાલીમ આપી હતી. તેમના પુત્ર જુનેદ અને સલમાન સ્નાતક થયા બાદ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દિલ્હી તાલીમ આપવા પણ જાય છે.
ભુજના અન્ય એક મહિલા નસરીનબેન ફયાઝ ખત્રીની નેશનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. બનારસી દુપટ્ટા પર સાત નેચરલ કલરમાં બનાવેલી શિકારી ડિઝાઇન સાથેની બાંધણી માટે આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. એવોર્ડની સાથે એક લાખનો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. માતા તેમજ સાસુ અને નણંદ પાસેથી તાલીમ મેળવનારા આ મહિલા છેલ્લા 30 વર્ષથી બાંધણી કલા સાથે સંકળાયેલા છે તેમના પતિ ફયાઝ હુસેન ખત્રીને વર્ષ 2000માં અજરખ હેન્ડ બ્લોક માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ અપાયો હતો. આ ઉપરાંત પરિવારના ઇકબાલ હુસેનને 1985માં તેમમજ ઉમર હુસેનને 1986માં નેશનલ એવોર્ડ મળ્યો હતો. કલાને વારસામાં મેળવનારી તેમની પુત્રી ફેશન ડિઝાઇનર છે.
એવોર્ડ અંકે કરવામાં ભુજ અગ્રેસર રહ્યું હોય તેમ શહેરના વધુ એક મહિલાની નેશનલ મેરિટ સર્ટિફિકેટ માટે પસંદગી કરાઇ છે. વર્ષ 2017 માટેનો આ એવોર્ડ બિલ્કીસબાનુ ખત્રીને અપાશે મૂળ મુન્દ્રામાં જન્મેલા આ મહિલાએ બાળપણ સંઘર્ષ સાથે વીતાવ્યા બાદ માતા ખતુબાઇ પાસે બાંધણી બાંધવાનું કામ શીખ્યું. ભુજમાં લગ્ન બાદ પતિ અલીમામદ ઓસમાણ પાસેથી રંગાટ, સુતેણુ, કારીગરો પાસે કામ કેમ લેવું તે શીખ્યાં છે. તેમના પતિને પણ નેશનલ અને નેશનલ મેરિટ એવોર્ડ મળ્યો છે. બે પુત્રો સરફરાઝ અને હમીઝ ગ્રેજ્યૂએટ થયા બાદ બાંધણીનો વ્યવસાય આગળ ધપાવી રહ્યા છે. અબડાસા તાલુકાના તેરા ગામના ખેરૂનીસા અબ્દુલ અઝિઝની પણ નેશનલ મેરિટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેના માટે તેમને પણ 75 હજારનો રોકડ પુરસ્કારની સાથે વસ્ત્ર મંત્રાલય દ્વારા પ્રમાણપત્રથી નવાજવામાં આવશે.
રાજ્યના તમામ તેમજ બધી શ્રેણીના એવોર્ડ કચ્છી કારીગરોને મળ્યા
વસ્ત્ર મંત્રાલય દ્વારા દર વર્ષ માટે હસ્ત કલાને પ્રત્સાહન રૂપે શિલ્પ ગુરૂ, નેશનલ અને નેશનલ મેરિટ એમ ત્રણ કેટેગરીમાં રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે છે. કચ્છને સંભવત: પ્રથમવાર આ તમામ શ્રેણીના એવોર્ડ મળવાનું બહુમાન નસીબ થયું છે. આ ઉપરાંત ગુજરાત માટે ચાર એવોર્ડ જાહેર કરાયા છે તમામ કચ્છને ફાળે આવ્યા છે. આમ બેવડી સિધ્ધિ કલાકારોએ મેળવી છે.
કચ્છને ચોથો શિલ્પગુરૂ એવોર્ડ
કચ્છમાં અગાઉ મોહમદ અલીમોહમદ ખત્રી, ધમડકાના રજાકભાઇ તેમજ ભુજોડીના પ્રેમજી વણકરનું શિલ્પગુરૂ એવોર્ડથી સન્માન કરાયું હતું. જ્યારે ચોથો એવોર્ડ પ્રથમ મહિલા તરીકે નૂરબાનુ ખત્રીએ અંકે કરવાની સાથે કચ્છનું ગૌરવ વધાર્યું છે.
પ્રથમવાર પતિ પછી પત્નીને પણ શિલ્પગુરૂ એવોર્ડ
વર્ષ 2017 માટે શિલ્પગુરૂ એવોર્ડ અંકે કરનારા ભુજના નૂરબાનુના પતિ મોહમદ ખત્રીને એક દાયકા પહેલાં વર્ષ 2007માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ જ્યારથી આ બિરૂદ આપવામાં આવે છે ત્યારથી સંભવત: પ્રથમવાર પતિ-પત્ની બન્નેને આ સિધ્ધિ મેળવીને અનેરૂં બહુમાન નસીબ થયું છે.
એવોર્ડ અંકે કરનારા તમામ મહિલા
દેશભરમાં મહિલા શસક્તિકરણ અભિયાન લાંબા સમયથી ચાલી રહ્યું છે તેવામાં બાંધણી કલા ક્ષેત્રે રાજ્યની સાથે કચ્છના એવોર્ડ અંકે કરનારા તમામ વિજેતાઓ મહિલા છે. આમ આ કારીગરોએ બાંધણી ક્ષેત્રે વર્ષ 2017 માટે પુરૂષોને પાછળ છોડ્યા છે.
રણોત્સવના કારણે કારીગરોને ફાયદો
રણોત્સવમાં આવતા પ્રવાસીઓ બાંધણીની સારા પ્રમાણમાં ખરીદી કરે છે આ કારણોસર બાંધણીની ખપત હવે વધી છે. અગાઉ મર્યાદિત ધંધો હતો તેનો વ્યાપ વધ્યો છે પરિણામે બાંધણી બાંધતા કારીગરોને હવે ઘરમાં બેઠા બેઠા રોજગારી મળી રહી છે તેમ આ વ્યવસાયના અગ્રણીઓએ જણાવ્યું હતું.
X
The kutch domination by sculpting 4 national awards including sculpture

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી