ગુજરાત / એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અલંગમાં ભંગાશે, 26 કરોડમાં ખરીદાયું

અલંગમાં ભાંગવા માટે આવનારા આઈએનએસ વિરાટ જહાજની ફાઈલ તસવીર.
અલંગમાં ભાંગવા માટે આવનારા આઈએનએસ વિરાટ જહાજની ફાઈલ તસવીર.

  • સમગ્ર વિશ્વનું સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર શિપ અંતિમ સફરે, ઓનલાઇન હરાજીમાં અલંગના શિપબ્રેકરે ખરીદ્યું
  • 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ ભારતીય નેવીની શાન હતું, 30 વર્ષ સુધી કાર્યરત રહ્યું હતું

Divyabhaskar.com

Dec 18, 2019, 02:34 AM IST
મહેબુબ કુરેશી, ભાવનગર: સમગ્ર વિશ્વનું સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપ્યા બાદ આઇએનએસ વિરાટને ભાંગવા માટે ભાવનગર જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વેચવામાં આવ્યુ છે. શિપબ્રેકિંગ કંપની શ્રીરામ શિપિંગ દ્વારા ઓનલાઇન હરાજીમાં આ યુધ્ધ જહાજ ખરીદવામાં આવ્યુ છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.81ના માલીક મુકેશભાઇ પટેલ (શ્રીરામ શિપિંગ) દ્વારા ઓનલાઇન હરાજીમાં ભારતીય નેવીનું મહત્વપૂર્ણ યુધ્ધ જહાજ 26 કરોડ + 18% જીએસટી + 2.75% કસ્ટમ્સ ડ્યુટી ચૂકવવાની સાથે ખરીદવામાં આવ્યુ છે. હાલ આ જહાજ મુંબઇ રાખવામાં આવેલું છે અને ટુંક સમયમાં સરકારી પ્રક્રિયાઓ આટોપી લેવાયા બાદ અલંગમાં ભંગાવા માટે ટગ દ્વારા ખેંચીને લાવવામાં આવશે. આ અગાઉ આઇએનએસ વિક્રાંત મુંબઇ ખાતે ભાંગવામાં આવ્યુ હતુ.
1959માં બ્રિટિશની રોયલ નેવી માટે બનાવવમાં આવ્યુ હતુ
સેન્ટુર ક્લાસ એરક્રાફ્ટ કેરિયર 1959માં બ્રિટિશની રોયલ નેવી માટે બનાવવમાં આવ્યુ હતુ અને તેનું નામ તે સમયે “એચએમએસ હર્મેસ’ રાખવામાં આવ્યુ હતુ. લાંબો સમય રોયલ નેવીને સેવા આપ્યા બાદ આ જહાજને બ્રિટનમાંથી 1987માં સેવા નિવૃત્ત કરવામાં આવ્યુ હતુ. બ્રિટન પાસેથી ભારતીય નેવી દ્વારા 1987માં ખરીદવામાં આવ્યુ હતુ. તેને સમગ્ર વિશ્વનું સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર ગણાવાય રહ્યું છે.6ઠ્ઠી માર્ચ 2017ના રોજ ભારતીય નેવીમાંથી સેવા નિવૃત્ત કરવામાં આવ્યુ હતુ.
જહાજ 26 કોમ્બેટ એરક્રાફ્ટ સામેલ કરવાની ક્ષમતા ધરાવતુ હતું
દરમિયાન આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આ જહાજને હોટલ સાથે મ્યુઝિયમમાં તબદીલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ 1લી જુલાઇ 2019ના રોજ મરામત અને રખરખાવ ખર્ચ સહિતની આર્થિક બાબતો અને જાહેર જનતાની સુરક્ષાર્થે મ્યુઝિયમ-હોટલનો પ્રસ્તાવ પડતો મુકવામાં આવ્યો હતો.
આઇએનએસ વિરાટ પર 750 નેવીના જવાનો સામેલ કરવામાં આવી રહ્યા હતા ઉપરાંત 4 એલસીવીપી લેન્ડિંગ ક્રાફ્ટ રાખવામાં આવતા હતા. યુધ્ધની સ્થિતિમાં આ જહાજ 26 કોમ્બેટ એરક્રાફ્ટ સામેલ કરવાની ક્ષમતા ધરાવતુ હતુ.
1982 ફોકલેન્ડ વોરમાં રોયલ નેવીનું અંગ હતુ
બ્રિટિશ રોયલ નેવીનું મુખ્ય યુધ્ધ જહાજ 1959માં બનાવાયું હતુ. 1982ની ફોકલેન્ડ વોર દરમિયાન રોયલ નેવી માટે મુખ્ય હથિયાર સાબિત થયુ હતુ અને દુશ્મન દેશને પરાસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. જો કે ભારતીય નેવીમાં 1987માં સામેલ કરવામાં આવ્યા બાદ તેના 30 વર્ષના કાર્યકાળ દરમિયાન કોઇ દરિયાઇ યુધ્ધ થયા નહીં હોવાથી તેનો યુધ્ધ માટે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ લક્ષદ્વીપની સફર ખેડી હતી
વર્ષ 1988માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેઓના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે લક્ષદ્વિપની સફર ખેડી હતી. અને લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીએ અંગત ઉપયોગ માટે આઇએનએસ વિરાટનો ઉપયોગ કરાયો હોવાની બાબત એક રેલી દરમિયાન ઉચ્ચારતા તુરત જ નેવીના અધિકારીઓએ મીડિયા સમક્ષ આવી અને આ સફરને સત્તાવાર ગણાવી હતી.
X
અલંગમાં ભાંગવા માટે આવનારા આઈએનએસ વિરાટ જહાજની ફાઈલ તસવીર.અલંગમાં ભાંગવા માટે આવનારા આઈએનએસ વિરાટ જહાજની ફાઈલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી