વડોદરા / ‘તેજસ’ 1.24 કલાક મોડી પડી, 630 પેસેન્જરને 100 રૂપિયા વળતર આપવું પડશે

તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર
તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર

  • દહીંસર-ભાયંદર વચ્ચે ઈલેક્ટ્રિક વાયર તૂટી પડતાં રેલસેવા ખોરવાઈ
  • ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન બપોરે 1.10ને બદલે 2.34 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી

Divyabhaskar.com

Jan 23, 2020, 05:23 AM IST

અમદાવાદ/ વડોદરાઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા અમદાવાદ - મુંબઈ વચ્ચે શરૂ કરાયેલ ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ શરૂ થયાના ચોથા દિવસે જ નિર્ધારિત સમય કરતા 1.24 કલાક મોડો પડ્યો હતો. જેના પગલે ખાનગી ટ્રેનના નિયમ મુજબ આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 630 જેટલા પેસેન્જરોને વળતર પેટે પેસેન્જર દીઠ 100 રૂપિયા ચૂકવવા પડશે.

વાયર તૂટવાને કારણે સિસ્ટમ ખોરવાઈ હતી
આઈઆરસીટીસીના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસનું સંચાલન 19 જાન્યુઆરીથી રેગ્યુલર શરૂ કરાયું છે. શરૂ થયા બાદ ચોથા દિવસે બુધવારે સવારે આ ટ્રેન અમદાવાદથી નિર્ધારિત સમય 6.40 વાગે રવાના થઈ હતી. ટ્રેન મુંબઈની હદમાં પહોંચી ત્યારે તેને દહીંસર નજીક અટકાવી દેવાઇ હતી. દહીંસર અને ભાયંદર વચ્ચે મીરારોડ પાસે બપોરે ઓવર હેડ ઇલેક્ટ્રિક વાયર તૂટી જવાના કારણે તમામ ટ્રેનોનું સંચાલન અટકી ગયું હતું. જેમાં તેજસ એક્સપ્રેસને પણ અટકાવી દેવાયો હતો. ઓએચઈ તૂટવા અંગે અધિકારીઓને જાણ થતાં તેઓ તત્કાલ કર્મચારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તૂટેલો વાયર હટાવી નવો વાયર જોડવાની કામગીરી હાથ ધરી હતી. જે પૂર્ણ થતા લગભગ 1.35 વાગે ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ ખાતે બપોરે 1.10ના બદલે 2.34 વાગે પહોંચ્યો હતો.

તેજસને 6 દિવસમાં 70% જ બિઝનેસ મળ્યો
17મી જાન્યુઆરીના રોજ અમદાવાદ અને મુંબઇ વચ્ચે શરૂ થયેલી રેલવેની ખાનગી ટ્રેન તેજસ એકસપ્રેસને પ્રથમ છ દિવસમાં 70 ટકા બિઝનેસ મળ્યો હોવાનું જાણવા મળે છે.જો કે રેલવે તંત્રે દાવો કર્યો છે કે ‘જેટલી આવક થઈ છે તેટલો ખર્ચ થયો છે જેથી ચિંતાનું કોઈ કારણ નથી.રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ તેજસ એકસપ્રેસની શરૂઆત સારી છે. છેલ્લા છ દિવસ દરમિયાન તેજસ ટ્રેનની લગભગ 70 ટકા સીટો ભરેલી રહી હતી.આઈઆરસીટીસીને છ દિવસ ટ્રેન ચલાવવાનો ખર્ચ લગભગ 90 લાખ રૂપીયા થયો છે.પ્રતિદિન 15 લાખની આવક સામે રૂ.15 લાખનો ખર્ચ થયેલો છે.ઉલેખનીય છે કે તેજસ એકસપ્રેસમાં ભોજન અને 25 લાખ સુધીનો મફત વીમાની જોગવાઇ છે. આઈઆરસીટીસીના જન સંપર્ક અધિકારી સિધ્ધાર્થસિંગે જણાવ્યું હતું કે ‘ હાલના તબક્કે તેજસ નહિ નફો કે નહી નુકશાનના ધોરણે ચાલી રહી છે.

પેસેન્જરની ડિમાન્ડ બાદ અંધેરી ખાતે સ્ટોપેજ
તેજસ એક્સપ્રેસ દોઢ કલાક જેટલી મોડી પડતા એરપોર્ટ જઈ રહેલા પેસેન્જરે અંધેરી ખાતે ટ્રેન અટકાવવાની માગણી કરી હતી. મુંબઈ સેન્ટ્રલથી એરપોર્ટ પહોંચવામાં મોડું થતાં તેની ફ્લાઈટ ચૂકી જવાની શક્યતા હતી. તેથી પેસેન્જરની આ માગણીને ધ્યાનમાં રાખી અધિકારીઓએ ટ્રેનને અંધેરી ખાતે 2 મિનિટ સ્ટોપેજ આપ્યું હતું.

X
તેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીરતેજસ એક્સપ્રેસ - ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી