પ્રાંતિજ / તખતગઢ,મીટરથી પાણી વિતરણ કરતું રાજ્યનું સૌપ્રથમ ગામ

  • ચોવીસે કલાક પૂરા ફોર્સથી પાણી મળે છે,વીજળીનો ખર્ચ અને પાણીની ખેંચ બંનેમાં ફાયદો

Divyabhaskar.com

Feb 13, 2020, 03:11 PM IST
હિંમતનગરઃ પ્રાંતિજના તખતગઢમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેવા પાણી વિતરણ વ્યવસ્થામાં મીટર લગાવાયા છે. વપરાશના યુનિટના હજુ ચોક્કસ દર નક્કી નથી કરાયા પરંતુ જે ઓવરહેડ ટાંકી ભરવા 16-17 કલાક ઇલેક્ટ્રીક મોટર ચલાવવી પડતી હતી. તે હવે 11 થી 12 કલાક ચલાવવી પડે છે અને પાણીનો પુરવઠો 24 કલાક ચાલુ રખાય છે. અગાઉ પાણીની તંગી ધરાવતુ ગામ પાણીદાર બની ગયુ છે.
તખતગઢ ગામના સરપંચ અને સદસ્યોએ એકઠા થઇ પાણીનો બગાડ અટકાવવા મીટર લગાવવાનો નિર્ણય કર્યો અને તેમાં વાસ્મોની મદદ મળી પ્રોજેક્ટ સારો હોઇ તેને નક્કર સ્વરૂપ અપાયુ હતુ. ગામમાં 350 થી વધુ મીટર લાગી ગયા છે. 24 કલાક પાણીનો પૂરવઠો ચાલુ રહે છે ગમે ત્યારે નળ ખોલો ત્યાં પાણી આવે છે ત્રીજા માળ સુધી પુરા ફોર્સથી પાણી ચઢે છે પાણીનો બગાડ પણ ઘટી ગયો છે હવે પાણીનું બિલ આવનાર હોવાથી વપરાશ પણ કરકસરયુક્ત થઇ ગયો છે. 24 X 7 પૂરા પ્રેશરથી પાણી મળી રહેતા મહિલાઓ પણ ખુશ છે રાજ્યમાં પાણીના મીટર લાગ્યા હોય તેવુ આ પ્રથમ ગામ છે. તખતગઢ ગામમાં પાણીના મીટર લગાવતાં ગામમાં પાણીની તંગી દૂર થઇ ગઇ છે અને ગ્રામજનો પાણીની તંગી દૂર થતાં ખુશખુશાલ થઇ ગયા છે.
પ્રેશરથી 24 કલાક પાણી આવે છે
પહેલાં અમારે પાણીની બહુ તંગી હતી. મોટર ત્રણ-ત્રણ કલાક ચાલવા છતાં પાણી પહોંચતું ન હતું. અમારો એરિયા ઊંચાણવાળો છે, મીટર લાગી ગયા બાદ હવે બગાડ થતો નથી અને પ્રેશરથી 24 કલાક પાણી આવે છે. જરૂરિયાત મુજબનું જ પાણી હવે વપરાય છે. > મીનલબેન પટેલ, ગૃહિણી
મીટર લગાવવાથી પાણી વપરાશમાં ઘટાડો થયો
વાસ્મોના મુખ્ય સચિવ સાથે ચર્ચા થયા બાદ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગામની પસંદગી થઇ છે 90-10 ની સ્કીમનો લાભ મળ્યો છે. ઘેર - ઘેર કનેક્શન આપી મીટર લગાવાયા છે મહિલા સમિતિ દ્વારા યોજના ચલાવાય છે. અત્યારે રૂ.500 પાણીવેરો લેવાય છે. આગામી ટૂંક સમયમાં ગામ સમિતિની બેઠક મળ્યા બાદ યુનિટના દર રીવાઇઝ કરી બિલ લેવાશે. મીટર લગાવવાથી પાણીના વપરાશમાં ઘટાડો થયો છે ઓવર હેડ ટાંકી ભરવા સવારે 6 વાગ્યે મોટર ચાલુ થતી હતી તે રાત્રે 11 વાગ્યે બંધ કરતા હતા અત્યારે સાંજે 5-6 વાગ્યે બંધ કરીએ છીએ. > નિશાંત રમણભાઇ પટેલ, સરપંચ તખતગઢ
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી