સુરત / વસીમ બિલ્લા હત્યા કેસમાં શંકાસ્પદ બાઈક મળ્યું, ફાયરિંગ કરી ભાગેલા યુવાનો CCTVમાં કેદ થયા

પાંચ રાઉન્ડ ગોળીઓ ધરબી દઈને વસીમ બિલ્લાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો(ફાઈલ તસવીર)

  • બિલ્લાની કાર આંતરીને ફાયરીંગ કરી ગોળીઓ ધરબી દેવાઈ હતી
  • શંકાસ્પદ બાઈક હત્યાના ગુનામાં વપરાઈ હોવાની પોલીસને આશંકા
  • મૃતકના ભાઈને સુરતના વહોરા સમાજના 7 લોકો પર હત્યા કરવાની આશંકા

Divyabhaskar.com

Jan 25, 2020, 02:09 PM IST

સુરતઃ નવસારીમાં છાપરા રોડ ઉપર મણીનગર સોસાયટી નજીક જીમમાંથી બહાર નીકળી ઘરે જઇ રહેલા માથાભારે વસીમ બિલ્લાની કાર રોકી ચાર જણાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી બે બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં વસીમ બિલ્લાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નવસારી એલસીબીએ બનાવની તપાસ હાથ ધરી 56 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ ફાયરિંગ કરી ભાગેલા યુવાનો નજરે ચડ્યાનું બહાર આવ્યું છે. મૃતકના ભાઈએ સુરતના વહોરા સમાજના અગ્રણી સહિત 7 જણા સામે તેના ભાઈની હત્યા કર્યાની શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે એક પછી એક તમામની પૂછતાછ શરૂ કરી છે. વસીમ બિલ્લાની કાર અટકાવી ગોળી ધરબી ભાગવા લાગ્યા હતા. એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયાની વિગતો મળી છે. પોલીસે આ બાબતની પૃષ્ટિ પણ આપીહોવાનું જાણવા મળે છે.

વેડછા નહેરમાંથી શંકાસ્પદ બાઈક મળી
નવસારીમાં બે બાઈક પર આવેલા હુમલાખોરોએ વસીમ બિલ્લા ઉપર હુમલો કરી ઇટાળવા રોડ તર થી ભાગી ગયાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરતા વેડછા ગામે આવેલી નહેરના પાણીમાંથી એક નંબર વગરની બાઈક મળી આવી હતી. પોલીસે આ બાઈકનાં ચેસીસ નબર અને એન્જિન નંબર પરથી માહિતી મેળવવાની કોશિશ કરી હતી પરંતુ આ એન્જીન અને ચેસીસ નંબર સાફ કરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી આ બાઈક હત્યાના ગુનામાં વપરાયેલી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

પાંચ રાઉન્ડ ગોળીબાર થયાનું એફએસએલ ટીમનું તારણ !
વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા નામના યુવાન ઉપર ગત રાત્રિનાં સમયે ગોળીબાર થતા આ કારની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. જેમાં ગુરૂવારે સુરત અને નવસારીની એફએસએલ ટીમે આવી તપાસ કરતા ચાર જેટલા હુમલાખોરો અને પાંચ રાઉન્ડ ગોળીબાર થયો હોવાનું જણાયું હતું. જેમાં એક મિસ ફાયર થયાનું પણ જણાયું હતું. પોલીસે આસપાસનાં સીસીટીવી કેમેરા અંગે પણ માહિતી મેળવી વધુ તપાસ કરી રહ્યા છે.

પ્રોફેશનલ શુટરનું કામ હોય શકે !
વસીમ બિલ્લાના મર્ડર બાદ પોલીસે ગતરાતથી જ નવસારીમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ હત્યારાઓ શાર્પ શુટર અને પ્રોફેશનલ શુટર હોય શકે. વસીમનો સ્વભાવ એવો હતો કે સાથે રહેતા મિત્રો સાથે પણ કોઈ નાની બાબતે સબંધ ખરાબ કરી દેતો હતો. વસીમના મોતનું કારણ ખંડણી અને અંગત ઝઘડો પણ હોઈ શકે. હાલમાં શંકાના આધારે ત્રણ યુવાનોની પૂછતાછ કરાઈ રહી છે.-વી.એ.પલાસ, પીઆઈ, એલસીબી

બોલીવુડમાં પણ સાઈડ કલાકારથી ગેંગસ્ટર તરફ વળ્યો
મૃતક વસીમ બિલ્લા પહેલા ફિલ્મમાં માણેક ઈરાની (બિલ્લો) સાથે કામ કર્યું હતું અને તેના જેવી જ બોડી હોય તેને ત્યારબાદ વસીમ મિર્ઝા નહી પરંતુ વસીમ બિલ્લા તરીકે ઓળખતા હતા. કસરતી બોડી અને સારી ઊંચાઈ ને કારણે બોલીવુડમાં સાઈડ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. તેને બોડીનું અભિમાન આવી જતા તે સુરતમાં આવી નાસીર ગેંગમાં જોડાઈને ખંડણી અને મારામારીનું કામ કરતો હતો. જેમાં વ્હોરા સમાજનાં અગ્રણી બદરી લેસવાળા ઉપર તેના ઘરે જઈને હુમલો કર્યો હતો. ભૂતકાળમાં સરદાર માર્કેટ ખાતે લીબું અને ધાણાનાં વેપારીને 20 લાખની ખંડણી બાબતે ધમકી આપી હતી ત્યારે તે ઝડપાઈ ગયો હતો. છેલ્લા ત્રણ માસથી નવસારીમાં તડીપાર તરીકે રહેતો હતો.

મૃતકના ભાઈની ફરિયાદ
વસીમ 22મી જાન્યુઆરીએ રાત્રિના 10.30 વાગ્યે જીમમાં કસરત કરી કારમાં બેસી જતો હતો ત્યારે રસ્તામાં ભૂતમામાના મંદિર નજીક મણીનગર સોસાયટી પાસે બે બાઈક પર આવેલા ચાર જેટલા હુમલાખોરોએ ગોળી ધરબી દીધી હતી. જેને સારવાર માટે નવસારીની ઓરેન્જ હોસ્પિટલમાં લઇ જતા ટુકી સારવાર બાદ મોત થયું હતું. આ બાબતે મૃતકનાં ભાઈ ફિરોઝ મિર્ઝાએ અજાણ્યા હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.-એસ.જી.રાણા, ડીવાયએસપી, નવસારી

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી