સુરત / મોબાઈલ પર કેન્સરગ્રસ્ત બાળકોની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોયા બાદ ત્રણ ભાઈઓએ જંકફૂડ છોડ્યું, મુંડન કરાવી સમાજને સંદેશો આપ્યો

  • ત્રણેય બાળકોને અઠવાડિયા બે દિવસ એક કલાક મળતા મોબાઈલમાં ડોક્યુમેન્ટરી જોઈને પરિવર્તન આવ્યું
  • વૃક્ષો રોપી ગામડાઓને આગામી દિવસોમાં પોલ્યુશન અને કેન્સરમુક્ત બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે

Divyabhaskar.com

Nov 20, 2019, 03:04 PM IST

સુરતઃ અઠવાડિયાના બે દિવસ એક એક કલાક મોબાઈલ ઉપર જંકફૂડની વીડિયો ડોક્યુમેન્ટરી જોઈ કેન્સરમાં સપડાતા બાળકોને બચાવવા સુરતના ત્રણ માસૂમ ભાઈઓએ અનોખી પહેલ કરી છે. માત્ર 6થી 11 વર્ષની ઉંમરે આ ત્રણેય ભાઈઓએ મુંડન કરાવી કેન્સરગ્રસ્ત બાળકો સાથે હોવાનો સમાજને એક સંદેશો આપ્યો છે. બાળકોની આવી પ્રવૃત્તિથી ખુશ પરિવારે પણ ત્રણેય બાળકોને પ્રોત્સાહન આપી તેમનું પીઠબળ બન્યા છે. કોમ્પ્યુટર યુગમાં મોબાઈલ અને ટીવી સાથે દિવસ પસાર કરતા બાળકોમાં આ ત્રણેય ભાઈઓ આદર્શ બની છેલ્લા આઠ મહિનાથી પરિવારની મદદ લઈ 800થી વધુ વૃક્ષો રોપી ગામડાઓને આગામી દિવસોમાં પોલ્યુશન અને કેન્સરમુક્ત બનાવવાનું અભિયાન ઉપાડી કામ કરી રહ્યા છે. સુરતમાં હાલ લગભગ 20 હજારથી વધુ વ્યક્તિઓ વિવિધ કેન્સરની બીમારી સામે લડી રહ્યા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે.

કેબલ કનેકશન જ કપાવી નાખતા ત્રણેય ભાઈઓ નેચરલ ગેઇમ્સ તરફ ફર્યા

સુહાન કનોજ લાખાણી (ધોરણ-4 નો વિદ્યાર્થી) એ જણાવ્યું હતું કે, તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. પિતા આર્કિટેક છે. તેને બે કાકા-કાકી અને તેમના 5 સંતાન એટલે કે તેને 3 પિતરાઈ ભાઈ અને 2 પિતરાઈ બહેન અને એક સગી બહેન છે. શાળાએથી આવ્યા બાદ બસ ભોજનમાં કે નાસ્તામાં જંકફૂડ એટલે કે બર્ગર-પીઝા અને બ્રેડથી બનેલી ટેસ્ટી અને ચટાકેદાર વાનગીઓ ખાતા આવ્યા છે. જેને લઈ તમામ ભાઈ-બહેનોને પણ આ વાનગીની આદત પડી ગઈ છે. જોકે, ટીવી પર આવતા બાળ પ્રોગ્રામો અને કાર્ટૂન જોવાને લઈ ટીવી રિમોટને લઈ ઝઘડતા ભાઈ-બહેનો વચ્ચેની લડાઈનો પરિવારે એક સીધો રસ્તો અપનાવી કેબલ કનેકશન જ કપાવી નાખતા ત્રણેય ભાઈઓ નેચરલ ગેઇમ્સ તરફ ફર્યા હોવાનો આનંદ છે. સાથે સાથે અઠવાડિયામાં બે દિવસ એક એક કલાક મળતા મોબાઈલ ઉપરના જંકફૂડ વીડિયો ડોક્યુમેન્ટરી જોઈ તેઓ આવી ગંભીર બીમારી સામે જાગૃત થયા છે.

કેન્સરગ્રસ્ત બાળકોની જેમ મુંડન કરાવી દુઃખમાં સહભાગી થયા

સુહાને વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી વેકેશન દરમિયાન તેઓ શનિ-રવિવારના રોજ મળતા મોબાઈલ પર જંકફૂડની વીડિયો ડોક્યુમેન્ટરી ડાઉનલોડ કરતા કરતાં બાળકોના વાળ ઉતરી જવા પાછળના કારણો આપતી એક શોર્ટ ફિલ્મ ડાઉનલોડ કરી હતી. જે જોયા બાદ પરિવારને આ બાબતે પૂછતાં ચોંકી ગયા હતા. બહારના ભોજન અને ખાસ કરીને જંકફૂડ ખાવાથી બાળકો આવી ગંભીર બીમારીમાં સપડાતા હોવાનું જોઈ અને સાંભળી તાત્કાલિક જંકડને બાય બાય કરી દીધું હતું. ત્યારબાદ આવા કેન્સરગ્રસ્ત બાળકોનું કોણ ? એમનો શુ વાંક જેવા પ્રશ્નો મનમાં ઘર કરી ગયા હતા. બસ ત્યારબાદ એક જ વિચાર આવ્યો હતો કે, આવા બાળકોની જેમ મુંડન કરાવી એમના દુઃખમાં સહભાગી થઈ. એમના જેવા રહીને જ બાળકોમાં જંકફૂડથી થતા કેન્સરની જાગૃતતા લાવી શકાય એમ છે. એટલે તાત્કાલિક મેં મારા બન્ને ભાઈઓ સાથે કાકાને લઈ જઈ મુંડન કરાવી એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે ત્રણેય ભાઈઓ સુરતથી 470 કિલોમીટર દૂર અમરેલીના સણોસરા ગામે પરિવારના વૃક્ષ રોપી ગામને પ્રદુષણ અને ત્યાંના બાળકોને કેન્સર મુક્ત રાખવાના અભિયાનમાં જોડાયા છે.

મામાના લગ્ન હોવા છતાં મુંડન કરાવવાની જીદ પકડી વાળ કપાવી નાખ્યા

પંકજ લાખાણી (સુહાનના કાકા) એ જણાવ્યું હતું કે, બાળકોના આવા વિચારથી આખું પરિવાર ખૂબ જ ખુશ છે. ખબર નહોતી કે કેબલ કનેક્શન બંધ કરાવ્યા બાદ બાળકોમાં આટલું પરિવર્તન આવશે. 9 ફેબ્રુઆરીએ સુહાનના મામાના લગ્ન હોવા છતાં એણે મુંડન કરાવવાની જીદ પકડી વાળ કપાવી નાખ્યા એ જોઈ આનંદ થયો હતો. ટીવીથી દુર આ બાળકો આજે એમ કહી શકાય કે વાર્ષિક બેથી ત્રણ વાર ગામડે જાય છે અને ત્યાંના બાળકો સાથે આખો દિવસ કુદરતી રમતો રમી દિવસ પસાર કરે છે. એમની સાથે જમીન પર બેસીને ભોજન કરે છે. અભ્યાસ કરે છે. એમના જેવા જ રહીને ભેદભાવ ને દૂર કરી રહ્યા છે. બાળકોમાં આવા સંસ્કાર જોઈ ખૂબ આનંદ થાય છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી