• Home
 • National
 • Supreme Court approves standing commission of women in army, ruling: Center's application found bias

સશ‘સ્ત્રીકરણ’ / સુપ્રીમકોર્ટનો આદેશ: સરકારના વિચારો રૂઢિવાદી, સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન અને કમાન્ડ પોસ્ટિંગ આપો...

Supreme Court approves standing commission of women in army, ruling: Center's application found bias

 • સશસ્ત્રીકરણ-સશસ્ત્ર સેનામાં હવે બરાબરીનો મોરચો
 • કમાન્ડ પોસ્ટિંગ એટલે કે કોઈ યુનિટ, કોર, કમાન્ડનું નેતૃત્વ 
 • શારીરિક મર્યાદાઓની દલીલો મુદ્દે સુપ્રીમકોર્ટે કહ્યું- સરકારે માનસિકતા બદલવી જોઈએ 
 • હવે મહિલાઓ કોર કમાન્ડર પણ બની શકશે; પરંતુ સીધા યુદ્ધમાં સામેલ નહીં થાય
 • સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે પુરુષ સૈનિક મહિલાઓના આદેશ માટે તૈયાર નથી

Divyabhaskar.com

Feb 18, 2020, 06:31 AM IST

નવી દિલ્હીઃ સુપ્રીમકોર્ટે સેનામાં મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટિંગ આપવાનો માર્ગ મોકળો કરી દીધો છે. કોર્ટે આદેશ કર્યો છે કે મહિલાઓને ત્રણ મહિના સ્થાયી કમિશન આપવામાં આવે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ કોમ્બેટ એટલે કે સીધા યુદ્ધમાં ઉતરનારી વિંગ પર લાગુ નહીં થાય. કોર્ટે સ્થાયી કમિશન નહીં આપવા પાછળ સરકારની દલીલોને રૂઢિવાદી કહીને ફગાવી દીધી હતી અને સરકારને માનસિકતા બદલવાની પણ સલાહ આપી હતી.

 • સરકારનો તર્ક આ હતો: મહિલાઓને કમાન્ડ પોસ્ટની જવાબદારી ના આપી શકાય. પુરુષો આદેશ નહીં માને.
 • સુપ્રીમકોર્ટની ફિટકાર... કહ્યું કે, આવી દલીલ પરેશાન કરનારી છે. આ તર્ક લૈંગિક ભેદભાવ દર્શાવે છે. સરકાર અને સેના તેમની માનસિકતા બદલે. કમાન્ડ પોસ્ટ પર મહિલાઓનો સંપૂર્ણ બહિષ્કાર બંધારણની કલમ 14 વિરુદ્ધ છે. મહિલાઓને ફક્ત એડમિનિસ્ટ્રેટિવ કામ પૂરતી મર્યાદિત રાખવી યોગ્ય નથી. તેમને કમાન્ડ પોસ્ટિંગ આપવામાં આવે.
 • સરકારે કહ્યું હતું: મહિલાઓ સામાજિક જવાબદારીઓના કારણે પડકારો ઝીલવા સક્ષમ નથી હોતી.
 • સુપ્રીમકોર્ટે કહ્યું... સરકારની આ દલીલ મહિલાઓની સાથે સાથે સેનાનું પણ અપમાન કરે છે. મહિલાઓની ક્ષમતા ને સિદ્ધિઓ પર સવાલ ના ઉઠાવી શકાય. એ માન્યતા ખોટી છે કે મહિલાઓ નબળી હોય છે. તે પુરુષો સાથે દરેક ક્ષેત્રમાં ખભેખભો મિલાવીને કામ કરે છે.

મહિલાઓના વકીલે કહ્યું - ‘અમે બહાદુરીનાં ઉદાહરણો સામે રાખ્યાં, શૌર્ય જીતી ગયું’
અમે કોર્ટને કહ્યું કે 28 વર્ષમાં મહિલાઓએ અનેક શૌર્યગાથાઓ લખી છે. ઉદાહરણ તરીકે, મેજર મિતાલી, જેમણે કાબુલમાં 19 લોકોને બચાવ્યા. સ્ક્વૉડ્રન લીડર મિન્ટી અગ્રવાલ, જેમણે બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે આ શૌર્યનું સન્માન કરતો ચુકાદો આપ્યો. - ઐશ્વર્યા ભાટી, વકીલ

 • 51 મહિલાનો જંગઃ સુપ્રીમકોર્ટ બહાર એક મહિલા અધિકારીએ કહ્યું કે આ ચુકાદાથી ક્વૉલિફાય કરનારા તમામ ઉમેદવારને સમાન તક મળશે. આ નિર્ણય 51 અધિકારીની અરજી પછી લેવાયો છે. સેનામાં 1,653 મહિલા અધિકારી છે, જે કુલ અધિકારીઓની સંખ્યાના 3.9% છે. હાલ 30% મહિલા તણાવગ્રસ્ત ક્ષેત્રોમાં તહેનાત છે.

અત્યાર સુધી આ સ્થિતિ

સેનામાં મહિલાઓ શોર્ટ સર્વિસ કમીશન દરમિયાન આર્મી સર્વિસ કાર્પ્સ, આર્ડનેન્સ, એજ્યુકેશન કોર્પ્સ, જજ એડવોકેટ જનરલ, એન્જિનિયર, સિગ્નલ, ઈન્ટેલિજન્સ અને ઈલેક્ટ્રિક-મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જ એન્ટ્રી મેળવી શકે છે. તેમને ઈન્ફેૈંટ્રી, ઉડ્ડયન અને તોપખાનામાં કામ કરવાની તક આપવામાં આવતી નથી.

કેન્દ્રનો તર્ક સ્વીકાર્ય નથી

સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે મહિલાઓ સેનામાં હોય એ એક વિકાસની પ્રક્રિયાને દર્શાવે છે. કોઈ પણ સૈનિકે જવાબદારી નિભાવવા માટે શારીરિક રૂપથી સક્ષમ થવું જોઈએ. કેન્દ્રએ શારીરિક ક્ષમતા અને સામાજિક માન્યતાઓને આધાર બનાવીને કહ્યું હતું કે મહિલાઓને મોટી જવાબદારી ન આપી શકાય. આ તર્કને કોઈ રીતે સ્વીકાર ન શકાય.

વાયુસેના અને નૌસેનામાં મહિલાઓને સ્થાયી કમીશનનો વિકલ્પ
ભારતીય વાયુસેના અને નૌસેના મહિલા અધિકારીઓને સ્થાયી કમીશનમાં આવવાનો વિકલ્પ આપે છે, જોકે સેનામાં તે હજી સુધી નથી. આ સિવાય વાયુસેનામાં મહિલાઓ ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટીમાં સામેલ થઈ શકે છે. શોર્ટ સર્વિસ કમીશન અંતર્ગત મહિલાઓ વાયુસેનામાં જ હેલિકોપ્ટરથી લઈને ફાઈટર જેટ ઉડાવી શકે છે. નૌસેનામાં પણ મહિલાઓ લોજિસ્ટિક્સ, કાયદો, એર ટ્રાફિક કન્ટ્રોલ, પાયલટ અને નેવલ ઈન્સપેક્ટર કેડરમાં સેવાઓ આપી શકે છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું- મહિલા સૈનિકોને પણ મળે સ્થાયી કમીશન
રક્ષા મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટના માર્ચ 2010 સુધીના ચુકાદાને કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે સેનાને પોતાના તમામ મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન આપવાનો આદેશ આપ્યો હતો.

X
Supreme Court approves standing commission of women in army, ruling: Center's application found bias

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી