બગદાદ / સુલેમાનીના જનાજામાં ઇરાકી વડાપ્રધાન સહિત લાખો લોકો સામેલ થયા, રડતાં-રડતાં ‘અમેરિકા ગો બેક’નાં નારા લગાવ્યાં

તસવીર બગદાદની છે

  • ઇરાન:  કાસીમ સુલેમાનીને તેમના હોમટાઉનમાં દફનાવાશે, અમેરિકા સામે બદલો લેવા દેખાવો
  • ઇરાક: ઇરાન સમર્થક પીએમએફ સેનાના કાફલા પર અમેરિકાનો ડ્રોન હુમલો, 6નાં મોત 
  • વિશ્વ: 20થી વધુ દેશોની પોતાના નાગરિકોને ઇરાક અને ઇરાન નહીં જવાની ચેતવણી 
  • ઇરાનની ધમકી: સૈન્ય કાર્યવાહી સામે બદલો સૈન્ય કાર્યવાહીથી જ લઈશું

Divyabhaskar.com

Jan 05, 2020, 10:20 AM IST

બગદાદ: બગદાદમાં શનિવારે ઇરાની રિવોલ્યુશનરી ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાની અને ઇરાકી અર્ધસૈનિક દળના પ્રમુખ અબુ મહેદી મુહદ્દિસના જનાજા કાઢવામાં આવ્યા હતા. મુહદ્દિસને બગદાદમાં દફનાવાયા, જ્યારે સુલેમાનીને ઇરાન લઇ જવાયા, જ્યાં તેમના હોમટાઉનમાં તેમની દફનવિધિ કરાશે. તે પહેલાં બગદાદમાં સુલેમાનીના જનાજામાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થયા. માર્ગો પર લાગણીભર્યા દૃશ્યો જોવા મળ્યા. લોકો જોર શોરથી રડી રહ્યાં હતાં અને ‘અમેરિકા મુર્દાબાદ, ઇઝરાયલ મુર્દાબાદ’નાં સૂત્રો પોકારી રહ્યાં હતાં. તેમના હાથોમાં ‘અમેરિકા ઇરાક છોડો’ના બેનર-પોસ્ટર પણ હતાં.

20થી વધુ દેશોએ નાગરિકોને ઇરાક-ઇરાન જવાની ના પાડી
ઇરાકના વડાપ્રધાન અબ્દેલ મહેદી પણ જનાજામાં સામેલ થયા હતા. જ્યારે ઇરાનમાં બીજા દિવસે પણ લાખોની સંખ્યામાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા અને સુલેમાનીની શહાદતને યાદ કરી અમેરિકાથી બદલો લેવાની માગ કરી હતી. ઇરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સુલેમાનીના ઘેર જઇને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. બીજી બાજુ મધ્ય-પૂર્વમાં વધતા તનાવની વચ્ચે કતારે શાંતિ જાળવી રાખવાની પહેલ કરી છે. કતારના વિદેશમંત્રી તહેરાન પહોંચ્યા છે. બ્રિટન, ફ્રાન્સ, રશિયા સહિત 20થી વધુ દેશોએ પોતાના નાગરિકોને ઇરાક-ઇરાન નહીં જવાની સૂચના આપી છે. તો ઇરાને યુએનને પત્ર લખી અમેરિકી કાર્યવાહીને આતંકી અને ગેરકાયદેસર ગુનાહિત કૃત્ય ગણાવ્યું છે. યુએનમાં ઇરાની રાજદૂતે કહ્યું કે સૈન્ય કાર્યવાહી સામેની પ્રતિક્રિયા સૈન્ય કાર્યવાહી હોઇ શકે છે. કોના દ્વ્રારા? ક્યારે? અને ક્યાં? કરવી છે, તે ભવિષ્યની વાત છે.

ઇરાકમાં ઉજવણી પણ થઇ: કેટલાક ઇરાકીઓએ સુલેમાનીના મોત અંગે બગદાદના માર્ગો પર ઉજવણી પણ કરી હતી.

શુક્રવારના ડ્રોન હુમલાનો અમેરિકાનો ઇનકાર
સુલેમાનીના મોત બાદ 24 કલાકમાં જ અમેરિકાએ ડ્રોનથી ઉત્તર બગદાદમાં શિયા બળવાખોર સંગઠન પીએમએફના કાફલા પર બોમ્બ વરસાવ્યા હતા. જેમાં 6 લોકોનાં મોત થયાં. જો કે અમેરિકી સેનાએ આ હુમલાનો ઇનકાર કર્યો છે.

ભારત ગલ્ફમાં શાંતિ-સ્થિરતા વિશે પોતાની કોઇ ભૂમિકા નથી જોતું
ઇરાની જનરલ કાસિમ સુલેમાનીના અમેરિકી હુમલામાં મોત મામલે ભારતનું વલણ ચોંકાવનારું છે. આ બહુ મર્યાદિત અને ઔપચારિકતા લાગે તેવો રિસ્પોન્સ છે. ભારતની પ્રતિક્રિયા જોઇને લાગે છે કે તે પશ્ચિમી એશિયામાં શાંતિ અને સ્થિરતા મામલે પોતાની કોઇ ભૂમિકા નથી જોતું. નવી દિલ્હીથી જારી થયેલું નિવેદન આપણાં રાષ્ટ્રીય હિતો સાધનારું નથી. ઇરાન અને તેની આસપાસનો વિસ્તાર આપણા માટે માત્ર ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોની દ્રષ્ટિએ જ મહત્ત્વનો નથી. આપણે એ પણ જોવું જોઇએ કે આ દેશોમાં 80 લાખ જેટલા ભારતીયો છે. યુદ્ધ થાય તો તેમને સીધી અસર થાય. ભારતે રાજદ્વારી પ્રયાસો વેગવંતા કરીને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતામાં મોટી ભૂમિકા ભજવવી જોઇએ. યુદ્ધનો ખતરો તો સામે દેખાઇ જ રહ્યો છે. અમેરિકાએ ઇરાન અને તેના નેતાઓ પ્રત્યે દુશ્મન જેવું વલણ દાખવ્યું છે. ટ્રમ્પના માનીતાઓને આ માફક આવી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધનો માહોલ તેમનાં હિત સાધે છે. થોડા દિવસોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન ઇરાનના પ્રમુખ તથા અન્ય નેતાઓ સાથે વાત કરી સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરશે. સુલેમાનીનું જે રીતે મોત થયું તેનાથી સ્પષ્ટ છે કે થોડાં વર્ષોમાં તેમનામાં અભિમાન આવી ગયું હતું. ઇરાનમાં તેઓ હીરો ગણાતા. તેમના પર ફિલ્મી ગીતો બનતાં હતાં. તેથી તેઓ બગદાદના રસ્તા પર જાહેર કાફલામાં નીકળ્યા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી