અમદાવાદ / 25 નવે.થી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય કાર્યક્રમ, કીડની-કેન્સરની ફ્રી સારવાર, 1.50 કરોડ બાળકોને આવરી લેવાશે 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Nov 24, 2019, 12:40 PM IST


અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેને પગલે ચાલુ વર્ષનો આગામી શાળા આરોગ્ય કાર્યક્રમ 25 નવેમ્બર 2019થી શરૂ થશે, જે 30 જાન્યુઆરી-2020 સુધી ચાલશે. જેમાં રાજ્યના 1.50 કરોડથી વધુ બાળકોને આવરી લેવાશે.

18 વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકોને પણ આવરી લેવાશે
આરોગ્ય વિભાગની યાદી મુજબ, મુખ્યમંત્રી સ્વામિનારાયણ ગુરૂકુળ,સેકટર-23 ગાંધીનગરથી અને નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસંડ ખાતેથી રાજ્યવ્યાપી આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી 6 વર્ષના આંગણવાડીના બાળકો, ધો.1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ (ખાનગી અને સરકારી), 18 વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને ‘4D’ પ્રમાણે આરોગ્ય તપાસ અને આરોગ્યપ્રદ સંસ્કાર-ટેવોનુ નિર્માણ કરી સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના દોઢ કરોડથી વધારે બાળકોને આવરી લેવાશે.

બાળકોના આરોગ્ય તપાસની સાથેસાથે બાળકોને પોષણક્ષમ આહાર, સ્વચ્છ વાતાવરણ, સલામત પીવાનું પાણી, આરોગ્યપ્રદ ટેવોની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા બહુવિધ હેતુસર ‘શાળા આરોગ્ય સપ્તાહ’ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર વિના મૂલ્યે
આ શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન ડૉકટર્સ તેમજ પેરા મેડીકલ અને અન્ય સ્ટાફ મળી કુલ ચાર લાખ સ્ટાફ કાર્યરત રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સંગઠનના તબીબો પણ આ કાર્યક્રમમાં જોડાશે. રાજ્યના આરોગ્ય કર્મીઓને સેટકોમના માધ્યમ દ્વારા આ અભિયાન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજયના બાળકોની આરોગ્ય તપાસ ઉપરાંત સ્થળ ઉપર સારવાર, જરૂર પડ્યે સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની સંદર્ભ આરોગ્ય સેવા, ચશ્મા વિતરણથી માંડીને તંદુરસ્તી માટેનું જરૂરી એવું આરોગ્ય શિક્ષણ પણ બાળકોને આપવામાં આવશે. તેમજ બાળકોને હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં ઝડપી સારવાર મળી રહે તે માટે ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઝડપથી મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી