અમદાવાદ / રાજ્ય સરકારનો દાવો, ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચો, એક વર્ષમાં 63 હજાર યુવાઓને રોજગારી આપી

રાજ્યવ્યાપી રોજગાર ભરતીમેળાનો પ્રારંભ કરાવી રહેલા ડાબેથી શ્રમ-રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, મુખ્યમંત્રી રૂપાણી, મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને  શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા
રાજ્યવ્યાપી રોજગાર ભરતીમેળાનો પ્રારંભ કરાવી રહેલા ડાબેથી શ્રમ-રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, મુખ્યમંત્રી રૂપાણી, મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા

  • મુખ્યમંત્રીએ 96 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 26 આઈ.આઈ.ટી.નું પણ લોકાર્પણ કર્યું 
  • ગુજરાતમાં 2022 સુધીમાં 57 લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે
  • ગુજરાત છેલ્લા એક દાયકાથી રોજગાર સર્જનમાં નંબર વનઃ મુખ્યમંત્રી 

Divyabhaskar.com

Sep 19, 2019, 05:45 PM IST

અમદાવાદઃ મુખ્યમંત્રી રૂપાણીએ શ્રમ-રોજગાર વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે તેમણે 196 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 26 આઈ.આઈ.ટી.નું પણ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી જણાવ્યું કે, આવનારા સમયમાં ‘સ્કિલ ઇન્ડીયા’ વિકાસનો આધાર બનશે. પ્રધાનમંત્રી ‘મેઇક ઇન ઇન્ડીયા’ના સંકલ્પને યુવાશકિતના કૌશલ્યવર્ધનથી સાકાર કરવા પ્રતિબદ્ધ છે. ત્યારે બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનેલા ગુજરાતમાં 2022 સુધીમાં 57 લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે. ગુજરાતે ‘હર હાથ કો કામ’ અને ‘શ્રમેવ જયતે’નો મહિમા કરતાં 17 લાખ યુવાઓને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં તાલીમબદ્ધ કર્યા છે. જ્યારે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યું કે, એક વર્ષમાં 392 ભરતી મેળા યોજીને રાજ્યના 63 હજાર યુવાઓને રોજગારી આપવામાં આવી છે.

ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચોઃ શ્રમ અને રોજગાર મંત્રી
જ્યારે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર છે. તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલ ચંદીગઢ લેબર બ્યુરોના અહેવાલ મુજબ સમગ્ર દેશમાં 1000 યુવાનો એ 50 યુવાનો બેરોજગાર છે, જ્યારે ગુજરાતમાં આ સંખ્યા માત્ર નવ છે એટલે કે ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘સ્કિલ ઇન્ડિયા’ને વધુ પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 77 હજાર યુવાઓને તાલીમ અપાઇ છે. જ્યારે વધુ 66 હજાર યુવાઓને હાલ તાલીમ અપાઇ રહી છે.

27 મોબાઇલ વાન દ્વારા કારખાનામાં કામ કરતા શ્રમિકોના રોગો ઉગતા જ ડામી દેવાશે
મંત્રી દિલીપ ઠાકોરે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં આ ભરતી મેળા દ્વારા લાખો યુવાઓને રોજગારી આપી છે. આગામી પખવાડિયામાં રોજગાર ભરતી મેળા અંતર્ગત 35 હજારથી વધુ યુવાઓ રોજગારી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સમગ્ર દેશમાં પ્રથવાર કારખાનામાં કામ કરતા શ્રમયોગીના સ્વાસ્થ્યની સંભાળ માટે SACHET એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં રાજ્યભરમાં 27 મોબાઇલ વાન દ્વારા વિવિધ શહેરોમાં કારખાનામાં કામ કરતા શ્રમિકોના રોગો ઉગતા જ ડામવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે. જે માટે રૂ. 15 કરોડની જોગવાઇ કરાઇ છે. આ ઉપરાંત ઓછા સ્ટાફ દ્વારા કારખાનાઓનું વધુ પારદર્શિતાથી નિરીક્ષણ કાર્ય થઇ શકે તે હેતુથી SIMPLE એપ લોન્ચ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ SIMPLE અને SACHET મોબાઈલ એપ લોન્ચ કરી
મુખ્યમંત્રીના હસ્તે શ્રમ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરાયેલી SIMPLE અને SACHET મોબાઈલ ઍપ્લીકેશન્સનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું જેમાં SIMPLE-શ્રમ ઈન્સપેકશન મોબાઈલ પોર્ટલ ફોર લેબર એન્ડ એમ્પલોયર મારફતે લેબર ઇન્સ્પેક્શનની પ્રક્રિયામાં પારદર્શક્તા આવશે અને ઇન્સ્પેક્શનની રિમાર્કસ સ્થળ ઉપર જ અપલોડ કરી શકાશે . જયારે SACHET-સેફ્ટી એન્ડ કોમ્પ્રીહેન્સીવ હેલ્થ એન્વાયર્મેન્ટ ટેસ્ટ વડે ઔદ્યોગિક એકમોમાં કામ કરવાની સ્થિતિ અંગેનું મોનિટરીંગ થઈ શકશે.

એપ્રેન્ટીસશીપ પૂરી પાડવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમેઃ શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ
જ્યારે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના યુવા રોજગારીલક્ષી સક્રિય પ્રયત્નોના ભાગરૂપે રોજગાર ભરતી મેળા પખવાડિયાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સૌથી વધુ યુવાઓને એપ્રેન્ટીસશીપ પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. 77 હજારથી વધુ યુવાઓને એપ્રેન્ટીસ તાલીમ આપવામાં આવી છે તે ઉપરાંત એક વર્ષમાં વિવિધ સ્થળોએ 392 ભરતી મેળા યોજીને રાજ્યના 63 હજાર યુવાઓને રોજગારી આપવામાં આવી છે.

X
રાજ્યવ્યાપી રોજગાર ભરતીમેળાનો પ્રારંભ કરાવી રહેલા ડાબેથી શ્રમ-રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, મુખ્યમંત્રી રૂપાણી, મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને  શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રારાજ્યવ્યાપી રોજગાર ભરતીમેળાનો પ્રારંભ કરાવી રહેલા ડાબેથી શ્રમ-રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, મુખ્યમંત્રી રૂપાણી, મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી