ગુજરાતમાં ‘કૂતરા કૌભાંડ’ / 500 પાંજરા છતાં બમણી કિંમતે 600 વધુ ખરીદાયા, ખસીકરણમાંથી કમાણી માટે બહારથી કૂતરા પકડી લવાયા

પાંજરે પુરાયેલ કૂતરા
પાંજરે પુરાયેલ કૂતરા
ઘુમા, શિલજ, શેલા જેવા વિસ્તારોમાંથી કૂતરા પકડીને શહેરમાં છોડી મૂકાય છે
ઘુમા, શિલજ, શેલા જેવા વિસ્તારોમાંથી કૂતરા પકડીને શહેરમાં છોડી મૂકાય છે
અમદાવાદમાંકોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવેલા નવા પાંજરા. જે રખડતા કૂતરાને પૂરવા માટે હોય છે. મોટાભાગના પાંજરા ખાલી હોય છે.
અમદાવાદમાંકોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવેલા નવા પાંજરા. જે રખડતા કૂતરાને પૂરવા માટે હોય છે. મોટાભાગના પાંજરા ખાલી હોય છે.

 • અમદાવાદમાં કૂતરાની સમસ્યા પાછળ વર્ષે 4-5 કરોડનો ખર્ચ છતાં ડૉગ બાઇટમાં 270%નો વધારો
 • AMCને રખડતા કૂતરા પકડવા કરતા પાંજરાની ખરીદી-રીપેરીંગમાં વધારે રસ 
 • ખસીકરણની  કામગીરીમાં અધિકારી દીઠ કમિશન, માનીતી સંસ્થાને કૉન્ટ્રાક્ટ
 • જેની પાસેથી 10 હજારમાં પાંજરા ખરીદ્યા તે કંપનીને 3 હજારના ભાવે રીપેરીંગનું કામ 
 • મોટાભાગની મનપામાં એનિમલ બર્થ કન્ટ્રોલની કામગીરી માત્ર કાગળ પર
 • ઘુમા, શિલજ, શેલા જેવા વિસ્તારોમાંથી કૂતરા પકડીને શહેરમાં છોડી મૂકાય છે 

Divyabhaskar.com

Oct 19, 2019, 02:25 AM IST

શાયર રાવલ, અમદાવાદ: ભ્રષ્ટ અધિકારીઓએ કમાણી માટે કૂતરાઓને પણ બાકાત નથી રાખ્યા. અમદાવાદમાં એનિમલ બર્થ કન્ટ્રોલ (એબીસી) હેઠળ રખડતા કૂતરાની સમસ્યા પર અંકુશ મૂકવા માટેની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં થયો છે. સરકાર દ્વારા આ પ્રોગ્રામ પાછળ દર વર્ષે આશરે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યોં છે. જેમાં ખાસ કરીને કુતરાઓનું ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવતી હોય છે. રાજ્યના આઠ મહાનગરનો પૈકી રાજકોટ મહાનગરને બાદ કરતા અન્ય મહાનગરોમાં એબીસી પ્રોગ્રામની કામગીરી નબળી જોવા મળી હતી. એએમસીના કેટલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (સીએનસીડી) ખાતાના અધિકારીઓએ કુતરાઓને પુરી રાખવા માટેના કેનાલ્સ (પાંજરા) ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ વિભાગ પાંચ હજારની બજાર કિંમતના પાંજરા માટે 10 હજાર રૂપિયા ચૂકવાયા હતા. વિભાગ દ્વારા માનીતી સંસ્થાઓને ખસીકરણ કામગીરીનો કૉન્ટ્રાક્ટ અપાયો હોવાના આક્ષેપો છે. જે એજન્સીને પાંજરાનો કૉન્ટ્રાક્ટ અપાયો તેને જ પાંજરા દીઠ 3 હજારના ભાવે રિપેરીંગનું કામ અપાયું હતું. એબીસી પાછળ વર્ષે 4.-5 કરોડના ખર્ચ છતાં શહેરમાં ડૉગ બાઇટમાં 270 ટકાનો વધારો નોંધાયો છે.
રાજ્યના 7 શહેરોની સ્થિતિ: સુરતમાં બ્લેકલિસ્ટેડ સંસ્થાને કામ સોંપાયું, જૂનાગઢમાં તો કામ જ શરૂ થઈ શક્યું નથી
સુરત: કર્મચારીઓ-અધિકારીનું કૂતરા દીઠ કમિશન, 2 કરોડનો ખર્ચ
જે સંસ્થાને કામગીરી સોંપાઈ છે તે સંસ્થાને ભુતકાળમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ બ્લેકલિસ્ટ કરી હોવાની ચર્ચા છે. મહિને 700 જેટલા કુતરાનું ખસીકરણ થાય
વડોદરા: વર્ષે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ, મહિને 800નું ખસીકરણ
એબીસી પ્રોજેક્ટ માટે બે સંસ્થા કાર્યરત છે. કુતરાઓને મુકી રાખવા બંને સંસ્થા પાસે 150 જેટલા પાંજરા છે. વડોદરામાં હાલ અંદાજીત 10 હજાર કુતરાઓનું ખસીકરણ
જુનાગઢ: 2016માં વર્ક ઑર્ડર અપાયો છતાં હજુ જગ્યા સુદ્ધા ફાળવામાં આવી નથી
જુનાગઢ મહાનગર પાલીકામાં એબીસીની કામગીરી સંપૂર્ણપણે બંધ છે. 2016માં સંસ્થાઓને વર્ક ઓર્ડર આપ્યો હતો, પણ જગ્યા સુદ્ધા ફાળવવામાં આવી નથી.
જામનગર: બે વર્ષથી કામગીરી બંધ, ફંડ નહીં હોવાથી લોકો ઈશ્વર ભરોસે
બજેટના અભાવે જામનગરમાં બે વર્ષથી કામગીરી બંધ છે. દાતા મળે તો પ્રોગ્રામ શરૂ થાય એવી સ્થિતિ છે. અહીં 25 હજાર કુતરા છે. માત્ર 20 ટકાનું ખસીકરણ થયું છે.
ભાવનગર: લોકોને કરડતા કૂતરા તંત્રને દેખાતા નથી, કોઈ સરવે નહીં
અત્યાર સુધી આ પ્રોગ્રામ શરૂ થયો નથી. કુતરાની સંખ્યા કેટલી છે એ વિશે કોઈ સરવે કરાયો નથી. કુતરાઓ કરડવાના બનાવો પણ અહીં સતત વધી રહ્યાની ફરિયાદો છે.
ગાંધીનગર: એક કરોડના ખર્ચનો અંદાજ, મોટાભાગના પાંજરા જર્જર
જાન્યુઆરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. દાહોદની સંસ્થા 9 મહિનાથી કામ કરે છે. જર્જર પાંજરામાં બે-ત્રણ કુતરા ભરી રાખવામાં આવે છે. 1 કરોડના ખર્ચનો અંદાજ છે.
રાજકોટ: રાજ્યમાં સૌથી સારું કામ, 90% કૂતરાના ખસીકરણનો દાવો
આ કામગીરી માટે રાજકોટ અગ્રેસર છે. 90% થી વધુ કુતરાનું ખસીકરણ કરાયાનો દાવો છે. મહિને 350નું ખસીકરણ થાય છે. ભવિષ્યમાં શહેર રેબીઝ ફ્રી બને તો નવાઈ નહીં.
કોર્પોરેશનના કમાઉ કૂતરા: 5 હજારના પાંજરા માટે 10 હજાર ચૂકવાયા, કાગળ પરના ખસીકરણ માટે પેમેન્ટ થયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ ન્યૂસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (સીએનસીડી) ખાતાના ઉચ્ચ અધિકારીઓએ કુતરાઓને પુરી રાખવા માટેના કેનાલ્સ (પાંજરા) ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં રખડતા કુતરાઓનું ખસીકરણ કર્યા બાદ ત્રણ-ચાર દિવસ સુધી એનિમલ હોસ્પિટલમાં ઓબઝર્વેશનમાં રાખી શકાય તે માટે કોર્પોરેશનને ગયા માર્ચ મહિનામાં 600 જેટલા પાંજરા ખરીદવા ઓર્ડર આપ્યો હતો. એક પાંજરાનું વજન આશરે 100 કિલો અને કિંમત 9,676 રૂપિયા લેખે વર્કઓર્ડર રિલિઝ કરાયો હતો. એપ્રિલ મહિનામાં આ પાંજરા તૈયાર થઈને આવ્યા ત્યારે તેનું વજન આશરે 55થી 60 કિલો વચ્ચે હતું. ત્રણ એનિમલ હોસ્પિટલમાં હાલની સ્થિતિએ 500થી વધુ પાંજરા ઉપલબ્ધ છે. જે પૈકીના અડધા પાંજરા ખાલી પડી રહેતા હોય છે. નવા બનાવેલા પાંજરાઓનો સંગ્રહ કરવા માટે એએમસી પાસે જગ્યા પણ નથી.
કાગળ પર ખસીકરણ, સંખ્યા બે-ત્રણ ગણી દર્શાવી બીલો પાસ કરાયા
એક કુતરાના ખસીકરણ પાછળ સરકાર અમદાવાદની ત્રણ સંસ્થાને 900 રૂપિયા ચૂકવે છે. દાણિલિમડા સ્થિત સંસ્થા સિવાય બીજી બે સંસ્થામાં કોર્પોરેશનને CCTV મૂક્યા નથી. સંસ્થાઓ દ્વારા કાગળ ઉપર કુતરાઓના ખસીકરણની બે-ત્રણ ગણી સંખ્યા બતાવી બીલો પાસ કરવામાં આવતા હોવાનું સ્કેમ ચાલતું હોવાનો આક્ષેપ છે. અમદાવાદમાં કુતરાઓની સંખ્યા ઘટે નહીં અને ABCનો પ્રોજેક્ટ કાયમ ચાલતો રહે તે માટે આ સંસ્થાઓ અમદાવાદ હદ બહારના બોપલ, ઘુમા, શૈલા, શિલજ સહિતના વિસ્તારોમાંથી કુતરા પકડી લાવી અમદાવાદ શહેરમાં છોડતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અન્ય મહાનગરોમાં પણ આવી જ સ્થિતી જોવા મળી રહી છે. મોટાભાગ સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા જ નથી..
પાછલે બારણે ઠરાવ કરીને માનીતી સંસ્થાને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયો
અમદાવાદમાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC)નો પ્રોગ્રામ કાર્યરત છે. કુતરાઓની વધતી જતી સંખ્યાને નિયંત્રણમાં રાખવા ABC માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડરિંગ કરી ત્રણ સંસ્થાઓને ઝોન પ્રમાણે કામની વહેચણી કરાઈ હતી. આક્ષેપ એવો છે કે, જે સંસ્થાઓને કામગીરીની મંજૂરી મળી હતી તેમણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે વહિવટ કર્યો નહોંતો આ કારણે તેમને આપેલી કામગીરી પાછી ખેંચવામાં આવી હતી અને પાછલા બારણે ઠરાવ કરીને અન્ય સંસ્થાઓને એક કુતરાના રસીકરણ માટે 900 રૂપિયા લેખે કામગીરી સોંપવામાં આવી હતી.
પાંજરાની કિંમત પાંચ હજારથી વધુ નહીં, 10 હજાર રૂપિયા ચૂકવાયા
લોખંડના પાંજરાના વેપારી મુકેશ જાંગીડે જણાવ્યું હતું કે લોખંડનો માર્કેટ ભાવ 40 રૂપિયા છે. વેલ્ડિંગ-કલર પાછળ કિલોએ 30 રૂપિયાની મજુરી થાય. આમ એક પાંજરાનું વજન 60 કિલો હોય તો તેની કિંમત 4200 રૂપિયાથી વધી શકે નહીં. આ કિંમત ઉપર 20 ટકા જીએસટી ગણવામાં આવે તોય પીંજરાની કિંમત પાંચ હજારથી વધુ ન થાય.
કૂતરા પાંજરા તોડીને ભાગ્યા બાદ પાંજરાની પોલ ખુલી
એનિમલ રાઇટ ફંડના ભાવિક શાહના જણાવ્યા પ્રમામે વરસાદ દરમિયાન આ વર્ષે પણ દાણિલિમડા સ્થિત ખસીકરણ કેન્દ્રમાં પાણી ભરાયા હતાં. આ કારણે કામગીરી અટકાવી પડી હતી. નવા પાંજરામાં કુતરાઓને મુકતા તેમાંથી તેઓ સળીયા તોડીને ભાગી જવાના બનાવો વધ્યા હતાં. તપાસ કરતા આ પાંજરા AWBIની ગાડઈલાઈન મુજબ નહોંતા.
કૂતરા પર અંકુશના નામે આ રીતે થયો ભ્રષ્ટાચાર

 • શહેરમાં 10 વર્ષમાં 4 લાખ લોકોને રખડતા કૂતરા કરડ્યા
 • 2011ની ગણતરી પ્રમાણે શહેરમાં અંદાજે 2.15 લાખ રખડતા કૂતરા
 • 10 વર્ષમાં કૂતરા કરડવાની ઘટનાઓમાં 270%નો વધારો
 • શહેરમાં સરેરાશ 10 લોકોને રખડતા કૂતરા કરડે છે
 • રખડતા કૂતરા પાંજરે પૂરવાના નામે ભ્રષ્ટ અધિકારીઓ મુક્ત

રિપેરીંગ માટે પાંજરા દીઠ ત્રણ હજારની કિંમતે કૉન્ટ્રાક્ટ અપાયો

રખડતા કૂતરાના ખસીકરણ માટે તેને પકડીને પાંજરામાં ત્રણ-ચાર દિવસ રાખવામાં આવે છે. એએમસી પાસે આવા 500 પાંજરા છે. જેમાંથી અડધો અડધ ખાલી રહેતા હોવા છતાં 600 નવા પાંજરા બમણી કિંમતે ખરીદવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે 10 હજારના કિંમતે ખરીદાયેલા પાંજરાના રિપેરીંગ માટે પાંજરા દીઠ ત્રણ હજારની કિંમતે કૉન્ટ્રાક્ટ અપાયો છે. આ કામ પણ એ જ કંપનીને સોંપાયું છે જેની પાસેથી પાંજરા ખરીદવામાં આવ્યા હતા.

એક તરફ: એકલા અમદાવાદમાં 10 વર્ષમાં 4 લાખથી વધુ લોકોને કૂતરા કરડ્યા, કૂતરા કરડવાની ઘટના 2007માં 20 હજારથી વધીને 2016માં 54 હજાર થઈ
બીજી તરફ: ખસીકરણ માટે કૂતરાદીઠ 900થી 1800ના દરે કોન્ટ્રાક્ટ અપાયા, કાગળ પર કામગીરી, 100 કિલોના પાંજરા આવ્યા ત્યારે 60 કિલોના હતા.

X
પાંજરે પુરાયેલ કૂતરાપાંજરે પુરાયેલ કૂતરા
ઘુમા, શિલજ, શેલા જેવા વિસ્તારોમાંથી કૂતરા પકડીને શહેરમાં છોડી મૂકાય છેઘુમા, શિલજ, શેલા જેવા વિસ્તારોમાંથી કૂતરા પકડીને શહેરમાં છોડી મૂકાય છે
અમદાવાદમાંકોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવેલા નવા પાંજરા. જે રખડતા કૂતરાને પૂરવા માટે હોય છે. મોટાભાગના પાંજરા ખાલી હોય છે.અમદાવાદમાંકોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવેલા નવા પાંજરા. જે રખડતા કૂતરાને પૂરવા માટે હોય છે. મોટાભાગના પાંજરા ખાલી હોય છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી