હું, તમે ને સેલિબ્રિટી / ‘છેલ્લો દિવસ’ની કૉફી ગર્લ પ્રાપ્તિએ કહ્યું, બસમાં હું સેફ્ટી પીન સાથે રાખતી, કોઈ ટચ કરે તો મારી દેતી

X

Divyabhaskar.com

Nov 01, 2019, 11:22 AM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ  divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના આઠમા એપિસોડમાં ‘છેલ્લો દિવસ’ ફૅમ કૉફી ગર્લ એટલે કે પ્રાપ્તિ અજવાળીયા સાથે ખાસ મુલાકાત કરી હતી. પ્રાપ્તિએ પોતાના જીવનની રસપ્રદ વાતો કરી હતી. પ્રાપ્તિ મલ્ટી ટેલેન્ટેડ છે અને તેમણે સંસ્કૃત-હિંદી ભાષામાં વિશારદ કરેલું છે. યુનિવર્સિટી ટોપર તથા ગોલ્ડ મેડાલિસ્ટ પ્રાપ્તિના પપ્પા-મમ્મી (કે.પી. અજવાળીયા તથા દીપિકા અજવાળીયા) એક્ટિંગ વર્લ્ડ સાથે સંકળાયેલા છે. પ્રાપ્તિના પિતા એસબીઆઈ બેંકમાં કામ કરતાં અને સાથે સાથે એક્ટિંગ પણ કરતાં હતાં. પ્રાપ્તિના પતિ ભાવિક જગડ આઈટી ફિલ્ડમાં જોબ કરે છે. પ્રાપ્તિ પણ આઈટી ફિલ્ડમાં જ કામ કરે છે અને સાથે-સાથે ફિલ્મ્સ પણ કરે છે. પ્રાપ્તિએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે બસમાં કોઈ ટચ ના કરે તે માટે તેઓ સાથે સેફ્ટી પીન રાખતાં અને જો કોઈ સ્પર્શ કરવાનો પ્રયાસ કરે તો પીન મારી દેતાં હતાં. 

divyabhaskar.com સાથે પ્રાપ્તિ અજવાળીયાની ખાસ વાતચીત

તમારું સ્કૂલિંગ કયા થયું છે અને ભણવામાં તમે કેવા હતાં?

હું અમદાવાદમાં મણિનગરની શ્રીદુર્ગા વિદ્યાલયમાંથી ભણી છું. આજની તારીખમાં પણ મારા સ્કૂલ તથા ટીચર્સ સાથે રિલેશન છે. મારા સ્કૂલના દિવસો ઘણાં જ સારા રહ્યાં છે. ભણવામાં હું ઘણી જ હોંશિયાર હતી. સ્કૂલમાં હું બે ચોટલા, અદબ-પલાઠી મોં પર આંગળી રાખીને ભણતી હતી. ટીચર કહે એ બધી જ વાત માનવાની. હોમવર્ક રોજ કરીને જવાનું. હું મોનિટર હતી અને સ્કૂલમાં બધા ગાળો પણ આપતાં હતાં. મોનિટર હોવાને નાતે મારે હોમવર્ક ચેક કરવાનું રહેતું પરંતુ હું મારા ફ્રેન્ડ્સને પણ જવા દેતી નહોતી. 

નાનપણથી નક્કી હતું કે તમે એક્ટિંગ ફિલ્ડમાં જ આગળ વધશો?

ના, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક્ટિંગ ફિલ્ડમાં આવીશ. આજે પણ માત્ર શોખને કારણે હું એક્ટિંગ કરું છું. મને અલગ-અલગ રોલ કરવા ગમે છે. હું દોઢ વર્ષની હતી, ત્યારથી એક્ટિંગ કરું છું. 

દોઢ વર્ષની ઉંમરમાં કઈ રીતની એક્ટિંગ કરી હતી?

સાડી સિલેક્શનની જાહેરાતમાં કામ કર્યું હતું, જેમાં સૌથી છેલ્લે જે-તે સિલેક્શનની સાડીનું નામ બોલીને જાહેરાત પૂરી થતી હતી. 

તમારા પેરેન્ટ્સને કારણે જ તમે આ ફિલ્ડમાં આવ્યાં?

હા, હું તેમને કારણે જ આ ફિલ્ડમાં છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ ફિલ્ડમાં કામ કરીશ. જોકે, મમ્મી-પપ્પાની સાથે રિહર્સલ કરવા જતી હતી. મને પણ ખ્યાલ ના રહ્યો કે હું કેવી રીતે આ ફિલ્ડમાં આવી ગઈ. બહુ સિમ્પલ જર્ની રહી છે. ક્યાંક મમ્મી કે પપ્પા સાથે ગયા હોઈએ અને તેઓ પૂછે કે કરવો છે રોલ? અને હું હા પાડતી. ધીમે-ધીમે આ ફિલ્ડમાં હું આવી ગઈ. 

ઘરમાં તમને પેરેન્ટ્સ શું કહીને બોલાવે?

ઘરમાં બધા મને પેપ્સી કહીને બોલાવે છે. મારા મોમ-ડેડને પહેલાં બે બાબા હતાં પણ બંને એક્સપાયર થઈ ગયા હતાં. ત્યારબાદ મારો જન્મ થયો હતો. જ્યારે મારો જન્મ થયો ત્યારે ડોક્ટર્સે એવું કહ્યું હતું કે જો આ બેબી 48 કલાક જીવી જશે તો જ બચશે. મને ઈનક્યૂબેટરમાં રાખવામાં આવી હતી. મમ્મી બીજી હોસ્પિટલમાં હતી અને પપ્પા બે દિવસથી જમ્યા વગર હોસ્પિટલમાં રહેતા હતાં. આ સમય દરમિયાન એકવાર પપ્પા હારી-થાકીને પેપ્સી પીવા બેઠાં હતાં અને ત્યારે જ તેમને ખબર પડી કે તેમની દીકરી હવે આઉટ ઓફ ડેન્જર છે. જ્યારે કમ્પાઉન્ડરે આ વાત કહી ત્યારે પપ્પાના હાથમાં પેપ્સી હતી અને મારી રાશિ પણ કન્યા હતી, એટલે પપ્પાએ મારું નામ પેપ્સી પાડી દીધું હતું. 

‘છેલ્લો દિવસ’ કર્યો એ પહેલાંની તમારી જર્ની વિશે જણાવો?

આ જર્ની પણ મારી ઘણી જ સારી રહી હતી. ‘ભૂકંપ 2001’માં મેં ચાઈલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવી હતી. મેં દશામા, ખોડિયારામાતા પર બનેલાં ગુજરાતી આલ્બમ પણ કરેલા છે અને તે કરવાની ઘણી જ મજા આવી હતી. ડોક્યુમેન્ટરી તથા નાટકો ઘણાં જ કર્યાં છે. નાટકોમાં મેં ટ્રેજડી પાત્ર ભજવ્યાં છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોમેડી કરીશ. મારા મતે, કોમેડી ઘણી જ અઘરી વસ્તુ છે. મને એવું હતું કે મને કોમેડી નહીં ફાવે પણ ચાહકોએ મને કોમેડીમાં જ સ્વીકારી લીધી. 

અભ્યાસ અને કામ, બંને વચ્ચે કેવી રીતે બેલેન્સ કર્યું?

વચ્ચે એક સમય આવ્યો હતો, જ્યારે હું એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં હતી ત્યારે મને એવું થયું કે મારે હવે આ બધું સાઈડમાં મૂકી દેવું જોઈએ અને મારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ. જ્યારે મેં આ બધું સાઈડમાં મૂક્યું ત્યારે મારા ગ્રેડ ઓછા થઈ ગયા હતાં. એટલે મેં પાછું આ બધું શરૂ કર્યું અને મારા ગ્રેડ પાછા સારા આવવા લાગ્યાં. મારા મતે, તમે જ્યારે એક જ કામ કરો છો ત્યારે તમે બોરિંગ અને આળસુ થઈ જાવ છો. તમે જ્યારે એક સાથે બે કામ કરો તો તમે ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે શીખી શકો છો. મલ્ટી-ટાસ્કિંગથી જ તમે આ શીખો છો. 

નાનપણમાં શું બનવાનું વિચાર્યું હતું?

મારી ફર્સ્ટ ચોઈસ ટીચર બનવાની હતી અને સેકન્ડ ચોઈસ સાયન્ટિસ્ટ બનવાની હતી. હું યુનિવર્સિટી ટોપર રહી ચૂકી છું અને એન્જિનિયરિંગ બાદ મને સારી-સારી કંપનીમાંથી ઓફર આવતી હતી પરંતુ મેં ટીચર બનવાનું વધુ પસંદ કર્યું હતું. 

કોલેજ લાઈફ કેવી રહી?

મેં ચાંગાથી એન્જિનિયરિંગ કર્યું હતું. બહુ જલસા કર્યાં હતાં. કોલેજ દરમિયાન યુથ ફેસ્ટિવલમાં ભાગ લેતી, કોઈ પણ ઈવેન્ટ એવી ના હોય, જેમાં મેં ભાગ ના લીધો હોય. જો ભાગ ના લઉં તો મને પેરેન્ટ્સ બોલે કે તે કેમ પાર્ટિસિપેટ ના કર્યું? નંબર આવે ના આવે, હું તો બસ ભાગ લઈ લેતી. કોલેજમાં હું ભાગ્યે જ બંક મારતી હતી. મારા ફ્રેન્ડ્સ મને બહુ ગાળો આપતા હતાં. જ્યારે આખો ક્લાસ માસ બંક કરવાનું નક્કી કરે તો પણ હું તો કોલેજ જતી જ રહેતી હતી. હું માસ બંક કરવામાં બહુ ઓછો સપોર્ટ કરતી. કોલેજ સાથે પણ આજની તારીખમાં પણ રિલેશન છે. બીટેક બાદ મેં એમટેક કર્યું. જ્યારે હું ચાંગા ભણતી ત્યારે અપડાઉન કરતી અને સાંજે સાડા છએ ઘરે આવતી. ઘણીવાર એવું બનતું કે હું કોલેજથી ડાયરેક્ટ નાટકના રિહર્સલ માટે જતી રહેતી. નાટક ‘બુદ્ધિધન’માં મારા પેરેન્ટ્સ પણ હતાં. આ નાટક સરસ્વતીચંદ્ર તથા કુમુદસુંદરી પર આધારિત હતું અને હું કુમુદસુંદરીનો રોલ કરતી હતી. રિહર્સલ પતાવીને 10 વાગે પેરેન્ટ્સ સાથે ઘરે જતી અને પછી એસાઈન્મેન્ટ લખતી હતી. રાત્રે એક-બે વાગે સૂતી અને બીજા દિવસે પાછી સાત વાગે ઉઠીને કોલેજ જતી. કોલેજ જતાં દોઢ કલાકનો સમય થતો એટલે ઊંઘ બસમાં જ પૂરી કરી લેતી હતી. 

બસમાં ક્યારેય છેડતીનો અનુભવ થયો?

કોલેજ જવા માટે કોલેજબસ હતી, એટલે તેમાં ક્યારેય છેડતી થવાનો સવાલ થતો નથી. જોકે, કોલેજ બસ સિવાય જો અન્ય બસમાં મુસાફરી કરવાની થાય તો લોકો હાથે કરીને અડવાનો પ્રયાસ કરતાં હતાં. આવો પ્રયાસ દુનિયાની એકે એક છોકરી જોડે થયો હશે, એવું હું કહી શકું છું. કોઈ પણ એમાંથી બાકાત નહીં જ હોય. કોઈક બોલતું હશે, કોઈક નહીં બોલતું હોય. આ બધી બાબતોમાં હું બહુ ગુસ્સાવાળી છું. એક-બે બનાવો બાદ હું મારી સાથે સેફ્ટી પીન રાખતી. જો કોઈ થોડો પણ હાથ નજીક લાવે એટલે હું સેફ્ટી પીન મારી દેતી હતી. સેફ્ટી પીન મારી હોય એ વ્યક્તિ ક્યારેય ફરિયાદ કરી શકે નહીં, કારણ કે જો એ એમ કરે તો હું એમ જ કહું કે તમારો હાથ અહીંયા શું કરતો હતો? 

‘છેલ્લો દિવસ’ ફિલ્મ કેવી રીતે મળી?

વોટ્સએપમાં ઓડિશનને લઈ મેસેજ આવ્યો હતો. જવું ના જવું એવું થતું હતું પરંતુ પછી ઓડિશન આપવા ગઈ હતી. ઓડિશનમાં મને ધુલાની (આર્જવ ત્રિવેદી) ગર્લફ્રેન્ડનો ડાયલોગ આપ્યો હતો. આખા પેજ ભરીને ડાયલોગ્સ હતાં પરંતુ હું બે જ ડાયલોગ બોલી અને ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકે મને વંદનાની સ્ક્રિપ્ટ આપવાનું કહ્યું હતું. સ્ક્રિપ્ટ આપતી વખતે મને કહેવામાં આવ્યું કે મારે એકદમ સ્પીડમાં આ ડાયલોગ્સ બોલવાના છે, આમાં મારે ફોનવાળો આખો ડાયલોગ બોલવાનો હતો. 15 મિનિટમાં જ મેં આ ડાયલોગ ગોખી નાખ્યાં હતાં, આમાં હું મારા એજ્યુકેશનનો આભાર માનીશ, કારણ કે એના કારણે જ મારી ગોખણશક્તિ સારી થઈ છે. 15 મિનિટ પછી જ્યારે હું ડિરેક્ટરસર પાસે ગઈ તો તેમને લાગ્યું કે હું કોઈ ઈશ્યૂ કે મૂંઝવણ લઈને આવી છું પણ મેં કહ્યું કે મને યાદ રહી ગયું છે. હું માંડ ત્રણ-ચાર ડાયલોગ બોલી ત્યાં તો તેમણે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તાળીઓ પાડવા લાગ્યાં હતાં અને ખુશ થઈ ગયા હતાં. મને ત્યારે જ કહી દીધું હતું કે તમે 90 ટકા આ ફિલ્મમાં છો જ, બાકી તમને ફોન કરીને ફાઈનલ કહીશું. 

‘છેલ્લો દિવસ’નો ફાઈનલ કોલ ક્યારે આવ્યો હતો?

મેરેજ માટે હું એક છોકરો જોવા ગઈ હતી, ત્યાં પર્સનલ મિટિંગ માટે અમે રૂમમાં બેઠાં હતાં અને ફોન આવ્યો હતો. આ સમયે મેં એ છોકરાને કહ્યું હતું કે કામનો કોલ છે, રીસિવ કરવો પડશે અને મને ફોનમાં વંદનાના રોલ માટે સિલેક્ટ કરી હોવાનું કહેવામાં આવ્યું હતું. મેં ઓકે-ઓકે કહીને ફોન મૂકી દીધો હતો. પાછા ફરતી વખતે કારમાં પેરેન્ટ્સને ફિલ્મમાં રોલ મળ્યાં અંગે વાત કરી હતી. 

પેરેન્ટ્સનું રિએક્શન શું હતું?

મારા પપ્પા એસબીઆઈમાં કામ કરતાં હતાં અને સાથે સાથે આ ફિલ્ડ સાથે સંકળાયેલા હતાં. પેરેન્ટ્સે મને એવું કહ્યું હતું કે તને જે ગમે એ કરે. તને બધું જ ગમે તો બધુ એક સાથે કર. તેમણે ક્યારેય કોઈ પાબંદી મૂકી નહોતી. 

‘છેલ્લો દિવસ’ મળી, તે પહેલાં તમે શું કરતાં હતાં?

મારું માસ્ટર પૂરું થયું એટલે તરત મેં કોલેજમાં પ્રોફેસરની જોબ શરૂ કરી દીધી હતી. ‘છેલ્લો દિવસ’ કરી ત્યારે પણ પ્રોફેસર તરીકેની જોબ ચાલુ જ હતી. ‘છેલ્લો દિવસ’ના શૂટ માટે હું ડાયરેક્ટ કોલેજથી આવી હતી. ચાર વાગે જોબ પતાવીને હું આવી હતી. મારો શૂટિંગનો ટાઈમ છ વાગ્યાનો હતો. 

‘છેલ્લો દિવસ’ની એવી કઈ યાદ છે, જે જીવનભર સાથે રહેશે?

‘છેલ્લો દિવસ’ના શૂટિંગ સમયે અભિષેકસર (‘હેલ્લારો’ ફૅમ) સેટ પર આવ્યા હતાં અને અમે ત્યારે કૉફીવાળો સીન શૂટ કરતાં હતાં. તેઓ સેટ પર કાસ્ટિંગ માટે કલાકારો શોધતા હતાં. તો મેં તેમને એમ કહ્યું હતું કે મારા મમ્મી આ રોલ માટે છે. તો તેમણે એવું કહ્યું હતું કે આ રોલ માટે થોડાં કદરૂપા બેન જોઈએ છીએ અને તારા મમ્મી સુંદર છે. મારી મમ્મીએ આ પહેલાં કદરૂપા બહેનનો રોલ કરેલો હતો, તેનો ફોટો મારી પાસે હતો અને તેમણે મારી મમ્મીને સિલેક્ટ કરી લીધી હતી. ફિલ્મમાં તેમણે નિશાનાં (કિંજલ રાજપ્રિય) મમ્મીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં મારા પપ્પાએ પણ રોલ કરેલો છે. આ ફિલ્મમાં તમને ક્યારેય એવું લાગે જ નહીં કે તમે શૂટ કર્યું છે. 

તમે ઘણાં જ નાટકોમાં કામ કર્યું છે તો તેની એવી યાદ કહો, જે તમને હંમેશાં યાદ રહી જશે?

મેં અનેક નાટકોમાં કામ કર્યું છે. દરેક નાટકની અલગ-અલગ યાદ હોય. ‘બુદ્ધિધન’ નાટક દરમિયાન એવું થયું કે મારે સરસ્વતીચંદ્રની સામે જોવાનું હોય છે અને તેની યાદોમાં હું ખોવાયેલી હોઉં છું ને મારી ફ્રેન્ડ મને ખેંચીને લઈ જાય છે. આ સમયે સેટ પર મારી સાડી ભરાઈ જાય છે. હું સાડી કાઢી ના શકું, કેમ કે જો હું સાડી એ રીતે કાઢવા જાઉં તો સરસ્વતીચંદ્ર સામે જોઈ ના શકું. આ ઉપરાંત એક નાટક વિવેકાનંદ પર હતું અને એક કલાકાર ભગિનીને બદલે બીજો જ કોઈ શબ્દ બોલી ગયા હતાં. આ સમયે સ્ટેજ પર જ બહુ જ હસવું આવ્યું હતું. 

નાટક માટેની તૈયારીઓ કેવી રીતે કરતાં?

આમ તો હું ડિરેક્ટર્સની એક્ટર છું. મને ડિરેક્ટર્સ કહે, એટલું હું કરી આપું. આમ હું જાતે નાખું પણ ડિરેક્ટર કહે એ રીતે બધુ કરતી. મેં જેટલા પણ નાટક કર્યાં એમાં 100 એ 100 ટકા ડિરેક્ટર્સે કહ્યું તે જ પ્રમાણે કર્યું છે. રિહર્સલમાં અમે બહુ જ મહેનત કરતાં. ડિરેક્ટર નિમેષ દેસાઈનું નાટક ‘કાકાની શશિ’માં જેમ એ કહે, તે પ્રમાણે હું કરતી. આ નાટકમાં હું શશિ બની હતી અને કાકાના રોલમાં આર્જવ ત્રિવેદી હતી. કનૈયાલાલ મુનશીએ લખેલું આ નાટક ઘણું જ બોલ્ડ હતું, આમાં દત્તક લીધેલી દીકરી કાકાના પ્રેમમાં પડે છે. આ નાટક જૂનું છે. એટલે હું ગૂગલ કરીને જોતી કે તે સમયના લોકો કેવું પહેરતા, કેવી રીતે ચાલતા, કેવી રીતે બોલતા, આ બધું જાણીને સેટ પર એ પ્રકારનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરતી. આ ઉપરાંત એકસ્ટ્રા ટાઈમમાં સરને કોસ્ચ્યુમ ડિઝાઈનમાં હેલ્પ કરતી. 

‘છેલ્લો દિવસ’ બાદ તમારી જર્ની કેવી રહી?

‘છેલ્લો દિવસ’ કરી એ પહેલાં હું ટ્રેજડી તથા રોના-ધોના ટાઈપ જ રોલ કરતી હતી પરંતુ પછી મને કોમેડી રોલ ઓફર થવા લાગ્યાં હતાં. આ ફિલ્મથી જ ફૅમ મળી એટલે આવા જ રોલ ઓફર થયા છે. ઘણાંને ખ્યાલ જ નથી કે આ છોકરી ટ્રેજડી અને એ પ્રકારના રોલ સારી રીતે કરી શકે છે. પહેલાં હું સામેથી ઓડિશન આપવા જતી પરંતુ હવે ફોન આવે છે કે તમે ઓડિશન આપવા આવશો? આ ગમે છે કારણ કે હવે લોકો ઓળખતા થયા અને ટેલેન્ટનો સ્વીકાર કરતાં થયા.

કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો છે?

પર્સનલી મને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો નથી. ઘણાંને થયો હશે પણ મારા પેરેન્ટ્સ આ ફિલ્ડમાં હોવાથી ઘણાંને ખ્યાલ હોય કે મારું ફેમિલી કેવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે એટલે જલદી કોઈ હિંમત નહીં કરતું હોય. મને કોઈ વોટ્સએપ પર મેસેજમાં એમ કહે, હાઈ, શું કરે છે? તો હું તરત જ એમ જ પૂછું કે બોલો, શું કામ છે? ઘણાં એવા ઈરિટેટિંગ કરતાં લોકો હોય છે, જે પૂછતા હોય કે હેલ્લો, કેમ છો, જમી લીધું? તો હું તરત જ એમ રિપ્લાય કરું કે આવું તો મારા પપ્પા પણ પૂછતા નથી તો તમે કોણ પૂછવાવાળા. આ એવું નથી કે ‘છેલ્લો દિવસ’ કરીને એટીટ્યૂડ આવી ગયો પરંતુ એક ગર્લમાં આ એટીટ્યૂડ હોવો જ જોઈએ. જોકે, કેટલાંક લોકોને એવું હોય છે કે આ હિરોઈન છે, તો વાત કરશે. 

જીવનમાં ક્યારેય એવી ક્ષણ આવી કે તમે ભાવુક બની ગયા હોવ?

ડાન્સ કોમ્પિટિશન જીતી ત્યારે ઘણી બધી ખુશી થઈ હતી. ડાન્સ કોમ્પિટિશનમાં હું સેકન્ડ-થર્ડ પ્રાઈઝ લઈને આવતી પણ ખ્યાલ ના હોય કે ફર્સ્ટ આવીશ. પછી તો દર વખતે ફર્સ્ટ જ આવી છું. જોકે, જ્યારે પહેલી વાર ફર્સ્ટ આવી તેની ખુશી જ અલગ હોય છે. મેં ભરત નાટ્યમ કરેલું છે અને સેમી ક્લાસિકલ મારો જીવ છે. 

તમારા મેરેજ પણ થઈ ગયા છે, તો હવે ઘર, એક્ટિંગ ને જોબ કેવી રીતે મેનેજ કરો છો?

મારા લવ કમ એરેન્જ મેરેજ છે. અમે એકબીજાને ઓળખતા હતાં. પછી એવું લાગ્યું કે મેરેજ કરવા માટે સારો કેન્ડિડેટ છે, ત્યારે હું છોકરાઓ જોતી જ હતી. મેં જ પહેલ કરી હતી. એનો પ્લસ પોઈન્ટ એ છે કે તે આર્ટને સમજે છે. ઘણાં એવા હોય છે, જે આર્ટને સમજતા હોય પરંતુ બીજા કરે એ ગમે પરંતુ વાઈફ કરે એ ના ગમે. મને આ ફિલ્ડમાં ઘણો જ સપોર્ટ કરે છે. મારા મમ્મી-પપ્પાએ તો બીજ રોપ્યો અને છોડ ઉગાડ્યો પરંતુ આ છોડને પાણી તો પાવું પડે ને. એ પાણી પીવડાવવાનું કામ મારા પતિ કરે છે. મેરેજને બે વર્ષ થયા અને પેરેન્ટ્સ તથા હસબન્ડના સપોર્ટથી બધું જ મેનેજ થઈ જાય છે. 

તમારા જીવનની એવી કોઈ મુશ્કેલી અંગે જણાવો, જેમાંથી તમે બહાર આવ્યાં હોવ?

જ્યારે હું બે વર્ષની હતી ત્યારે ડોક્ટર્સે મને કહ્યું હતું કે મને સારણગાંઠ છે. મને ઓપરેશન થિયેટરની અંદર પણ લઈ ગયા હતાં. મને આજે પણ યાદ છે કે આખો રૂમ અંધારિયો હતો અને મને બહુ જ ડર લાગતો હતો. મારા પેરેન્ટ્સ હોય ત્યારે હું કંઈ જ બોલતી નથી. ડોક્ટર્સે મને પૂછ્યું પણ હતું કે તને બીક લાગે છે પણ મેં ના પાડી હતી. મેં એમ જ વિચાર્યું હતું કે મમ્મી-પપ્પાએ કંઈક સમજી વિચારીને જ નક્કી કર્યું હશે. જોકે, મારો મમ્મીનો બિલકુલ જીવ ના ચાલ્યો અને તેમણે ઓપરેશન કરાવવાની ના પાડી. પછી નસીબથી મને એક આયુર્વેદિક દવાખાનું મળી ગયું, મેં 10 વર્ષ સુધી સારણગાંઠની દવા કરી. હવે મને સારણગાંઠ કે હર્નિયા બિલકુલ નથી. જ્યારે મેં ડોક્ટરને એના રિપોર્ટ્સને બધું બતાવ્યું, તો ડોક્ટર્સે એમ કહ્યું કે આ ચમત્કાર કહેવાય. સારણગાંઠ એવી વસ્તુ છે, જે ઓપરેશન વગર મટી જ ના શકે. દસ વર્ષ મારી મમ્મીએ બહુ જ મહેનત કરી. ટાઈમ ટુ ટાઈમ દવા, બહારનું નહીં ખાવાનું અને મેં પણ એ જ રીતે પરેજી પાળી. મારી હેલ્થના ઈશ્યૂ રહ્યાં છે. 

પેરેન્ટ્સની કઈ વાતો તમારામાં આવી છે?

મારા પપ્પા મલ્ટી-ટાસ્કિંગ કરતાં અને હું પણ કરું છું. મારી મમ્મી કોઈ પણ વસ્તુની પાછળ પડી જાય તો તે પૂરી કર્યાં ના મૂકે. મને પણ મારી મમ્મીને જેમ જ છે, હું કોઈ વસ્તુ ચાલુ કરું તો પૂરી કરીને જ રહું અથવા તો કંઈ ચાલુ જ ના કરું. મમ્મી-પપ્પા બહુ દયાળું છે. હું પણ એવી જ છું. ઘણીવાર ફિલ્મ્સ જોતા જોતા રડી પડતી હોઉં છું. એમાં પણ એકલી મૂવી જોવા બેસું તો છેલ્લે રડતી જ હોઉં. એક્ટિંગ એમની પાસેથી જ શીખેલી છે. પેરેન્ટ્સ રાસ શીખવતા હતાં. જ્યારે હું મારા મમ્મીના પેટમાં હતી ત્યારે મારી મમ્મીએ એક નાટક ડિરેક્ટ કર્યું હતું. આ બધું હું ગર્ભમાં હતી ત્યારથી જ શીખીને આવી છું. જે રીતે અભિમન્યુ ગર્ભમાં જ ચક્રવ્યૂહ શીખીને આવ્યો હતો, તેમ હું પણ એક્ટિંગ શીખીને જ જન્મી છું. પહેલાં મારા પપ્પા ‘અજવાળીયા’ ઓરકેસ્ટ્રા ચલાવતા હતાં, તેમાં મમ્મી એન્કરિંગ કરતી હોય. ઘરમાં આનું રિહર્સલ ચાલતું હોય. મમ્મી ડાન્સ પણ શીખવતી. 

હિંદી સિરિયલ્સમાં કામ કરવાનો પ્રયાસ કર્યો છે?

ના, મેં ટ્રાય નથી કર્યો પરંતુ ‘છેલ્લો દિવસ’ જોયા બાદ સ્ટાર પ્લસની સિરિયલ ઓફર થઈ હતી. આ સિરિયલમાં મારે ગુજરાતી છોકરીનું જ પાત્ર ભજવવાનું હતું. મેં ઓડિશન પણ આપ્યું હતું અને હું સિલેક્ટ પણ થઈ ગઈ હતી. તેમને તરત જ શૂટિંગ શરૂ કરવું હતું અને મારે અમદાવાદમાં કેટલાંક કમિટમેન્ટ્સ બાકી હતાં, જે મારે પાંચ દિવસમાં પૂરા કરવાના હતાં. એ લોકો તાત્કાલિક શૂટ કરવા માગતા હતાં અને પછી તે સિરિયલમાં હું કામ ના કરી શકી. 

રિયલ લાઈફની પ્રાપ્તિ તથા ઓન સ્ક્રીન પ્રાપ્તિ કેટલી અલગ છે?

રિયલ અને ઓન સ્ક્રીનમાં અલગ છે. રિયલ લાઈફની પ્રાપ્તિ શાંત છે પરંતુ જો કોઈ ખોટું કરતું હોય તો ગુસ્સો આવી જાય છે. રસ્તા પર કોઈ રોંગ સાઈડમાંથી આવીને મને કંઈ કહી જાય તો હું ચોક્કસથી ઝઘડો કરી જ લઉં છું. સિદ્ધાંતો પર બહુ જ ચાલું છું. 

ગુજરાતી સિનેમાની કઈ-કઈ વાતો બદલવા ઈચ્છશો?

અત્યારે ગુજરાતી સિનેમા સારું ચાલી રહ્યું છે તો કંઈ જ બદલવા જેવું લાગતું નથી. રૂરલ તથા અર્બન, એવા બે ભાગ પડી ગયા છે, તેમાં હું માનતી નથી. રૂરલને લઈ બધા એવું કહે છે કે એ લોકો ચણિયાચોળીને એવું બધું બતાવે છે પણ પહેલાં આપણો સમાજ આવો જ હતો અને આજની તારીખમાં પણ ઘણાં ગામડાંઓમાં ચણિયાચોળી પહેરાય જ છે. તો મૂવી પણ એ પ્રકારના બનશે. મને અર્બન મૂવી કરવા ગમે છે અને રૂરલ મૂવી જોવા ગમે છે અને કરવા પણ ગમે છે. બીજી એક વાત એ છે કે ગુજરાતી ક્યાંકને ક્યાંક બગડવા લાગ્યું છે. ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પ્રોપર બતાવવામાં આવતું નથી. જેમ, ‘હું ત્યાં જઈશ’ને બદલે ફિલ્મમાં એવું કહેવામાં આવે છે કે ‘હું ત્યાં જશે’, ‘હું ત્યાં ગયો હતો’ને બદલે ‘મેં ત્યાં ગયો હતો’ એવું બોલવામાં આવે છે. આ સુરતની ભાષા છે પરંતુ મૂવીમાં તમે પ્રોપર પ્રદેશ ના બતાવતા હોવ ને ગમે તેવું ગુજરાતી બોલો એ મને પસંદ નથી. આવું દરેક મૂવીમાં હોતું નથી. હું આ વાત બદલવા માગીશ કે આપણે લોકો એટલે કે કલાકારો જો ગુજરાતીને સાથ આપીશું ને તો ગુજરાતી લેંગ્વેજ રહેશે. જો આપણે જ ગુજરાતીને બગાડીશું તો બગડી જશે. 

તમારો ડ્રીમ રોલ કયો છે?

મેં જે નાટકો કર્યાં છે, તેવા રોલ ફિલ્મમાં કરવા છે. રોમાન્સ તો મેં ‘નકામા’ ફિલ્મમાં કર્યો. રોના-ધોના મેં ‘ટેન્શન થઈ ગયું’ ફિલ્મમાં કર્યું. જોકે, અલગ પ્રકારનું રોના-ધોના ફિલ્મમાં કરવું છે. 

તમે ‘વાંઢા વિલાસ’, ‘નકામા’ તથા ‘ટેન્શન થઈ ગયું’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે, તો સેટ પર શું કરતાં તમે?

‘વાંઢા વિલાસ’માં ઘણી જ મસ્તી-ધમાલ કરી છે. અમારું 20 દિવસનું શૂટ હતું. ફિલ્મમાં ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓ હોય છે અને લગ્ન માટે ધમાલ કરતાં હોય છે. ફિલ્મમાં ત્રણ છોકરીઓ ડેરિંગવાળી બતાવવામાં આવી છે. અમે રિયલમાં પણ એવા જ હતાં. સેટ પર અમે રેડી થઈને આવી જતાં અને બોય્ઝ તૈયાર થઈને આવ્યા ના હોય. બોય્ઝ સેટની આસપાસ રહેતાં પરંતુ છોકરીઓ રોજ અપ-ડાઉન કરતી. ‘નકામા’માં પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર નવા હતાં પરંતુ તેમણે 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મના ગીત ‘મનવા’માં અમે મેક-અપ કરીને તૈયાર રહેતા પણ એ નક્કી ના હોય કે શૂટ કયાં કરીશું. આ ઉપરાંત ફિલ્મના સેટ પર પ્રોડ્યૂસરના બે કૂતરા રહેતાં અને મને તેનાથી બહુ જ ડર લાગતો અને તેથી જ બંને કૂતરાને બાંધીને રાખતાં. એક વખત ભૂલથી કૂતરો છૂટો હતો અને સેટ પર હું જે ભાગી છું, તે ક્યારેય ભૂલીશ નહીં. 

પહેલી કમાણી કેટલી હતી અને પેરેન્ટ્સ માટે શું લીધું?

જ્યારે હું ચોથા ધોરણમાં હતી ત્યારે મને એક્ટિંગ રિલેટેડ 500 રૂપિયાનું પેમેન્ટ મળ્યું હતું. હું મારી મમ્મી માટે લિપસ્ટિક અને પપ્પા માટે હાથરૂમાલનો સેટ લાવી હતી. મારા પેરેન્ટ્સને એવું હતું કે તેઓ મારા નામથી ઓળખાય અને મેં તેમને આ આપ્યું છે. મારા પપ્પા કહેતાં કે મારે પ્રાપ્તિના નામથી ઓળખાવવું છે. તેમની આ ઈચ્છા પૂરી થઈ છે. એમની દરેક વાત માની છે. હું મારા પેરેન્ટ્સની આભામાં બહુ જ છું, જો હું એમ કહું કે આ હિરોઈન સરસ છે અને મારા મમ્મી કે પપ્પા એમ કહે કે નથી સારી તો બીજા દિવસથી એ હિરોઈન મને ના ગમે. 

તમારો ડાયટ પ્લાન શું છે?

હું કોઈ ડાયટ કરતી નથી અને મને બહુ બધા બોલે છે. જોકે, હું કોઈનું સાંભળતી જ નથી. હું ગમે ત્યારે તીખું-તળેલું અને જંકફૂડ ખાઈ લઉં છું. મારા મમ્મી તથા હસબન્ડ હેલ્થ કોન્સિયસ છે પરંતુ હું બિલકુલ નથી. મારી મમ્મી મને એમ કહે છે કે જો તે તારી જાતને સાચવી હોત તો તું વ્યવસ્થિત હોત. હું તો પ્રોપર ફેસિયલ ને ક્લીન અપ પણ કરાવતી નથી. હું મજાની લાઈફ જીવું છું. બીજા દિવસે શૂટ હોય તો પણ રસ્તા પરનું કે તીખું ખાવું હોય તો ખાઈ જ લઉં છું. મને યોગ ને મેડિટેશનનો શોખ છે અને હું રોજ વિચારું કે કાલથી કરીશ અને એ કાલ હજી સુધી આવી નથી. સાતમા ધોરણમાં હતી ત્યારે આરંગેત્રમ પતી ગયું હતું અને પછી પાંચ-છ વર્ષ મેં રિયાઝ ચાલુ રાખ્યો હતો. પછી સાવ જ બંધ થઈ ગયું છે. 

રેપિડ ફાયર રાઉન્ડ

 • તમારા ફેવરિટ કલાકારો કયા છે?
  કાજોલ તથા માધુરી મારા માટે એવરગ્રીન છે.
 • અમદાવાદમાં ફેવરિટ હેંગઆઉટ પ્લેસ કયું?
  મને શાંત જગ્યા વધારે ગમે. પહેલાં રિવર ફ્રન્ટ ગમતો હતો પરંતુ હવે ત્યાં પણ ભીડ થઈ ગઈ છે. કાંકરિયામાં પબ્લિક ના આવતી હોય ત્યારે હું ફરવા જાઉં. સામાન્ય રીતે જ્યાં ભીડ ના હોય ત્યાં હું જતી હોઉં છું. 
 • તમારામાં એવી કઈ-કઈ બાબતો છે, જે તમને પાક્કા અમદાવાદી કહે?
  હું પાક્કી અમદાવાદી છું. રસ્તા પર ઝઘડા કરી લઉં છું. આ અમદાવાદીઓનો પોતાનો ગુણધર્મ છે. હું ભયંકર ફૂડી છું. માણેકચોકમાં જઈને નાસ્તા-પાણી કરી આવું છું. અમદાવાદના લોકો એવા હોય, ક્યાંક ખોટું થતું હોય તો તરત જ કૂદી પડે. તો હું પણ એ જ રીતે કૂદી પડું છું. ખોટું જોઈ શકતી નથી અને જલસાની લાઈફ જીવું છું. 
 • વાંચવાનો શોખ છે તમને?
  હા, ભયંકર છે. હું એક દિવસમાં નોવેલ પૂરી કરી નાખું. જો હું કોઈ બુક વાંચવા બેઠી હોઉં તો સળંગ છ કલાકમાં બુક પૂરી કરી નાખું. પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ મારી ફેવરિટ બુક છે. કાજલ વૈદ્ય ઓઝાની ‘છલ’ પણ મને ગમે છે. મારો એક્સિડન્ટ થયો હતો અને નોકરીમાંથી મેં બેથી ત્રણ મહિનાનો બ્રેક લીધો હતો, ત્યારે મેં નોવેલ લખવાનું શરૂ કર્યું હતું અને આ નોવેલ અડધી પતી છે. 
 • સવારે ઊઠીને સૌ પહેલાં પ્રાપ્તિ શું કરે?
  લગ્ન પહેલાં ઊઠીને તૈયાર થઈને ફટોફટ પ્રાપ્તિ કાં તો કોલેજ જતી અથવા તો જોબ પર જતી હતી. લગ્ન બાદ પ્રાપ્તિ હાથ ધોઈને સીધી રસોડામાં જાય છે અને ટિફિન બનાવે છે. 
 • તમારી પાસે સુપરપાવર હોય તો તમે શું કરો?
  બધાના મગજમાં એ સમજાવવાનો પ્રયાસ કરીશ કે તમે લોકો સુધરો. આપણે ગમે તેટલું કરીશું અને પબ્લિક નહીં સુધરે તો કંઈ જ નહીં થઈ શકે, જેમ કે રોંગ સાઈડમાં આવવાનું, વગર કારણે હોર્ન મારવાના, ગમે ત્યાં થૂંકવું, એમ્બ્યૂલન્સને સાઈડ ના આપવી, બીજાની વેલ્યૂ ના કરવી અને ફક્તને ફક્ત પોતાનું જ વિચારવું. મારામાં સુપરપાવર આવે તો હું બધાને કળિયુગમાંથી સતયુગમાં લઈ જાઉં. 
 • સફળતા લઈ તમે શું માનો છો? આજકાલ બધાને તરત જ સફળ થવું છે.
  ઈન્સ્ટન્ટ સફળતા ક્યારેય મળતી નથી. હું દોઢ વર્ષની હતી ત્યારથી આ ફિલ્ડમાં કામ કરું છું. મને ‘છેલ્લો દિવસ’ કર્યાં બાદ ફૅમ મળી એટલે કે ચાર-પાંચ વર્ષ પહેલાં જ લોકો મને ઓળખતા થયા. આ પહેલાં અઢળક નાટકો તથા સિરિયલમાં કામ કર્યું હતું. અત્યારે એવું છે કે એક ફિલ્મ કરીને સફળ થઈ જાવું પરંતુ એવું નથી. સફળતા પાછળ ભાગવું જોઈએ નહીં. એમ કરવાથી તમારામાં ફ્રસ્ટ્રેશન આવી જશે. તમને જે કામ ગમતું હોય તે કરો, ક્યારેક તો સફળતા કે ફૅમ મળશે. આમાં નસીબ પણ સંકળાયેલું છે. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી