હું, તમે ને સેલિબ્રિટી / મમતા સોનીએ કહ્યું, સ્ટેજ પર ચાહકો ફ્લાઈંગ કિસ કરતાં અને આંખ પણ મારતા તો હાથ પર કાપા મારતાં

X

Divyabhaskar.com

Oct 18, 2019, 06:53 PM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના છઠ્ઠા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ મમતા સોની સાથે તેમના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી. 12 ધોરણ પાસ મમતા સોનીના પિતા આર્મીમાં એન્જિનિયર છે. મમતાની મમ્મી બ્યૂટીપાર્લર ચલાવતા અને તેથી જ નાનપણથી એક્ટ્રેસને તૈયાર થવાનો શોખ હતો. તેની મોટી બહેન રાની સોની સિંગર હોવાથી તે પણ બહેનની સાથે ઓરકેસ્ટ્રામાં શાયરીઓ તથા ડાન્સ કરતી હતી. મમતા 14-15 વર્ષની હતી ત્યારે તેણે સ્ટેજ પર શાયરી બોલવાની શરૂઆત કરી હતી અને તે 18 વર્ષની હતી ત્યારે તેણે ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. મમતાને આ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી પણ વધારે સમય થયો છે. મમતા સોની ગુજરાતી સિનેમાની પહેલી એવી એક્ટ્રેસ છે, જેણે પોતાના પૈસામાંથી ઓડી કાર ખરીદી છે. 

divyabhaskar.com સાથે મમતા સોનીની ખાસ વાતચીત

તમારો જન્મ ક્યા થયો અને તમે ક્યાં ભણ્યાં?

બધા લોકો એમ વિચારતા હોય છે કે સેલિબ્રિટી છે, તો કોઈ સારી હોસ્પિટલમાં જન્મ થયો હશે. જોકે, હું આજે આ વાત ક્લિયર કરવા માગું છું કું હું મૂળ રાજસ્થાનની છું. અજમેરના કિશનગઢના નાનકડાં ગામ ભદૂણની છું, જ્યારે મારા મમ્મી રાજસ્થાનના નાનકડાં ગામ પાટણના અને મારો જન્મ નાનીમાનાં ઘરે જ થયો છે. 

રાજસ્થાનથી જામનગર ક્યારે આવ્યા?

મારા પપ્પા આર્મીમાં એન્જિનિયર છે. હું બે-અઢી વર્ષની હતી ત્યારે મારા પપ્પાની બદલી જામનગરમાં થઈ હતી. હું એક રિઝવર્ડ ફેમિલીમાંથી આવું છું. અમારા ઘરની સ્ત્રીઓ બહુ બહાર નીકળતી નથી. મારી મમ્મી ઘણી જ ટેલેન્ડ છે અને રાજસ્થાનમાં તેઓ ઘરની ચાર દીવાલની વચ્ચે બંધાયેલા રહેતા હતાં. ઘણાં બધા રિસ્ટ્રિક્શન રહેતાં. જ્યારે પપ્પાની બદલી જામનગરમાં થઈ અને મમ્મી પહેલી જ વાર ગુજરાત આવી તો તેમની ટેલેન્ટને પણ પ્રોત્સાહન મળ્યું. તેઓ બ્યૂટિશિયન, સિલાઈકામ ઘણું જ સારી રીતે કરી શકતાં હતાં. મમ્મીને એવું થયું કે તે પહેલી જ વાર પોતાની લાઈફ સારી રીતે જીવી રહ્યાં છે. પપ્પાની ટ્રાન્સફર થતી રહેતી હતી પરંતુ મમ્મીએ ક્લિયર કરી દીધું હતું કે તેઓ હવે ગુજરાત અને જામનગરમાં જ રહેશે. હું ત્રીજા ધોરણમાં હતી ત્યારે ચંદીગઢમાં ભણતી હતી. જોકે, પપ્પા આખો દિવસ ઓફિસમાં હોય એટલે પછી અમે જામનગરમાં મમ્મી સાથે જ રહેતાં હતાં. પપ્પાની દર ત્રણ વર્ષે બદલી થતી હતી. 

તમારી મમ્મીએ જામનગરમાં કામ શરૂ કર્યું તો ઘરમાંથી વિરોધ થયો હતો?

ના, વાસ્તવમાં મારા પપ્પા તથા તેમના પરિવારને આ સામે ક્યારેય વાંધો નહોતો પરંતુ તેઓ જે સમાજમાં રહેતા હતાં, તેના નીતિ-નિયમોનું પાલન કરતાં હતાં. મારા પેરેન્ટ્સે અમને ચાર બહેનોને ક્યારેય કોઈ વાતની ના પાડી નથી. મારા પપ્પાએ ક્યારેય મમ્મીને કામ કરતા રોક્યાં નથી. મારી મમ્મી હંમેશા એક વાત કહેતા કે દીકરીઓ પાસે પૈસા હશે તો કોઈ લૂંટીને લઈ જશે પરંતુ તેમની પાસે કળા હશે તો કોઈ લૂંટીને લઈ જશે નહીં. મારી મમ્મીએ અમને નાનપણથી ઘરના તમામ કામો પણ શીખવ્યા છે. જ્યારે હું ત્રીજા ધોરણમાં ચંદીગઢ પપ્પા પાસે રહેતી ત્યારે હું વાસણો ઘસતી, જમવાનું બનાવતી અને ઘરના તમામ કામો કરતી હતી. 

સ્કૂલિંગ ક્યાંથી કર્યું અને ભણવામાં તમે કેવા હતાં?

સાતમા ધોરણ સુધી તો મને ખ્યાલ જ નહોતો કે હું કેવી રીતે પાસ થઈ જતી હતી. માઈન્ડ ઘણું જ શાર્પ હતું એટલે પાસ થઈ જતાં હતાં. સાતમા ધોરણ પછી ગ્રોથ થયો અને ભણવામાં પણ હોંશિયાર થઈ. હું જામનગરની સીબીએસઈમાંથી ભણી છું. 

સાતમા ધોરણમાં તમારી કઈ ટેલેન્ટ બહાર આવી અને ગ્રોથ થયો?

મારી મમ્મી બ્યૂટી પાર્લર ચલાવતી હતી અને અમારા ઘરમાં મોટા-મોટા અરીસાઓ લગાવેલા હતાં. અમને ખ્યાલ પણ નહોતો કે એક્ટિંગ એક પ્રોફેશન છે. અમે બહુ જ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ તો અમે એટલા મહત્ત્વકાંક્ષી પણ નહોતાં. અરીસા સામે જોઈને આંખમાં વોટર સ્પ્રે નાખીને રડવાની એક્ટિંગ કરતાં, ડાન્સ કરતાં, મેક-અપ કરતાં હતાં. આ રીતે એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. સ્કૂલમાં જ્યારે પણ કલ્ચરલ એક્ટિવિટી હોય તો અમારા મ્યૂઝિક ટીચર મને તથા મારી મોટી બહેન દૂર્ગાને (હાલમાં રીના સોનીના નામથી લોકપ્રિય) બોલાવતા હતાં. મને ત્યારે ખબર પડી કે મને ડાન્સમાં રસ છે, તૈયાર થવાનું ગમે છે. 

દસમા ધોરણ બાદ આગળ તમે શું કર્યું?

દસમા ધોરણમાં આવી એટલે મમ્મીએ આગળ ભણવાની ના પાડી દીધી હતી અને અમારા માટે છોકરા જોવાનું શરૂ કરી દીધું હતું. જોકે, મેં કહ્યું હતું કે મારે આગળ ભણવું છે અને મને ડાન્સનો શોખ હતો. મેં જબરજસ્તી કરીને ભરતનાટ્યમ તથા કથ્થકમાં ટ્રેનિંગ લીધી હતી. શરૂઆતમાં મમ્મીની ના હતી પરંતુ અંતે માની ગયા હતા.

મમ્મીની ના હતી તો કેવી રીતે મનાવ્યાં?

મહિના સુધી એવું નાટક કર્યું કે અમે જમતા નથી. જોકે, મમ્મીને ખ્યાલ હતો કે અમે તેમની સામે નથી જમતાં પરંતુ કિચનમાં જઈને છાનામાના તો જમી લઈએ છીએ. પછી મમ્મીએ એમ કહી દીધું કે શોખ છે તો કરી લો. જોકે, મેં ભરત નાટ્યમ તથા કથ્થકના ક્લાસ માત્ર છ મહિના જ કર્યાં હતાં. રીનાને સિંગિંગનો ઘણો શોખ હતો. એ સિંગર પણ સારી છે. સ્કૂલમાં પણ એ સિંગિંગમાં કામ કરતી હતી. રીના ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે જતી હતી. હું જ્યારે મારી બેન સાથે જતી તો મને પણ કહેવામાં આવતું કે તમે પણ ગીત ગાવ. જોકે, મને ત્યારે ગીત ગાતા નહોતું આવડતું તો હું ડાન્સ કરી દેતી હતી. 

11-12 પછી શું કર્યું?

જેમ-તેમ કરીને મેં 11-12 પાસ કરી લીધું હતું. 12 કોર્મસમાં મારે સીબીએસઈમાં 82 પર્સન્ટ આવ્યા હતાં. પછી મેં ઈન્ડસ્ટ્રીનું કામ શરૂ કરી દીધું હતું.

ઈન્ડસ્ટ્રીની જર્ની કેવી રીતે શરૂ થઈ?

જ્યારે હું દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ઓરકેસ્ટ્રા પણ બુક કરવામાં આવ્યું હતું. મેં એક ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઓરકેસ્ટ્રાવાળાને મારો ડાન્સ ઘણો જ પસંદ આવ્યો હતો. તેમણે મને પૂછ્યું હતું કે તમે પ્રોફેશનલ ડાન્સર તરીકે કામ કરશો? તે સમયે અમારી પાસે મોબાઈલ નહોતો અને ઘરમાં લેન્ડલાઈન નંબર હતો, જે મેં આપી દીધો હતો. તેમણે ઘરે ફોન કર્યો હતો અને મેં મમ્મીને આ અંગે વાત કરી હતી. તો મમ્મીએ તેમને મળવાનું કહ્યું હતું. ત્યારબાદ ઓરકેસ્ટ્રા તરફથી મેં એક ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ત્યારે મમ્મીએ મને પહેલી જ વાર સ્ટેજ પર પર્ફોર્મન્સ કરતાં જોઈ હતી અને તેઓ ખુશ થઈ ગયા હતાં. આમાં મને 300 કે 500 રૂપિયા મળ્યાં હતાં. મેં ઓરકેસ્ટ્રામાં માંડ 10થી 15 શો કર્યાં હતાં. ટાઉન લેવલની ડાન્સ કોમ્પિટિશનમાં ફી ભરીને ભાગ લીધો હતો. જોકે, મમ્મીએ આ રીતે ફી ભરીને ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. જોકે, કાંતિભાઈ રાઠોળ અમને દીકરીને જેમ રાખતા હતાં અને તેમણે એમ કહ્યું હતું કે તમારે હવે ફી ભરવાની જરૂર નથી. તમે એમ જ ડાન્સ સ્પર્ધામાં ભાગ લો. આ જ રીતે અમે ત્રણ બહેનો પહેલી જ વાર ‘રામ લખન’ના ગીત ‘બડા દુઃખ દિયા..’ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કોમ્પિટિશનમાં 300 જેવા સ્પર્ધક હતાં. અહીંયા જૂનાગઢના કેમેરામેન સુનિલ વાઘેલા આવ્યા હતાં અને તેમને મારો ડાન્સ ઘણો જ પસંદ આવ્યો હતો. તેમણે મારો નંબર લીધો અને પછી તેમણે મને ફોન પર કહ્યું હતું કે અહીંયા શૂટિંગ ચાલું છે અને તમે ઓડિશન આપી જાવ. તે વખતે હું ‘તરસી મમતા’ માટે ઓડિશન આપવા ગઈ હતી. આ સમયે મારી ઉંમર 18-19ની આસપાસ હતી. આ વાત વર્ષ 2004ના એન્ડિંગની છે. બારમા ધોરણ પછી તો મમ્મીએ પણ ક્લિયરલી ભણવાની ના પાડી દીધી હતી. અમારા માટે છોકરાઓ જોવાના શરૂ થઈ ગયા હતાં. મારી મોટી બહેન રીનાની રોકા સેરેમની પણ થઈ ગઈ હતી. મને પણ બહુ બધા છોકરા જોવા આવતા પણ હું મોંઢે જ ના પાડી દેતી હતી.

‘તરસી મમતા’નું ઓડિશન કેવી રીતે આપ્યું?

આ ઘણી જ ફિલ્મી સ્ટોરી છે. આ ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યૂસર કાંતિ દવે હતાં. આ ફિલ્મના ઘણાં જ મોટા કલાકારો હતાં અને ફિલ્મનું શૂટિંગ જૂનાગઢમાં હતું. ફિલ્મમાં કલ્યાણી ઠાકરની દીકરીનો રોલ મેં કર્યો હતો. ઓડિશન માટે ગઈ ત્યારે ફિલ્મનું શૂટિંગ તો ચાલુ જ હતું. મારે જે રોલ પ્લે કરવાનો હતો, તેના માટે તેઓ કલાકારની શોધમાં હતાં. બંગલામાં શૂટિંગ હતું અને હું બંગલામાં એન્ટર થઈ હતી. મને તરત જ કાંતિ દવેએ બોલાવીને પોતાની જોડે બેસાડી અને મારી સાથે આઈ કોન્ટેક્ટથી વાત કરવા લાગ્યાં હતાં. તેમણે એક વાર આંખ નીચી કરી નહોતી. હું હિંદીમાં વાત કરતી હતી. તેમણે આ બાબત પર ધ્યાન આપ્યું જ નહોતું. તેમણે મને કહ્યું હતું કે તારી આંખો જોઈને કહું છું કે તું આ ઈન્ડસ્ટ્રીમાં બહુ નામ કમાઈશ. ત્યારબાદ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર આશુતોષભાઈએ કહ્યું હતું કે ફિલ્મના પ્રોડ્યૂસર-ડિરેક્ટરે ભલે તમને પાસ કર્યાં પરંતુ ઓડિશન તો આપવું જ પડશે. ત્યારબાદ કાંતિભાઈને ખ્યાલ આવ્યો કે મને ગુજરાતી આવડતું નથી અને તેમણે મારો હાથ પકડીને પૂછ્યું કે તને ગુજરાતી નથી આવડતું તો મેં જવાબ આપ્યો હતો કે હું રાજસ્થાની છું. ખબર નહીં તેમણે મારામાં શું જોયું કે તેમણે મને જ સિલેક્ટ કરી હતી. આ ફિલ્મમાં મેં કામ કર્યું. પેમેન્ટની કોઈ ચર્ચા થઈ નહોતી. આટલી મોટી ફિલ્મમાં રોલ મળે તે જ મોટી વાત હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ તેમણે મને 3 હજારનો ચેક આપ્યો હતો. 

ફિલ્મમાં કામ કર્યું તો પરિવારને વિરોધ ના કર્યો?

આ શોકિંગ ટર્નિંગ પોઈન્ટ હતો. ભણવાની બાબતમાં મારા મમ્મી તૈયાર નહોતાં પરંતુ કામ કરવાની બાબતમાં તેમણે ક્યારેય વિરોધ કર્યો નહોતો. મમ્મી મારી જોડે જોડે આવતા હતાં. મમ્મીને મારામાં દેખાઈ ગયું હતું કે આ સ્ટ્રોંગ છોકરી છે તો વ્યવસ્થિત રીતે દુનિયાદારી સાચવી લેશે. 

‘તરસી મમતા’ વખતે પહેલી જ વાર કેમેરાનો સામનો કર્યો ત્યારે કોઈ નર્વસનેસ હતી?

મને નાનપણથી કેમેરા ફિયર, સ્ટેજ ફિયર કોઈ વાતનો ડર રહેતો નથી. મારી સામે 10 લોકોને બેસાડી દો તો પણ હું ક્યારેય ડરતી નહીં. મને ક્યારેક કોઈની સાથે વાત કરવાનો, એક્ટિંગ કરવાનો ડર લાગ્યો નથી. મને બિલ્ડર્સ લાઈનનો એક મોટો શો સુરતમાં મળ્યો હતો. આના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન હતાં. આ શોને હોસ્ટ કરવા માટે ચાર એન્કર્સ રાખ્યાં હતાં. ફર્સ્ટ પાર્ટમાં હું તથા એક કોમેડિયન (હાલમાં મને નામ યાદ નથી) હતાં. સેકન્ડ પાર્ટમાં અમિતાભ બચ્ચન એન્ટ્રી લેવાના હતાં, આ પાર્ટમાં કવિતા કૌશિક તથા અલી અસગર હતાં. આ શોના સ્ટેજ પર જતાં પહેલાં મને મનમાં થતું હતું કે કેટલી ક્રીમ ઓડિયન્સ, કેટલા મોટા લોકો છે, ત્યારે મને હતું કે હું નર્વસ થઉં છું પરંતુ સ્ટેજ પર ગયા પછી કોઈ જ નર્વસનેસ નહોતી. એન્કરિંગમાં મારે સાત સેલિબ્રિટીને સ્ટેજ પર ઈન્ટ્રોડ્યૂસ કરાવવાના હતાં અને તેમની સાથે ગેમ રમવાની હતી. ‘તરસી મમતા’ વખતે હું એટલું ફીલ કરતી હતી કે આ રોલ હું ડિઝર્વ કરતી નથી. કારણ કે મને ગુજરાતી બોલતા નહોતું આવડતું. ‘એક વાર પીયુને મળવા આવજે’ હીટ રહી છે પરંતુ તેમાં પણ મારું ડબિંગ નથી. એ ફિલ્મમાં હું ગુજરાતી બોલતી તો ખ્યાલ આવી જતો કે પ્રોપર બોલી શકતી નથી. માટે અવાજ બીજા પાસે ડબ કરાવવામાં આવ્યો હતો. મને આના માટે ઘણું જ દુઃખ થયું હતું. ફિલ્મની સાથે સાથે હું શાયરીઓ બોલતી જ હતી. 

‘તરસી મમતા’ રિલીઝ થયા બાદ કેવી રીતે બીજી ફિલ્મ મળી?

ઈન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ એ જ પ્લેટફોર્મ મારા માટે હતું. જોકે, ઈન્ડસ્ટ્રીના ટેકનિશિયન, સ્પોટબોય્ઝ એ બધાએ મારું આગળ સજેશન કર્યું. તે સમયે આલ્બમ બહુ ચાલતા હતાં. એટલે હું આલ્બમમાં બહુ કામ કરતી હતી. મણિરાજ બારોટના છેલ્લા આલ્બમ ‘છેલ પદમણી’માં મેં જ કામ કર્યું હતું તથા ધીરેનભાઈ રાંધેજાના આલ્બમમાં પણ કામ કર્યું હતું. ધીરેનભાઈને ખ્યાલ આવી ગયો હતો કે મારામાં ટેલેન્ટ છે. એ જ વખતે લાઈમ-લાઈટમાં વિક્રમ ઠાકોર આવ્યા હતાં. એ સમયે વિક્રમ ઠાકોર લોકડાયરા તથા લાઈવ શોના કિંગ હતાં. વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા જોઈને નવા-સવા છ પ્રોડ્યૂસર્સે સાથે મળીને ‘એક વાર પીયુને મળવા આવજે’ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મના સાતમા પ્રોડ્યૂસર હરસુખભાઈ પટેલ ઈન્ડસ્ટ્રીના હતાં. તેઓ જાણીતા સ્વ. પ્રોડ્યૂસર ગોવિંદભાઈ પટેલના (‘દેશ રે જોયા દાદા પરદેશ રે જાયો’ ફૅમ) ભત્રીજા થાય છે. આ સાતેય લોકોની સાથે ‘એક વાર પીયુને મળવા આવજે’ ફિલ્મમાં ધીરેનભાઈ રાંધેજા જોડાયા હતાં. તો ધીરેનભાઈએ સજેશન આપ્યું હતું કે ફિલ્મમાં નવો છોકરો છે તો માંજરી આંખોવાળી નવી છોકરી મમતા સોની લઈશું. આ રીતે મને આ ફિલ્મ મળી હતી. 

ગુજરાતી બોલતા કેવી રીતે શીખ્યાં?

મારી આસપાસના લોકો ગુજરાતી હતી. નાનપણથી અમે સામેની વ્યક્તિ ગુજરાતીમાં બોલે અને અમે જવાબ હિંદીમાં આપતા હતાં. તો પછી મેં ગુજરાતીમાં જ વાત કરવાની શરૂ કરી હતી.

શાયરીનો ફર્સ્ટ શો કેવી રીતે મળ્યો?

અત્યારે તો ઘરના ચાર લોકો હોય તો ચારેય જોડે મોબાઈલ અને એક જણાં જોડે બે નંબર અને બે મોબાઈલ હોય તેમ બને છે. અમે લોકો છ મેમ્બર્સ (ચાર બહેનો, મમ્મી-પપ્પા) વચ્ચે એક લેન્ડલાઈન હતો. થોડાં સમય પછી એક મોબાઈલ આવ્યો હતો. એ પણ મારા પપ્પા જોડે હોય. સ્કૂલના છોકરાઓ કેવા હોય તે તો તમને ખ્યાલ જ છે. છોકરાઓ ક્યારેક લેશન માટે કે સ્કૂલની નોટ્સ માટે નંબર માગતા હતાં તો અમે તેમને પપ્પાનો મોબાઈલ નંબર આપી દેતા. અમને તે સમયે મોબાઈલ પર વાત કરવાનો ઘણો જ ક્રેઝ હતો. તેઓ મોબાઈલ પર શાયરીઓ મોકલતા હતાં. આ શાયરીઓ હું બેસી-બેસીને વાચતી અને મને યાદ તરત જ રહી જતું હતું. તો મોબાઈલમાં આવતી શાયરીઓ હું લખીને રાખતી. રીનાના શો ઓરકેસ્ટ્રામાં ચાલતા હતાં. હું પણ શોમાં જતી હતી. ડાન્સ મમ્મી બહુ કરવા દેતા નહીં. એટલે શોમાં જ્યારે પણ મારી જોડે કંઈક કરાવવાની ફરમાઈશ આવે ત્યારે હું તરત જ શાયરીઓ બોલી જતી હતી. આ સમયે હું નવમા-દસમા ધોરણ હતી અને આ રીતે શાયરીઓ સ્ટેજ પર બોલતી હતી. જોકે, ‘એકવાર પીયુને મળવા આવજે’ પછી વિક્રમ ઠાકોર સાથે મારા સ્ટેજ શો શરૂ થયા પછીથી હું લાઈમ-લાઈટમાં આવી હતી. એ પહેલાં હું જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબીમાં આ રીતે શાયરીઓ બોલતી પરંતુ ત્યારે માત્ર 1000-1500 રૂપિયા મળતાં હતાં. 

શાયરીનો કયો શો યાદગાર રહ્યો?

શો તો ઘણાં જ બધા કર્યાં છે. ઘણી બધી વસ્તુઓ થતી હતી. કોઈ ચાહક સાથે આઈ કોન્ટેક્ટ થાય તો તે આંખ મારે, ફ્લાઈંગ કિસ કરે, ઈશારો કરે.. આવું બધું થતું હતું. એકવાર હું સ્ટેજ પર બેઠી હતી. તે સમયે અમને ચિઠ્ઠીમાં ફરમાઈશ લખીને આવતી હતી. ત્યાં એક નાનો છોકરો દોડીને આવ્યો અને મને હાથમાં એક ચિઠ્ઠી આપી હતી. આ ચિઠ્ઠી લોહીથી લખેલી હતી અને ચિઠ્ઠી આખી ચોંટી ગઈ હતી. તેમાં દર્દભરી શાયરીની ફરમાઈશ કરી હતી. ‘બેવફા’ના ગીતો જ્યારે અમે ગાતા ત્યારે અમારી સાથે ચાહકો બ્લેડથી પોતાના હાથ પર કાપા મારતા હતાં અને અમે શો અટકાવી દેતા હતાં. પછી અમે કહેતા કે તમે પ્રેમ બતાવો પણ આવું જૂનૂન ના કરતાં. 

કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો?

આ બાબતમાં હું મારી જાતને ઘણી જ લકી માનું છું. આમ તો ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ ત્યારે ઓડિશનનો ક્રેઝ નહોતો. ઓડિશન કોઈ મોટા પ્રોજેક્ટ માટે થતા હતાં. હું જ્યારે ઓડિશન આપવા જતી ત્યારે મને પહેલાં જ કહી દેવામાં આવતું કે સાચવજે, પેલો માણસ જરા એવો છે. ખબર નહીં મારા વાઈબ્રેશન જ એવા છે કે લોકો વ્યવસ્થિત રીતે રહ્યાં છે. થોડાં ઘણાં ચીપ અનુભવ થયા છે અને તેનું કંઈ લેવલ ના હોય. આ બધાને ઈગ્નોર કરું છું. હું એ લોકોની ઔકાત એટલી પણ નથી ગણતી કે હું મારી ગાળ પણ તેમને આપું.

વિક્રમ ઠાકોર સાથે કામ કરવાનું સ્પેશિયલ કારણ, તમે એમની સાથે 15થી વધુ ફિલ્મ્સ કરી છે.

બહુ જ મોટું કારણ છે અને એ છે અમારા ચાહકો. જ્યારે વિક્રમ ઠાકોર બીજી કોઈ એક્ટ્રેસ સાથે કામ કરે તો તેઓ કહે કે જામતું નથી, અમારે તો રાધા જ જોઈએ. હું બીજા હિરો સાથે કામ કરું તો મને એમ કહે કે તે કેમ બેવફાઈ કરી. 

અર્બન સિનેમા તથા રૂરલ સિનેમાને લઈ તમે શું કહેશો? અને ફિલ્મ્સ તમને ઓફર થઈ હતી?

અર્બન તથા રૂરલમાં ભેદ છે. મને પણ આ ગમે છે. આ ચેન્જ થતું રહે છે. બધા કલાકારોને કામ મળવું જોઈએ. એક તરફનો ટ્રેક ચાલવો ના જોઈએ. હા, મને બેથી ત્રણ ફિલ્મ્સ ઓફર થઈ હતી પરંતુ ક્યાંકને ક્યાંક વર્કઆઉટ થયું નહોતું અને તેથી જ હું તેમાં કામ કરી શકી નહીં.

સિંગલ સ્ક્રીન થિયેટરમાં ઘટાડો થતો જાય છે, તેને કારણે રૂરલ સિનેમાને અસર થશે?

એકદમ સાચી વાત છે. થોડી દુઃખની અને અપસેટ થવાની વાત છે. સામાન્ય રીતે સિંગલ સ્ક્રીનમાં ચાર શો હોય છે પરંતુ ‘એક વાર પિયુને મળવા આવજે’ માટે એકસ્ટ્રા શો રાખવા પડ્યાં હતાં. આ ફિલ્મને જોવા માટે ગામડાંથી લોકો ટ્રેકટર ને જીપ ભરી-ભરીને આવતા હતાં. મેઈન્ટન્સ પ્રોબ્લેમ્સ તથા અન્ય કારણોસર સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થતા જાય છે. સરકારે આમાં કામ કરવું જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એસોસિયેશનમાં જે એવી પોસ્ટ પર છે, તેમણે પણ આમાં ધ્યાન આપવાની જરૂર છે. સિંગલ સ્ક્રીન ઘટતાં રૂરલ ફિલ્મ્સ પર અસર થઈ જ છે. 

મલ્ટીપ્લેક્સમાં રૂરલ ફિલ્મ્સ ભાગ્યે જ રિલીઝ થાય છે, તે પાછળનું કારણ શું છે?

આ પાછળ મને એવું જાણવા મળ્યું છે કે પ્રોફિટ રેશિયોને કારણે આમ થાય છે. 60 ટકા મલ્ટીપ્લેક્સ લઈ જાય છે અને 40 ટકા પ્રોડ્યૂસર્સને મળે છે. મલ્ટીપ્લેક્સમાં રૂરલ ફિલ્મ્સ ના આવવાનું સૌથી મોટું કારણ પૈસા છે. પ્રોડ્યૂસર્સને પૈસા નહીં મળે તો તે કેમ ત્યાં બતાવે. આ ઉપરાંત એક સ્વચ્છ અભિયાન પણ છે. મને એવું પણ સાંભળવા મળ્યું છે કે મલ્ટીપ્લેક્સવાળા એમ કહે છે કે રૂરલ સિનેમા જોવા માટે જે ઓડિયન્સ આવે છે, તે અમારું થિયેટર ગંદું કરી નાખે છે. જોકે, આ પોઈન્ટ મને ક્યારેય વેલિડ લાગ્યો નથી. 

અર્બન તથા રૂરલ ફિલ્મ્સના સબ્જેક્ટ તદ્દન અલગ છે, આજે રૂરલ ફિલ્મ્સ માત્રને માત્ર ગામડાં લોકો જુએ છે, તો આ અંગે તમે શું કહેશો?

સૌથી મોટો પોઈન્ટ એ છે કોઈ પણ રૂરલની વાત કરે એટલે તરત જ ચણિયાચોળીની વાત કરે. હવે, મને એમ કહો કે નવરાત્રિ આવે એટલે બધા ચણિયાચોળી પહેરીને જ ગરબા રમે છે, કોઈ જીન્સ પહેરીને તો રમતું નથી. દિવાળી કે પછી કોઈ ફેસ્ટિવલ આવશે, હિંદુ ધર્મના કોઈ તહેવાર હશે તો ઈન્ડિયન ડ્રેસ જ પહેરશે. આ આપણું કલ્ચરલ છે. જો ગુજરાતી સિનેમાવાળા આ કલ્ચરને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવે છે તો એમાં ખોટું શું છે. સિટીના લોકો નવરાત્રિમાં કેડિયા ને ચણિયાચોળી પહેરીને કેટલું કમાય છે. આ ડિફરન્સ એ લોકોની મેન્ટાલિટી છે. અમારા માટે કંઈ જ નથી. રૂરલમાં સુધારો કરવાની વાત કરીએ તો ક્વોલિટીમાં થઈ શકે. જોકે, એમાં પણ એક વાત આવે છે કે અહીંયા 10 રૂ. નાખવાથી 12ની કમાણી થશે તો કોઈ પણ 10ની જગ્યાએ 20 નહીં જ નાખે. તે 10ની જગ્યાએ 8 નાખશે. જેથી પ્રોફિટ વધે. રિકવરી નથી. ગર્વમેન્ટ તરફથી સબસિડી મળવી, સપોર્ટ મળવો તો ઘણાં બધા કારણો છે. બોલિવૂડમાં પણ ફિલ્મ્સ ફ્લોપ જાય છે, તો અમને તો પૂરો હક છે આવી ફિલ્મ્સ બનાવવાનો. ક્વોલિટી સુધારવાની જરૂર છે. ક્વોલિટી પૈસાથી અને ટેલેન્ટ બંનેથી મળે છે. એટલે ટેલેન્ટ આર્ટિસ્ટ્સ, મેકર્સ તથા ટેકનિશિયનમાં હોવી જોઈએ. 

હાલમાં જ મોનલ ગજ્જરે કહ્યું હતું કે અર્બન સિનેમામાં ખાઉંગીરી છે અને તેને કારણે પ્રોડ્યૂસર બીજીવાર રિપીટ થતો નથી, તો રૂરલ સિનેમામાં પણ આવી જ પરિસ્થિતિ છે?

ખાઉંગીરી થોડી ઘણી હોય જ છે. મેં ઘણાં કલાકારોનું સાંભળ્યું છે કે તેઓ લાખો રૂપિયા લે છે. માર્કેટમાં એ જાણવું જરૂરી છે કે એક્ચ્યૂલમાં તેની પ્રાઈસ શું છે? એ આપવા તૈયાર છે, એટલે લોકો લેવા તૈયાર છે. આ એક પોઈન્ટ છે. એના સિવાય ખાઉંગીરી ના થવી જોઈએ. 

મમતા એક્ટ્રેસ ના હોત તો શું હોત?

મારી મમ્મી બ્યૂટીપાર્લર ચલાવતી હતી. બ્યૂટિશન તરીકે પણ મારી મમ્મી સાથે કામ કરેલું છે. મને બધું આવડે પણ છે. એ વખતે પણ અમારા કસ્ટમર બંધાયેલા હતાં, જે મમતા સોની પાસે જ આઈબ્રો, હેરકટ કરાવવાનો આગ્રહ રાખતા હતાં. નવરાત્રિમાં હું છોકરીઓને તૈયાર પણ કરી આપતી હતી. આ ઉપરાંત ભણતી ત્યારે એરહોસ્ટેસ બનવાનો વિચાર હતો. એક્ટ્રેસ ના હોત તો ડાન્સ ફિલ્ડમાં, બ્યૂટિશન અથવા તો ડિઝાઈનર તરીકે કામ કરતી હોત. લેડીઝ માટે ફાઈનલ ડેસ્ટિનેશન તો હાઉસવાઈફ જ છે. 

ફિલ્મ્સમાં આવી તે પહેલાંની મમતા અને અત્યારની મમતામાં શું ફેર છે?

બધાને ખ્યાલ જ હશે કે ‘મ’ નામના વ્યક્તિઓ થોડાં ગુસ્સાવાળા હોય છે. જ્યાં સુધી અમે લોકોને ના મળી ત્યાં સુધી અમારામાં અમારી જ ઝલક જોવા મળે. અમે ધીમે ધીમે લોકોને મળીએ, પછી અમે ધીમે ધીમે શીખતા હોઈએ છીએ. જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે ઘણી જ ગુસ્સાવાળી હતી. પ્રોગ્રામ્સ જો કોઈ આંખ મારે કે ઈશારા કરે તો ગુસ્સો આવી જતો હતો. આજ સુધી હું ઈન્ડસ્ટ્રીમાં મેં ફ્લોર પર પણ ઝઘડો કર્યો નથી. જોકે, એકાદ-બે કિસ્સા એવા બન્યા છે. એકવાર હું ઘણી જ બીમાર હતી તેમ છતાંય સોંગના શૂટ માટે સેટ પર ગઈ હતી. જામનગરથી હું અમદાવાદ આવી હતી. મેં સેટ પર આવીને સૌથી પહેલાં એમ કહ્યું કે મારે ક્લિનિક જવું પડશે. હું ઈન્જેક્શન લઈને આવી હતી. સેટ પર ખાવાની પણ વ્યવસ્થા નહોતી. આમ તો હું ભૂખ્યા પેટે પણ શૂટિંગ કરી નાખું છું પણ તે દિવસે મારી તબિયત સારી નહોતી એટલે મારે દવા લેવી હતી અને તેથી જ મેં ખાવાની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. ત્યારબાદ તેમની સાથે આ મુદ્દે દલીલો થઈ હતી. પછી મેં શૂટિંગ કરવાની ના પાડી હતી. આવો જ એક કિસ્સો બન્યો હતો, જેમાં મારે કોસ્ચ્યુમ કૅરી કરવાના હતાં. હું જામનગરથી આવતી હતી અને મેં કહ્યું હતું કે હું ત્યાંથી આવું છે, એટલે કપડાં સાથે લાવી શકીશ, જ્યારે સેટ પર આવી તો તેમણે એટલા ખરાબ કપડાં મગાવીને રાખ્યાં હતાં, જે પહેરી શકાય તેવા નહોતાં. તો પ્રોડ્યૂસર્સ એમ કહ્યું કે ચલો, નવા કપડાં લઈ આપીએ. તો એની સાથેના ચેલાઓ એમ બોલ્યા હતાં કે નવા કપડાં માટે તો નાટક કરે છે. આ વાત સાંભળીને જ મેં કામ કરવાની ના પાડી દીધી હતી. મારા કેરેક્ટર પર કોઈ વસ્તુ આવી જાય તે હું ક્યારેય સહન કરતી નથી. હવે, લેટ ગો કરતાં શીખી છું.

શૂટિંગ દરમિયાન એવા પ્રસંગો બન્યા છે, જ્યારે તમે રડી પડ્યાં હોવ?

‘કાંતાડી શાંતાડી’ ફિલ્મનું શૂટિંગ કરતી હતી, ત્યારે જામનગરથી અપડાઉન કરતી હતી. ત્યારે ઈન્ડસ્ટ્રીમાં મને આવે 3-4 ચાર વર્ષ જ થયા હતાં. સેટ પર બધા સાથે ફાવે નહીં, પોલિટિક્સ પણ થતું હોય ત્યારે હું રડી પડી હતી. આ ઉપરાંત સુરતથી હું રાજસ્થાન શૂટિંગ માટે ગઈ હતી. સેટ પર ગઈ ત્યારે કોઈએ મને ભોજનનું પણ પૂછ્યું નહોતું ત્યારે પણ હું રડી પડી હતી. 

સવારે શૂટિંગ અને સાંજે શો હોય તો કેવી રીતે મેનેજ કરો છો?

શાયરીની મારે હવે પ્રેક્ટિસ કરવાની જરૂર રહેતી હતી. એ મને યાદ જ હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ હું શોમાં શાયરી તો ગાવ જ છું. ગાંધીધામનો એક કિસ્સો છે, એમાં કંઈક ધમાલ થઈ હતી. ગાંધીધામમાં કવિતા દાસનો શો હતો અને તેમાં હું તથા નરેશ કનોડિયા ગેસ્ટ હતાં. મને સ્ટેજ પર શાયરી ગાવાની ના પાડી દીધી હતી પણ હું તો ફટોફટ સ્ટેજ પર ગઈ અને શાયરી ગાઈ લીધી હતી. બબાલ થવાની શક્યતા હતી અને મને આયોજકે શાયરી ગાવાની ના પાડી હતી. જોકે, મેં તેમની વાત માની નહીં અને શાયરી તો ગાઈ જ લીધી હતી.

શૂટિંગ દરમિયાનનો મુશ્કેલ અનુભવ?

‘પ્રીત જન્મોજનમની ભૂલાશે નહીં’નું શૂટિંગ ઉનાળામાં હતું. અમે લોકો રેતવાળી નદીમાં 43-45 ડિગ્રીમાં શૂટિંગ કર્યું હતું. આ સીનમાં હું જોરથી બૂમ પાડીને મરી જાઉં છું. મેં પગમાં લેધરની મોજડી પહેરી હતી, જેને કારણે પગ પણ એટલાં જ ગરમ થઈ જતાં અને અમે પગમાં પાણી નાખતા. આટલી ગરમીમાં હું મરી જાઉં છું અને રેતી મારી પર ઉડે છે. આ સમયે સ્કિન ઈન્ફેક્શન થયું હતું, સ્કિન પણ બ્લેક પડી ગઈ હતી. એકવાર હું શૂટિંગ કરીને રાતના બે વાગે ઘરે આવી હતી. મને અચાનક જ વોમિટ અને લૂઝ મોશન થઈ ગયા હતાં. હાલત ઘણી જ ખરાબ હતી. બીજા દિવસે મારે એક મેરેજના ફંક્શનમાં જવાનું હતું. ત્યારે હું ગાંધીનગરમાં બહુ બધાને ઓળખતી પણ નહોતી. બે-ત્રણ જણાને ઓળખતી. તેમને છ વાગે મેસેજ કર્યો કે જ્યારે મેસેજ જુઓ ત્યારે આવજો, મારે હોસ્પિટલ જવાનું છે. આઠ વાગે અમે હોસ્પિટલ ગયા. હોસ્પિટલવાળાએ તો તરત જ એડમિટ થઈ જવાની વાત કરી હતી. જોકે, મારે મેરેજ ફંક્શનમાં જવાનું હતું, એટલે મેં ના પાડી. એમને જ્યૂસ, ઓઆરએસ ને ઈન્જેક્શન આપ્યા અને પછી હું મેરેજ ફંક્શનમાં હાજર રહી હતી. એકવાર હરસુખભાઈ પટેલની ફિલ્મનું શૂટિંગ મેં નિડલ સાથે કરેલું છે. આ ફિલ્મનું શૂટિંગ આણંદમાં ચાલતું હતું. 

રેપિડ ફાયર રાઉન્ડ

 • આગામી પાંચ-દસ વર્ષમાં મમતા સોની પોતાને ક્યા જુએ છે?
  આજે હું હિરોઈન છું, પછી ભાભી બનીશ, પછી માનો રોલ કરીશ. હું આ ઈન્ડસ્ટ્રી છોડીને ક્યાંય જવાની નથી. 
 • ડ્રીમ રોલ કયો છે?
  બોલિવૂડ ફિલ્મ ‘લજ્જા’, જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરે છે, તેવો રોલ કરવો છે. સ્ત્રીમાં શક્તિ હોવી જોઈએ, ડેરિંગ હોય તેવી એક સ્ટોરી કરવાની ઈચ્છા છે. મારા માટે કોમેડી સૌથી ચેલેન્જિંગ છે. આવા રોલ કરવાની ઈચ્છા છે. 
 • પહેલી કમાણી કેટલી હતી?
  સ્ટેજ પર ગીત ‘મુઝકો હુઈ ના ખબર’ પર ડાન્સ પર્ફોર્મન્સ કર્યું હતું. તેમાં મને 300 રૂપિયા મળ્યાં હતાં, જે મમ્મી પાસે જ ગયા હતાં.
 • જામનગરથી ગાંધીનગર ક્યારે આવ્યાં?
  આઠ વર્ષ પહેલાં જ હું અહીંયા આવી. હું ગાંધીનગરમાં પીજી તરીકે રહેતી હતી અને મને આ શહેર ઘણું જ ગમી ગયું હતું. 
 • શૂટિંગ ના હોય તો શું કરો?
  ફિલ્મ જોવાનો શોખ છે. ટીવી કે થિયેટરમાં મૂવી જોવું આ ઉપરાંત સલૂનમાં બોડી સ્પા તથા હેર સ્પા કરું છું. મને રિલેક્સ થવું ગમે છે. શોપિંગ કરવું પણ એટલું જ ગમે છે. 
 • સુપરપાવર હોય તો તમે શું કરો?
  સુપરપાવર હોય તો મારે ઉડવું છે. આ સિવાય નાની બાળકી સાથે દુષ્કર્મો થતા હોય છે, આવી મેન્ટાલિટીનો એન્ડ કરવો છે. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી