હું, તમે ને સેલિબ્રિટી / જીનલ બેલાણીએ કહ્યું, હું સ્કૂલ-કોલેજમાં ટોપર હતી અને એક્ટિંગમાં સતત એક વર્ષ સુધી રિજેક્ટ થઈ હતી

X

Divyabhaskar.com

Nov 15, 2019, 06:26 PM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના છેલ્લાં એપિસોડમાં ડિમ્પલ ગર્લ એટલે કે જીનલ બેલાણી સાથે ખાસ મુલાકાત કરી હતી. જીનલે પોતાના જીવનની રસપ્રદ વાતો કરી હતી. જીનલ બેલાણીએ નાનપણમાં રેડિયો શો કર્યાં હતાં. તે સ્કૂલ ટોપર તથા યુનિવર્સિટી ટોપર રહી ચૂકી હતી. વાતચીતમાં જીનલે કહ્યું હતું કે એક વર્ષ સુધી સતત રિજેક્શન મળવાને કારણે એક્ટિંગ ફિલ્ડ છોડવાનું વિચાર્યું હતું. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે રિયલ લાઈફમાં એકદમ ટોમબોય જેવી છે પરંતુ તેને અત્યાર સુધી ગર્લી ટાઈપના રોલ જ મળ્યાં છે.

divyabhaskar.com સાથે જીનલ બેલાણીની ખાસ વાતચીત

તમારા પરિવારમાં કોણ-કોણ છે?

મારા પરિવારમાં મમ્મી-પપ્પા તથા એક બેન છે, જેના લગ્ન થઈ ગયા છે. મારી બેન સિડનીમાં છે અને તે એક ન્યૂટ્રિશનિસ્ટ છે. હું બહુ જ સિમ્પલ પરિવારમાંથી આવું છું. મારા પપ્પા પહેલાં બેંકમાં કામ કરતાં હતાં અને પછી સરકારી નોકરી કરતાં હતાં. મારા મમ્મી હાઉસવાઈફ છે. મારા પેરેન્ટ્સનો પણ જન્મ મુંબઈમાં થયો છે અને તેઓ અહીંયા જ મોટા થયા છે. 

નાનાપણથી તમે નક્કી કર્યું હતું કે મારે એક્ટ્રેસ બનવું છે?

હા, જ્યારે હું પહેલાં ધોરણ ભણતી હતી ત્યારે મેં ‘કુછ કુછ હોતા હૈં’ જોઈ હતી. આ ફિલ્મ જોયા બાદ મને એવું જ હતું કે મારે એક્ટ્રેસ બનવું છે. મનથી તો નક્કી જ હતું પણ મોટી થઈ ત્યાં સુધી મારા પેરેન્ટ્સને આ વાત કહી શકી નહોતી. બારમા ધોરણ પછી મેં માસ મીડિયા એટલાં માટે લીધું કે મને એવું હતું કે આમાં જવાથી મને એક્ટિંગનો કોઈ રસ્તો મળશે. માસ મીડિયા વખતે જ મેં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. હું મુંબઈમાં હોવાથી મને તક થોડી વધારે મળી હતી કારણ કે અહીંયા પ્રોડક્શન હાઉસ, રાઈટર્સ વધારે હોય છે. મેં મરાઠી ડિરેક્ટર મુકેશ જાદવને આસિસ્ટ કર્યાં હતાં. ‘કોમેડી સર્કસ’માં રાઈટિંગમાં આસિસ્ટ કર્યું હતું. ‘દસવિદાનિયા’ના શશાંત શાહને આસિસ્ટ કર્યાં. એડિટિંગને બધું શીખી. કોલેજ પૂરી કર્યાં બાદ તરત જ ઓડિશન આપવાના ચાલુ કરી દીધા હતાં અને મને એક જાહેરાત પણ મળી ગઈ હતી. 

તમે નાનપણમાં રેડિયો શો કરતાં હતાં, તો તેના વિશે જણાવો?

અમે જ્યાં રહેતાં હતાં ત્યાં ઉમેશભાઈ દેસાઈજી કરીને ટ્રસ્ટ છે, અહીંયા કલ્ચરલ એક્ટિવિટી ચાલતી હતી. અહીંયા હું ભરત નાટ્યમ, ડ્રામા તથા પેઈન્ટિંગ ક્લાસિસમાં જતી હતી. મારા પપ્પા માનતા કે તમારે બધી રીતે ટ્રેઈન્ડ હોવું જોઈએ. મારા પપ્પાએ ગુજરાતી પણ અમને સારી રીતે શીખવ્યું છે. આ ટ્રસ્ટમાં બાળકોને સિલેક્ટ કરીને રેડિયો પ્રોગ્રામમાં લઈ જવામાં આવતાં હતાં. મારો અવાજને બધું સારું હતું એટલે હું સિલેક્ટ થઈ હતી. પછી એવું થતું કે તેમના દરેક રેડિયો પ્રોગ્રામમાં હું અને મારી બેન હોઈએ જ. તેમના કલ્ચરલ પ્રોગ્રામમાં પણ હું હોઉં જ. હું જ્યારે ત્રીજા-ચોથા ધોરણમાં હતી ત્યારે મેં પહેલો રેડિયો શો કર્યો હતો. મેં ખાસ્સા વર્ષો સુધી રેડિયો શો આપ્યા હતાં. એકવાર ચિલ્ડ્રન ડે પર આખા મહારાષ્ટ્રમાંથી બે બાળકોને પસંદ કરવામાં આવ્યા હતાં, જેમણે રેડિયોમાં લાઈવ બોલવાનું હતું. આ બે બાળકોમાંથી એક હું હતી. 

તમે કેટલાં વર્ષ સુધી ઓડિશન આપ્યાં હતાં?

મેં સતત એક વર્ષ સુધી ઓડિશન આપ્યાં હતાં અને મને એક પણ પ્રોજેક્ટ મળ્યો નહોતો. આ જ કારણથી મને એવું થવા લાગ્યું કે મારામાં કંઈ ખામી હશે અને તેથી જ મને કામ મળતું નથી એટલે મેં ઓડિશન આપવાના પણ બંધ કરી દીધા હતાં. આવી જ રીતે એકવાર મેસેજ આવ્યો હતો કે ઓડિશન છે. ખબર નહીં મને અંદરથી થયું કે હું ઓડિશન આપવા જઉં અને હું ગઈ હતી. આ ઓડિશન ડવ જાહેરાત માટેનું હતું અને મને આ જાહેરાત મળી હતી. 

તમને સતત એક વર્ષ રિજેક્શન મળ્યું, તો એ સમયે તમે શું વિચારતાં હતાં?

અત્યારે રિજેક્શન મને બહુ ઈઝી લાગે છે પરંતુ તે સમયે હું એવા ઝોનમાંથી આવતી હતી કે હું સ્કૂલમાં ટોપર રહી ચૂકી હતી. કોલેજમાં ઈકોનોમિક્સમાં મહારાષ્ટ્ર ટોપર હતી. હું મીઠીબાઈ કોલેજમાંથી ભણી છું અને અહીંયા ડ્રામામાં ને બધે જ ભાગ લેતી હતી. તે સમયે મનમાં એમ જ હતું કે હું તો બેસ્ટ છું એટલે મને તો તરત જ કામ મળી જશે. આથી જ જ્યારે મને રિજેક્ટ કરવામાં આવતી તો મનમાં એમ જ થતું કે હું તો નાનપણથી કામ કરતી આવી છું, તો હું કેવી રીતે રિજેક્ટ થઈ શકું? તે સમયે તો દુનિયા જોઈ નહોતી. સતત રિજેક્શન ઘણું જ ટફ રહ્યું હતું. મારા માટે ના સહન કરવી ઘણી જ મુશ્કેલ હતી. જોકે, મેં આ રિજેક્શનને પોઝીટિવ લેવાનું શરૂ કર્યું હતું. મેં એમ વિચાર્યું કે રિજેક્શન મળે છે તો મારામાં જ કમી હશે. ત્યારબાદ હું ઓડિશનમાં જતી તો હું જોતી કે છોકરીઓ કેવી રીતે મેક-અપ કરે છે, કેવા ડ્રેસ-અપમાં આવે છે, એ બધી બાબતો પર ધ્યાન આપ્યું. મેં કોઈ એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગ શીખી નથી એટલે હું ઓડિશનમાં જઈને જ બધું શીખતી હતી. થોડો સમય થિયેટરમાં પણ કામ કર્યું. 

તમે પેરેન્ટ્સને ક્યારે કહ્યું કે તમારે એક્ટ્રેસ બનવું છે?

મેં માસ મીડિયા કર્યું અને ત્યારબાદ એમ.એ. ડિસ્ટન્સ લર્નિંગમાં કર્યું હતું. પેરેન્ટ્સ એ વાતથી ખુશ હતાં કે હું ભણી છું. ઓડિશન આપવાના શરૂ કર્યાં ત્યારે મારે પોર્ટફોલિયો બનાવવાનો હતો. માસ મીડિયાના પહેલાં વર્ષના વેકેશનમાં અમારે ઈન્ટર્નશિપ કરવાની હોય અને તેમાં મારા કોન્ટેક્ટ્સ બની ગયા હતાં અને પછી મેં આસિસ્ટ કરવાની શરૂઆત કરી હતી એટલે મારી પાસે સેવિંગ તો હતું. આ સમયે મેં પેરેન્ટ્સને એક્ટ્રેસ બનવા અંગે કહ્યું હતું. મેં કોલેજમાં શશાંત સરને આસિસ્ટ કર્યાં હતાં અને મારી પહેલી હિંદી સિરિયલ ‘હર મર્દ કા દર્દ’ને શરૂઆતમાં શશાંત શાહે ડિરેક્ટ કરી હતી. આ સમયે હું ઘણી જ ખુશ થઈ હતી કે જેમની સાથે કરિયરની શરૂઆત કરી અને તેમની સાથે જ મારે કામ કરવાનું થયું. 

જાહેરાતો બાદ અચાનક ફિલ્મમાં કામ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?

મેં એવું કંઈ વિચાર્યું જ નહોતું કે મારે ફિલ્મમાં કામ કરવું છે. હું ઓડિશન આપતી રહેતી હોઉં છું. અત્યારે પણ કોઈ સારું ઓડિશન હોય તો હું આપતી હોઉં છું. મને લાગે છે કે આપણે કંઈ જ નથી કે બધું પ્લાન કરીને રાખીએ. 

‘પોલમપોલ’ કેવી રીતે મળી?

મારા એક ફ્રેન્ડ જીગ્નેશ મહેતાએ તેજસ પડિયાની પહેલી ફિલ્મ ‘આ તે કેવી દુનિયા’ માટે મારું નામ સજેસ્ટ કર્યું હતું. હું તેજસસરને મળી હતી પરંતુ કેટલાંક કારણોસર હું આ ફિલ્મ કરી શકી નહીં. જ્યારે તેમણે ‘પોલમપોલ’ બનાવવાનું વિચાર્યું ત્યારે તેમને મારો સંપર્ક કર્યો હતો અને હું ફ્રી હતી તો મેં ઓડિશન આપ્યું અને મને ફિલ્મ મળી હતી.

 • ‘પોલમપોલ’નું ઓડિશન કેવી રીતે આપ્યું?

આ ફિલ્મમાં જે ઓડિશન આપ્યું તે સીન ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. ઓડિશનમાં મારે એ સીન ભજવવાનો હતો કે હું અમેરિકાથી આવું છું અને મારી મમ્મીને કહું છું કે મારા ડિવોર્સ થઈ ગયા છે. આ એક ગંભીર સીન હતો. ફિલ્મ જ્યારે ફ્લોર પર ગઈ ત્યારે ડિવોર્સને બદલે બ્રેકઅપવાળો સીન કરી દીધો હતો અને એ ગંભીર સીન કાઢી નાખ્યો હતો. 

 • આ ફિલ્મના શૂટિંગનો પહેલો દિવસ કેવો રહ્યો?

ઘણો જ સારો રહ્યો. ફિલ્મમાં પ્રેમ ગઢવી, ઓજસ ત્રિવેદી, જયેશ મોરે જેવા કલાકારો હતાં. જીમિત ત્રિવેદી પહેલાં દિવસે નહોતો. મને તે સમયે લાગ્યું નહોતું કે હું આ બધાને પહેલીવાર જ મળું છું. હું તો મારી મસ્તીમાં જ હતી. મને તે સમયે ખ્યાલ નહોતો કે આ લોકો દિગ્ગજ છે. મને ગુજરાતી ઈન્ડસ્ટ્રી વિશે બહુ ખબર પણ નહોતી. મેં ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ તથા ટીવી શો ‘લાગા ચુનરી મેં દાગ’ તથા થોડીક જાહેરાતો કરી હતી. 

તમને ટીવી શો ‘લાગા ચુનરી મેં દાગ’ કેવી રીતે મળ્યો હતો?

મને સૌ પહેલાં ડવની જાહેરાત મળી હતી. આ જાહેરાત પછી ‘પટેલ કી પંજાબી શાદી’ મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2013મા ચાલુ થઈ ગયું હતું. આ શૂટિંગ દરમિયાન કોઈએ મારું નામ ટીવી શો માટે સજેસ્ટ કર્યું હતું. હું હાર બહુ જલદી માની લેતી હોઉં છું. તે વખતે પાછો એવો સમય આવ્યો હતો કે મેં નક્કી કર્યું કે મારે આ લાઈન છોડી દેવી છે અને ઓડિશનને બધું આપવું નથી. ઈન્ડસ્ટ્રીમાં કામ કરે હજી માંડ વર્ષ જ થયું હતું અને મને આ બધું છોડવાનો વિચાર આવ્યો હતો. મને મનમાં એમ હતું કે મારા હાથમાં તો કંઈ જ નથી. મારે તો ખાલી ઓડિશન જ આપવાનું. સામે 10 લોકો હોય અને તેમાંથી કોઈ એમ કહી દે આનું નાક બરોબર નથી તો તમે પ્રોજેક્ટમાંથી જ બહાર નીકળી જાવ. મને બીજા પર આટલી બધી ડિપેન્ડન્સી પસંદ નથી. મને એવું હતું કે હું રાઈટિંગ ને બીજું કંઈક કરીશ. આ બધું વિચારતી હતી અને આ સિરિયલ માટે કોલ આવ્યો. આ સિરિયલનું એક જ દિવસ બાદ શૂટ શરૂ થવાનું હતું. એમનો જ્યારે ફોન આવ્યો ત્યારે હું એમની ઓફિસની નીચે જ હતી. હું તરત જ તેમને મળવા ગઈ અને ઓડિશન આપ્યું હતું. ઓડિશન પણ ફોર્માલિટી પૂરતું જ હતું. મને ત્યારે ને ત્યારે ત્રણ-ચાર લાઈન લખીને આપી હતી અને મેં ઓડિશન આપ્યું હતું. બીજા દિવસથી હું આ સિરિયલનું શૂટિંગ કરતી હતી. 

‘લાગા ચુનરી મૈં દાગ’ ફિલ્મ ‘ફેશન’ પર આધારિત છે, તો તમને રિયલ લાઈફમાં ક્યારેય ઈન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડનો અનુભવ થયો છે?

ના, મને એવો અનુભવ ક્યારેય થયો નથી. હું એવા લોકોને ઓળખું છું, જેમને આનો અનુભવ થયો છે. મેં પહેલેથી જ એવું રાખ્યું હતું કે હું કો-ઓર્ડિનેટર્સની મદદથી જ ઓડિશન આપવા જઈશ. કો-ઓર્ડિનેટર્સ બંને પાર્ટીને ઓળખતી હોય છે અને તેમને અમુક ટકા રકમ આપવાની હોય છે પરંતુ તમારી સેફ્ટી માટે આ યોગ્ય છે. તેમના મેસેજ આવે તો જ હું ઓડિશન આપવા જઉં. કોઈ પણ રેન્ડમ મેસેજ આવે તો ક્યારેય ઓડિશન આપવા જતી નહીં. હવે તો મને આ ડર પણ રહ્યો નથી. હું એવું માનું છું કે તમે તમારી જાતને કેવી રીતે રજૂ કરો છો, તેના પર બધો આધાર છે. તમે ત્યાં કેવી રીતે જાઓ છો, ત્યાં શું બોલો છે, તે પણ મહત્ત્વનું છે.

‘પટેલ કી પંજાબી શાદી’ કેવી રીતે મળી?

આ ફિલ્મ પણ મને ઓડિશનથી મળી હતી. કો-ઓર્ડિનેટર્સે મને ઓડિશન માટે કહ્યું હતું. હું ઓડિશન માટે ગઈ હતી અને મને કહેવામાં આવ્યું હતું કે પરેશ રાવલ, રીષિ કપૂર જેવા કલાકારો છે. મારી પહેલાં ફિલ્મમાં અન્ય કોઈ એક્ટ્રેસ હતી પરંતુ લાસ્ટ મોમેન્ટ પર તેને સ્થાને મને લેવામાં આવી હતી. હું ગુજરાતી હતી અને ફિલ્મમાં મારું પાત્ર પણ ગુજરાતી હતું. ત્યાં પણ મને બે-ચાર લાઈન્સ બોલવા માટે આપી હતી અને હું બોલી ગઈ હતી. આ રીતે હું ફિલ્મ માટે સિલેક્ટ થઈ ગઈ હતી. 

‘પટેલ કી પંજાબી શાદી’માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
ફિલ્મમાં પરેશ રાવલ તથા રીષિ કપૂર પાસેથી શીખવા ઘણું જ મળ્યું. તેમની સાથે કામ કરવાને લઈ ક્યારેય નર્વસ થઈ નહોતી. ઘણાં ઈન્ટરવ્યૂમાં વાંચ્યું હતું કે લોકો એમ કહેતા કે તેમણે આ લોકો પાસેથી ઘણું શીખ્યું છે. ત્યારે ખ્યાલ નહોતો આવતો કે તેઓ કયા સેન્સમાં બોલે છે? ફિલ્મના સેટ પર જ્યારે સ્ક્રિપ્ટ આવે અને પછી તેઓ પર્ફોર્મ કરે ત્યારે લાગે કે આ લોકો સીનને કયા લેવલ પર લઈ ગયા. પછી તે એનર્જી હોય કે તેમના પોતાના ઈનપુટ્સ હોય. એ રીતે મને શીખવા ઘણું જ મળ્યું છે. જ્યારે એક સીન પૂરો થાય તો બધા સેટ પર જ બેસતા હતાં. તેમની વાતો સાંભળીને પણ ઘણું બધું શીખવા મળ્યું હતું. 

‘પટેલ કી પંજાબી શાદી’ની એવી કઈ બાબત છે, જે તમને આજે પણ યાદ છે?
પહેલાં દિવસે મહેબૂબ સ્ટૂડિયોમાં શૂટ હતું અને હું બહુ જ નવી હતી. મેં મારા એક-બે ફ્રેન્ડ્સને કહ્યું હતું કે મને લેવા આવજો. મને કોઈ જ આઈડિયા નહોતો. હું ત્યાં જવાને લઈ થોડી નવર્સ થઈ ગઈ હતી. પહેલાં દિવસે તો મારી બહેન મને લેવા ને મૂકવા આવી હતી. બીજા દિવસે મેં મારા ફ્રેન્ડ્સને કહ્યું હતું એટલે મારા ફ્રેન્ડ્સ મને લેવા આવ્યા હતાં. એમાંથી એક ફ્રેન્ડનો સ્ટૂડિયોની બહાર જ એક્સિડન્ટ થઈ ગયો અને મને ફોન આવ્યો હતો. હું રડવા લાગી હતી અને એક બાજુ સીન ચાલતો હતો. મેં સંજય છેલસરને કહ્યું અને તેમની ટીમ આવી, મારી મમ્મી આવી અને ફ્રેન્ડને હોસ્પિટલ લઈ ગયા. આ સમયે ફિલ્મની ટીમનો ઘણો જ સપોર્ટ રહ્યો. તે લોકો મને ઘરે મૂકી ગયાં અને ફ્રેન્ડનું ધ્યાન પણ રાખ્યું. 

તમારા નેકસ્ટ પ્રોજેક્ટ કયા છે?

ભવ્ય ગાંધી સાથે ‘તારી સાથે’ ફિલ્મ આવે છે. આ ઉપરાંત મલ્હાર ઠાકર તથા અન્ય બે એક્ટ્રેસિસ સાથેની એક ફિલ્મ છે, જેને રાહુલ ભોલે ડિરેક્ટર કરે છે. વેબ સીરિઝને લઈ વાતચીત ચાલે છે. 

શૂટિંગ દરમિયાનના એવા કોઈ અનુભવ થયા હોવ તો જણાવો, જે તમને હંમેશાં યાદગાર રહી ગયા હોય?

મને ભગવાને મેમરી બહુ સારી આપી છે, જેને કારણે ખરાબ વસ્તુઓ ક્યારેય યાદ જ રહેતી નથી. આ ઈન્ડસ્ટ્રીએ મને ઘણાં જ સારા ફ્રેન્ડ્સ આપ્યા છે. હું આ બધા ફ્રેન્ડ્સ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકું છું. મેં હમણાં એક શોર્ટ ફિલ્મ કરી હતી, જે એસિડ એટેક સર્વાઈવર પર આધારિત હતી, જેમાં મારા ચહેરાનો એક ભાગ બળી ગયો હતો, આમાં મારી એક આંખ પર પટ્ટી બાંધેલી હતી પણ આમ તો આંખ ખુલ્લી રહેતી હતી. આ આંખમાંથી મને બધુ વ્હાઈટ દેખાય અને બીજી આંખમાં નોર્મલ દેખાય. ભર તડકામાં ચંપલ પહેર્યાં વગર મારે એક નાની બાળકીને તેડીને ભાગવાનું હતું. મને પગમાં કાંટા પણ વાગી ગયા હતાં. આમાં હું સીન ભૂલી ગઈ હતી એ હદે મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સ્ક્રિપ્ટ વાંચીને જાઓ અને તમે સીન ભૂલી જાવ, આવું ક્યારેય ના થાય. મેં મેનેજ કરી લીધું હતું. જોકે, આ તદ્દન અલગ જ અનુભવ હતો અને મને ઘણી જ મજા આવી હતી. 

તમને જ્યારે પહેલી ફિલ્મ મળી ત્યારે પેરેન્ટ્સનું રિએક્શન શું હતું?

મેં જ્યારે પેરેન્ટ્સને ફિલ્મ અંગે વાત કરી તો તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે ઓકે. આજે પણ જ્યારે નવી ફિલ્મ અંગે વાત કરું તો તેઓ ઓકે જ કહે. તેમને કારણે હું આટલી ગ્રાઉન્ડેડ રહી શકી છું. 

શૂટિંગના બ્રેક દરમિયાન શું કરો?

નેટવર્ક આવતું હોય તો સોશિયલ મીડિયામાં બિઝી હોઉં. બાકી કંપની સારી હોય તો સેટ પર વાતો કરતી હોઉં. પહેલાં હું બુક્સ લઈ જતી પરંતુ કંપની સારી મળી જ જતી હોવાથી બુક્સ ક્યારેય વાંચી શકાતી નહીં. ફોનમાં પણ બુક્સના સોફ્ટવેર ડાઉનલોડ કર્યાં હોય તો હું તેમાં જ વાંચું. મને કાજલ વૈદ્ય ઓઝાનું રાઈટિંગ ગમે છે. કુંદનિકા કાપડિયાની ‘સાત પગલા આકાશ’ વાંચી છે. મને ગુજરાતીમાં વુમન રાઈટર્સ પસંદ છે. હું પોતે પણ લખું છું પરંતુ ફ્રેન્ડ્સ સાથે જ શૅર કરું છું.

શૂટિંગ ના હોય તો શું કરો?

મિટિંગ્સ હોય તો ત્યાં જઉં. હું બોરીવલીમાં રહું છું અને જો મારે મિટિંગ માટે અંધેરી જવાનું હોય તો આખો દિવસ એમાં જ જાય. ઘરે હોઉં તો કંઈક લખતી હોઉં. જીમમાં જઉં. મમ્મી-પપ્પા સાથે સાંજે ગાર્ડનમાં જઉં. એમની સિનિયર સીટિઝન ક્લબ છે, તેમાં સાથ આપું અને ત્યાં વોક કરું. મને પેઈન્ટિંગનો પણ શોખ છે. 

લોકલ ટ્રેનના કોઈ અનુભવ અંગે જણાવો?

મુંબઈમાં 11મા ધોરણથી કોલેજ હોય અને મેં પાંચ વર્ષ લોકલ ટ્રેનમાં જ સફર કરી છે. અમારું એક ગ્રૂપ રહેતું. અમારું પાંચ છોકરીઓનું ગ્રૂપ હતું અને અમે છેલ્લે જ ટ્રેનમાં ચઢતાં. અમે પાર્લાથી ચઢતાં અને જે સાઈડથી ચઢતાં ત્યાં કોઈ સ્ટેશન આવતા નહીં તો અમે પાંચેય લટકતાં અને પાંચ વર્ષ આમ જ કર્યું હતું. અમારી ટ્રેન અને સીટ નક્કી હોય. અમે ગીતો ગાતા-ગાતા ઘરે જઈએ. તે દિવસોની ઘણી જ યાદ આવે છે. વર્ષ 2005મા મે 26 જુલાઈએ મુંબઈમાં પુષ્કળ વરસાદ પડ્યો હતો અને તે દિવસે હું મારી બેનને મળવા માટે કોલેજ ગઈ હતી. તે સમયે મારી ઉંમર 11-12 વર્ષની હશે. અમે પાર્લાથી ચાલતા ચાલતા રાતના 11 વાગે ઘરે પહોંચ્યા હતાં. નાનાનું નિધન થયું હોવાથી મારા મમ્મી મામાના ઘરે હતાં અને પપ્પા કંઈક કામથી બહાર ગયા હતાં. અમે વરસાદમાં થોડા ડરી ગયા હતાં પરંતુ અમારી સાથે બહુ બધા લોકો હતાં. મારી બહેનના ક્લાસમેટ્સ હતાં અને બધા જ લોકો હતાં. અમે માનવસાંકળ રચીને ચાલ્યા હતાં. અમે મસ્તી કરતાં, ગીતો ગાતા ચાલતા હતાં. રેલવે ટ્રેક પર ચાલવાની મજા આવી. વીજળી આવે ત્યારે ખબર પડે કે તમે ક્યા ચાલો છો?

ગુજરાતી સિનેમાની કઈ બાબતો બદલશો?

હું પ્રમોશનની ટેકનિક બદલીશ. આપણી પાસે પ્રમોશન કરવા માટે વધુ માધ્યમો નથી. પંજાબી ઈન્ડસ્ટ્રી પાસે પોતાની મ્યૂઝિક ચેનલ છે. આપણી પાસે નથી. આપણી પાસે ગીતો સારા છે. બીજું ગુજરાતી ફિલ્મનું બજેટ વધે. બાકી મને કંઈ કહેવાની જરૂર નથી લાગતી. લોકોને ખ્યાલ જ છે. સારી ફિલ્મ્સ બની જ રહી છે. 

‘હર મર્દ કા દર્દ’ સિરિયલ માટે તમે 12-13 કિલો વજન ઘટાડ્યું હતું અને ઘણી જ ચર્ચા થઈ હતી, તે વિશે વિગતે જણાવો?

‘પોલમપોલ’ બાદ આ સિરિયલ મળી હતી. આ ફિલ્મની ઘણી જ ચર્ચા થઈ હતી. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં ઘણું જ ચાલ્યું હતું. મને સિરિયલના પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો હતો અને હું ઓડિશન માટે ગઈ હતી. ‘પોલમપોલ’ બાદ મારા ચશ્માના નંબર વધી ગયા હતાં અને તેથી જ મેં લેઝર ઓપરેશન કરાવ્યું હતું અને આરામ પર હતી, જેને કારણે મારું વજન વધી ગયું હતું. જ્યારે ઓડિશનમાં સિલેક્ટ થઈ ત્યારે તેમણે વજન ઉતારવા માટે કહ્યું હતું. મારે આમ પણ વજન ઉતરાવાનું હતું. ખરી રીતે તો ‘પોલમપોલ’ના ગીત ‘સપનાઓ સાચા થશે’ તમે જોશો તો તમને જીનલમાં ફરક દેખાશે, આ ગીતનું પહેલાં દિવસનું શૂટ જીમિત ત્રિવેદી સાથે હતું અને છેલ્લા દિવસે ઓજસ રાવલ સાથે શૂટ કર્યું હતું. બંનેમાં ઘણો જ ફરક છે. પછી મારું વજન વધી ગયું હતું. હું વજન ઉતારવા માટે તૈયાર હતી પણ ખબર નહીં આ ન્યૂઝમાં કેવી રીતે આવી ગયું.

તમે 12 કિલો વજન કેવી રીતે ઉતાર્યું?

મારી બેન ન્યૂટ્રિશનિસ્ટ છે. હાલ તો મારી બેન સિડનીમાં છે પરંતુ ત્યારે તેના લગ્ન થયાં નહોતાં. તે વખતે તેણે ડાયટ પ્લાન લખીને આપ્યો હતો અને જો હું ફોલો ના કરું તો તે આંખ કાઢે એટલે હું ડરી જતી હતી. આજે પણ પેરેન્ટ્સ સવારે ઊઠાડવાનો ટ્રાય કરે તો હું ના ઊઠું પરંતુ મારી બેન એક બૂમ પાડે તો હું તરત જ બેઠી થઈ જઉં. તે મારા ડાયટનું ધ્યાન રાખતી. હું સ્ટ્રિક્લી ડાયટ ફોલો કરતી અને વર્કઆઉટ પણ કરતી હતી. રાતના આઠ વાગ્યા પછી કંઈ જ ખાવું જોઈએ નહીં. શરૂઆતમાં મને ઘણું જ ટફ પડતું અને હું મારી બેનની સામે જોઈને એને કહેતી કે મને કંઈ ખાવા આપે પરંતુ તે તરત જ મને પાણી પી લેવાની સલાહ આપતી. રોજ એકથી દોઢ કલાક કાર્ડિયો કરતી, એમાં હું વિવિધ વર્કઆઉટ કરતી. મેં એક-દોઢ મહિનામાં 12 કિલો જેટલું વજન ઉતાર્યું હતું. 

ઈન્ડસ્ટ્રીમાં આવી એ પહેલાંની જીનલ અને અત્યારની જીનલમાં કેટલો ફરક છે?

અંદરથી બહુ ડિફરન્સ નથી. પહેલાં હું બહુ જ ભણેશરી હતી. પહેલાં મારી આગળ કોઈ વ્યક્તિ રોજ એક જ કપડાં પહેરીને આવે તો પણ મારું ધ્યાન ના હોય. માસ મીડિયામાં હું ધીમે ધીમે બદલાતી ગઈ. મને સ્કૂલમાં બધા જસ્સી કહીને બોલાવતા હતાં. હું ચશ્મા પહેરતી હતી. આજે પણ સ્કૂલના કોઈ ફ્રેન્ડ્સ મળે તો મને જસ્સી કહીને જ બોલાવે છે. ધીરે-ધીરે હું પ્રોફેશનને કારણે બદલાઈ. અંદરથી તો હું એવી જ છું. એકદમ ખુશમિજાજી, ટેન્શન નહીં લેવાનું અને મજાની લાઈફ જીવવાની એટલે જ મારું વજન વધી જાય છે. 

સ્કૂલના એવા કોઈ તોફાનો છે, જે તમને યાદ રહી ગયા હોય?

મેં સ્કૂલમાં એવી કોઈ ધમાલ-મસ્તી કરી નથી. બહુ નોર્મલ જ મસ્તી કરી છે. સ્કૂલમાં એન્યુઅલ ચેકઅપ હોય અને એમાં વજન કરવાનું રહેતું. જ્યારે મારો રોલ નંબર આવે ત્યારે આખો ક્લાસ ચૂપ થઈ જતો, એ જાણવા માટે કે મારું વજન કેટલું છે. આ સિવાય ચાલુ ક્લાસે નાસ્તો કરતી અને ડબ્બાની આપ-લે કરતી રહેતી હતી. હું સ્કૂલમાં મોનિટર હતી અને ક્યારેય હોમવર્ક કરતી નહીં. મારે લેશન ચેક કરવાનું હોય એટલે હું બધાને કહી દેતી કે છેલ્લું પાનું ભરીને રાખવું અને હું એ ચેક કરીને ટીચરને સાઈન કરવા આપતી. ક્લાસમાં જેણે પૂરું હોમવર્ક કર્યું એની નોટબુક સાથે હું મારું કવર ચેન્જ કરતી અને એ નોટબુક હું મારી કહીને ટીચરને સાઈન કરવા આપતી અને હું ક્યારેય પકડાઈ નથી. હું ત્યારથી એક્ટિંગ શીખી ગઈ હતી. નાની હતી ત્યારે મમ્મી લંચ બોક્સમાં કાજુ-બદામ આપતી. હું મારા તો ખાઈ જતી અને મારી બેનના પણ ખાઈ જતી. જોકે, હું મારી બેનને આ બાબતે બ્લેકમેઈલ કરતી. હું એને ધમકી આપતી કે હું મમ્મીને કહી દઈશ અને મારા કામ એની પાસે કરાવી લેતી. ભણેશરી હોવાને કારણે મને કપડાંને લઈ બહુ ખબર પડતી નહીં. આથી જ હું મારી બેને જે કપડાં આજે પહેર્યાં હોય અને તે સૂકાઈ જાય એટલે બીજા દિવસે તે જ કપડાં હું પહેરી લેતી, જેથી મારે કપડાંને લઈ કંઈ ખાસ વિચારવાનું ના રહે. હું એના પર એટલી બધી ડિપેન્ડેન્ટ રહેતી અને આજે પણ છું. આજે પણ બહાર જવાનું હોય તો મારી બહેન પહેલાં જ કહે તું ફોટો મોકલ કે શું પહેરીને જવાની છે નહીંતર તું તો કંઈ પણ પહેરીને જતી રહીશ. મારા બર્થ ડેના કપડાંનો એ પહેલાં જ ઓનલાઈન ઓર્ડર આપી દે. 

મમ્મી-પપ્પાની કઈ બાબતો તમારામાં આવી છે?

મારા પપ્પાએ ઘણાં ખરાબ દિવસો જોયા છે. મારા દાદાજીનું ઘણી જ નાની ઉંમરમાં નિધન થયું હતું. પરિવારમાં મારા પપ્પા સહિત ચાર ભાઈ અને ત્રણ બહેનો તથા બા હતાં. તેમણે  પાપડ પણ વેચ્યા છે. મારા પપ્પા ઘણીવાર કહે કે તેમણે કેવી રીતે તે દિવસો પસાર કર્યાં હતાં અને તેથી જ આજે અમારી પાસે જે છે, તેની વેલ્યૂ છે. એ લોકોએ એટલી મહેનત કરી કે અમારે આવા દિવસો ના જોવા પડે. 

અમારા ઘરમાં એ નક્કી છે, લુક્સ વાઈઝ સારી બાબતો મારી બેન પાસે ગઈ છે. તે ઘણી જ સુંદર લાગે છે. તે મારા કરતાં ઘણી જ નાની લાગે છે એટલે હું જ્યાં પણ જતી ત્યાં મારી બેનને ઈન્ટ્રોડ્યૂસ એ રીતે કરાવતી કે આ મારી મોટી બેન છે. મારું નાનપણ તો એને પ્રોટેક્ટ કરવામાં જ ગયું છે. હું ભાઈ-લોગની જેમ તેને પ્રોટેક્ટ કરતી. મોટા થયા પછી અમે બહાર રમવા ગયા હોઈએ અને એની આસપાસ કોઈ છોકરો ના આવ્યો હોય એવું બન્યું જ નથી. હું એમ કહેતી હોઉં કે લુક્સ વાઈઝ બધી સારી વસ્તુ તારામાં આવી પરંતુ બ્રેઈન વાઈઝ બધી વસ્તુ મારામાં આવી છે. મારી મમ્મીની મેમરી ઘણી જ સારી છે. મને બધાની બર્થ-ડેટ, નાની-નાની બાબતો બધું જ યાદ રહે. મને સ્ક્રિપ્ટ તરત જ યાદ રહી જાય છે. મારા પપ્પા ઘણાં જ ઈન્ટેલિજન્ટ છે. તેમની વાતોમાંથી ઘણું જ શીખી છું. 

રેપિડ ફાયર

 • તમારી પહેલી કમાણી કેટલી હતી?

કોલેજ પાસ આઉટ કર્યાં બાદ મેં એડ એજન્સીમાં માર્કેટિંગનું કામ કર્યું હતું. મેં બે-ત્રણ મહિના નોકરી કરી હતી. મારી પહેલી સેલરી 10 હજાર હતી. ત્યારે બા માટે હું સાડી લઈ ગઈ હતી. મમ્મી માટે વિંટી તથા પપ્પા માટે પિયાનો લીધો હતો. 

 • સવારે ઊઠીને સૌ પહેલાં તમે શું કરો?

મારા રૂમની બાજુમાં જ ડાઈનિંગ એરિયા છે. મમ્મી-પપ્પા ઊઠે અને તેઓ ચા પીતા હોય એટલે તેમની વાતોથી મારી સવાર પડતી હોય છે. પછી હું તેમની સાથે ચા પીઉં અને વાતો કરું. ત્યારબાદ હું જીમ જતી હોઉં છું. એની પહેલાં વચ્ચે એક સારું રૂટિન થયું હતું. અમે ત્રણેય સવારે ઊઠીને મેડિટેશન કરતાં, પ્રાણાયમ કરતાં અને વોર્મ અપ કરતાં હતાં.

 • ટીવીમાં તમને હેક્ટિક નથી લાગતું?

ટીવીમાં એ લોકો કામના કલાકોની સામે એટલા પૈસા પણ આપે છે. અહીંયા ફૅમ વધારે છે. એક આર્ટિસ્ટ માટે ટીવી એક સિક્યોર મીડિયમ છે. આવી સિક્યોરિટી બીજું કોઈ મીડિયમ આપતું નથી. 

 • તમે જૈન છો તો પર્યુષણ કેવી રીતે કરો છો?

મારા ઘરમાં બધાએ અઠ્ઠઈ કરી છે પરંતુ મેં નથી કરી. હું પર્યુષણ દરમિયાન ચૌવિહાર કરતી હોઉં છું, એમાં સાંજે છ વાગ્યા પહેલાં જમી લેવાનું અને પછી પાણી ના પીવાનું હોય. આ થોડાંક જ દિવસ કરવાનું હોય છે અને તમે આઠ દિવસ છ વાગ્યા પછી નહીં ખાવ તો મરી નહીં જાવ. તમારા પર તમારો કંટ્રોલ કેટલો છે, તે ઘણું મહત્ત્વનું છે. મેં આ વખતે શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો હતો. હું મારી જાતને નાની-નાની ચેલેન્જ આપતી હોઉં છું. હું સતત કમ્ફર્ટ ઝોનમાં રહેતી નથી. 

 • ફેવરિટ એક્ટર-એક્ટ્રેસ કોણ છે?

હિંદીમાં મને કંગના રનૌત, વિકી કૌશલ, રાજકુમાર રાવ, શાહરુખ ખાન ગમે છે. ગુજરાતીમાં જીમિત ત્રિવેદી, ગૌરવ પાસવાલા, રોનક કામદાર, ભવ્ય ગાંધી, આરોહી પટેલ બધા ગમે છે.

 • ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ છે?

ગૌરવ તથા જીમિત સારા ફ્રેન્ડ છે. મને કોઈ રોલ ના સમજાતો હોય તો હું આ બંનેને જ ફોન કરતી હોઉં છું. મને આ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં જ સારા ફ્રેન્ડ મળ્યાં છે. 

 • તમારો ટી પાર્ટનર કોણ છે?

મારો ટી પાર્ટનર જીમિત ત્રિવેદી છે. મારા ઘર આગળ એક ટી-કાફૅ છે. હું અને જીમિત નજીકમાં જ રહીએ છીએ. જ્યારે પણ કંટાળો આવતો હોય તો એકબીજાને ફોન કરીને આ કાફૅમાં મળતા હોઈએ છીએ. 

 • કેવા પ્રકારના કેરેકટર્સ પ્લે કરવાના છે?

હું જેવી રિયલ લાઈફ છું, એવા જ રોલ પ્લે કરવા છે. રિયલ લાઈફની જીનલ કેવી છે, તે ઈન્ડસ્ટ્રીમાં કોઈને ખ્યાલ નથી. હું ટોમ બોય ટાઈપની છું. હું મુંબઈના ટપોરી જેવી છું. તે ટોપી પહેરતી હોય, ચેઈન ચઢાવેલી હોય. જોકે, હું કામ કરતી વખતે ઘણી જ શાંત હોઉં છું. એટલે બધાને એવું લાગે કે હું શાંત છું અને મને ગર્લી ટાઈપના રોલ મળે છે.

 • દેશના પીએમ બનાવવામાં આવે તો સૌ પહેલાં શું કરો?
  હું રિઝર્વેશન સિસ્ટમ કાઢી નાખું. દેશમાં બહુ બધા ટેલેન્ટેડ લોકો છે, જે પાછળ રહી જાય છે. આપણાં પીએમ અત્યારે બહુ સારું કામ કરી રહ્યાં છે. બધી બોર્ડર સિક્યોર કરી રાખી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સારું કામ થઈ રહ્યું છે. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી