હું, તમે ને સેલિબ્રિટી / દીપના પટેલે કહ્યું, ‘હું ચોથા ધોરણમાં હતી અને મેં નક્કી કર્યું હતું કે હું એક્ટ્રેસ બનીશ’

X

Divyabhaskar.com

Oct 04, 2019, 06:59 PM IST
ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના ચોથા એપિસોડમાં આજે આપણે ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફૅમ એક્ટ્રેસ દીપના પટેલ સાથે મુલાકાત કરીશું. મુંબઈમાં રહેતી દીપનાએ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તે જ્યારે ચોથા ધોરણમાં હતી ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે તે એક્ટ્રેસ બનશે. દીપનાનો જન્મ અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટમાં થયો છે. દીપનાને માત્ર મોડલિંગ અને એક્ટિંગમાં જ રસ નથી પરંતુ તેને સંગીતમાં પણ એટલો જ રસ છે. નવાઈની વાત એ છે દીપનાનાં ઘરમાં એક ખાસ સંગીત રૂમ બનાવ્યો છે. તેના પિતાએ આ રૂમને દિવાન-એ-ખાસ નામ આપ્યું છે. તેમને ગઝલ્સ તથા જૂના ગીતોનો શોખ છે. આ સંગીત રૂમ સાઉન્ડ પ્રૂફ છે અને તેમાં ઘણાં બધા મ્યૂઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ છે. દીપનાને હાર્મોનિયમ તથા કિ-બોર્ડ વગાડતા આવે છે. આટલું જ નહીં દીપનાના પિતા સિંગર છે. 

તમારો જન્મ જ્યોર્જિયામાં થયો છે, તો તમે વડોદરા ક્યારે આવ્યાં?

મારો જન્મ થયો પછી મારા પપ્પાએ ભારત પરત ફરવાનો નિર્ણય લીધો હતો અને અમે ભારત આવ્યા. અમુક વર્ષો હું કોલકાતામાં પણ રહી છું. મારા પપ્પાનો ત્યાં બિઝનેસ હતો. પછી, હું વડોદરા આવી હતી. મારા પપ્પા ગલ્ફ કન્ટ્રીઝમાં શમશેરી ચા એક્સપોર્ટ કરે છે.

સ્કૂલિંગ દરમિયાન જ નક્કી કરી રાખ્યું હતું કે મારે એક્ટ્રેસ બનવું છે?

મને અત્યારે યાદ આવે છે કે જ્યારે હું ચોથા ધોરણમાં હતી, ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે એક્ટ્રેસ બનવું છે પરંતુ મમ્મી-પપ્પાને આ વાત કહેવાની હિંમત થઈ નહોતી. મારે મિસ ઈન્ડિયામાં પણ જવું હતું. નાનપણમાં એવું નહોતું કે હું મિસ ઈન્ડિયામાં જઈશ પરંતુ હું નિયમિત રીતે મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ જોતી હતી. જ્યારે હું બારમા ધોરણમાં હતી ત્યારે પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની હતી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મિસ ઈન્ડિયામાં જઈશ. જોકે, હું ભણવામાં ઘણી જ સારી હતી. દસમામાં મારે સારા માર્ક્સ આવ્યા હતાં. જેને કારણે મેં 11-12મા સાયન્સ લીધું હતું. જોકે, અત્યારે મને કોઈ પૂછે તો મારે આર્ટ્સ લેવું હતું પણ ખબર નહીં કેમ મેં સાયન્સ લીધું હતું. 

સાયન્સ પછી અચાનક કેમ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો?

મારી આસપાસના લોકો તથા સંબંધીઓ કહેતા કે સાયન્સ હોય તો એન્જિનિયર બનાય, ડેન્ટિસ્ટ બનાય, ડોક્ટર જ બનાય અને પછી સેટલ થઈ જવાય. જોકે, આ દ્રષ્ટિકોણ બિલકુલ યોગ્ય નથી. તમારે તમારા પેશન પાછળ ભાગવાની જરૂર છે, તો તમારી પાછળ પૈસા આવશે. 12મા પછી મને લાગ્યું કે સાયન્સમાં મજા આવતી નથી. આથી જ મેં પેરેન્ટ્સને ખુલ્લા મનથી વાત કરી. સદનસીબે પિતાએ સપોર્ટ કર્યો અને તેમણે કહ્યું કે તને ફેશન ડિઝાઈનિંગ ગમે છે તો તું એ જ ફિલ્ડમાં આગળ વધ. ત્યારબાદ મેં ગાંધીનગરમાં ફેશન ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન લીધું. 

હોસ્ટેલ લાઈફમાં રેગિંગ થયું હતું?

હા, રેગિંગ તો થયું જ હતું. ફેશન કોલેજ હોય તો સીનિયર્સ આવીને કહે કે આ તે શું પહેર્યું છે, તે એક્સપ્લેન કર. તારી ફેશન સ્ટાઈલ ને એ બધું સમજાવ. રેગિંગ હતું પણ પોઝિટિવ હતું એટલું બધું નહોતું કે દિલ પર લાગી આવે. રેગિંગમાં ટેલેન્ટ રાઉન્ડ પણ હતો અને અમારે પર્ફોમ કરવાનું હતું. 

કોલેજ દરમિયાન મોડલિંગની કેવી રીતે તૈયારી કરી?

ફેશન કોલેજ હોવાથી તમે પોતાના તથા સીનિયર્સના ગાર્મેન્ટ્સ માટે ફેશન શો કરતાં થઈ જાવ છો. પછી ધીમે ધીમે મોડલિંગ બનવાનો વિચાર આવ્યો. કોલેજ દરમિયાન જ મેં મિસ ઈન્ડિયાની તૈયારી શરૂ કરી દીધી હતી. અલગ-અલગ કોલેજમાં હું ફેશન શોમાં ભાગ લેવા જતી હતી. મેં પહેલી વાર કોલેજમાંથી જ એપ્લાય કર્યું હતું. જ્યારે હું જીતી ત્યારે મારી કોલેજ જસ્ટ પૂરી જ થઈ હતી. 
 

પહેલું મોડલિંગ એસાઈન્મેન્ટ શું હતું અને તેનો અનુભવ કેવો રહ્યો?

પહેલાં મોડલિંગ એસાઈન્મેન્ટમાં એક ફોટોશૂટ કરવાનું હતું. ઈન્ટર કોલેજ હતું અને તેમાં અમદાવાદની અલગ-અલગ કોલેજની છોકરીઓ આવી હતી. અમારી વચ્ચે સ્પર્ધા થઈ હતી અને તેમાં હું જીતી ગઈ હતી. ત્યારે મને વિશ્વાસ થયો હતો કે હું આ કરી શકું છું. ‘જનરેશન એક્સ, નાઉ એન્ડ નેકસ્ટ’ આ થીમ પર બધાએ કપડાં પહેરવાના હતાં. સ્પર્ધામાં બધા ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેરીને આવ્યાં હતાં. હું ન્યૂઝપેપરમાંથી બનેલાં આઉટફિટ પહેરીને ગઈ હતી, જેમાં મને મારા સીનિયર્સે મદદ કરી હતી. સ્પર્ધામાં હું તમામથી અલગ પડતી હતી. કોઈ પણ સમયમાં ન્યૂઝપેપર તમને કનેક્ટ કરે છે. 

કોલેજ પૂરી થયા બાદ શું કર્યું?

કોલેજ પૂરી થયા બાદ મને તરત જ જોબ મળી ગઈ હતી પરંતુ મારે મિસ ઈન્ડિયામાં જવું હતું અને મોડલિંગ કરવું હતું. તેથી જ મેં જોબની ઓફર સ્વીકારી નહોતી.

‘આઈ એમ શી, મિસ યુનિવર્સ ઈન્ડિયા’માં ભાગ લેવાની પ્રોસેસ શું હતું?

સૌ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરીને તમારા ફોટોગ્રાફર્સ મોકલવાના હોય છે. આ પ્રોસેસ બાદ તેઓ આખા ભારતમાંથી 60-70 યુવતીઓને મુંબઈમાં બોલાવવામાં આવે. આ 60-70 યુવતીઓને પર્સનલી સુસ્મિતા સેન મળે અને તમામનો ઈન્ટરવ્યૂ કરે. આમાં વોકિંગ, ગાઉન રાઉન્ડ, ઈન્ટ્રોડક્શન રાઉન્ડ હોય. આમાંથી સુસ્મિતા 20 છોકરીઓને પસંદ કરે અને આ 20 છોકરીને અંગત રીતે ટ્રેનિંગ આપે. હૈદરાબાદમાં અમને 15 દિવસ ટ્રેનિંગ આપી હતી અને હું ઘણી જ ખુશ હતી. ખાસ તો મારી મમ્મી પણ ખુશ હતી કે હું સુસ્મિતા પાસેથી ટ્રેનિંગ લેવાની છું. 

સુસ્મિતા સેન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

અનુભવ ઘણો જ સારો રહ્યો હતો. ભારતની બેસ્ટ 20 ગર્લ્સ સાથે અમને ટ્રેનિંગ આપવામાં આવી હતી. હૈદરાબાદ ગયા બાદ સૌ પહેલાં અમારી પાસેથી ફોન લઈ લેવામાં આવ્યા હતાં. ‘બિગ બોસ’વાળી ફિલિંગ આવતી હતી. જોકે, અમારી પર 24 કલાક કેમેરા નહોતાં. વોકિંગથી લઈને ગ્રૂમિંગ, સ્કીન કેર, હેર કેર, ઈટિંગ રાઈટ, ઈટિંગ ગૂડ ફૂડ વગેરેની ટ્રેનિંગ 15 દિવસ દરમિયાન આપવામાં આવી હતી. પછી ફાઈનલ રાઉન્ડ થયો હતો. સ્પર્ધા દરમિયાન ઘણીવાર પેરેન્ટ્સ સાથે વાત કરવાની ઈચ્છા અને તેને કારણે રડી પણ પડાયું હતું. આ ટ્રેનિંગ દરમિયાન જ મારામાં ડિસિપ્લિન આવ્યું હતું. અહીંયા પેટ ભરીને જમવાનું આપવામાં આવતું નહોતું. અમારે સ્વિમ રાઉન્ડ પણ હતો, જેથી તમારે કંટ્રોલ કરવાનું હતું. અમારા સામાનનું સરપ્રાઈઝ ચેકિંગ પણ થતું હતું. ચોકેલેટ્સ કે એવું કંઈ જ ખાવાની પરમિશન નહોતી. એક-બે છોકરીઓ પકડાઈ હતી અને તે લોકો ઘણાં જ ગુસ્સે પણ થયા હતાં. અમને રોટલી, શાક-દાળ, દહીં તથા સલાડ આપતાં. અમને પાંચ રોટલી નહીં પણ 2 રોટલી અને એક બાઉલ દાળ આપતા, જેમાં પ્રોટીન વધારે હોય. ડિનરમાં માત્ર સૂપ અને સલાડ આપતાં. સાંજે નાસ્તામાં ચા અને બે બિસ્કિટ આપતાં. આખો દિવસ અમે આ બે બિસ્કિટ મળે એની રાહ જોતા હતાં. સ્વિમ સૂટ રાઉન્ડના આગળના દિવસથી અમે લિક્વિડ બિલકુલ લેતા નહોતાં. આ ઘણું જ ટફ હતું પરંતુ સ્વિમ સૂટ રાઉન્ડમાં બેસ્ટ દેખાવું હોય તો આ કરવું જ પડે તેમ હતું. આ રાઉન્ડના જજ અર્જુન રામપાલ હતાં અને હું ફિટનેસ ટાઈટલ જીતી હતી.

આ ટાઈટલ જીત્યા પછી તમારી જર્ની કેવી હતી?

ટાઈટલ જીત્યા બાદ મને સ્કોલરશિપ આપવામાં આવી હતી, જેમાં ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાં મને એક્ટિંગ કોર્સ કરવાની તક મળી હતી. આ અનુભવ ઘણો જ સારો હતો. ગાંધીનગરમાં ફેશન કોલેજમાં કામ કર્યાં બાદ મારામાં એવી હિંમત નહોતી કે હું પેરેન્ટ્સને કહું કે હવે મારે એક્ટિંગ કોર્સ કરવો છે, તો તમે એનો પણ ખર્ચ કરો. બ્યૂટી પેજન્ટમાં હાઈ હિલ્સ, મેકઅપ અને તમારા તમામ ગાઉન્સ પોતાના ખર્ચે પહેરવાના હોય છે. આમાં પપ્પાએ જ પૈસા આપ્યા હતાં. મારી પાસે કોઈ પૈસા હતાં જ નહીં. આ સ્પર્ધા ઘણી જ મોંઘી હોય છે. સંબંધીઓ આને લઈને વાત પણ કરતાં કે તમારી છોકરી હવે હાથથી ગઈ. જોકે, મારા પેરેન્ટ્સે મારા પર વિશ્વાસ કર્યો અને મેં માત્ર મારા કામમાં ફોકસ કર્યું હતું. ન્યૂયોર્ક એકેડેમીમાં કોઈ ઈન્ડિયન નહોતું. અહીંયા એક્ટિંગ શીખવાની ઘણી જ મજા આવી. 

કહેવાય છે કે બ્યૂટી કોન્ટેસ્ટમાં તમે પૈસાથી જીતી શકો છો અને આમાં બહુ જ પોલિટિક્સ હોય છે, આ વિષે તમે શું કહેશો?

પોલિટિક્સ હોય જ છે અને આમ તો પોલિટિક્સ દરેક ફિલ્ડમાં હોય છે. એક્ટિંગ ફિલ્ડમાં પણ પોલિટિક્સ હોય છે. એક્ટિંગમાં ઘણીવાર એવું લાગે કે આ રોલ આના માટે સારો છે પરંતુ કોઈ સ્ટારકિડ લઈ જતું હોય છે. કોઈ ઓળખાણવાળું લઈ જાય અને તે કાયમ હોય છે. અમારા પેજન્ટ કોચ અમને હંમેશા કહેતા કે કોઈ ઓળખાણવાળી છોકરી આવી પણ ગઈ હશે તો તેને ફર્સ્ટ પ્રાઈઝ મળશે પરંતુ તમને બીજો કે ત્રીજો નંબર તો મળી શકે છે. મને બીજો કે ત્રીજો નંબરમાં પણ વાંધો નહોતો અને હું બહુ જ મહેનત કરતી હતી. જોકે, સદનસીબે મને સુસ્મિતા સેનનું પેજન્ટ ફૅર લાગ્યું હતું. મને તો એમ જ હતું કે ફિટનેસ ટાઈટલ કોઈ લાંબી છોકરીને આપવામાં આવશે પરંતુ આ ટાઈટલ હું જીતી હતી. આ ઉપરાંત એક કિસ્સો પણ મારી સાથે બન્યો હતો. ફિનાલેમાં બધા સ્ટાલિસ્ટ પોતાના ડ્રેસનું કલેક્શન આપે. બધી છોકરીઓને ફિટિંગવાળો ડ્રેસ મળ્યો પરંતુ મને બલૂન ટાઈપનો ડ્રેસ મળ્યો. આનાથી હું ઘણી જ ઉદાસ થઈ ગઈ હતી. આમાં તો મારું ફિગર જ દેખાય નહીં. બ્યૂટી પેજન્ટમાં આ વાત ઘણી જ મહત્ત્વની હોય છે. મેં સ્ટાલિસ્ટને ફિટિંગનું કહ્યું પણ હતું. ત્યારબાદ સુસ્મિતા સેને દરેક છોકરીના ફાઈનલ આઉટફિટ જોયા હતાં અને મારા ફાઈનલ આઉટફિટ જોયા એટલે તરત જ તેમણે મને તથા સ્ટાઈલિસ્ટને બોલાવ્યા હતાં અને મારા આઉટફિટ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ સુસ્મિતા સેને ડ્રેસ ચેન્જ કરાવ્યો હતો. મને સારું પેજન્ટ મળ્યું હતું. 

મોડલમાંથી એક્ટ્રેસ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?

સ્કૂલમાં હું નાટકોમાં કામ કરતી હતી. મારે મિસ ઈન્ડિયા પણ બનવું હતું. મિસ ઈન્ડિયા તમારા માટે સારું પ્લેટફોર્મ છે. એક્ટિંગ બાદ હું અહીંયા ભાગ ના લઈ શકું. એટલે પહેલાં મેં આમાં ભાગ લીધો અને પછી એક્ટિંગ કરવાનું નક્કી કર્યું. કોમ્પિટિશન જીત્યા બાદ મોડલિંગના અસાઈન્મેન્ટ હોય તે પૂરા કરવાના હોય છે. હું મુંબઈમાં હતી અને મને ખ્યાલ જ નહોતો કે હું કેવી રીતે શરૂઆત કરું. એટલે હું પૃથ્વી થિયેટર ગઈ અને ત્યાં બહુ બધા થિયેટર વર્કશોપના પોસ્ટર્સ લગાવેલા હતાં. આમાંથી મને જે પોસ્ટર સારું લાગ્યું, તેમાં હું જોડાઈ ગઈ. મને કોઈ ગાઈડ કરનારું તો હતું જ નહીં. થિયેટર ગ્રુપમાં એક પછી એક નાટકો કરતી ગઈ. 

તમારું ફર્સ્ટ પ્લે કયું હતું અને તે કેવી રીતે મળ્યું?

મારું પહેલું હિંદી પ્લે ‘પ્રિતમ પ્યારે પપ્પુજી’ હતું, જેમાં રાકેશ બેદી તથા મૌલી ગાંગુલી હતાં. આમાં મારા હિસ્સે માત્ર ત્રણ લાઈન્સ જ આવી હતી. આ નાટકના ડિરેક્ટર વિપુલ મહેતા હતાં. આ નાટક બાદ મેં બીજું હિંદી નાટક ‘આધે અધૂરે’ કર્યું હતું. આ નાટકમાં મને લીડ રોલ મળ્યો હતો પરંતુ પૈસા મળ્યાં નહોતાં. ત્રણ મહિનાના રિહર્સલ પણ કર્યાં હતાં. શરૂઆતમાં પૈસા પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી. 

મુંબઈમાં વગર કમાણીએ કેવી રીતે સર્વાઈવ કર્યું?

મુંબઈમાં સર્વાઈવ કરવું ઘણું જ મુશ્કેલ છે. શરૂઆતમાં હું મુંબઈ શિફ્ટ થઈ તો બે બેડરૂમમાં અમે સાત છોકરીઓ રહેતા હતાં. ભાડાના પૈસા આ રીતે હું બચાવતી. લોકલ ટ્રેનમાં બેસીને અનેકવાર ઓડિશન આપવા ગઈ છું. લોકલ ટ્રેનમાં ઘણો જ ખરાબ અનુભવ રહ્યો છે. પીક અવરમાં થોડું બચીને રહેવું પડે. મહિલા કમ્પાર્ટમેન્ટમાં પણ મારા-મારી થતી હોય છે. ઘણીવાર વરસાદ પડ્યો હોય અને ટ્રેન બંધ થઈ ગઈ હોય તો કીચડમાંથી ચાલીને ગઈ છું અને પછી ઓડિશન આપ્યું હોય. અલબત્ત, મને સૌથી વધુ સપોર્ટ મારા પેરેન્ટ્સ તરફથી મળ્યો છે, જેમને કારણે સર્વાઈવ કરવામાં કંઈ જ વાંધો ના આવ્યો. પપ્પાને સિંગિંગનો શોખ છે અને તેઓ કોલેજ ટાઈમમાં સિંગર ના બની શક્યા અને દાદાએ તેમને ફેમિલી બિઝનેસમાં જોડી દીધા હતાં. મારા પિતા હવે સિગિંગમાં કરિયર બનાવી રહ્યાં છે. તેમની સાથે જે થયું, તેને કારણે તેમણે મને મારા સપનાઓ પૂરાં કરવા માટે સપોર્ટ કર્યો હતો. આ સમય દરમિયાન વચ્ચે મેં પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું હતું, જેમાં હું બિહાઈન્ડ ધ કેમેરા હતી. જોકે, ત્રણ મહિના નોકરી કર્યાં બાદ મને થયું કે મારે તો એક્ટિંગ જ કરવી છે. ત્યારબાદ મને મારું પહેલું ગુજરાતી નાટક ‘મોજ કરો ને યાર’માં લીડ રોલ મળી ગયો હતો અને પછી પૈસાનો વાંધો આવ્યો નહોતો.

નાટકો કરતાં કરતાં કેવી રીતે ગુજરાતી ફિલ્મ મળી?

તમે ગુજરાતીમાં એક નાટક કરો એટલે તમને બધા ઓળખતા થઈ જાય. નાટક દરમિયાન ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ના એસોસિયેટ્સ પ્રોડ્યૂસર મળવા આવ્યા હતાં અને ઓડિશનનું કહ્યું હતું. હું આ ફિલ્મને લઈ જરા પણ ઉત્સાહી નહોતી. મને તો એમ જ હતું કે ગુજરાતી ફિલ્મ કોણ જુએ છે. મને ખ્યાલ પણ નહોતો કે સિદ્ધાર્થ રાંદેરિયા ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફિલ્મમાં છે. મેં મારા નાટકના કો-સ્ટાર્સને આ ફિલ્મ અંગે વાત કરી હતી અને તેમણે પણ આના માટે ઓડિશન આપ્યા હતાં. તો હું પણ ઓડિશન આપવા ગઈ અને અહીંયા ઈશાન રાંદેરિયાને મળી હતી. એસોસિયેટ્સ પ્રોડ્યૂસરે મને ફિલ્મમાં સોનિયા બનતી એક્ટ્રેસના રોલ માટે ઓડિશન આપવાનું કહ્યું હતું. તો ઈશાને મને તનિષાના રોલ માટે પણ ઓડિશન આપવાનું કહ્યું હતું. એટલે મેં બંને રોલ માટે ઓડિશન આપ્યું હતું. તનિષાના રોલ માટે ‘પપ્પા, હું આવી ગઈ...સરપ્રાઈઝ’ આ સીન ઓડિશન માટે આપ્યો હતો. તો સોનિયા કપૂરના રોલ માટે એક ઓડિશન સીન આપ્યો હતો. જોકે, હું લીડ રોલ તનિષા માટે સિલેક્ટ થઈ ગઈ. ઓડિશનના 10-15 દિવસમાં જ મને આ ફિલ્મમાં હું સિલેક્ટ તેનો ફોન આવી ગયો હતો. જ્યારે ફોન આવ્યો ત્યારે પણ હું એવી કંઈ બહુ ઉત્સાહી નહોતી. મેં જસ્ટ ફોનમાં એમ જ કહ્યું હતું કે ઓક. થેંક્યૂ. મને હજી સુધી ખ્યાલ નહોતો કે કે સિદ્ધાર્થભાઈ કોણ છે, કારણ કે મેં એમના એક પણ નાટક જોયા નહોતાં. મારા પરિવારમાં બધાએ તેમના નાટક થયા હતાં. આ સમયે નાટક પણ ચાલુ હતું. એટલે મને એમ કે ફિલ્મ મળી છે અને નાટક પણ ચાલે છે. હું ફિલ્મને લઈ એટલી ખાસ ખુશ નહોતી. પછી મને મારા પેરેન્ટ્સે કહ્યું કે સિદ્ધાર્થ રાંદેરિયા બહુ જ મોટા એક્ટર છે. પછી મેં એમનું કામ જોવાનું શરૂ કર્યું અને પછી મને ખ્યાલ આવ્યો કે તે કેટલા મોટા એક્ટર છે અને હું કેટલી નસીબદાર છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી. 

ફિલ્મનો અનુભવ કેવો રહ્યો?

ફિલ્મમાં બધા જ થિયેટર આર્ટિસ્ટ હતાં અને બધા જ અનુભવી હતાં. હું જ એક માત્ર નવી હતી. અમે લોકોએ બેથી ત્રણવાર રિહર્સલ કર્યાં હતાં. ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં હતું અને મારા પેરેન્ટ્સ મારી સાથે હતાં. પહેલાં દિવસે પહેલો સીન ડાન્સનો હતો અને તેથી જ હું ઘણી જ રિલેક્સ હતી. બ્યૂટી પેજન્ટમાં મેં ફોટોશૂટ, ઈન્ટરવ્યૂ બધું આપ્યું હતું અને તેને કારણે કેમેરાને લઈ કોઈ કોન્શિયસનેસ નહોતી. ફિલ્મની જે ટેકનિકાલિટી હોય, કેમેરા એન્ગલ વગેરે બાબતો નવી હતી. સિદ્ધાર્થભાઈ સાથે મારો પહેલો સીન ડિનર-ટેબલ વાળો હતો અને હું ઘણી જ નર્વસ હતી. આ પહેલાં એકાદ સીનમાં તેઓ નહોતા પરંતુ સેટ પર હાજર હતાં અને તે જ્યારે આવે ત્યારે હું નર્વસ થઈ જતી હતી. મને તેમની સાથે કમ્ફર્ટેબલ થતાં જ બેથી ત્રણ દિવસ લાગ્યા હતાં. સેટ પર તે હોય તો હું ડાયલોગ પણ ભૂલી જતી અને મારાથી ભૂલ પણ થતી. પછી મેં નક્કી કર્યું કે હું જ તેમની સાથે વાત કરીશ. પછી હું તેમની સાથે સીનને લઈ ચર્ચા કરી હતી અને ત્યારબાદ વાંધો આવ્યો નહોતો. આ રીતે ધીમે ધીમે મારો ડર ઓછો થઈ ગયો હતો. 

ફિલ્મનું શૂટિંગ અને નાટક સાથે ચાલતા હતાં, તો કેવી રીતે મેનેજ કર્યું?

બહુ જ ટફ હતું. શરૂઆતના થોડા દિવસ ઘણાં જ મુશ્કેલભર્યાં હતાં અને તેને કારણે નાટક તથા ફિલ્મના પ્રોડ્યૂસર થોડા અપસેટ પણ હતાં. શૂટિંગ દરમિયાન ડિરેક્ટરને કોઈક સીન લેવા હોય અને મારા નાટકના શોનો સમય થઈ જાય. નાટકમાં જવું તો એમને થાય કે ફિલ્મ મળી એટલે તું નાટક છોડી દઈશ. મારે આ બંનેમાં કામ કરવું હતું. જોકે, પછી સદનસીબે થોડા દિવસ બાદ અન્ય કોઈ કારણથી આ નાટક બંધ થઈ ગયું હતું.

શૂટિંગના સેટ પર શું કરતાં હતાં?

સ્ક્રિપ્ટ આવે એટલે તરત જ રિહર્સલ કરવા લાગતી. મને ખ્યાલ હતો કે બીજા એક્ટર્સ તો તરત જ કરી દેશે પરંતુ મને વાર લાગશે. સેટ પર મારું રેગિંગ પણ થયું હતું. એક્ટર જીમિત ત્રિવેદીને રેગિંગ કરવાની બહુ મજા આવતી. જીમિતે ઈશાન, સિદ્ધાર્થભાઈ તથા અન્ય સાથે મળીને એક પ્લાન આવ્યો. એણે બધાને કહી રાખ્યું કે આ સીનમાં દીપના જ્યારે એક્ઝિટ થાય છે, ત્યારે તેને રડવાનું છે, એમ કહી દઈએ. ખરી રીતે તો, આ સીનમાં મારે રડવાનું જ નહોતું. સિદ્ધાર્થભાઈ મને કહેવા આવ્યા કે તારે આ સીનમાં રડવાનું છે અને તને ગ્લિસરીન પણ મળશે નહીં. મને થયું કે આ સીનમાં એવું તો કંઈ છે નહીં કે તરત જ મને રડવું આવી જાય. ખૂણામાં જઈને ખરાબ બાબતો બધી યાદ કરી અને દુઃખી થવાનો ટ્રાય કર્યો. પછી મેં બેથી ત્રણ ટેકમાં આ શોટ આપ્યો. શોટ આપ્યા બાદ મેં મોનિટરમાં ચેક કર્યું કે સીન કેવો આવ્યો છે. પછી મને ખ્યાલ આવ્યો કે હું રડતી હતી, તે સીન તો લીધો જ નહોતો. પછી મને ખબર પડી કે મારી સાથે આ લોકો મસ્તી કરી હતી. 


અમને વિશ્વાસ નહોતો કે આ ફિલ્મ આટલી હિટ જશે. મુંબઈમાં બે મહિના અને ગુજરાતમાં ચારથી પાંચ મહિના આ ફિલ્મ ચાલી હતી. ફિલ્મ જ્યારે ખરાબ બને ત્યારે શૂટિંગ દરમિયાન જ ખ્યાલ આવી જાય કે આ ફિલ્મ ખરાબ બની છે પરંતુ સારી બને ત્યારે એમ થાય કે મજા આવે છે. જોકે, તમને એમ ના થાય કે આ ફિલ્મ આટલી મોટી હિટ જશે. આ ફિલ્મ ભારતમાં અલગ-અલગ જગ્યાએ રિલીઝ થઈ. પછી વિદેશમાં પણ રિલીઝ થઈ. મને વિશ્વાસ જ નહોતો થતો કે આ ફિલ્મ આટલી હિટ જઈ રહી છે. ફિલ્મનો લંડનમાં પ્રીમિયર શો યોજાયો હતો. ચાર વર્ષ બાદ પણ મને એવા ઘણાં ચાહકો મળે છે, જે કહે છે કે તેમણે આ ફિલ્મ 20 વાર કે 25 વાર જોઈ હતી. આ ફિલ્મ ઓડિયન્સને ઘણી જ કનેક્ટ થઈ હતી. હું આટલી સરસ ફિલ્મ સાથે જોડાઈ તે મારું લક છે. 

નાટક તથા સિનેમામાંથી તમને બેસ્ટ શું લાગ્યું?

બંને મીડિયમના પ્લસ એન્ડ માઈન્સ હોય છે. ગુજરાતી નાટક ‘સંતાકૂકડી’ છે, એમાં અમે બે જ કલાકારો છીએ. સ્ટેજ પર સાત વાર બ્લેકઆઉટ થઈ જાય. તે સમયે સ્ટેજ પર કોઈ ના હોય અને માત્ર મ્યૂઝિક ચાલે. અમે માત્ર 40 સેકન્ડ્સમાં ચેન્જ કરીને આવીએ. એમાં આઉટફિટથી લઈ ઈયરરિંગ્સ, બધું જ ચેન્જ કરવાનું હોય. નાટકમાં તો જે થઈ ગયું એ થઈ ગયું. બધું જ એક ટેકમાં ચાલે. નાટકમાં ફૂલ એનર્જી આપવાની છે. થિયેટરમાં તમે જે ઈમોશનમાં હોવ તેને તમે આરામથી ટર્ન-ટ્વિસ્ટ કરીને આગળ લઈ જઈ શકો છો. નાટકમાં તમે ફૂલ ફોકસ હોવ છો. થિયેટરમાં તમે સંવાદો બોલો છો, ત્યારે વાસ્તવમાં તમારી સામે કલાકાર હોય છે. ફિલ્મની વાત કરીએ તો અમે હસતા હોઈએ, મસ્તી કરતાં હોઈએ અને શોટ રેડી થાય તો અન્ય ઈમોશનમાં પણ જવાનું થાય. ફિલ્મમાં રીટેક હોય છે. ફિલ્મમાં ક્લોઝઅપ સીનમાં કેમેરો હોય છે, કેમેરાને સામેની વ્યક્તિ સમજીને એક્ટિંગ કરવાની હોય છે. ફિલ્મમાં ઈમેજીનેશન વધારે છે.

કયુ નાટક સૌથી ચેલેન્જિંગ લાગ્યું?

મેં પ્રયોગાત્મક નાટકો પણ કર્યાં છે. તેમાં એક્ચ્યુઅલ સેટ હોતા નથી. આવું જ એક નાટક હતું, જેમાં હું પાયલટ બની છું. સ્ટેજ પર પ્લેન ઊભું ના કરાય. અમે લાઈટિંગ ઈફેક્ટ્સ અને એક્ટિંગથી દર્શકોને એ ફીલ કરાવીએ કે તમે પ્લેનમાં છો. સ્ટેજ પર માત્ર કોકપીટ હોય. એક્સપરિમેન્ટની આ કમાલ છે. એક્સપરિમેન્ટ નાટકોમાં દર્શકો ઘણાં જ નજીક હોય. તેઓ મને બહુ નજીકથી જોતા હોય છે. એટલે તેમને ઈમોશનથી જોડી રાખવાના હોય છે. કમર્શિયલ નાટકોમાં સ્ટેજ પર પ્રોપર વસ્તુઓ હોય. કર્મશિયલ નાટકોમાં સ્ટેજ તથા દર્શકો વચ્ચે મિનિમમ 10 ફૂટ જેટલું અંતર હોય છે. આમાં એક્ટર પોતાના ઝોનમાં હોય છે. 

તમારા નાટક ‘સંતાકૂકડી’માં બે જ કલાકારો હતો, તો આ નાટકની થીમ શું હતી?

‘સંતાકૂકડી’ કર્મશિયલ નાટક છે અને એક સ્પર્ધામાં અમે કર્યું હતું અને આ નાટક માટે મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આ નાટક મરાઠી નાટક ‘વ્હાઈટીલીલી એન્ડ નાઈટ રાઈડર’નું એડોપ્શન છે. મરાઠી લોકો નવી-નવી બાબતો તથા સબ્જેક્ટ્સ સરળતાથી સ્વીકારી લેતા હોય છે. આ થોડું બોલ્ડ નાટક છે અને ગુજરાતી દર્શકો હજી આના માટે તૈયાર નથી. આ નાટકમાં હું 40 વર્ષની મહિલાના રોલમાં છું. આટલી ઉંમર બતાવવા માટે મેં લૂઝ નોન-સ્ટાઈલિસ્ટ કપડાં પહેર્યાં હતાં. ચશ્મા પહેર્યાં હતાં અને મેક-અપ તથા હેરસ્ટાઈલથી થોડી ઉંમરલાયક દેખાતી હતી. બાકી એક્ટિંગથી કામ ચલાવ્યું હતું. આ નાટકના ડિરેક્ટર શિવાંગ ઠક્કર સુરતના છે. તેમણે આ નાટક માટે 23 છોકરીઓનો સંપર્ક કર્યો હતો અને 24મી હું હતી અને મેં આ નાટકમાં કામ કરવાની હા પાડી હતી. આ નાટકમાં છોકરીઓને ભૂતકાળમાં એવા અનુભવો થયા હતાં અને તેના બોયફ્રેન્ડ સાથે ફિઝિકલ ઈન્ટિમસી હતી. ફિઝિકલ કોમ્પેબ્લિટી નહોતી. આ અનુભવ પરથી આ છોકરીએ એવું નક્કી કર્યું કે હવે તે લગ્ન કરશે તો પહેલાં ફિઝિકલ ઈન્ટિમસીને લઈ કોન્ટ્રાક્ટ કરશે. આમાં સેક્સ રિલેટેડ સવાલો પણ હતાં. આ છોકરીને ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવને આધારે તેણે આ કોન્ટ્રાક્ટ તૈયાર કર્યો હતો. આ કોન્ટ્રાક્ટમાં સેક્સ તથા અન્ય ઘણાં એવા શબ્દો આવે છે, જેને કારણે દર્શકોના ભવા ચઢી ગયા હતાં. ગુજરાતી દર્શકોને આ પ્રકારના સબ્જેક્ટમાં ઘણો જ સમય લાગશે. 

‘સંતાકૂકડી’માં નાટક કેવી રીતે મળ્યું?

આ નાટક માટે મેં મારા કામની કેટલીક લિંક્સ મોકલી હતી અને નાટકોમાં કામ કરતી હતી. ત્રણથી ચાર લોકોએ એવું કહ્યું હતું કે દીપના આ રોલ કરી શકશે નહીં. એ તો ગ્લેમરસ છે. લોકો એમ માને છે કે મોડલિંગ કરેલું હોય તે સારી એક્ટિંગ ના કરી શકે. હું જેને ઓળખતી હતી, તે લોકો મારા વિશે આવું બોલ્યા હતાં. અત્યાર સુધી મેં જે નાટક કર્યાં હતાં, તેમાં ચાર લોકો હતાં. આ પહેલું એવું નાટક હતું, જેમાં માત્ર 2 એક્ટર હતાં. આ નાટક જોવા માટે મારા પેરેન્ટ્સ તથા દાદી આવ્યા હતાં. મારા પેરેન્ટ્સને મારી પર પૂરો વિશ્વાસ છે. આ નાટકમાં મેસેજ હતો. નાટકના ઈન્ટરવલ બાદ ઘરડાં લોકો ઊભા થઈને જતા રહ્યાં હતાં. જોકે, ઉંમરલાયક સ્ત્રીઓએ અમને મળીને કહ્યું હતું કે તેમને આ નાટક ઘણું જ ગમ્યું. યંગસ્ટર્સને બહુ જ ગમ્યું હતું. તેમને આ નાટક સહેજ પણ બોલ્ડ લાગ્યું હતું. અમદાવાદ, બરોડા, સુરત તથા મુંબઈમાં એક-એક શો થયો છે. 

કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો?

મુંબઈમાં હું બેથી ત્રણ પ્રોડક્શન હાઉસને મળવી ગઈ ત્યારે તેમની વાત કરવાની સ્ટાઈલ પરથી જ અંદાજો આવી જાય. એક હતાં કે જે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવાનું કહેતાં હતાં અને સાઉથની ફિલ્મ્સ બનાવતા હતાં. એક-બે જણા એવા હતાં, જેમને મળવા હું ગઈ હતી. તેમને હું મારું કામ બતાવું તો તેઓ કામ વિશે ચર્ચા ના કરે પરંતુ એમ પૂછે કે તમારા વિશે બીજું વધારે જણાવો તો. તેમની વાત સાંભળીને તરત જ ખ્યાલ આવે કે તેમના ઈન્ટેશન સારા નથી. તમને કાલે મળવા બોલાવે. મુંબઈમાં તમે નવા હોવ ત્યારે તમને ખોટા લોકો અઢળક મળશે, જેને કારણે તમે હતોત્સાહી પણ થઈ જશો. મને પણ એવું જ થતું કે મને કેમ આવા લોકો મળે છે. જોકે, પછી ધીમે ધીમે મને યોગ્ય વ્યક્તિઓ મળવા લાગ્યા હતાં. એવા ઘણાં લોકો છે, જે તમને કહેશે કે તને સ્ટાર બનાવી દઈશું, તું મળ મને કાલે. આવું કહેતા લોકોથી સાવધાન થઈ જવાની જરૂર છે. 

ગુજરાતી સિનેમાની વાત બદલવાની હોય તો કઈ બાબતો બદલશો?

સૌથી પહેલાં તો એ કે અમદાવાદમાં ઈન્ડસ્ટ્રી બની રહી છે, તે બીજા શહેરો માટે એટલું ઓપન બન્યું નથી. કેટલાંક લોકો બીજા શહેરના લોકોને ચાન્સ આપે છે. અમુક લોકો ગ્રૂપીઝમ કરીને પોતાના લોકો જ સિલેક્ટ કરે છે પણ આવું ના થવું જોઈએ. જે લોકોમાં ટેલેન્ટ છે, પછી તે ભલે બીજા શહેરના હોય તેમને તક આપવી જોઈએ. માત્ર એક્ટર નહીં પરંતુ ટેકનિશિયન અને અન્ય લોકોને પણ તક આપે. એમ માનવામાં આવે છે કે અમદાવાદના એક્ટરને જ તક આપવામાં આવે છે અને તેમને જ લેવામાં આવે છે. 

કેટલાક લોકો બસ ગુજરાતી ફિલ્મ બનાવી છે, તો બનાવી દે છે. સબસિડી લેવાનો જે ઈન્ટેશન છે, તે ના હોવો જોઈએ. ગયા વર્ષે ઘણી બધી ફિલ્મ્સ બની, જેમાંથી કેટલીક રિલીઝ ના થઈ, કેટલીક અટકી ગઈ. ખરાબ ઈન્ટેશનવાળા લોકો ધીમે ધીમે ઓછા થશે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પણ આ જ રીતે ગ્રોથ થયો. 

અર્બન તથા રૂરલ સિનેમા આપણા ત્યાં જોવા મળે છે. અર્બન સિનેમાએ રૂરલનો સ્વીકાર કરવાની જરૂર છે. રૂરલ સિનેમાની વાત કરવામાં આવે તો 80-90ના દાયકાથી આ ચાલતું આવે છે, જે ઢોલિવૂડ તરીકે લોકપ્રિય છે. અર્બન સિનેમાના કલાકારો હોલિવૂડ સ્ટાર્સ નથી. જો કોઈ એમ માનતું હોય કે અર્બન સિનેમાના લોકો મહાન છે, તો તે માત્ર તેમના પૂરતું જ છું. કલાકાર જેટલો વિનમ્ર હોય તેટલો જ તેનો ગ્રોથ થશે.

અપકમિંગ પ્રોજેક્ટ્સ કયા કયા છે?

ચાર-પાંચ નાટકો હાલમાં ચાલી જ રહ્યાં છે, તેમાંથી એક શરમન જોષી સાથેનું હિંદી નાટક ‘રાજુ રાજા રામ ઔર મૈં’ના શો માટે ગયા વર્ષે અમે યુએસમાં ગયા હતાં અને હવે નવેમ્બરમાં કેન્યામાં જવાનું છે. શરમન જોષી સાથેનું આ નાટક મળવા પાછળ પણ રસપ્રદ વાત છે. હું ‘થપ્પો’ નાટકનું રિહર્સલ કરતી હતી. આ નાટકના ડિરેક્ટર કમલેશ ઓઝા તથા શરમન જોષી એકબીજાના ફ્રેન્ડ છે. રિહર્સલ દરમિયાન શરમન જોષી સાથે મુલાકાત થઈ. આ નાટકમાં જે હિરોઈન હતી, તે વિદેશમાં ભણવા જતી હતી અને તેમને બીજી એક્ટ્રેસ જોઈતી હતી. થોડાં દિવસ બાદ કમલેશ ઓઝાએ મને ફોન કરીને કહ્યું કે શરમન જોષીએ નાટક માટે તને પૂછ્યું છે. મેં તરત જ હા પાડી દીધી હતી. 

શૂટિંગ ના હોય ત્યારે શું કરો?

મને ડાન્સિંગનો ઘણો જ શોખ છે. હું ડિફરન્ટ ડાન્સ સ્ટાઈલ શીખું છું. મારે એક મેલો નામની બિલાડી છે. હું બુદ્ધિસ્ટમાં માનું છું અને તેમના અંગે વાચું છું, જે મને મનની શાંતિ આપે છે. મારી એક ફ્રેન્ડને કારણે હું આ ફિલોસોફીમાં માનતી થઈ છું. આ ફિલોસોફી મને ઘણી જ શાંતિ આપે છે. અમે આમાં મંત્રો બોલીએ છીએ, અભ્યાસ કરીએ છીએ અને બીજા માટે પ્રાર્થના કરીએ છીએ. અમે એક સંસ્થા સાથે જોડાઈને અમે શાંતિ તથા ખુશી માટે પ્રાર્થના કરીએ છીએ. આને કારણે મારા જીવનમાં ઘણું જ પરિવર્તન આવ્યું. જો હું મારા જીવનના એવા એક પ્રસંગની વાત કરીશ, જેને કારણે મારું મન બદલાઈ ગયું હતું. ‘સંતાકૂકડી’ને લઈ શરૂઆતમાં ઘણાં જ ડાઉટ્સ હતાં. જોકે, બુદ્ધિસ્ટ ફિલોસોફીને કારણે મેં આ આખી વાતને અલગ રીતે જોવાનું શરૂ કર્યું હતું. આ નાટક માટે અમે ત્રણ મહિના સુધી રિહર્સલ કર્યું હતું. ક્વાટર ફાઈનલ, સેમી ફાઈનલ તથા ફાઈનલ. આ સ્પર્ધામાં જીતો તો તમને પૈસા મળે તેમ હતાં. મને થતું કે હું કેમ આ નાટક પાછળ ત્રણ મહિનાનો સમય આપી રહી છું. પછી વિચાર્યું કે આ મરાઠી નાટક પર આધારિત છે, બે જ કલાકારો છે, પડકારજનક છે. જ્યારે ચેલેન્જ આવે ત્યારે જ તમે એચિવ કરો છો. આ નાટકની સ્ક્રિપ્ટ આવી અને તેમાં બહુ બધા સંવાદો હતાં. હું અંગ્રેજી, હિંદી અને પછી ગુજરાતી સહજતાથી બોલી શકું છું. મારા પેરેન્ટ્સ લિટરેચર બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા. મારો કો-એક્ટર, રાઈટર તથા ડિરેક્ટર શિવાંગ ઠક્કર એક જ છે અને મારે તેની સાથે બિલકુલ બનતું નહોતું. ત્રણ મહિના સુધી મારે તેની સાથે રિહર્સલ કરવાના હતાં. રોજ હું શાંત રહેવા માટે પ્રાર્થના કરતી. રોજ અમારી વચ્ચે ઝઘડા થયા અને દલીલો થાય. અમારી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ થતા રહેતા હતાં. અલબત્ત, પછી અમારી વચ્ચે સારું બનવા લાગ્યું હતું અને નાટક પૂરું થયા બાદ મેં શિવાંગને બુદ્ધિસ્ટ ફિલોસોફી અંગે પણ જણાવ્યું હતું.

દીપનાની નજરમાં સફળતા એટલું શું?

સફળતા, નિષ્ફળતા એ કરિયરના તબક્કા છે. સફળ થાઉં તો ઉત્સાહમાં નથી આવતી અને નિષ્ફળ જાઉં તો દુઃખી થતી નથી. મારી જર્નીએ મને ઘણું જ શીખવ્યું છે. બુદ્ધિસ્ટ ફિલોસોફીને કારણે હું ઘણી જ પરિપક્વ બની છું. ઘણાં લોકો એક ફિલ્મ સફળ થયા બાદ કામ ના મળે તો ડિપ્રેશનમાં જતા રહે છે, કેટલાંક સફળ હોય છતાં પણ ડિપ્રેશનમાં જાય છે. મારી ખુશી એ વાત પર નિર્ભર નથી કે ફિલ્મ મળે તો હું ખુશ અને ના મળે તો દુઃખી. મને ખ્યાલ છે કે આ બધું કાયમી નથી. મારી ખુશી મારા પરિવાર તથા બીજાની ખુશીમાં છે. 

પહેલી કમાણી કેટલી હતી?

‘આઈ એમ શી’માં જીત્યા બાદ મેં એક ડિઝાઈનિંગ પ્રોજેક્ટ કર્યો હતો, એ પ્રોજેક્ટમાંથી મળેલી કમાણીમાંથી પપ્પાને કેમેરો લઈ આપ્યો હતો અને બીજીવાર મમ્મીને લેપટોપ લઈ આપ્યું હતું. 

તમારો ડાયટ પ્લાન શું છે?

હું સ્કૂલ ટાઈમથી ફિટનેસને મહત્ત્વ આપું છું. હું એથ્લિટ છું અને બાસ્કેટબોલ, રેસ તથા લોંગ જમ્પ આ બધું જ કરતી હતી. ડાન્સિંગ, જીમમાં પણ જઉં છું. મોસ્ટલી ડાન્સિંગથી વર્કઆઉટ કરું. બહારનું ખાવાનું બને ત્યાં સુધી લેવાનું ટાળું. એવું નથી કે જરાય નથી ખાતી. ઘરનું ભોજન લેવાનું રાખું છું. દાળ-ભાતમાં ઘી પણ લઉં છું. આજે સ્વીટ ખાઉં તો બે દિવસ સુધી કટ ડાઉન રાખું. પાર્ટીમાં જવાનું હોય તો ઘરેથી જમીને જાઉં અને ત્યાં થોડુંક જ લઉં. હું પેટભરીને ક્યારેય જમતી નથી. 
 

ફેવરિટ એક્ટર-એક્ટ્રેસ કોણ છે?

હિંદીમાં વિકી કૌશલ, રણવીર સિંહ. એક્ટ્રેસમાં કિઆરા અડવાણી. ગુજરાતીમાં આરોહી પટેલ, સિદ્ધાર્થ રાંદેરિયા. 

તમને કોઈ સુપરપાવર આપવામાં આવે તો તમે શું કરો?

ન્યૂ ઈન્ડિયા કેમ્પેઈન ચાલે છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે બદલાવ આપણામાં આવે. કરોડો લોકો ભારતમાં છે. બધા જ સાથ આપીશું. દયા-કરુણા રાખીશું તો આ ન્યૂ ઈન્ડિયા થશે. સામાન્ય રીતે આપણે આપણી આજુબાજુના લોકોને કઈ રીતે ટ્રીટ કરીએ છીએ. કામવાળી, કચરાવાળો, તેમની સાથે આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ. ‘આર્ટિકલ 15’માં બતાવવામાં આવ્યું કે તેઓ ગટરમાં ઊતરીને કામ કરે છે. આ લોકોને હું સેલ્યુટ કરું છું. તેમને લીધે આપણું ઘર સાફ છે. આપણે કામવાળા ને સફાઈવાળાને આદર આપવાની જરૂર છે. તેમને લીધે આપણે ઓફિસમાં મસ્ત રીતે બેઠા છીએ. ભારતમાં આ રીતે ચેન્જ આવશે. 

દિપના રિલેશનશિપને લઈ શું માને છે?
પ્રેમ ઘણી જ સારી અનુભૂતિ છે. હું પણ તેમાંથી પસાર થઈ છું. સારા-ખરાબ બંને અનુભવ થાય છે. આજના યંગસ્ટર્સને એ જ કહીશ કે પહેલાં તમારી કરિયર પર ફોકસ કરો. જેના માટે મરવું પડે તેને પ્રેમ ના કહેવાય પણ જેના માટે જીવવું ગમે તેને પ્રેમ કહેવાય. પ્રેમમાં ડૂબી જાવ તેમાં મજા નથી પણ પ્રેમમાં જીવો તેમાં મજા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી