હું, તમે ને સેલિબ્રિટી / ગુજરાતી ફિલ્મ ‘બજાબા’ ફૅમ ધરા ભટ્ટે કહ્યું, કાસ્ટિંગ કાઉચ જેવું કંઈ હોતું જ નથી, એ પર્સેપ્શન છે

X

Divyabhaskar.com

Oct 25, 2019, 10:48 AM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના સાતમા એપિસોડમાં ગુજરાતી ફિલ્મ ‘બજાબા’ ફૅમ ધરા ભટ્ટ સાથે ખાસ મુલાકાત કરી હતી. બાળલગ્ન તથા એજ્યુકેશન પર આધારિત ‘બજાબા’ને અલગ-અલગ સાત ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યાં છે. ધરા ભટ્ટની આ પહેલી જ ગુજરાતી ફિલ્મ હતી અને તેમાં તેમણે શિક્ષક આદિત્યાનો રોલ પ્લે કર્યો હતો. ધરા છેલ્લાં સાત વર્ષથી થિયેટર સાથે જોડાયેલી છે. ધરા મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે. ધરાએ વાતચીતમાં ગુજરાતી સિનેમા તથા કાસ્ટિંગ કાઉચ પર પણ વાત કરી હતી. 

divyabhaskar.com સાથે ધરા ભટ્ટની ખાસ વાતચીત

તમે સૌ પહેલાં એ જણાવો કે તમારા પરિવારમાં કોણ કોણ છે? અને તમે ક્યારે નક્કી કર્યું હતું કે તમે ફિલ્મમાં આગળ વધશો?

મારા ફેમિલીમાં મારા પેરેન્ટ્સ તથા 10 વર્ષ નાનો ભાઈ અને મારા બા છે. જ્યારે હું કોલેજના સેકન્ડ યરમાં હતી અને મેં આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર) સ્પર્ધામાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. તે સમયે અભિષેક શાહ (હેલ્લારો ફૅમ) અમને થિયેટર શીખવવા આવતા હતાં. તે સમયે મને થયું કે આઈએનટીની સ્પર્ધા છે, તો ભાગ લઈએ. અહીંયા અમે આઈએનટીમાં ફર્સ્ટ આવ્યા હતાં. આ સ્પર્ધામાં અમે ‘તુ લડ જા અનામિકા’ નાટક ભજવ્યું હતું. ત્યારબાદથી પ્રોફેશનલ શો શરૂ કર્યાં. પછી સાત વર્ષથી આ જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું.

સ્કૂલ લાઈફમાં શું બનવાનું વિચાર્યું હતું?

નાની હતી ત્યારે સાયન્સ લેવાનું વિચાર્યું હતું. પેરેન્ટ્સની ઈચ્છા પણ એવી જ હતી કે હું સાયન્સ લઈને ડોક્ટર-એન્જિનિયર બનું. મારે દસમામાં જ ઓછા ટકા આવ્યા હતાં અને પછી મેં કોમર્સ લીધું હતું. અગિયાર-બારમામાં મારે કોમર્સ સાથે કંઈક કરવું હતું. અમારી સ્કૂલમાં જ્ઞાન પરબ થતું, જેમાં નાટકો ભજવવાના રહેતાં. આ ઉપરાંત રસોત્સવ, રમોત્સવ પણ થતાં અને તેમાં હું ભાગ લેતી હતી. આ સમયે ખ્યાલ આવ્યો કે મને નાટકમાં રસ છે. બારમામાં હતી, ત્યારે હું કવિતા લખતી હતી. કોલેજમાં આવી એટલે મને પ્રોપર ગાઈડ-લાઈન મળી અને પ્રોપર મેન્ટર મળ્યાં. મેં કોલેજ દરમિયાન ‘અનામિકા’, ‘કાળજા કેરો કટકો’, ‘ઘેમરની ગીતા’, ‘મોગલી બસ મોગલી’ જેવા નાટકો અભિષેકસર સાથે કર્યાં. હાલમાં જ અમે સિમલામાં નેશનલ લેવલની સ્પર્ધામાં ‘બલ્બ જલેંગા’ નાટક લઈને ગયા હતાં.

તમારા પહેલાં નાટક ‘તુ લડ જા અનામિકા’ માટે તમે કેવી રીતે તૈયારી કરી?

આ નાટકમાં મારો અઢી મિનિટનો મોનોલોગ હતો. આ નાટકમાં વડોદરાની પોળની છોકરીનો રોલ મેં પ્લે કર્યો હતો. મારા પર પોળના લોકો ઈમોશનલી રેપ થાય છે. આ નાટકના અમે પ્રોફેશનલ શો પણ કર્યાં હતાં, જેમાં મુંબઈ, હિંમતનગર, ગાંધીનગરના શો કર્યાં હતાં. મારી લાઈફમાં આ જ ટર્નિંગ પોઈન્ટ હતો.

સાત વર્ષમાં તમે ઘણાં નાટકોમાં કામ કર્યું તો તમારું ફેવરિટ પાત્ર કયું છે?

મારું ફેવરિટ નાટક ‘કાળજા કેરો કટકો’ છે, એમાં મેં મેઈન લીડ રેવતીની ભાભીનું પાત્ર પ્લે કર્યું હતું. આમાં પણ મેં સ્ટેજ પર બે-અઢી મિનિટનો મોનોલોગ પ્લે કર્યો હતો. આ નાટકમાં મારો પતિ મારી પર ડોમેસ્ટિક વાયોલન્સ કરે છે અને ઘરમાં હું જ માત્ર રેવતીનો પક્ષ લેતી હોઉં છું. 40 મિનિટના નાટકમાં અઢી મિનિટનો મારો મોનોલોગ હોવા છતાંય મને આ નાટક ઘણું જ ગમતું હતું. આ રોલ મારા માટે ચેલેન્જિંગ હતો. નાટકમાં મારો પતિ મને મારે પછી સ્ટેજ પર હું સેન્ટરમાં જઈને એકલાં બોલી હતી. આ ઉપરાંત ‘કસર’માં ઈપ્સિતાનું પાત્ર ભજવ્યું હતું અને લીડ રોલ કર્યો હતો. આ કેરેક્ટરમાં મને વેરિએશન મળ્યાં હતાં. આ રોલમાં મારે 12 વર્ષથી લઈ 24 વર્ષ સુધીનું પાત્ર ભજવ્યું હતું. આમાં હું સવા કલાક સુધી સતત સ્ટેજ પર હોઉં છું. ઈપ્સિતાનું કેરેક્ટર સેન્સિટિવ તથા ડાર્ક પાત્ર હતું. આ નાટક માટે અમે આઠ-આઠ કલાક રિહર્સલ કરતાં હતાં. આમાં હું 12 વર્ષની ઈપ્સિતા બનું છું અને તરત જ બીજા સીનમાં હું પતિ સાથે વાત કરતી હોઉં, તેવો સીન હતો. આ નાટકમાં ઈપ્સિતા પ્રેગ્નન્ટ થતી પણ બતાવવામાં આવે છે. એટલે મારે ઈપ્સિતાના જીવનને જીવવાનું હતું. આ નાટકમાં સોંગ પણ હતું અને આ સોંગ માટે પણ અમે ઘણી જ મહેનત કરી હતી. એક્ટર તરીકે તમારે ઓર્બ્ઝવેશન શાર્પ હોય તો તમારા માટે કોઈ કેરેક્ટર પડકારજનક હોતાં નથી. આ નાટકનું રિહર્સલ અમે દોઢ મહિના સુધી કર્યું હતું. 

તમારે નાટકમાં જ આગળ વધવું હતું, તો તમે કોમર્સમાં માસ્ટર કેમ કર્યું, કોઈ ખાસ કારણ?

આઈએનટીની સ્પર્ધામાં ભાગ લેવો હોય તો તમારે કોલેજમાં ભણવું જ પડે. કોલેજના સ્ટૂડન્ટ્સ હોવ તો જ તમે આઈએનટીના નાટકમાં ભાગ લઈ શકો. મારે નાટકો કરવા હતાં એટલે જ મેં એમ.કોમ કરવાનું નક્કી કર્યું હતું. નાટકોને લીધે જ મેં માસ્ટર પૂર્ણ કર્યું હતું. કોલેજ પછી પણ મેં નાટકો જ કર્યાં છે. એસ એમ પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કોલેજનું પ્રથમ વર્ષ તો એમ જ ગયું. મને લખવાનો શોખ હતો, નાટકનો શોખ હતો પણ આગળ શું કરું, તેને લઈ મૂંઝવણ હતી. મારી કોલેજમાં બહુ બધી એક્ટિવિટી થતી હતી, તો થયું કે હું મારી કોલેજની એક્ટિવિટીમાં ભાગ લઉં. સેકન્ડ યરથી મેં નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી. ત્યારબાદ મેં કોલેજ લાઈફ પણ એન્જોય કરી નથી. પછી એવું થયું કે હું નાટકોમાં જ વ્યસ્ત રહેવા લાગી હતી. 

તમે ટીચરની જોબ ક્યારથી શરૂ કરી?

ટીવાયમાં આવી ત્યારે મેં સ્કૂલમાં જોબ કરવાની શરૂઆત કરી હતી. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એટલું સ્ટ્રોંગ નહોતું. હું નાટકો પણ કરતી અને સાથે-સાથે ભણતી પણ હતી. નાટકો કરતી એટલે હું નાટક જોવા જતી, મૂવી જોવા જતી. એટલે થયું કે હું કમાઉં તો મારો ખર્ચ કાઢી શકું. હું જે સ્કૂલમાં ભણી હતી, તે જ સ્કૂલમાં કમ્પ્યુટર ટીચર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. હું એક સમયે જોબ પણ કરતી, કોલેજ પણ જતી અને નાટકના રિહર્સલ પણ કરતી હતી. ઘણવીર એવું પણ બનતું કે એક્ઝામ દરમિયાન પણ નાટકના શો હોય, તે સમયે આગળના દિવસે 2-3 વાગે ઘરે આવતી અને સવારે એક્ઝામ આપવા જતી હતી. 

કાસ્ટિંગમાં અચાનક કેવી રીતે આવી ગયા?

માસ્ટર કરતી હતી અને ત્યારે જ મેં કાસ્ટિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. અભિષેકસર સાથે હું થિયેટર કરતી હતી અને તેઓ ફિલ્મ્સમાં કાસ્ટિંગ પણ કરતાં હતાં. માસ્ટરના સેકન્ડ યરમાં મેં કાસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને પછી આ કન્ટીન્યૂ રાખ્યું હતું. કાસ્ટિંગ કરવાની શરૂઆત કરી ત્યારે હું સ્કૂલમાં જોબ કરતી હતી. આ સમયે મેં અભિષેકસરને વાત કરી હતી કે મારે હવે આમાં જ ફૂલ ટાઈમ કામ કરવું છે. મેં આટલા વર્ષ નાટકોમાં પસાર કર્યાં છે. એ વખતે સર કાસ્ટિંગ કરતાં હતાં અને તેમને આસિસ્ટન્ટની જરૂર હતી. નાટકમાં આટલાં વર્ષો કામ કર્યાં બાદ મને ખ્યાલ આવી ગયો હતો કે આ પાત્ર આ એક્ટર પર્ફોર્મ કરી શકે અથવા તો આ એક્ટર આ પાત્ર કરી શકશે. તો મને કાસ્ટિંગમાં રસ તો હતો. નાટકની સાથે સાથે મેં કાસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. 

સૌ પહેલી કઈ ફિલ્મ કાસ્ટ કરી હતી?

‘પપ્પા તમને નહીં સમજાય’ ફિલ્મમાં મેં અભિષેકસરને આસિસ્ટ કર્યાં હતાં. આ પ્રોસેસમાં હું ઓડિશનમાં સાથે રહેતી હતી. એક્ટર્સને સ્ક્રિપ્ટ આપવાની, તેમને સમજાવવાના અને એક્ટર્સને ઓડિશન માટે તૈયાર કરવાના અને પછી સિલેક્શનમાં પણ હું સાથે રહેતી. એક્ટર્સને આખી ઓડિશન પ્રક્રિયા સમજાવતા હતા. જો એક્ટર્સ નવર્સ થઈ જાય અથવા તો તેને પ્રોપર ગાઈડલાઈન ના મળે તો તે યોગ્ય રીતે ઓડિશન આપી શકે નહીં. 

સ્કૂલ લાઈફના એવા બનાવો, જે જીવનભર યાદ રહી ગયા હોય?

હું ઘરમાં બહુ જ તોફાની હતી પરંતુ સ્કૂલમાં શાંત જ રહેતી. એક પ્રસંગ યાદ છે કે જ્યારે હું ચોથા ધોરણમાં હતી ત્યારે એક મહિના સુધી સ્કૂલે ગઈ નહોતી. માત્ર ફાઈનલ એક્ઝામ આપવા ગઈ હતી. મારી સ્કૂલ ગંગાબા કન્યાશાળામાં જૈન ધર્મને લઈને સબ્જેક્ટ આવતો અને મને તેમાં બહુ ખબર પડતી નહોતી, જેને કારણે મને ટીચરે માર માર્યો હતો. આથી જ મેં સ્કૂલે ના જવાનો નિર્ણય લીધો હતો. મને સ્કૂલે જવાનું સહેજ પણ ગમતું નહોતું. એકવાર હું આશ્રમ રોડથી મારા ઘરે નવા વાડજ આવી ગઈ હતી. મારી પાસે રીક્ષાના પૈસા નહોતા, ઘરે આવીને મેં મારી મમ્મીને કહ્યું હતું કે તમે રીક્ષાના પૈસા આપી દો. આને કારણે મને ઘરમાં બહુ ધમકાવવામાં આવી હતી. આ સમયે હું ચોથા ધોરણમાં હતી. પાંચમા ધોરણથી બારમા સુધી હું શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણતી હતી. મને ભણવામાં રસ બહુ નહોતો પરંતુ સ્કૂલમાં શિસ્તમાં રહેતી હતી. 

ટીવી સિરિયલ ‘નિહારિકા’ તથા ‘જાગ્યા ત્યારથી સવાર’ કેવી રીતે મળી?

જ્યારે અમે ‘અનામિકા’ નાટક સ્ટેજ પર ભજવ્યું ત્યારે ‘નિહારિકા’ સિરિયલના મેકર્સ મિહીરભાઈ નાટક જોવા આવ્યા હતાં અને તેમણે અભિષેકસરને મને સિરિયલમાં કાસ્ટ કરવાની વાત કરી હતી. આ રીતે મને આ સિરિયલ મળી હતી. આ સિરિયલમાં મારો સ્મોલ રોલ હતો એટલે મારે બહુ વાંધો આવ્યો નહોતો. અમારા નાટક ‘કાળજા કેરો કટકો’ પરથી ટીવી સિરિયલ ‘જાગ્યા ત્યારથી સવાર’ બનાવવામાં આવી હતી અને આમાં મારો રોલ રેવતીની ભાભીનો હતો.

ફિલ્મ ‘બજાબા’ કેવી રીતે મળી?

હું ‘તારી મારી વાત’ કરીને નાટક કરતી હતી, જે ચેતન દહીયા (‘કરસનદાસ પે એન્ડ યુઝ’માં દીક્ષા જોષીના પિતાનો રોલ કરનાર) જોવા આવ્યાં હતાં. ‘બજાબા’ની કાસ્ટિંગની પ્રોસેસમાં ચેતન દહીયા ઈન્વોલ્વ હતાં. તેમણે જ મારું નામ સજેસ્ટ કર્યું અને પછી મને ઓડિશન માટે ફોન આવ્યો હતો. 

ફિલ્મના ઓડિશનનો અનુભવ કેવો રહ્યો?

ઓડિશનનો અનુભવ ઘણો જ અલગ રહ્યો હતો. શૂટિંગના એક દિવસ પહેલાં જ મને ઓડિશન માટે ફોન આવ્યો હતો. પહેલાં આ ફિલ્મ માટે અન્ય એક્ટ્રેસ લેવામાં આવી હતી પરંતુ પછી અચાનક નવી એક્ટ્રેસ શોધવામાં આવી હતી. મને એમ કહેવામાં આવ્યું કે આવતીકાલે જ શૂટ છે. ઓડિશન માટે મને વોટ્સએપમાં સ્ક્રિપ્ટ મોકલવામાં આવી હતી. મેં ઘરના જ કપડાંમાં ઘરે જ ઓડિશન વીડિયો શૂટ કરીને મોકલ્યો હતો. મને એમ હતું કે ઓડિશન આવ્યું છે, તો ઓડિશન આપું અને મેં તરત જ વીડિયો સેન્ટ કર્યો હતો. રાત્રે જ મને કહેવામાં આવ્યું કે હું આ ફિલ્મમાં સિલેક્ટ થઈ ગઈ છું. જોકે, મેં એમ કહ્યું હતું કે તમે ભલે મને સિલેક્ટ કરી હોય પરંતુ હું નેરેશન સાંભળ્યા બાદ જ નક્કી કરીશ કે હું ફિલ્મમાં કામ કરીશ કે નહીં. મને ફિલ્મનું નેરેશન આપવામાં આવ્યું અને મેં તરત જ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી. 

‘બજાબા’ ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવો કેવા રહ્યાં?

 • આ ફિલ્મનું શૂટિંગ દહેગામ થયું હતું. દહેગામમાં અમે 28 દિવસ રહ્યાં હતાં. ફિલ્મમાં મેં આદિત્યાનો રોલ પ્લે કર્યો હતો, જે ટીચર હોય છે અને તેને ગામમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થાય છે અને લોકો હેરાન કરે છે. આમાં મેં અઠવાડિયા સુધી બાળકો સાથે વર્કશોપ પણ કરી હતી. વર્કશોપ બાદ સેકન્ડ શિડ્યૂઅલ શૂટ કર્યું હતું. નાઈટ શિફ્ટ હોય ત્યારે અમારી બાજુમાંથી જ અજગર કે અજગરના બચ્ચાઓ નીકળે. 50 લોકો સાથે હોય અને ફ્લોર પરથી અજગરના બચ્ચાઓ નીકળે. આ જોઈને ડર પણ લાગ્યો હતો.
   
 • દહેગામમાં 28 દિવસ અઘરા હતાં. અમે ધર્મશાળામાં રોકાતા હતાં. ઘણીવાર એવું થતું કે લેટ નાઈટ શૂટિંગ હોય અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યાનો કોલ ટાઈમ હોય. અમે જે ધર્મશાળામાં રહેતા ત્યાં ઘણીવાર ગરમ પાણી ના હોય. આમ તો ફિલ્મનું શૂટિંગ, મે, જૂન અને જુલાઈમાં થયું હતું. ગરમી હતી પરંતુ ગામડાંમાં ઠંડક હોય એટલે ગરમ પાણીની જરૂર પડતી. ઘણીવાર એવું થાય કે હું રાત્રે બે-અઢી વાગે શૂટ પરથી આવીને જ હું નાહી લેતી, જેથી મારે સવારે ન્હાવું ના પડે. ગરમીનો ટાઈમ હતો પરંતુ ઠંડી લાગતી હતી. બંને શિફ્ટમાં કામ કરવાનું થતું. 28 દિવસ હું ત્રણ કે ચાર કલાક માંડ સૂતી હતી. બેથી ત્રણવાર એવું બન્યું છે કે કન્ટીન્યૂસ શિફ્ટને કારણે હું સૂતી જ નહોતી.
   
 • ત્રણ મહિના ગરમી હતી અને મારે ઈનડોર નહીં પણ આઉટડોર જ શૂટિંગ કરવાનું હતું. ત્રીજા શિડ્યૂઅલમાં ડિરેક્ટરે મને વેઈટ લોસ કરવાનું કહ્યું હતું, કારણ કે મારે એક સોંગનું શૂટ કરવાનું હતું. આ સોંગ ફ્લેશબેકમાં હતું, એટલે મારે ત્રણ-ચાર કિલો વજન ઉતારવાનું હતું. આ સમયે હું માત્ર ફ્રૂટ્સ ને દૂધ જ લેતી હતી. કાર્બ્સ લેવાના ટોટલી બંધ થઈ ગયા હતાં.  43-44 ડિગ્રી ગરમીમાં હું આઉટડોર શૂટ કરતી હતી અને સ્ટ્રિક્ટ ડાયટ પર હતી. તમે જ્યારે શૂટ કરો ત્યારે ઈમોશન જરૂરી છે, આ સમયે કાર્બ્સની જરૂર પડે. શૂટિંગના છેલ્લાં બે દિવસ દરમિયાન મારો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. આઉટડોરમાં જેવો મારો સીન પૂરો થાય એટલે હું તરત જ છત્રી માટે બૂમો પાડતી હતી.
   
 • કેરેક્ટરમાં હું ઘણી જ ઈન્વોલ્વ થઈ ગઈ હતી, મને જેલમાં પૂરે છે, એકવાર હું ગુંડાઓ સાથે ફાઈટ કરું છું. ઈમોશનલી મને ફિલ્મમાં હેરાન કરવામાં આવે છે, તે પ્રકારના સીન્સ મેં કર્યાં હતાં. શૂટ દરમિયાન મેં સ્ટ્રોંગ રહીને પર્ફોર્મ કર્યું હતું. ફાઈટિંગ સીક્વન્સ પૂર્ણ કર્યાં બાદ અમદાવાદ આવ્યા આવી અને મને ખબર પડી કે મને ટાઈફોઈડ છે પછી હું એકદમ ડાઉન થઈ ગઈ હતી. કેરેક્ટરમાંથી આઉટ થવાની પ્રોસેસ ચાલુ હતી અને હું બીમાર પડી હતી. મારા માટે સ્વીચ ઓફ થવું મુશ્કેલ હતું. મને ત્રણ-ચાર દિવસ સુધી તાવ આવ્યો હતો અને પછી હું ડોક્ટર્સને બતાવા ગઈ હતી. ડોક્ટર્સે રિપોર્ટ્સ કઢાવવાના કહ્યાં અને પછી ખ્યાલ આવ્યો કે મને ટાઈફોઈડ થયો છે. ડોક્ટર્સે મને ટોટલી બેડ રેસ્ટ કરવાનો છે. આ સમયે મારા પર કેરેક્ટર હાવી થઈ ગયું હતું. ઈમોશનલી હું આ પાત્ર સાથે જોડાઈ ગઈ હતી. પેરેન્ટ્સ મારી સાથે વાત કરવા આવે તો હું એમ કહેતી મારે રેસ્ટ કરવો છે, હમણાં વાત કરવી નથી. 

‘બજાબા’માં બાળકીઓ સાથે કેવી રીતે કામ કર્યું?

મેં ફિલ્મમાં ત્રણ અલગ-અલગ બાળકીઓ સાથે કામ કર્યું હતું. જીયા તથા મધુ સાથે કામ કરતાં પહેલાં તેમની સાથે કમ્ફર્ટ થવાનો પૂરો પ્રયાસ કરતી. શૂટિંગ શરૂ થાય તેની 10-15 મિનિટ પહેલાં હું બાળકી સાથે સ્ક્રિપ્ટ વાંચતી, તેમને કમ્ફર્ટ ઝોન આપતી અને પછી અમે શૂટિંગ કરતાં. એ લોકો ભૂલ કરે તો રીટેક પણ આપવા પડતાં હતાં. જોકે, બાળકો સાથે શૂટિંગ હોય ત્યારે એક્ટર્સે એડજસ્ટ થવું જ પડે છે. 

આગામી પ્રોજેક્ટ્સ કયા છે? અને કેવા રોલ કરવા છે?

કેટલીક વાતચીત ચાલે છે પરંતુ હાલ પૂરતું તેને રિવીલ કરી શકાય તેમ નથી. મારે ચેલેન્જિંગ રોલ કરવા છે. કોઈ કેરેક્ટરમાં કોઈ મહેનત ના કરવાની હોય તો હું ડાઉન થઈ જાઉં છું. મને પડકારજનક રોલ કરવા ગમે છે. મારે સતત રોલમાં વેરિએશન લાવવું છે. 

તમારી પહેલી કમાણી કેટલી હતી?

મારી પહેલી કમાણી 1200 રૂપિયા કમ્પ્યૂટર ટીચરની જોબમાં મળી હતી. આ પૈસામાંથી મેં મારી નાની માટે સાડી લીધી હતી. 

તમે રિજેક્ટ થતાં તો શું ફીલ થતું અને જીવનમાં એવી કઈ ક્ષણ હતી, જ્યારે તમે ભાવુક બની ગયા હોવ?

ઓડિશન દરમિયાન ઘણીવાર રિજેક્ટ થતા હોઈએ. ‘હમ જિંદા હૈં’ નાટક દરમિયાન મને મજા નહોતી આવી અને તેથી મેં નાટક કરવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત બે-ત્રણ નાટકમાં પણ મેં કામ કરવાની ના પાડી દીધી હતી. રિજેક્શન દરમિયાન તમને અસલામતીની ભાવના આવી જાય છે કે હવે આગળ શું થશે? જોકે, આ સમયને શાંતિથી પસાર કરવાનો હોય છે. જો એ સમય બેલેન્સ થઈ જાય તો દર વખતે રિજેક્શન થતું નથી. રિજેક્શન પાર્ટ ઓફ લાઈફ છે. હું બહુ જ સેન્સિટિવ છું અને આંખમાંથી પાણી આવવું મારા માટે નવાઈની વાત નથી. હું જ્યારે ‘કાળજા કેરો કટકો’ કરતી હતી ત્યારે પપ્પા છ મહિના મસ્તક રહ્યાં હતાં. મારી નોકરી પણ ચાલતી, હું નાટકો પણ કરતી અને કોલેજમાં હું લાસ્ટ યરમાં હતી. પપ્પા જ્યારે અહીંથી મસ્કત ગયા ત્યારે એમ જ હતું કે તેઓ કાયમી જ ત્યાં રહેશે. જોકે, તે છ મહિનામાં પાછા આવી ગયા હતાં. આ છ મહિનાનો સમય મારા માટે ઘણો જ મુશ્કેલ હતો. હું પેરેન્ટ્સ સાથે એટેચ છું. આ છ મહિના મારા માટે ઘણાં જ મહત્ત્વના રહ્યાં હતાં.

પપ્પા-મમ્મીની કઈ વાતો તમે ફોલો કરો છો?

પપ્પાથી હું સાવ અલગ છું. પપ્પા જે રીતે શિસ્તબદ્ધ લાઈફ જીવે છે, તે પ્રમાણે હું જીવી શકતી નથી. મમ્મીની નિકટ છું. મારું ધ્યાન મમ્મી જ રાખે. ‘બજાબા’ વખતે મારે આઠ-આઠ કલાક ડબિંગ કરવાનું રહેતું અને જો હું ચોકલેટ ખાઉં તો મમ્મી ના પાડી દેતી. મમ્મી નાની-નાની વાતોનું ધ્યાન રાખે. આજે જ્યારે હું ઈન્ટરવ્યૂ આપવા આવી છું તો મારા નાનીને હોસ્પિટલમાં એડમિટ કર્યાં છે, તો પણ મારી મમ્મી સતત કહેતી કે જમીને જજે, ધ્યાન રાખજે. તારું શિડ્યૂઅલ ચાલુ જ રાખજે. આજે હું અહીંયા છું, તે મારી મમ્મીને કારણે છે. મારી મમ્મીએ ઘણો બધો ભોગ આપ્યો છે. 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવાની વાતનો પરિવારે વિરોધ કર્યો હતો?

શરૂઆતમાં પેરેન્ટ્સ માન્યા નહોતાં. કોલેજ સમયે નાટકો કરતી ત્યારે તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. નાટકમાં રિહર્સલ મોડા પતે, શો માટે બહારગામ જવાનું હોય. આ બધી વાતથી પેરેન્ટ્સ તથા બાને ટેન્શન થઈ જતું. જ્યારે કરિયર તરીકે આ ફિલ્ડમાં જવાની વાત કરી તો તેમણે ના પાડી હતી. જોકે, હું આ ફિલ્ડમાં જવા માટે મક્કમ હતી. એકવાર અમે સિમલામાં નેશનલ લેવલ પર સ્પર્ધા જીત્યાં હતાં અને દિલ્હીમાં આ નાટકનો શો કરવાનો હતો. ત્યારે મારી મમ્મીએ અભિષેકસરને મને પૂછ્યાં વગર જ ફોન પર કહી દીધું હતું કે ધરા નાટકમાં કામ નહીં કરે અને આ ફિલ્ડમાં આગળ વધશે નહીં. મેં પણ મારી જીદ ચાલુ રાખી અને અંતે તેઓ માની ગયા હતાં.

‘શુભારંભ’ તથા ‘પીએમ નરેન્દ્ર મોદી’માં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

‘શુભારંભ’માં અભિષેકસરનું કાસ્ટિંગ હતું અને મેં માત્ર એક જ દિવસ શૂટ કર્યું હતું અને મારે ભાગે કોઈ સંવાદો આવ્યા નહોતાં. ‘પીએમ નરેન્દ્ર મોદી’માં મારે તોફાનોનો સીન ભજવવાનો હતો. આ સીનમાં લોકો મને મારવા આવે છે અને કાસ્ટિઝમવાળી આખી ઘટના હતી. મારો રોલ ભલે નાનકડો હોય પરંતુ મને પર્ફોર્મ કરવાની મજા આવી.

‘બજાબા’ને પહેલીવાર ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો, તેની જાણ કેવી રીતે થઈ?

ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં પહેલીવાર ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો હતો. મારી પહેલી ફિલ્મને ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો હતો. મારી ફિલ્મના શો લોસ એન્જલસ તથા ન્યૂ યોર્કમાં યોજાયા હતાં. આ ક્ષણ મારા માટે ઘણી જ ઈમોશનલ હતી. મારા ફિલ્મના ડિરેક્ટરે મેસેજ કરીને એવોર્ડ મળ્યાની જાણ કરી હતી. આ સમયે હું મારા પેરેન્ટ્સ સાથે વાત કરતી હતી અને જેવો મેસેજ આવ્યો એટલે હું ડાન્સ કરવા લાગી હતી. મારા માટે આ બધુ જ નવું હતું. 

તમને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો છે?

ના, મને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો નથી. હું જ્યાં પણ ઓડિશન આપવા જઉં ત્યાં પૂરતી તપાસ કરીને જતી, જેમાં કોણ ઓડિશન લેવાનું છે, ફિલ્મ કોણે લખી છે, કોણ ડિરેક્ટર છે, પ્રોડ્યૂસર્સ કોણ છે? તે તમામ વિગતો જાણી લેતી. અંગત રીતે હું માનું છું કે કાસ્ટિંગ કાઉચ જેવું હોતું જ નથી. ઓવરઓલ, તમારી પર્સનાલિટી પર જ છે. જો તમે કાસ્ટિંગ કાઉચના ડરને લીધે ક્યાંય ઓડિશન આપવા નહીં જાવ અથવા એમ જ માની લેશો કે આવું જ થાય છે, તો તમે કામ પર ફોકસ નહીં કરો. તમારે તમારા સ્ટ્રગલ પર કે કામ પર કે પછી સ્ક્રિપ્ટ પર ફોકસ કરવું જોઈએ. જો તમને લાગે કે તમે સ્ક્રિપ્ટ સાથે કે જોનર સાથે કમ્ફર્ટ નથી તો તમારે એ ના જ કરવું જોઈએ. કાસ્ટિંગ કાઉચ પર્સેપ્શન છે. જો હું એવું માનીશ કે કાસ્ટિંગ કાઉચ છે, તો એવું જ હશે. જો પર્સનલી એમ માનીશ કે નથી તો એમ જ થશે. તમે પૂરી ઈન્ક્વાયરી કરીને જાવ અને તમે નક્કી કરો કે તમારે ઓડિશન આપવું છે તો તમારે મેન્ટલી પ્રિપેર રહેવું પડશે કે તમે તે જગ્યાએ ઓડિશન આપવામાં કમ્ફર્ટ છો.

ગુજરાતી સિનેમાની કઈ બાબતો બદલવા ઈચ્છો છો?

હું હંમેશાં ફિલ્મ વિશે કહેતી હોઉં છું કે ફિલ્મની પોતાની એક ટ્રીટમેન્ટ હોય છે. અહીંયા ઘણી બધી ફિલ્મ્સ એવી બને છે, જેને કોઈ ટ્રીટમેન્ટ મળતી નથી. ઘણીવાર એક્ટર્સને પોતાના કેરેક્ટર પર કામ કરવાનો સમય મળતો નથી. કોન્સેપ્ટ સારો હોય, વાત સારી કરશો, કામ પણ સારું હશે પરંતુ ફિલ્મની મેકિંગ વાઈઝ ક્વોલિટી નહીં આપો, ફિલ્મને પૂરી ટ્રીટમેન્ટ નહીં આપો તો કંઈ મતલબ નથી.

રેપિડ ફાયર રાઉન્ડ

 • તમારો ડાયટ પ્લાન શું છે?
  ડાયટ એ રૂટિન પ્રોસેસ છે. જો તમે રેગ્યુલર ઓઈલી તથા જંક ફૂડ ખાવ તો બૉડીને નુકસાન થાય છે. ડાયટમાં હું રૂજુતા દિવાકરને ફોલો કરું છું. સવાર ઉઠીને હળદર તથા મીઠાવાળું પાણી પીવું અને પછી હું ચા સાથે બ્રેકફાસ્ટ કરું જ છું. ફ્લોર પર પણ બધાને ખબર છે કે ધરાને બ્રેકફાસ્ટ આપી જ દેવો તો જ તેનો મૂડ આવશે. લંચ તથા ડિનરમાં ઘરનું જ જમતી હોઉં છું. વચ્ચે-વચ્ચે ફ્રૂટ્સ તથા ડ્રાયફ્રૂટ્સ લેતી હોઉં છું. પહેલાં જીમ કરતી હતી પરંતુ હાલમાં બંધ છે. યોગ-મેડિટેશન ઘરે કરું છું. જો યોગ કે મેડિટેશનનો સમય ના મળે તો રાત્રે અડધો કલાક વોક પર અચૂકથી જાઉં છું. જે રીતે રૂટિનમાં ડાયટ છે, તે જ રીતે વર્કઆઉટ પણ રૂટિન હોવું જોઈએ. જીમ, યોગ કે વોક ત્રણમાંથી એક કરું જ છું. 
 • તમારો ફેવરિટ ફેસ્ટિવલ કયો છે?
  મારો ફેવરિટ ફેસ્ટિવલ ઉત્તરાયણ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તો બે દિવસ પૂરા ધાબે રહેવાતું નથી. ઘણીવાર નાટકોની સ્કિપ્ટ લખવાની હોય. પહેલાં જ્યારે ધાબે જતી ત્યારે મારા મોટા પપ્પા સાથે ફિરકી પકડવાને લઈ ઝઘડો કરતી. હું માત્ર પતંગ જ ચગાવતી એવું નહીં, મારા ધાબા પરથી જતાં પતંગ પણ પકડતી હતી. બે દિવસ હું પરિવાર સાથે હોઉં અને ઘણી જ ધમાલ-મસ્તી કરતી. 
 • ફેવરિટ એક્ટ્રેસ-એક્ટર કોણ?
  મને શ્રીદેવી ઘણાં જ પસંદ છે. હું તેમના વીડિયો જોઈને તેમની પાસેથી શીખતી રહેતી હોઉં છું. આ ઉપરાંત મને મધુબાલા તથા નરગીસ પણ પસંદ છે. મધુબાલા-નરગીસના ગીત સાંભળીને કે જોઈને હું એકદમ ફ્રેશ થઈ જાઉં. ગુજરાતીમાં થિયેટર આર્ટિસ્ટ જીજ્ઞા વ્યાસે ‘વેલકમ જિંદગી’, ‘આજ જાને કી જિદ ના કરો’ તથા ‘પાડાની પોડ’ જેવા નાટકોમાં કામ કર્યું છે. તેમનામાંથી ઘણી જ પ્રેરણા મળી. એક્ટરમાં મને રણબીર કપૂર, અમિતાભ બચ્ચન તથા પ્રતિક ગાંધી ગમે છે.
 • ફેવરિટ મૂવી?
  હિંદીમાં ‘જબ વી મેટ’ અને ગુજરાતીમાં ‘લવની ભવાઈ’ છે. ‘ટાઈટેનિક’ પણ ઘણી જ ગમે છે.
 • તમને વાંચવાનો શોખ છે?
  વાંચવાનો શોખ ઘણો જ છે. મને મરીઝ, માનવ કૌલ, રઈસ મણિયારને વાચ્યા છે. આ ઉપરાંત સૌમ્ય જોષીના નાટકોની બુક આવે છે, તે પણ લઈને વાંચું છું. રઈસ મણિયારની ‘લવ યુ લાવણ્ય’, માનવ કૌલની ‘પ્રેમ કબૂતર’, કાજલ વૈદ્ય ઓઝાની ‘ક્રિષ્નાયન’ મારી ફેવરિટ છે. 
 • તમે કેટલાં ધાર્મિક છો?
  હું પોતે ધાર્મિક નથી પરંતુ મારી મમ્મી ઘણી જ ધાર્મિક છે અને તેમની સાથે દર્શન કરવા જતી હોઉં છું. થિયેટર જ્યારથી જોઈન કર્યું ત્યારથી મારા માટે રંગદેવતા જ ભગવાન છે. હું વર્ષની બે નવરાત્રિ (ચૈત્રી તથા આસો) કરું છું. છ વર્ષ સુધી નવરાત્રિના નકરોડાં ઉપવાસ કર્યાં હતાં. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી