હું, તમે ને સેલિબ્રિટી / ભક્તિ કુબાવતે કહ્યું, ફિલ્મ્સમાં આપણાં કલ્ચરની વિરુદ્ધમાં જઈ ક્યારેય બિકીની સીન્સ આપીશ નહીં

X

Divyabhaskar.com

Nov 08, 2019, 11:36 AM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના નવમા એપિસોડમાં ભક્તિ કુબાવત સાથે ખાસ મુલાકાત કરી હતી. ભક્તિનો જન્મ તો સાઉથ આફ્રિકામાં થયો હતો પરંતુ જ્યારે તે પાંચ મહિનાની હતી ત્યારે જ તેનો પરિવાર ભારત આવી ગયો હતો. ભક્તિના પિતા સુરેશ કુબાવત ડોક્ટર તથા માતા રેખા ટીચર છે. યુનિવર્સિટી ટોપર ભક્તિને સ્કૂલમાં ડોક્ટર કે એસ્ટ્રોનોટ બનવાનું વિચાર્યું હતું. જોકે, પછી ભક્તિએ અમદાવાદની બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું હતું. જાણીતી કંપનીમાં જોબ પસંદ કરવાને બદલે ભક્તિએ ગુજરાતી એક્ટ્રેસ બનવાનું નક્કી કર્યું હતું. ભક્તિને એમ હતું કે ત્રણ-ચાર ફિલ્મ્સ કર્યાં બાદ તે નોકરી શરૂ કરશે પરંતુ આજે ભક્તિ ગુજરાતી સિનેમાની સફળ એક્ટ્રેસિસમાંથી એક છે. ભક્તિની નવ જેટલી ફિલ્મ્સ રિલીઝ થઈ ચૂકી છે અને તેણે બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. વાતચીતમાં ભક્તિએ કહ્યું હતું કે તે ગુજરાતી ફિલ્મ્સમાં ક્યારેય કિસિંગ તથા બિકીની સીન્સ આપશે નહીં, કારણ કે તે આપણાં કલ્ચરમાં નથી.

divyabhaskar.com સાથે ભક્તિ કુબાવતની ખાસ વાતચીત

તમારો જન્મ ટાન્ઝાનિયામાં થયો તો તમે ગુજરાત ક્યારે આવ્યાં?

મારા પપ્પાનો પરિવાર જૂનાગઢના મેંદરડામાં રહે છે અને મમ્મીનો પરિવાર ટાન્ઝાનિયામાં રહે છે. મારા પેરેન્ટ્સ બરોડામાં એકબીજાને મળ્યાં હતાં અને પછી તેઓ ટાન્ઝાનિયા ગયા હતાં. અહીંયા જ મારો તથા મારા ટ્વીન ભાઈનો જન્મ થયો હતો. મારી મોટી બહેન પણ છે. દરેકનું એવું હોય કે પરિવારની સાથે રહે. મારા દાદાનું સપનું હતું કે મારા પપ્પા મોટા ડોક્ટર બને. મારા પપ્પા સૌરાષ્ટ્રના જાણીતા ડોક્ટર છે અને પછી મારા પપ્પાએ ટાન્ઝાનિયાથી ગુજરાત આવવાનો નિર્ણય લીધો હતો. જ્યારે અમે ગુજરાત આવ્યા ત્યારે હું માત્ર પાંચ મહિનાની હતી. હાલમાં મારા પપ્પા બરોડામાં કેન્સર હોસ્પિટલમાં સેવા આપે છે. મારા પપ્પા એકદમ સેવાભાવી છે અને સમાજને કંઈક પાછું આપવામાં માને છે. 

જૂનાગઢમાં તમે ક્યાંથી સ્કૂલિંગ કર્યું?

અહીંયા હું કાર્મલ સ્કૂલમાંથી ભણી હતી. અત્યારે હું મારા જીવનની જર્ની વિશે વિચારું છું તો જૂનાગઢનો સમય મારા માટે બેસ્ટ રહ્યો હતો. આજે પણ હું જૂનાગઢ જાઉં ત્યારે મારા ઘરની મુલાકાત લેતી હોઉં છું. હવે તો ત્યાં મોટી હોસ્પિટલ બની ગઈ છે. મારો રૂમ તોડીને ત્યાં આઈસીયુ બનાવવામાં આવ્યું છે. 

સ્કૂલના એવા કોઈ કિસ્સા જણાવો, જે તમને આજે પણ યાદ હોય?

મારી બેન અને હું એક જ સ્કૂલમાં હતાં. મારાથી મારો ભાઈ 10 મિનિટ મોટો છે તે અને મારા મામાનો છોકરો પણ સાથે રહેતાં. અમારું ગ્રૂપ સૌથી તોફાની ગ્રૂપ હતું. જોકે, અમે બધા ભણવામાં એકદમ હોંશિયાર હતાં. મારા પપ્પા ડોક્ટર હોવાથી મને પણ ડોક્ટર બનવાની ઈચ્છા હતાં. મારી સાથે મારા બે બોડીગાર્ડ એટલે કે મારો કઝિન બ્રધર ને મારો સગો ભાઈ હંમેશાં સાથે રહેતાં અને એટલે મને કોઈ છોકરો હેરાન કરી શકે તેમ નહોતો. સ્કૂલમાં અમારી યુનિટી ઘણી જ વખણાતી હતી. અમને સ્કૂલમાં જ્યારે પણ સમય મળે એટલે અમે વોલીબોલ ગ્રાઉન્ડ પર જતા રહીએ અને મને કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લેવાનું ઘણું જ ગમતું હતું. હું સ્કૂલમાંથી જ ક્રિએટિવિટી શીખી છું. 

એવું કહેવાય છે કે કોન્વેન્ટના વિદ્યાર્થીઓ વધુ ડિસિપ્લિન્ડ હોય છે, તમારા કિસ્સામાં આ વાત કેટલી સાચી?

હું ઊઠવામાં સહેજ પણ ડિસિપ્લિન્ડ નહોતી. મારો ભાઈ સવારે વહેલા ઊઠીને ઝડપથી તૈયાર થઈ જતો પરંતુ મને ક્યારેક માથું દુખાતું તો ક્યારેક પેટમાં દુખાતું હતું. જોકે, પછી સ્કૂલ ગમવા માંડે એટલે વાંધો ના આવે. કોન્વેન્ટ સ્કૂલમાં હંમેશાં અંગ્રેજીમાં જ વાત કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. ગુજરાતી તો આપણે પરિવારમાંથી શીખીને આવ્યા છીએ અને વર્લ્ડ લેવલ પર એક કોમન લેંગ્વેજ આવડવી જરૂરી છે અને તે અંગ્રેજી છે. 

દસમા ધોરણ બાદ તમે બરોડા કેમ શિફ્ટ થયા?

દસમા ધોરણ સુધી અમે જૂનાગઢ ભણ્યાં હતાં અને પછી મારા પેરેન્ટ્સને એવું હતું કે અમે વધુ સારી સ્કૂલમાં ભણીએ એટલે અમે બરોડા શિફ્ટ થયા હતાં. મારા પપ્પા જૂનાગઢમાં રહેતાં અને મમ્મી અમારી સાથે બરોડામાં રહેતી. અહીંયા હું વિદ્યાની વિદ્યાલયમાં ભણતી હતી અને આ સ્કૂલે મારું વ્યક્તિત્વ તદ્દન બદલી નાખ્યું હતું. મને સ્ટેજ ફિઅર હતો પરંતુ અહીંયા મારો સ્ટેજ ફિઅર દૂર થઈ ગયો હતો. અહીંયા મને સ્પોર્ટ્સમાં કેપ્ટન બનાવવામાં આવી હતી. અમારા ગ્રૂપમાં બીજા પણ ટ્વિન્સ હતાં, હું અને મારો ભાઈ વિશ્વાસ, અભિનવ-અભિષેક, મીત મારો મામાનો દીકરો, આશ્કા (જે અત્યારે મારી ભાભી છે) અમારું આ આખું ગ્રૂપ હતું. બરોડામાં કેફે કલ્ચર નહોતું પણ અમે એકબીજાના ઘરે મળીએ. અમારા પેરેન્ટ્સને પણ ખ્યાલ હોય કે અમે કોના ઘરે છીએ. એકવાર અમે ફીઝિક્સના પેપરની તૈયારી કરતા હતાં અને અમારા ગ્રૂપમાં એક છોકરો હતો, જે મને પસંદ કરતો હતો પરંતુ મને આ વાતનો સહેજ પણ અંદાજો નહોતો. તે છોકરાએ મને ફીઝિક્સના ઈમ્પોર્ટન્ટ સવાલો કહી દીધા હતાં. નવાઈની વાત એ છે કે એક્ઝામમાં તે તમામ સવાલ આવ્યાં હતાં. થોડાં મહિના બાદ એક ફ્રેન્ડ મમ્મીએ મને કહ્યું કે તે છોકરાએ તને લવલેટર લખ્યો હતો. જોકે, મને આ વાતની ખબર જ નહોતી. મારા ભાઈઓએ તે લવ લેટર વાંચ્યો અને ફાડી નાખ્યો હતો. મને કહ્યું પણ નહોતું. 

બારમા પછી બેંગાલુરુ જવાનું કેમ નક્કી કર્યું?

મારો ભાઈ ત્યાં ભણવા ગયો હતો અને હું મારા ભાઈ સાથે ઘણી જ એટેચ્ડ હતી. એટલે મારા ટ્વિન બ્રધરની પાછળ-પાછળ હું પણ બેંગાલુરુ પહોંચી ગઈ હતી. અહીંયા મેં બેચલર ઈન બિઝનેસ મેનેજમેન્ટમાં એડમિશન લીધું હતું. હું સાયન્સ સ્ટૂડન્ટ અને પછી મેં ગ્રેજ્યુએશન કોર્મસમાં કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં ભણવામાં ઘણી જ તકલીફ પડતી હતી, ઘણીવાર મારા એકાઉન્ટ ટેલી ના થાય. મારે જ્યારે ફર્સ્ટ સેમિસ્ટરમાં 69-70 પર્સેન્ટેજ આવ્યા તો હું રડી જ પડી હતી. મેં ફોન કરીને મમ્મીને કહ્યું હતું કે મારે તો પાછું જ આવવું છે. મને કંઈ જ ખબર નથી પડતી કે હું અહીંયા શું કરું છું. જોકે, પછી ધીમે ધીમે બધું સેટલ થઈ ગયું હતું. મારા પરિવારમાં મારા પપ્પા અને મારા બધા જ કાકા ડોક્ટર્સ છે. મારા દાદા અને તેમના ભાઈઓ પણ ડોક્ટર્સ હતાં. 

મને બેંગાલુરુ મારા પરિવારે ભણવા મોકલી હતી. મારે બહાર ભણવા જવું હતું. આપણે એક જ જગ્યાએ રહીએ તો આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ છીએ, જેને કારણે આપણે નવું શીખતા નથી, નવા લોકો સાથે ભળતા નથી. બેંગાલુરુ ગઈ ત્યારે મારા કોઈ ગુજરાતી ફ્રેન્ડ જ નહોતાં. મને અહીંયા વિવિધ કલ્ચર વિશે ખબર પડી. મારા ફ્રેન્ડ આસામ, મણિપુર, સાઉથ ઈન્ડિયનથી હતાં. પહેલાં સેમિસ્ટર બાદ હું દરેક સેમિસ્ટરમાં ટોપર રહેતી હતી. થોડી વધુ મહેનત કરી તો હું યુનિવર્સિટીમાં પણ ટોપર રહી હતી. 

મારે એમબીબીએસ જ કરવું હતું પરંતુ તે સમયે કોર્સ ચેન્જ થતાં હતાં અને ડોનેશન બહુ જ વધુ પડતાં હતાં. હું એક-બે કરોડ ડોનેશન આપવા તૈયાર નહોતી. એટલે પછી મેં નક્કી કર્યું કે હું જેમાં સારું પર્ફોર્મ કરી શકું, તેમાં જ આગળ વધું. મારી પીઆર સ્કિલ પહેલેથી જ સારી હતી અને મારો ભાઈ પણ જતો હતો એટલે મને તો કોઈ ટેન્શન જ નહોતું. મારે ડેન્ટીસ્ટ્રી અને પેરા મેડિકલ લાઈનમાં જવું જ નહોતું, આમાં મને એડમિશન પણ મળી ગયું હતું પરંતુ મારી ઈચ્છા નહોતી. 

તમે પહેલી જ વાર બેંગાલુરુમાં હોસ્ટેલમાં રહેવા ગયાં હતાં, અહીંયા તમારું રેગિંગ થયું હતું?

હું નસીબદાર હતી, મારું રેગિંગ નહોતું થયું. જોકે, બોય્ઝ હોસ્ટેલમાં રેગિંગ થયું હતું. મારો ભાઈ હોવાથી મને ત્યાંની બધી જ ખબર રહેતી. રેગિંગ નહોતું થતું પણ ઈન્ટ્રોડક્શન સેશન થતાં રહેતાં હતાં. હોસ્ટેલમાં બહુ લિમિટેડ ભોજન મળતું અને ત્યાં બધા મેગી માટે બહુ ઝઘડતા હતાં. આઠ વાગે અમારી હોસ્ટેલના દરવાજા બંધ થઈ જાય એટલે ત્યારબાદ ભૂખ લાગે એટલે બધા મેગી બનાવીને ખાતા. હું ગુજરાતી હોવાથી મારા મમ્મી તો મને નાસ્તો ભરીને આપતા પરંતુ અન્ય છોકરીઓના મેગી માટે બહુ ઝઘડા થતાં હતાં. ત્યારે બધા બહું જ અપરિપક્વ હતાં કે મેગી માટે ઝઘડાં કરતાં હતાં. હું તો એમ જ કહીશ કે તમારા કોલેજમાં બનેલા ફ્રેન્ડ્સ જીવનભર સાથે રહે છે અને તમારી કોલેજમાં જેવી પર્સાનાલિટી હોય તેવી લાઈફટાઈમ રહે છે. હંમેશાં સારા અને દયાળું બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આવા લોકો ઘણાં ઓછા છે પરંતુ આપણી આસપાસ આવા લોકો હોય તો ઘણી જ મજા આવે છે. સારા બનવું તદ્દન સરળ છે, જ્યારે ખરાબ બનવું બહુ મુશ્કેલ છે. ખરાબ બનવા માટે તમારે પ્લાનિંગ ને પ્લોટિંગ કરવું પડે. 

હોસ્ટેલ લાઈફની જર્ની વિશે જણાવો?

હોસ્ટેલમાં અમે એક રૂમમાં ચાર છોકરીઓ રહેતી. એકવાર હું પાર્ટી કરવા ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી અને હોસ્ટેલ આવતા થોડું લેટ થઈ ગયું હતું. અમારી હોસ્ટલના દરવાજા આઠ વાગે બંધ થઈ જતાં હતાં અને મને અંદર જવાની ના પાડી દીધી હતી. જોકે, મારો ભાઈ જ મારો ગાર્ડિયન હોવાથી તેણે રિક્વેસ્ટ કરી હતી અને પછી મને હોસ્ટેલમાં જવા દેવામાં આવી હતી. મોર્નિંગ કોલેજ હતી અને પછી બધું જ કામ જાતે કરવાનું રહેતું. ત્યાં સાઉથ ઈન્ડિયન ફૂડ જ આપવામાં આવતું અને જો તમને ના ભાવે તો તમે જાતે રાંધી પણ શકતાં. એટલે તમારે કપડાં ધોવાના, વાસણ ધોવાના, ભણવાનું. પ્રોજેક્ટ્સ કરવાના. મારા રૂમમાં એક છોકરી હૈદરાબાદની, એક કેરળની અને એક આસામી હતી. આસામની છોકરી ગઈ પછી થાઈલેન્ડની છોકરી આવી હતી. એક રૂમમાં અલગ-અલગ કલ્ચર પર્સેપ્ટિવ વિકસે છે. 

બેંગાલુરુ હતાં ત્યારે ઘરની યાદ ક્યારે આવતી?

બેંગાલુરુમાં એક વર્ષ હોસ્ટેલમાં રહી અને પછી હું મારી ફ્રેન્ડ્સ સાથે રહી અને ત્રીજા વર્ષે હું મારા ભાઈ સાથે રહેતી હતી. મારા પેરેન્ટ્સ તથા મારી બહેન અવાર-નવાર આવતા રહેતાં હતાં. ત્યાં દિવાળી જેવું લાગતું જ નહોતું. માત્ર દિવાળી જ નહીં સાતમ-આઠમ, નવરાત્રિ એવા કોઈ ફેસ્ટિવલ વખતે ઘરની ઘણી જ યાદ આવતી હતી. 

આઈપીએલની જાહેરાત કેવી રીતે મળી?

કોલેજ 12.30 પૂરી થઈ હતી અને હું એવી વ્યક્તિ, કે જે ક્યારેય એક જગ્યાએ શાંતિથી બેસે જ નહીં. મેં મારા ફ્રેન્ડને કહ્યું હતું કે મારે પાર્ટ ટાઈમ જોબ કરવી છે. મને એવું હતું કે હું મારો ખર્ચ જાતે કાઢું. આમ તો મારા પેરેન્ટ્સ મને પૈસા મોકલાવતાં જ હતાં પરંતુ પછી એક પોઈન્ટ એવો આવે કે તમને તમારા પગ પર ઊભા રહેવાની ઈચ્છા થાય. મારા ફ્રેન્ડે કહ્યું હતું કે અહીંયા ઓડિશન થઈ રહ્યું છે તો તું જા. મને મોડલિંગ આવડતું જ નહોતું. કોલેજમાં એજન્ટ્સ આવ્યાં હતાં અને તેમણે કેટલીક છોકરીઓને ઓડિશન આપવા માટેનો આગ્રહ કર્યો હતો અને મને પણ આગ્રહ કર્યો હતો. મને તો એવું હતું કે ઓડિશનમાં મોટા-મોટા ડાયલોગ આવતા હશે પરંતુ આવું કંઈ જ નહોતું. મારે મારું નામ, ઉંમર તથા ફોન નંબર કહેવાનો હતો અને પછી તેમણે મને પૂછ્યું હતું કે તને ડાન્સ આવડે છે? અને મેં ડાન્સ કર્યો હતો. મને ખ્યાલ જ નહોતો કે આટલું કર્યાં બાદ મને રોયલ ચેલેન્જર બેંગાલુરુની જાહેરાતમાં કામ કરવાની તક મળશે. આ મારી પહેલી જાહેરાત હતી. ત્યારબાદ મને વિવિધ જાહેરાતો મળી હતી. 

આઈપીએલની જાહેરાતમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

બહુ જ મજા આવી. બેંગાલુરુના એક મોલની અંદર શૂટિંગ હતું અને ત્યારબાદ અમે સ્ટેડિયમની અંદર શૂટ કર્યું હતું. આ વાત મારા માટે ઘણી જ મોટી હતી. અમારે ચિઅર લિડર્સ પાછળ ભાગવાનું હતું અને ડાન્સ કરવાનો હતો. અહીંયા હું ઘણાં બધા લોકોને મળી. તેમના સંપર્કમાં હજી પણ છું. આ સમયે હું માત્ર મોડલિંગ જ કરતી હતી. જોકે, બેંગાલુરુમાં કોલેજની વિવિધ કલ્ચરલ એક્ટિવિટીમાં એન્કર તરીકે કામ કરતી હતી. તે સમયે મને ખ્યાલ નહોતો કે આમાંથી પૈસા કમાઈ શકાય છે. 

અભ્યાસ તથા જાહેરાતોમાં કામ કરવું, આ બંને એક સાથે કેવી રીતે મેનેજ કરતાં હતાં?

મેનેજ થઈ જતું હતું. તે સમયે ખ્યાલ નહોતો કે કોની પર વિશ્વાસ કરવો ને કોની પર નહીં. જોકે, લોકો ઘણાં જ પ્રોફેશનલ હોય છે. કામ હોય તો જ કોલ કરે પરંતુ એવા કોલ પણ આવે કે તમારે મક્કમતાથી કહેવાનું હોય કે હું એવી વ્યક્તિ નથી. મને બીજીવાર ફોન કરવો નહીં. એ ના કહેવું ઘણું જ અગત્યનું હતું. હું ક્યારેય એમ નહીં કહું કે કાસ્ટિંગ કાઉચ નથી. ઘણીવાર વચ્ચેના લોકો, એજન્ટ્સ, મુખ્ય લોકો કરતાં કાસ્ટિંગ કાઉચ સાથે વધુ સંકળાયેલા હોય છે. તેઓ ઘણીવાર ‘ફેવર’ કરવાનું કહેતા અને હું ના પાડતી. આ બધી જ ઈન્ડસ્ટ્રીમાં છે પરંતુ આપણી ઈન્ડસ્ટ્રીમાં વધુ ચગ્યું છે કારણ કે આપણે ઓપન છીએ અને લોકો આપણી વિશે ખુલ્લેઆમ કમેન્ટ્સ કરી શકે છે. આ ખોટું જ છે પરંતુ માત્ર પુરુષો જ નહીં ઘણીવાર સ્ત્રીઓ પણ ખોટી હોય છે. તેઓ કરવા માટે તૈયાર થઈ જતી હોય છે. હું એટલું જ કહીશ કે ના પાડવી મહત્ત્વની છે. જો તમે મહેનત કરશો તો તેનું ફળ ચોક્કસ મળશે, થોડું લેટ મળશે પણ મળશે એ નક્કી છે. આપણી ઈન્ડસ્ટ્રી બહુ સારી છે અને તમારામાં ટેલેન્ટ હશે તો તમે ક્યારેય પાછા પડશો નહીં. મહેનત કરશો તો તમારું સપનું ચોક્કસથી પૂરું થશે. 

બેંગાલુરુથી ગુજરાત આવીને શું કર્યું?

કોલેજ પૂરી થઈ એટલે મેં બેંગાલુરુના કામના તમામ પ્રોજેક્ટ્સ પૂરા કર્યાં હતાં. મારા માટે અભ્યાસ મહત્ત્વનો હતો અને તેથી એ નક્કી હતું કે હું બેચલર બાદ માસ્ટર કરીશ. કેટ, જીમેટ વગેરેની એક્ઝામ આપીને એમબીએ કરીશ. અહીંયા મેં બીકે મેનેજમેન્ટ કોલેજમાંથી એમબીએ માટે એડમિશન લીધું હતું. હું ધીમે ધીમે મારા સપનાઓ પૂરા કરતી હતી. મારા મમ્મી ટીચર છે તો મને ટીચર બનવાનો વિચાર આવ્યો હતો. જ્યારે હું કેટ એક્ઝામની તૈયારી કરતી હતી ત્યારે હું સ્કૂલમાં પહેલાં ધોરણના બાળકોને એક વર્ષ સુધી ભણાવ્યા હતાં. આજે પણ તે બાળકોના મને મેસેજ આવે છે. 

ટીચર તરીકે તમે જોબ કરી, તો તે સમયનો યાદગાર કિસ્સો જણાવો?

મને આજે પણ યાદ છે કે સ્કૂલમાં રક્ષાબંધન હતું. દરેક સ્કૂલમાં રક્ષાબંધન સેલિબ્રેટ કરવામાં આવે છે. મારા ક્લાસની પણ બધી જ છોકરીઓ રાખડી લઈને આવી હતી. અહીંયા મને મારા મમ્મીએ કહેલી વાત યાદ આવી હતી કે તમારે ઘરમાં તો ભાઈ-બહેન છે, તો તમે એ રિલેશન સ્કૂલમાં કેમ લઈને આવો છો? ભાઈ-બહેનનો સંબંધ ઘણો જ પવિત્ર છે. સ્કૂલમાં મોટા થતાં તમને ક્યારેક એકબીજા પર ક્રશ થાય છે, તમને કોઈ ગમવા લાગે છે. રાખડી બાંધીને તમે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની વેલ્યૂને બગાડો છો. સ્કૂલમાં તમારે ફ્રેન્ડ્સ બનાવવાના હોય. એક છોકરો અને એક છોકરી ફ્રેન્ડ હોઈ શકે છે. મેં મારા ક્લાસના નાનકડાં છોકરા-છોકરીઓને એ શીખવવાનો પ્રયાસ કર્યો હતો કે આ તમારા ભાઈ કે બહેન નથી પણ ફ્રેન્ડ્સ છે. છોકરાઓને એમ કહ્યું હતું કે તમારે છોકરીઓનું ધ્યાન રાખવાનું છે કે કોઈ તેમને હેરાન ના કરે. તમારે ઘરે ભાઈ કે બહેન છે જ. આજે તેઓ એકબીજાના ઘણાં જ સારા ફ્રેન્ડ્સ છે. 

તમે ફેમિનામાં કેવી રીતે ભાગ લીધો?

બેંગાલુરુમાંથી ભણીને હું ગુજરાત પરત આવી હતી ત્યારે મારા મમ્મીએ મને ફેમિના મેગેઝીનમાં ભાગ લેવાનો કહ્યો હતો. મને એમ હતું કે તેઓ કોઈ ગિફ્ટ્સ આપશે. હું ટોપ 10 કે 15મા સિલેક્ટ થઈ ગઈ હતી. પછી મને ફોન આવ્યો હતો કે તમને ટોપ 3માં સિલેક્ટ કરવામાં આવે તો તમે મુંબઈ આવશો? મને વિશ્વાસ જ થયો નહોતો. તમે ટોપ 3માં આવો એટલે તમે ફેમિનાના કવરપેજ પર આવો. મેં માત્ર પરિવારમાં જ આ વાત કહી હતી અને બીજા કોઈને આ અંગે કંઈ જ કહ્યું નહોતું. એ લોકોએ પછી ટિકિટ મોકલી હતી અને હું મુંબઈ આવી હતી. અહીંયા અમને સારામાં સારા કપડાં આપ્યાં હતાં અને મોટા-મોટા સેલિબ્રિટીને જે મેકઅપ કરે, તે આર્ટિસ્ટે અમારો મેકઅપ કર્યો હતો. શૂટિંગ ત્રણથી ચાર કલાક ચાલ્યું હતું અને અમારા માટે બે સરપ્રાઈઝ રાખવામાં આવ્યા હતાં. હું તો ફેમિનાના કવરપેજ પર આવવાની વાત જ ખુશ હતી. આ એક ગર્વની લાગણી હતી. કવરપેજ પર સુપરમોડલ કે ફિલ્મસ્ટાર્સ જ આવતા હતાં. એક સરપ્રાઈઝ એવી હતી, જેમાં મેગેઝિનમાં અમારા બે પેજના ઈન્ટરવ્યૂ હતાં અને અમારે અમારી જર્ની વિશે વાત કરવાની હતી અને બીજી સરપ્રાઈઝ એ હતી કે અમને મિસ ઈન્ડિયા કોમ્પિટીશનમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. જોકે, હું તેમાં નહોતી ગઈ કારણ કે મારું એમબીએ બાકી હતું. મારો રૂલ હતો કે હું ભણવાનું પૂરું કરીશ. મેં એચઆર એન્ડ માર્કેટિંગ સ્પેશિયલાઈઝેશન સાથે એમબીએ પૂરું કર્યું. 

એમબીએ સાથે સાથે તમે શું કરતાં?

ફેમિના કવરપેજ પર આવ્યા બાદ અમદાવાદમાં મેં વિવિધ જ્વેલરી બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું હતું. મેં દક્ષ બ્યૂટી પાર્લરનો જે ફોટોગ્રાફર હતો, તેમણે મને કહ્યું હતું કે ભક્તિ હું તને જે બે-ત્રણ પ્રોજેક્ટ્સ આપું, તે તું કરજે, ભલે તેમાં પૈસા ઓછા મળે. તેમણે મને મોડલિંગની સારી ટિપ્સ પણ આપી હતી. તેમણે મને કહ્યું હતું કે ક્યારેય ફુલ વ્હાઈટ ડ્રેસમાં ક્યારેય મોડલિંગ કરવું નહીં. એના માટે તમને ઘણીવાર 50, 60 હજાર કે એક લાખ રૂપિયા આપશે પરંતુ એના પછી તમારી મોડલિંગ કરિયર બંધ થઈ જશે, કારણ કે વ્હાઈટ ડ્રેસ પહેરીને તમે જ્યારે શૂટ કરો છો, તો પછી એ લોકો તેના પર કોઈ પણ ડિઝાઈન કે પેટર્ન એડિટ કરી શકે છે. આથી જ જ્યારે મને ગાર્મેન્ટ્સના મોડલિંગમાં વ્હાઈટ આઉટફિટ માટે શૂટ કરવાનું કહેવામાં આવતું તો હું ના જ પાડતી. જોકે, એકવાર શૂટમાં એક વ્યક્તિએ ગાર્મેન્ટ્સની વચ્ચે વ્હાઈટ આઉટફિટ નાખી દીધા હતાં. મારે કંઈક 20થી વધુ ગાર્મેન્ટ્સ શૂટ કરવાના હતાં અને તેમાં તે વ્યક્તિએ બે ફૂલ વ્હાઈટ આઉટફિટ નાખી દીધા, તે મને ખ્યાલ જ રહ્યો નહીં. આ બનાવ બાદ મને ક્યારેય તે વ્યક્તિ પાસેથી ગાર્મેન્ટ્સને લઈ કોઈ એન્ડોર્સમેન્ટ મળ્યાં નહોતાં. મને તે વ્યક્તિનું નામ પણ ખબર છે. એટલું હું જ કહીશ કે તમારે અલર્ટ રહેવાની જરૂર છે, તમારી આસપાસ લોકોનું, તેમના ઈન્ટેશન કેવા છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. માત્ર આ જ ઈન્ડસ્ટ્રીમાં નહીં, કોઈ પણ ઈન્ડસ્ટ્રીમાં આ ધ્યાન રાખવું જરૂરી છે. તમારે હંમેશાં સારા પ્રોજેક્ટ્સ લેવા અને મફતમાં ક્યારેય કોઈ કામ કરવું નહીં. જો તમે એકવાર મફતમાં કરશો પછી તમને કોઈ પૈસા આપશે નહીં. તમારે તમારી જોબ અને તમારી જાતને આદર આપવો જોઈએ. 

એમબીએ કર્યાં બાદ શું કર્યું?

એમબીએ પૂરું કર્યાં બાદ મારા એક હાથમાં ટીસીએસમાં સારી જોબની ઓફર હતી અને બીજા હાથમાં ફિલ્મની સ્ક્રિપ્ટ હતી. મને ખબર નહોતી કે મારે શું કરવું જોઈએ. ડિરેક્ટર કિર્તન પટેલે મને ફિલ્મની ઓફર આપી હતી. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી ફિલ્મ લખતાં હતાં અને તેમણે મને કહ્યું હતું કે તેમની ફિલ્મમાં હું લીડ રોલ પ્લે કરીશ. અમદાવાદમાં પણ હું એન્કરિંગ તો કરતી જ હતી. જોબ તો બધા જ કરતાં હોય છે અને આ મારા માટે નવું હતું. મને એવું હતું કે ત્રણેક ફિલ્મ કર્યાં બાદ જોબ કરીશ. મને ખ્યાલ જ ના રહ્યો કે મેં નવ ફિલ્મ કરી નાખી. કિર્તન પટેલ સાથે ‘બસ એક ચાન્સ’ મારી પહેલી ફિલ્મ હતી અને તે માટે મેં કોઈ ઓડિશન આપ્યું નહોતું. મને હતું કે હું થિયેટરમાં કામ કરીશ પણ પછી એ થઈ શક્યું નહીં. જોકે, મેં ભરત નાટ્યમ કર્યું હતું. મેં જ્યાં સુધી મારી પહેલી ફિલ્મ ના કરી ત્યાં સુધી મને એવું હતું કે એક્ટિંગ તદ્દન અલગ છે, એમાં ડાયલોગ ડિલિવરી અલગ પ્રકારની હોય છે. ફિલ્મમાં આઈ મૂવમેન્ટ્સ, એક્સપ્રેશન, હેર-મેકઅપ કન્ટીન્યૂટી આ બધું તમામ કેમેરામાં એક સરખું જ આપવાનું હોય છે. મારા માટે આ અઘરું હતું. 

પહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન ડર લાગ્યો હતો?

મને પહેલાં દિવસે બિલકુલ ડર નહોતો લાગ્યો પરંતુ થોડાં દિવસ બાદ રિયાલિટી ચેક થતાં ડર લાગ્યો હતો. તમારે માત્ર તમારા ડાયલોગ જ નહીં પણ તમે કેવા દેખાવ છો, તમારો મેકઅપ, કોસ્ચ્યુમ બધાનું ધ્યાન રાખવાનું હોય છે. મારી સાથે જેટલાં પણ એક્ટર હતાં, તે એકદમ અનુભવી હતાં. મારા પર પર્ફોર્મન્સનું પ્રેશર તો હતું જ. મને જે પ્રોપર ફ્લોમાં જવા જોઈએ તેવા સીન પર મારે ચર્ચા થતી રહેતી હતી. મારી પહેલી ફિલ્મમાં મારે ઈન્ટ્રોડક્શન સીનમાં બિકીની પહેરવાની હતી પરંતુ મારું નક્કી હતું કે ફિલ્મમાં હું ક્યારેય બિકીની સીન નહીં આપું. મારું માનવું છે કે એ આપણાં કલ્ચરમાં આ નથી. તે સીનમાં મારે બિકીની ઉપર શ્રગ પહેરવાનું હતું, જેથી મારું બોડી પૂરું કવર થઈ જાય પરંતુ એ દુપટ્ટો વીંટી દઈએ તો એ બરોબર નહોતું. હું મારું હોમવર્ક બરોબર કરું છું. મેં એમને સ્કેચ મોકલ્યો હતો અને તે પ્રમાણેના આઉટફિટ નહોતાં. એ દિવસે મારા કારણે શૂટ રોકાયું હતું. હું કોસ્ચ્યુમ ડિઝાઈનર સાથે ખરીદી કરવા ગઈ હતી અને મારે શ્રગનું ટ્રાન્સપરન્ટ નહીં પણ થીક મટીરિયલ જોઈતું હતું, તે લીધું હતું. આ રીતે મારો સીન શૂટ થયો હતો. ફિલ્મ શૂટિંગના ત્રીજા કે ચોથા દિવસે આ બન્યું હતું. પછી તો સેટ પર બહુ જ મજા કરી હતી. 

‘બસ એક ચાન્સ’ બાદ શું કર્યું?

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ મને બે ફિલ્મ મળી હતી. મેં સૌ પહેલાં ‘છેલ્લો દિવસ’ સાઈન કરી હતી અને પછી ‘બસ એક ચાન્સ’ સાઈન કરી હતી. ત્યારબાદ ‘વિટામિન સી’ હતી. ‘છેલ્લો દિવસ’નું શૂટિંગ થોડાં મહિના પાછળ ગયું હતું, તેમાં મેં જે બે ફિલ્મ સાઈન કરી હતી, તેનું લાઈન-અપ હતું, તેને કારણે પછી મેં ‘છેલ્લો દિવસ’માં કામ ના કરવાનો નિર્ણય લીધો હતો. 

સેટ પર કેવી રીતે સમય પસાર કરો છો?

હું મારી ઊંઘ જ પૂરી કરતી હોઉં છું. આ ઉપરાંત સેટ પર ઓઈલી ફૂડ મળતું હોય છે એટલે હેલ્થી ફૂડ માટે સ્ટ્રગલ કરતી હોઉં છું. લીડ એક્ટ્રેસ હોવાને કારણે ડાયલોગ પ્રિપરેશન કરતી હોઉં અને તમને ટાઈમ પણ બહુ ઓછો મળે. તમે સેટ પર સૌથી પહેલાં આવો અને સૌથી છેલ્લાં જાવ છો. હિરોઈન હોવાને કારણે તમારે બ્યૂટીફૂલ લાગવું જરૂરી છે, એટલે તમારે વિવિધ હેર સ્ટાઈલ, મેકઅપ તથા સંવાદો બોલવાના હોય છે. વિવિધ ઈમોશન આપવાના હોય છે. સવારે તમે હેપી સીન શૂટ કર્યો તો બપોરે રડવાનો સીન કરવાનો હોય છે. તો તમારે તરત જ તે ઈમોશનલ અપ્સ એન્ડ ડાઉન માટે તમારી જાતને તૈયાર કરવી પડે છે. 

તમે અંગ્રેજી મીડિયમમાં ભણ્યાં છો અને તમે કામ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કર્યું, તો તમારા માટે શરૂઆતમાં આ અઘરું હતું?

જ્યારે હું બેંગાલુરુ ગઈ ત્યારે મેં લોકો સાથે વાતો કરવાની શરૂઆત કરી હતી. અહીંયા હું બધા સાથે અંગ્રેજીમાં વાત કરતી હતી પરંતુ પેરેન્ટ્સ, ભાઈ સાથે તો ગુજરાતીમાં જ બોલતી. જોકે, અમે ટાન્ઝાનિયાથી આવ્યા છીએ તો અમારું ગુજરાતી પણ અલગ છે, જેમ કે અમે ચાકુને કિસુ કહીએ. મને શરૂઆતમાં ખ્યાલ જ નહોતો કે કિસુનો બીજો સમાનાર્થી અર્થ શું થાય. મારા પપ્પા બહુ સારું ગુજરાતી લખે છે. સ્કૂલમાં હું ગુજરાતીમાં ટોપર હતી. મને હતું કે ગુજરાતીમાં મારે મારી વોકૅબ્યુલરિ સમૃદ્ધ કરવી પડશે. હજી પણ હું ગુજરાતી શીખું જ છું. ઘણાં બધા શબ્દો એવા છે, જેના મને અર્થ ખ્યાલ નથી. હું ગુજરાતી ન્યૂઝ પેપર વાંચું છું અને બધા સાથે બને ત્યાં સુધી ગુજરાતીમાં જ વાત કરું છું.

તમારી ફિલ્મ્સમાંથી તમને કયુ કેરેક્ટર ગમ્યું?

‘પહેલા અઢી અક્ષર’માં મેં જે રોલ કર્યો છે, તેવી જ હું રિયલ લાઈફમાં છું. આ ફિલ્મ બનાવવાની પ્રોસેસ ઘણી જ સુંદર છે. યુએસથી ડિરેક્ટર આવ્યા હતાં અને ટીમ મુંબઈની હતી. હેલ્થી ફૂડ આપવામાં આવતું. ‘વિટામિન સી’માં અમે બે વર્ષનો સમય આપ્યો હતો અને ફિલ્મના ડિરેક્ટર ફૈઝલને હું કહેતી કે મારે આ ડાયલોટ આમ બોલવો છે અને અમે બંને ચર્ચા કરતાં હતાં. 

હાલમાં જ તમે બોલિવૂડ ફિલ્મ ‘રિગાર્ડ્સ એન્ડ પીસ’ કરી અને તો તેનો અનુભવ કેવો રહ્યો?

આપણાં જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે તમે એક વ્યક્તિને મળો અને પછી વર્ષો પછી ફરીથી તેને મળો. આવી જ એક યુવતી સંઘમિત્રાને હું દસેક મિનિટ માટે મળી હતી અને પછી અમે ચાર-પાંચ વર્ષ બાદ મળ્યાં હતાં અને તેણે હિંદી ફિલ્મ અંગે વાત કરી હતી. ત્યારબાદ હું ફિલ્મના ડિરેક્ટર સંજય અમરને મળવા ગઈ હતી અને મને સ્ક્રિપ્ટ ઘણી જ પસંદ આવી હતી. અમે તરત જ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો અને તેમણે જમ્મુ-કાશ્મીરની ટિકિટ મોકલાવી હતી. શૂટિંગના થોડાં દિવસો પહેલાં જ પુલવામા હુમલો થયો હતો. ત્યાં અમારું ઘણું જ ધ્યાન રાખવામાં આવતું હતું. અમારો ઈન્સ્યોરન્સ પણ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ગુજરાતીમાં આ રીતે ઈન્સ્યોરન્સ કરવામાં આવતો નથી. એકવાર કાર બ્લાસ્ટ પણ થયો હતો. જોકે, અમારા લોકેશન એ જ રીતે પસંદ કરેલા હતાં કે તેની કોઈ અસર ના થાય. 

ફિલ્મ સાઈન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો?

પહેલાં ધ્યાન નહોતી રાખતી પણ હવે ધ્યાન રાખું છું. પેમેન્ટ સૌથી મહત્ત્વનું છે. કયા ટાઈમે કેટલું પેમેન્ટ થશે તે ધ્યાન રાખું છું. હું ઓન સ્ક્રીન કિસિંગ અને બિકીની સીન્સ આપતી નથી. પ્રમોશન કરતી વખતે અમને કોઈ પેમેન્ટ આપવામાં આવતું નથી એટલે સ્પષ્ટતા કરી દઉં છું કે ફ્રી હોઈશ તો પ્રમોશનમાં જઈશ. કોન્ટ્રાક્ટ ફક્ત પેપર હોય છે, જો તમારા રિલેશનશિપ સારા હોય તો બધું જ એડજસ્ટ થઈ જતું હોય છે. 

ગુજરાતી સિનેમાની કઈ બાબતો ચેન્જ કરશો?

પ્રોફેશનાલિઝમ. તમે બે ફિલ્મ કે એક ફિલ્મની પ્રોમિસ કરી હોય, કોઈ પેમેન્ટની પ્રોમિસ કરી હોય તો તમારે તે પૂરી કરવી જોઈએ. જ્યારે સામેની વ્યક્તિ આ પ્રોમિસ પૂરી ના કરે અને અમે ડેટ્સ ના આપીએ તો એમાં અમારો વાંક હોતો નથી. ક્યારેય કોઈ ફિલ્મ વિશે ખરાબ બોલવું જોઈએ નહીં. આજકાલ આજે આદત બની ગઈ છે કે બધી ફિલ્મ્સને નીચે પાડવાની. આપણી ગુજરાતી ઈન્ડસ્ટ્રી ફેમિલી છે, તો ફેમિલીની જેમ રહીશું તો સાથે રહીને ગ્રો થશે. ફિલ્મ કર્યાં બાદ ખ્યાલ આવ્યો કે ફિલ્મ બનાવવી ઘણી જ અઘરી છે. 

બોલિવૂડ અને ગુજરાતી સિનેમાની કઈ બાબતો અલગ છે?

બોલિવૂડ ટાઈમને લઈ ચોક્કસ છે. જો સવારે પાંચ વાગે શૂટિંગ હોય તો બધા જ પાંચ વાગે તૈયાર હોય. ચાર વાગે કોલ ટાઈમ આવી જાય બધાને આસિસ્ટન્ટ આપવામાં આવે, જે સમજાવે કે આ સીન કરવાનો છે. આવતીકાલે શું કરવાનું છે, તેની કોલ શીટ તૈયાર જ હોય. હવે, ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પણ ધીમે ધીમે આ આવવા લાગ્યું છે. બોલિવૂડમાં પ્રોફેશનાલિઝમ ઘણું વધારે છે.

રેપીડ ફાયર 

 • તમારી પહેલી કમાણી કેટલી હતી અને તેમાંથી શું લીધું હતું?
  વર્ષ 2007મા રોયલ ચેલેન્જર બેંગાલુરુની એડ કરવા બદલ મને છ હજાર રૂપિયા મળ્યાં હતાં, આમાંથી પરિવાર માટે થોડી ગિફ્ટ્સ લીધી હતી.
 • અમદાવાદમાં હેંગઆઉટ માટે તમે ક્યા જવાનું પસંદ કરો છો?
  હું બહાર બહુ જતી નથી. હોટલમાં જમવા માટે જરૂર જાઉં છું. આદિત્યના ફ્રેન્ડ્સના ઘરે અવાર-નવાર જતી હોઉં છું. મને સાઉથ ઈન્ડિયન તથા પંજાબી ફૂડ ઘણું જ પસંદ છે તો તે હોટલમાં અવાર-નવાર જતી હોઉં છું. જ્યારે કામ ના હોય ત્યારે હું ઘરે રહેવાનું વધું પસંદ કરું છું.
 • તમારું ફેવરિટ વેકેશન પ્લેસ કયું છે?
  મને ફરવાનો ઘણો જ શોખ છે. કેટલાક લોકો મકાન કે ગાડીમાં પૈસા ઈન્વેસ્ટ કરે છે પણ હું વેકેશનમાં ઈન્વેસ્ટ કરું છું. મને વિવિધ જગ્યાઓ ફરવી પસંદ છે. મને દુનિયા જોવાનો ઘણો જ શોખ છે. હું કોઈ ફર્સ્ટક્લાસ કે ફાઈવ સ્ટાર હોટલમાં નથી રહેતી. હું જે-તે જગ્યાના સ્થાનિકની જેમ ફરતી હોઉં છું. હું ટેક્સીમાં નહીં પણ ત્યાંની ટ્રેનમાં ફરવાનું પસંદ કરું છું. ત્યાં હું હોસ્ટેલમાં રહેતી હોઉં છું. એવું નથી કે હું ફાઈવસ્ટાર કે લક્ઝૂરિયસ હોટલમાં નથી રહેતી પણ હોસ્ટેલમાં રહેવાની જે મજા છે, તે બીજે ક્યાંય નથી. હું જે-તે જગ્યાનું સ્થાનિક ફૂડ જ પ્રિફર કરતી હોઉં છું. ત્યાંની લોકલ ગલીઓમાં જવાની મજા જ અનેરી છે. હું અનેક જગ્યાએ ગઈ છું પરંતુ મને સૌથી વધારે ક્રોએશિયા અને લંડન પસંદ છે. ક્રોએશિયા હજી કર્મશિયલ થયું નથી અને ત્યાં બીચ ઘણાં જ સુંદર છે. લંડનમાં પણ રહેવાની મજા આવી હતી. આ ઉપરાંત તમામ યુરોપિયન દેશો પણ કમાલના છે. હાલમાં જ હું લંડન ગઈ હતી અને ત્યાંની પાર્લામેન્ટ એટલે કે પેલેસ ઓફ વેસ્ટમિનિસ્ટરમાંથી ઈન્વાઈટ મળ્યું હતું. ત્યાં મેં લોર્ડ સાથે માત્ર નેશનલ નહીં પણ ઈન્ટરનેશનલ મુદ્દા પર વાત કરી હતી. આપણે અહીંયા આપણાં નાના-નાના પ્રોબ્લેમ્સમાં ફસાયેલા છીએ પરંતુ રિયલ પ્રોબ્લેમ તો તદ્દન અલગ છે, જેમાં ક્લાઈમેન્ટ ચેન્જ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. લોકોએ આ વિશે ચર્ચા કરવી જોઈએ. હવે, હું ઘણી જ બદલાઈ ગઈ છું. ત્યારબાદથી હું જેટલાં પણ શહેર ફરી તો તેમાંથી કંઈકને કંઈક શીખી છું. 
 • તમને ભોજનમાં શું બનાવતા આવડે?
  મને ભાખરી-બટાટાનું શાક, પંજાબી ફૂડ, સ્પેગેટી, ગુજરાતી દાળ, રોટલી બનાવતા આવડે છે. 
 • ડાયટ પ્લાન શું છે?
  મોટાભાગે તો ડાયટ પ્લાન ફોલો થઈ શકતો નથી. ઘણીવાર પાણીપુરી ખાવા જતી રહી છું. રાત્રે આઠ વાગ્યા પછી ક્યારેય જમતી નથી. તળેલું ઓછું લઉં છું અને શક્ય હોય ત્યાં સુધી જીમ અચૂક જાઉં છું. ક્યારેક સ્વિમિંગ પણ કરું છું. જો હું પાણીપુરી ખાઈ લઉં તો ચાર-પાંચ દિવસ સુધી પ્રોટીનની માત્રા વધુ હોય તેવા ફૂડ્સ લેવાનું રાખું છું. મારી ટીમ મને સવારથી લઈ રાત સુધી ફૂડ મોકલે છે. ડાયટિંગ એટલે એવું નહીં કે તમારે ખાવાનું જ નહીં. ડાયટિંગમાં તમારે થોડું થોડું ફૂડ થોડાં થોડા સમયે લેવાનું છે. હું નાનપણથી જ આ રીતે રહેતી આવી છું. નાની હતી ત્યારે મારી મમ્મી મને ચકલી કહેતી, કારણ કે હું આખો દિવસ કંઈક ને કંઈ ખાતી રહું છું. શૂટિંગ દરમિયાન હું ઢોકળા ખાતી હોઉં છું. આ ઉપરાંત દાળ પીતી હોઉં છું. ઘરેથી ફ્રૂટ્સ લઈને જાઉં છું. 
 • ફેવરિટ ગુજરાતી તથા હિંદી ફિલ્મ?
  ગુજરાતી ફિલ્મ ‘બેયાર’ તથા હિંદીમાં ‘આંખો દેખી’ તથા ‘બરફી’ મારી ફેવરિટ છે. મને નેટફ્લિક્સ તથા એમેઝોન પ્રાઈમની પણ સીરિઝ મને ગમે છે. ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘સેક્રેડ ગેમ્સ’, ‘સ્ટ્રેન્જર થિંગ્સ’, ‘ડોક્ટર હાઉસ’ પણ ગમી હતી. અહીંયા ક્રિએટિવ લિબર્ટી ઘણી જ સારી રીતે આપવામાં આવે છે અને ત્યાંના લોકો આ લિબર્ટીને એક્સેપ્ટ કરે પણ છે. અહીંયા ક્રિએટિવ લિબર્ટીને આવતા થોડી વાર લાગશે. મેં ‘ફ્રેન્ડ્સ’ જોયું નથી, જે સમયે બધા ‘ફ્રેન્ડ્સ’ જોતા ત્યારે હું WWE જોતી હતી. 
 • આગામી પાંચ કે દસ વર્ષ પછી તમે પોતાને ક્યાં જુઓ છો?
  હું સારા રોલ કરતી હોઈશ. ફીમેલ સેન્ટ્રિક રોલ કરતી હોઈશ. બની શકે કે હું ફિલ્મ ડિરેક્ટ કરતી હોઉં. મારે મારી સ્કૂલ ખોલવી છે, જેમાં હું લોકોને એક્ટિંગ-મોડલિંગને બધું જ શીખવાડી શકું. મારું સપનું છે કે મિસ ઈન્ડિયા ટાઈટલ કોઈક ગુજરાતી જીતે. 
 • તમને દેશના પીએમ બનાવવામાં આવે તો સૌથી પહેલાં કયું કામ કરો?
  સૌથી પહેલાં આખું કાશ્મીર પાછું લાઉં. આ ઉપરાંત હેલ્થ કેરનો જેટલો પણ ખર્ચ છે, તે હું ફ્રી કરું. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી