હું, તમે ને સેલિબ્રિટી / અવની મોદીએ કહ્યું, કાસ્ટીંગ કાઉચને વધુ પડતું ચગાવવામાં આવ્યું છે, મને પણ તેનો ઘણી વખત અનુભવ થયો છે

X

Divyabhaskar.com

Sep 27, 2019, 11:18 AM IST

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના ત્રીજા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ અવની મોદી સાથે તેમના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી. અવની મોદીએ નાનપણથી જ નક્કી કર્યું હતું કે તે એક્ટ્રેસ જ બનશે. ખરી રીતે તો, અવની મોદીના પિતા વિનોદ મોદી ફિલ્મ લાઈનમાં જવા માગતા હતાં અને તેમણે મુંબઈમાં જઈને પાંચ-છ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું પરંતુ પછી સંજોગો એવા સર્જાયા કે તેઓ ગુજરાત પરત ફર્યાં હતાં. અવનીએ એક્ટ્રેસ બનીને પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું છે. અવની મોદીએ કાસ્ટિંગ કાઉચ પર એમ કહ્યું હતું કે તે દરેક જગ્યાએ હોય જ છે પરંતુ તેને વધુ પડતું ચગાવવામાં આવ્યું છે. દરેક ફિલ્ડમાં સારી અને ખરાબ બાબતો રહેલી છે અને તેને પણ ઘણી વખત કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો છે. હાલમાં અવની મોદી મુંબઈમાં રહે છે. અવનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે અને પહેલી હિંદી ફિલ્મ પણ બનાવી છે, જે આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે. 

divyabhaskar.com સાથે અવની મોદીની ખાસ વાતચીત

તમારો જન્મ અમદાવાદમાં થયો તો તમે ગાંધીનગર ક્યારે શિફ્ટ થયા?

મારા જન્મના પાંચ-છ વર્ષ બાદ અમે ગાંધીનગર શિફ્ટ થયા. નાનપણના શરૂઆતના દિવસો મેં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પસાર કર્યાં હતાં. પછી મારા ભાઈનો જન્મ થયો. હું પહેલા ધોરણમાં હતી ત્યાં સુધી અમે અમદાવાદમાં રહ્યાં હતાં. સાબરમતીમાં કન્યાશાળામાં ભણતી. 

સાંભળ્યું છે કે તમે ઘણાં જ હોંશિયાર હતાં, તો તમે એક્ટિંગ ફિલ્ડમાં જવાનું ક્યારે વિચાર્યું?

હું ફર્સ્ટ બેચ સ્ટૂડન્ટ હતી અને ભણવામાં ઘણી જ હોંશિયાર હતી. ઘરેથી સ્કૂલ અને ટ્યૂશન એ જ મારી દુનિયા હતી. મારી મમ્મી મને ઘરકુકડી કહેતી હતી. મારો ભાઈ મારાથી તદ્દન વિરોધી હતી. હું ઘરની બહાર ના નીકળું અને મારો ભાઈ ઘરે ના આવે. લાઈફમાં ભણવા પર બધું ધ્યાન હતું. નાની ઉંમરથી હું ફોકસ હતી કે મારે એક્ટિંગ કરવી છે. જે ઉંમરમાં લોકોને ખ્યાલ નથી હોતો કે સાયન્સ કે કોમર્સ સ્ટ્રીમમાં જવું, તે ઉંમરે મેં નક્કી કરી નાખ્યું હતું કે હું એક્ટ્રેસ બનીશ. એકેડેમિક કરિયર એટલા માટે જરૂરી હતું કે એજ્યુકેટેડ લોકોનો પોતાના જીવનમાં કામ કરવા પ્રત્યેનો એટીટ્યૂડ અલગ હોય છે. હું બહુ ભણેલી નથી. મેં ખાલી ગ્રેજ્યુએશન કર્યું છે. એક બેઝિક ડિગ્રી લઈને કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. 

10મા ધોરણમાં મારે 83 ટકા આવ્યા હતાં. સ્કૂલમાં હું ટોપ 5માં હતી. સ્કૂલ, ટ્યૂશનના ટીચર્સ એમ કહેતા કે અવનીએ સાયન્સ લેવાનું. ઘરે આવીને કહ્યું કે મારે આર્ટ્સ લેવું છે. આ વાત કહી તો બધાને આઘાત લાગ્યો. આપણાં ત્યાં સામાન્ય રીતે એમ કહેવાય કે જે હોંશિયાર હોય તે સાયન્સમાં જાય અને ઠોઠ હોય તો આર્ટ્સ લે. આ માઈન્ડ સેટ અલગ લાગતું હતું. ટીચર અને મમ્મી-પપ્પા સાથે આ વાત લઈ થોડો ક્લેશ ચાલ્યો. એટલે ના એમનું ને ના મારું અને મેં છેલ્લે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને કોમર્સ લીધું. બારમા પણ 84 ટકા આવ્યા હતાં. ત્યારે પણ મને કહેવામાં આવ્યું કે હવે તો તારે સીએ, સીએસ કે એમબીએ કરવું જોઈએ. કોલેજની સાથે આ બધું થઈ શકે છે. મારા મનમાં એ વાત ક્લિયર હતી કે મારે એક્ટિંગ કરવી છે. મને ખ્યાલ હતો કે હું સીએ કે એવું કંઈક કરીશ તો તેમાં પાંચ-સાત વર્ષ થઈ જશે. મને ખ્યાલ નહોતો કે એજ્યુકેશનમાં કઈ રીતે આગળ વધવું. એટલે મેં નક્કી કર્યું કે મારે ગ્રેજ્યુએટ થવું છે અને મેં એચ એલ કોર્મસમાં એડમિશન લીધું. 

કોલેજમાં હતાં અને તમને ‘ગીત ગુંજન’નો પ્રોગ્રામ મળ્યો હતો, તો આ કેવી રીતે મળ્યો?

કોલેજમાં આવ્યા બાદ હું બહુ આળસું થઈ ગઈ હતી. હું રોજ ગાંધીનગરથી એચએલ જવા માટે એસટી બસનો ઉપયોગ કરતી અને પોલિટેકનિકની બસ પકડવા માટે 10.30 વાગે નીકળવું પડે. આમાં ચેન્જ લાવવા માટે મેં થિયેટર ગ્રૂપ જોઈન કર્યું. મારી જાતમાં મેં એક્ટ્રેસ ડિસ્કવર કરી. મને પછી એક્ટિંગનો એવો કીડો લાગ્યો કે ભણવાને હું બહુ મહત્ત્વ આપતી નહોતી. બસ પછી તો કોલેજ જવાય છે, ભણાય છે. આથી જ હું ફર્સ્ટ લેક્ચર મિસ કરતી. કોલેજમાં લેક્ચર બહુ ઓછા એટેન્ડ કરતી. કોલેજનું કેમ્પસ રેગ્યુલર એટેન્ડ કરતી. 12 વાગ્યાની કોલેજ પણ હું ઘરેથી જ હું 12 વાગે નીકળતી અને એક વાગે કોલેજ જતી. કોલેજના તમામ પ્રોફેસર્સ સાથે આજે પણ સંપર્કમાં છું. હું કોલેજમાં બધાની લાડકી હતી અને ભણવા સિવાયની એક્ટિવિટીમાં કોલેજ પ્રોફેસર્સ મારું નામ પહેલાં જ આપી દે. મને આ બધી એક્ટિવિટીમાં ઘણું જ પેશન રહેતું. મારા પ્રિન્સિપલ મોનામેમ જ્યારે પણ આ બધી એક્ટિવિટી માટે ઈન્ક્વાયરી આવે ત્યારે મારું નામ આપી દેતા. આ જ રીતે એક વાર ઈટીવી ગુજરાતીએ કોલેજનો સંપર્ક કરેલો. તેઓ નવા એન્કર શોધતા હતાં અને દરેક કોલેજમાં જઈને ઓડિશન લેતા હતાં. તેમણે મારી કોલેજમાં ફોન કર્યો અને ઓડિશન લેવાની વાત કરી હતી. અમારી કોલેજે ના પાડી પણ પ્રિન્સિપલ મેમે મારું નામ આપ્યું હતું અને કહ્યું હતું કે તે સારું એન્કરિંગ કરે છે તેમ કહીને મારો નંબર આપ્યો હતો. ઈટીવીમાંથી મને ફોન આવ્યો હતો કે તમારા પ્રિન્સિપલ મેમે નંબર આપ્યો છે. તેમનો ફોન આવ્યો તો પહેલાં મને વિચાર આવ્યો કે પ્રિન્સિપલ પાસે મારો નંબર કેવી રીતે આવ્યો? મને થયું કે કોઈ મજાક કરે છે પરંતુ તેમણે કહ્યું ના તમારી જ કોલેજમાંથી નંબર મળ્યો છે. પછી તેમણે કહ્યું કે અમે કોલેજ નથી આવવાના તો તમે સ્ટૂડિયો આવીને ઓડિશન આપી જાવ. મેં સ્ટૂડિયો જઈને ઓડિશન આપ્યું અને હું સિલેક્ટ થઈ ગઈ. ‘ગીતગુંજન’ મારો પહેલો કમર્શિયલ પ્રોગ્રામ શરૂ થયો હતો. 

તમે કહ્યું, કે તમે બસમાં કોલેજ જતા તો આ બસ સફર કેવી રહી?

દરેક સ્ટૂડન્ટ્સના જીવનમાં કોલેજના આ ત્રણ વર્ષ યાદગાર હોય છે. મેં પણ બસનો પાસ કઢાવેલો. બસના ડ્રાઈવર તથા કંડક્ટર સાથે ઓળખાણ થઈ ગયેલી. ગાંધીનગરમાંથી મારું સ્ટેન્ડ સૌથી છેલ્લે આવે એટલે બસ આખી પેક હોય અને ઘણીવાર બસ ઊભી પણ ના રહે. એટલે જ હું પોલિટેકનિકલ બસ મિસ કરતી. પછી હું આશ્રમ રોડ સુધી એસટીમાં ને પછી એએમટીએસમાં બેસીને કોલેજ જતી. અમારું પણ 8-10 નું ગ્રૂપ હતું. ટાઈમ્સના વડાપાંઉ બહુ ફેમસ છે, તો તે ખાતા. સાથે જ બંક કરતાં. હું બસ જર્નીને ઘણી જ મિસ કરું છું. મુંબઈમાં હું બસ જર્ની કરતી નથી અને હવે તો ભાગ્યે જ બસમાં બેસવાનું થાય છે. બસમાં બેસવાની ઘણી જ મજા આવતી. કંડક્ટર ઘણાં જ ગુસ્સે પણ થતાં ને કહેતા કે છોકરાઓ શાંતિ રાખો.

કોલેજ બાદ તમે મુંબઈ કેવી રીતે ગયા?

‘ગીત ગુંજન’ મળ્યું ત્યારે માતા-પિતા ઘણાં જ ખુશ થયા. મનમાં હતું કે મને કદાચ મુશ્કેલી આવશે પણ મારા કરતાં તેઓ વધુ મોર્ડન છે. કોલેજ પૂરી થયા બાદ મને સિરિયલ્સ તથા ફિલ્મ્સની ઓફર આવતી હતી. ઈટીવીમાં મારું કામ ચાલુ હતું. મને યાદ છે કે એક દિવસ પેરેન્ટ્સ સાથે હું બેઠી હતી અને મેં તેમને કહ્યું કે મારે એક્ટિંગ જ કરવી છે. મનમાં હતું કે હવે તેઓ કહેશે કે નોકરી કર ને લગ્ન કરી લો અથવા તો ઠપકો આપશે. સરપ્રાઈઝિંગલી તેમણે એમ કહ્યું કે આ જ કરવું હોય તો અહીંયા રહીને કશું કરવા જેવું નથી. તારે મુંબઈ જવાની જરૂર છે. મારા મમ્મી-પપ્પા મને મુંબઈ મૂકવા આવ્યા હતાં. શરૂઆતમાં દિવસોમાં હું મુંબઈમાં માસીના ઘરે રહેતી હતી. આ રીતે મારી મુંબઈની સફર શરૂ થઈ. 

મુંબઈમાં તમે થિયેટર જોઈન કર્યું હતું, તો પહેલું નાટક કેવી રીતે મળ્યું?

મુંબઈમાં જઈને મેં થિયેટર જોઈન કર્યું. મારું પહેલું પ્લે ‘મને અજવાળા બોલાવે’ હતું. આ નાટક મુની ઝા સાથે હતું. આમાં મેં આંધળી યુવતીનો રોલ કર્યો હતો. આ નાટકમાં ત્રણ બહેનોની વાર્તા હતી. બે છોકરીઓનું કાસ્ટિંગ થઈ ગયું હતું. મોટા બહેનના રોલમાં ફાલ્ગુની જાની હતાં. મામાના રોલમાં મુની ઝા હતાં. સૌથી નાની બહેનના રોલમાં ખુશાલી વાકાણી હતી. વચ્ચેની બહેન માટે કોઈ એક્ટ્રેસ મળતી નહોતી.  સ્વ. ડિરેક્ટર-પ્રોડ્યૂસર નીરજ વોરા અને મારા પપ્પા સારા ફ્રેન્ડ હતાં અને હું તેમના સંપર્કમાં હતી. તેમને જઈને મળી હતી કે મને ગાઈડ કરો. મને સપોર્ટ કરો. તેમને પણ એમ જ હતું કે આ અમદાવાદથી એક્ટર બનવા માટે આવી છે. તો એના માટે કંઈક તો કરવું પડશે. એવું તો કહેવાય નહીં કે તું જતી રહે. પ્લેના પ્રોડ્યૂસર હનીસ મહોમ્મદ તથા નીરજ વોરા સારા ફ્રેન્ડ હતાં અને તેમણે નીરજ સાથે વચ્ચેની બહેનના રોલ માટે કોઈ મળતું નથી, તે વાત કરી હતી. આ સમયે નીરજ વોરાએ મારું નામ આપ્યું અને કહ્યું કે બે ત્રણ મહિનાથી આવી છે. અમારા ડિરેક્ટર હરેન ઠાકર હતાં. હું ઓડિશન માટે ગઈ અને મને એક પેજ આપવામાં આવ્યું હતું. મેં તે પ્રમાણે કર્યું. મને આ નાટક મળ્યું. એક મહિના પછી પ્લેનો ફર્સ્ટ શો હતો. હું પાર્લા ઈસ્ટમાં રહેતી અને અંધેરી ભવન્સમાં રિહર્સલમાં જતી. મારા ઘરથી આ માત્ર 15-20 મિનિટ દૂર હતું. આ રીતે શરૂઆત કરી. મારી પાસે થિયેટરનો અનુભવ હતો. યુથ ઝોનમાં પણ નાટકમાં ભાગ લેતી હતી. જોકે, આ મારું પહેલું કર્મશિયલ પ્લે હતું, જેમાં લોકો પૈસા ખર્ચીને આવવાના હતાં. મુંબઈ ડ્રામા ઈન્ડસ્ટ્રી આખી અલગ છે. પ્લેના ઓપનિંગ શોમાં નીરજ વોરા આવ્યા હતાં. તેઓ મારી એક્ટિંગ જોઈને ઘણાં જ ખુશ થઈ ગયા હતાં અને તેમણે કહ્યું હતું કે તું સારી એક્ટ્રેસ છો. 

સાઉથની ફિલ્મ કેવી રીતે મળી?

નાટકની સાથે સાથે મોડલિંગની ઓફર્સ પણ મળતી. હું ઓડિશન આપતી. 80 ટકા કિસ્સામાં તો હું સિલેક્ટ થઈ નહોતી. એકવાર હું મોડલિંગ એજન્સીમાં મારા ફોટોગ્રાફર્સ આપવા ગઈ હતી. તેઓ સાઉથ ફિલ્મ્સને લઈ કાસ્ટ કરતાં હતાં. અહીંયા મને સાઉથ ફિલ્મ અંગે પૂછવામાં આવ્યું હતું પરંતુ મેં એમ કહ્યું હતું કે મને ના લેંગ્વેજ આવડે છે, ના કલ્ચર ખબર છે તો હું કેવી રીતે પર્ફોર્મ કરી શકીશ. ત્યારબાદ મને તેમણે સમજાવ્યું કે સાઉથમાં 70 ટકા એક્ટ્રેસ નોર્થની છે. ત્યારબાદ તેમણે મારા ફોટોગ્રાફર્સ સાઉથની કાસ્ટિંગ એજન્સી, પ્રોડ્યૂસર્સ, ડિરેક્ટર્સને મોકલ્યાં. શરૂઆતના બેથી ત્રણ પ્રોજેક્ટ્સ મિસ થયા. ચોથા પ્રોજેક્ટ્સ માટે સાઉથના ડિરેક્ટર-પ્રોડ્યૂસર મુંબઈ આવ્યા હતાં અને મારે ઓડિશન આપવાનું હતું. ત્યારે મને ખ્યાલ નહોતો કે હું કેટલા મોટા ડિરેક્ટરને મળવા જાઉં છું. તમિળ ફિલ્મ ડિરેક્ટર વેટ્રીમારન આ ફિલ્મમાં ક્રિએટર ડિરેક્ટ હતાં અને તેમના એસોસિયેટ્સ ડિરેકટર હતાં. હું તેમને મળવા ગઈ. મને એક સીન આપ્યો. મેં કહ્યું કે મને તમિળ લખતા કે વાંચતા આવડતું નથી તો હું કેવી રીતે ઓડિશન આપું. તેમણે કહ્યું કે અમે માત્ર અંગ્રેજીમાં જ લઈશું. તેમણે મને સિચ્યુએશન આપી કે તમે જે વ્યક્તિને આખી જીંદગી પ્રેમ કર્યો તે બીજાને પ્રેમ કરે છે અને તે તમને આવીને કહે છે કે તે બીજી છોકરીને પ્રેમ કરે છો અને તમે આ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તન કરશો. અંગ્રેજીમાં પાંચ મિનિટ પર્ફોર્મ કર્યું. તેમને મારું ઓડિશન ગમ્યું. મારા વાળ બહુ લાંબા હતાં. ફિલ્મમાં મારું કેરેક્ટર ટોમ બોય જેવું હતું,  ‘કુછ કુછ હોતા હૈં’માં કાજોલનું પાત્ર છે, એવું આ પાત્ર હતું. તેમણે મને વાળ કાપવાનું કહ્યું હતું અને મેં ના પાડી હતી. ડિરેક્ટર મને જ લેવા માગતા હતાં અને તેથી જ તેમણે શોટ હેરની વીગ બનાવી. મારો લુક ટ્રાન્સફોર્મ થયો. આ રીતે મને મારી ફિલ્મ ‘નાન રાજાવાગા પુગીરે’ મળી હતી. 

મુંબઈમાં કેટલો સમય રહ્યાં બાદ તમે આ ફિલ્મ મળી, ને આ સમય દરમિયાન કેવી રીતે સર્વાઈવ કર્યું?

મુંબઈમાં દોઢ વર્ષ જેટલો સમય થયો હતો અને પછી મને પહેલી ફિલ્મ મળી. નાટકો કરીને સર્વાઈવ કર્યું. પોકેટ મની પપ્પા પાસેથી માગતી હતી. હું ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં રહી છું. ગાંધીનગર અને મુંબઈની તુલના ના થાય. લાઈફ સ્ટાઈલની પણ તુલના ના થઈ શકે. મારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે હું મુંબઈમાં સેટલ થાઉં. મારા માટે ઈન્ડસ્ટ્રી પછી આવે. મુંબઈના કલ્ચરમાં સેટલ થવું, યુઝ-ટુ થવું, ફાસ્ટ થવું અને આ શહેરને સમજતા જ મને છ મહિના થયાં હતાં. પછી ઈન્ડસ્ટ્રીના અનુભવ થયા. પ્લે કરતી હતી, પછી તમારી અંદર પેશન હોય તો ટકી રહેવા માટે આ જ જોઈએ. ઘણી મુશ્કેલીઓ આવે. સર્વાઈવનો ઈશ્યૂ ફેસ કર્યો છે. હું પણ મુંબઈમાં પહેલાં પીજીમાં રહેતી હતી. ચાર છોકરીઓ સાથે રહેતી હતી. એ ચારેય છોકરીઓ અલગ અલગ ફિલ્ડની હતી. એક છોકરી ભણતી હતી, એક પ્રાઈવેટ જોબ કરતી હતી અને એક પંજાબી ફિલ્મ્સમાં કામ કરતી હતી. એક વસ્તુ હંમેશાં શીખવા મળી કે અંદરની જે કામ કરતા રહેવાની ભૂખ છે, તે કાયમ જાળવી રાખો તો આગળ સર્વાઈવ થવા માટેની તક મળે છે. મારે ફિલ્મમાં જવું છે પરંતુ અત્યારે મારી માટે શું છે, તે મારા માટે જરૂરી છે. પરિવારનો મોરલ સપોર્ટ મળ્યો છે. પેરેન્ટ્સ હંમેશાં સાથે રહ્યાં છે. અપસેટ થઈ જાઉં ત્યારે મારા પપ્પા કહેતા કે બેટા જીવનમાં સાચી ટ્રેન પકડવી જરૂરી છે. ઘણાંની ટ્રેન ફાસ્ટ હોય તો ઘણાંની સ્લો હોય. સાચી ટ્રેનમાં હશો તો તમારું સ્ટેશન આવશે. કેટલાંકને મોડું આવે કેટલાંકને વહેલું આવે. જો તારે મુંબઈ જવું છે તો તારે મુંબઈની ટ્રેનમાં બેસવાનું. જો તું દિલ્હી કે ચેન્નાઈની ટ્રેનમાં હોઈશ તો ક્યારેય મુંબઈ આવશે નહીં. વહેલું કે મોડું મુંબઈ આવશે જ. તું સાચી ટ્રેનમાં બેઠી છું. અનેક ચઢાવ-ઊતાર આવ્યા. ઘણીવાર થયું કે છોડી દેવું જોઈએ. મેં મારા લાઈફ-સ્ટાર્ન્ડ ઓછા રાખ્યા છે. મેં ક્યારેય ગ્લેમરથી એટ્રેક થઈને મારા લાઈફ સ્ટાર્ન્ડ હાઈ નહોતા કર્યાં. હું ઘણી જ સહજતાથી રિક્ષામાં ફરતી હતી. લોકલમાં ફરતી હતી. મારી સોર્સ ઓફ ઈનકમ હતી, તેમાં જ સર્વાઈવ થતી. અન્યની જેમ એક્ટ્રેસ છો તો મોંઘા જ કપડાં પહેરવાના, મોંઘું ઘર ને લક્ઝૂરિયસ કાર્સ જ હોવી જોઈએ, એવું બધું હું કરતી નહોતી. મધુરસરને જ્યારે પહેલીવાર મળી તો તેમણે મને પૂછ્યું કે તું કેવી રીતે આવી? તો તેમને એમ જ કહ્યું હતું કે 57 રૂપિયા આપીને રિક્ષામાં આવી છું અને પાછી પણ રિક્ષામાં જ જઈશ. આ વાત સાંભળીને તેઓ હસી પડ્યાં હતાં. તેમને મારી સાદગી ગમી હતી. હું તો એટલું જ કહીશ કે ન્યૂ કમર્સે હંમેશાં પોતાના લિવિંગ સ્ટાર્ન્ડ લૉ રાખવા. તમે ન્યૂ કમર્સ હોવ તો તમે ક્યારેય કેટરીના જેવા ના દેખાઈ શકો. કેટરીનાને કે પ્રિયંકાને પણ એટલા જ વર્ષો લાગ્યાં. તમે તમારા કામ પર ફોકસ કરો. તેને શાર્પ કરો. એ જ તમને આગળ લઈ જશે. 

તમિળ આવડતું નહોતું તો કેવી રીતે શૂટિંગ કર્યું?

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ મેં પહેલી જ વાર ચેન્નાઈ જોયું હતું. આ ફિલ્મનું શૂટિંગ ભારતમાં અલગ-અલગ જગ્યાએ થયું. નોર્થ ઈન્ડિયન લોકો પાસેથી કામ કઢાવવાની સાઉથના લોકો પાસે અદ્દભૂત ટેકનિક છે, આ માટે સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકોને સેલ્યૂટ કરવી પડે. તમે એક્ટર હોવ તો તમને બેઝિક પર્ફોર્મન્સ ખબર હોય. જ્યારે સીન કરવાનો હોય ત્યારે બહુ સરળ રીતે આખો સીન અંગ્રેજી કે હિંદીમાં સમજાવે. તમારે લાઈન વાંચીને યાદ કરી લેવાની. તેઓ કેમેરાની પાછળ તમને પ્રોમ્ટિંગ કરે. તમને કેમેરાની પાછળ કહે કે તમારે શું કરવાનું છે. મને આ કરવાની ઘણી જ મજા પડતી હતી. મને ઘણાં ડાયલોગ યાદ રહી ગયા છે. હવે તો મને ફાવટ આવી ગઈ છે. શૂટિંગ દરમિયાન મમ્મી મારી સાથે આવ્યા હતાં અને હું શૂટિંગ બ્રેકમાં વાતો કરતી અને ફરવા જતી. તમિળ ઈન્ડસ્ટ્રીને જાણવાનો પ્રયાસ કર્યો હતો. મેં તમિળ ફિલ્મ્સ જોવાની શરૂઆત કરી હતી.

સાઉથમાં અલગ જ પ્રકારના ડાન્સ હોય છે, તો ડાન્સ માટે કેવી પ્રેક્ટિસ કરી હતી?

સાઉથમાં ડાન્સનું અલગ જ મહત્ત્વ જોવા મળે છે. આપણાં ત્યાં એક બીટમાં ચાર સ્ટેપ હોય પરંતુ સાઉથમાં એક બીટમાં 14 સ્ટેપ હોય. મારી ફર્સ્ટ ફિલ્મના ફર્સ્ટ સોંગ સમયે મને ભયાનક અનુભવ થયો હતો. મને રિહર્સલનો એવો કોઈ સમય મળ્યો નહોતો. અમારા જે કોરિયોગ્રાફર હતાં, તે મણિરતન્મની ફિલ્મના શૂટિંગ પરથી આવ્યા હતાં. ફિલ્મમાં મારા કો-એક્ટર નકુલને મેં ડાન્સ વિશે પૂછ્યું હતું તો તેણે એવો જવાબ આપ્યો હતો કે તેને પણ એટલો ડાન્સ આવડતો નથી તો મને થયું કે ચલો તો વાંધો નહીં આવે. જોકે, જેવા આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર આવ્યા અને તેમની આગળ નકુલે જે ડાન્સ કર્યો તે જોઈને મને ડર લાગ્યો હતો. મને થયું કે મને આ ડાન્સ કરતાં મને એક મહિનાનો સમય લાગશે. એ લોકો જે સ્પીડ ને એનર્જી સાથે ડાન્સ કરે છે, તે શીખવું મારા માટે બહું અઘરું હતું. હું તો સેટ પર જ રડી પડી હતી. કારણ કે મને એક પણ સ્ટેપ આવડતાં નહોતાં. ત્યારબાદ મારા સ્ટેપ બેબી સ્ટેપ રાખવામાં આવ્યા હતાં પરંતુ મારા કો-એક્ટરના ગજબના સ્ટેપ હતાં. 

‘કેલેન્ડર ગર્લ્સ’ કેવી રીતે મળી?

મારા માટે બોલિવૂડ પ્રાઈમરી હતું. હું બોલિવૂડ માટે મહેનત કરતી હતી. આ દરમિયાન મને જે મળ્યું તે કામ કર્યું હતું. મને સારું કેરેક્ટર લાગે, એ ફિલ્મ હું કરતી હતી. હિંદી ફિલ્મ્સના ઓડિશન આપતી હતી. મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું કે મધુર ભંડારકર પાંચ નવી છોકરીઓની શોધમાં છે અને તે ‘કેલેન્ડર ગર્લ્સ’ નામની ફિલ્મ બનાવે છે. હું મધુરસરના પીએ નીરજજીને મળી હતી. તેમણે મધુર સાથે મારો પરિચય કરાવ્યો. જોકે, મધુરસરને મારામાં કંઈ જ લાગ્યું નહીં. તેમને લાગ્યું કે આવી તો દોઢસો છોકરીઓ મળીને જાય. તેમણે પહેલાં જ રિજેક્ટ કરી દીધી. પછી મેં મારું નવું ફોટોશૂટ કરાવ્યું. આશિષ સોમપુરા પાસે ગ્લેમર આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું. હું બિકીનીમાં કેટલી કોન્ફિડટ છું, તે મારે બતાવવું હતું. આ ફોટો મેં નીરજજીને બતાવ્યા અને આ ફોટો મધુરસરને બતાવવાનું કહ્યું. આ ફોટો જોઈને મધુરસરને લાગ્યું કે આમાં તો આ તદ્દન અલગ લાગે છે. મેં મારો લુક આખો ટ્રાન્સફોર્મ કર્યો હતો. પછી તેમણે ફરીવાર મળવા બોલાવી. હું ઓડિશન માટે ગઈ હતી. અહીંયા ત્રણ અલગ-અલગ કેરેક્ટર કર્યું. ‘ફેશન’નો કંગનાનો સીન, ‘હિરોઈન’નો કરીનાનો સીન તથા એક નવો સીન હતો. આ ત્રણ કેરેક્ટરના લુક ટેસ્ટ થયા. જોકે, પછી મને કેટલાંય દિવસો સુધી કોઈ જવાબ મળ્યો નહોતો. હું મધુરસર તથા નીરજસરને ફોન કરતી. એક સમય પછી મેં આશા પણ મૂકી દીધી હતી કે મને આ ફિલ્મમાં કામ કરવા મળશે. મેં એમ વિચાર્યું કે કોઈ સામેથી ના નહીં કહે. પછી એકવાર મધુરસરે મને મળવા બોલાવી હતી. મધુરસરે મારી સાથે આખા ગામની વાતો કરી પરંતુ એમ ના કહ્યું કે ‘કેલેન્ડર ગર્લ્સ’માં મને રોલ મળ્યો કે નહીં ને હું ડાયરેક્ટ પૂછી પણ ના શકું કે પછી હા છે કે ના. થોડીવાર બાદ મધુરસરે પછી પૂછ્યું કે તું અત્યારે શું કરે છે. તે સમયે મેં સાઉથની ફિલ્મ ‘સ્ટ્રોબેરી’ સાઈન કરી હતી. તો તેમણે કહ્યું કે તું આ પણ કરી લે. એટલે મેં પૂછ્યું કે શું કરી લઉં? તો તેઓ બોલ્યા કે મારી ફિલ્મ પણ કરી લે. ‘કેલેન્ડર ગર્લ્સ’માં તને એક રોલ આપું છું. મેં ત્રણવાર કન્ફર્મ કર્યું. પછી એગ્રીમેન્ટ બન્યો. પછી હું ત્યાંથી નીકળી ને સૌ પહેલાં પપ્પાને ફોન કર્યો. મધુર ભંડરાકર મારા પપ્પાના ફેવરિટ ડિરેક્ટર્સમાંથી એક છે અને તેથી તેઓ વધારે ખુશ થયા. આ સમયે ફોન પર અમે ઈમોશનલ થયા અને અમે બંને રડી પડ્યાં હતાં. આ બહુ ઈમોશનલ ક્ષણ હતી. 

‘કેલેન્ડર ગર્લ્સ’નો પહેલો દિવસ કેવો રહ્યો હતો?

‘કેલેન્ડર ગર્લ્સ’નું શૂટિંગ મુંબઈમાં અને બાકીનું મોરેશિયસમાં થયું હતું. મધુર ડિરેક્ટર તરીકે અલગ રીતે કામ કરે છે. ફિલ્મ શૂટિંગના ફર્સ્ટ ડે પર હું ઘણી જ ખુશ હતી. એમને મને સૌથી અઘરો સીન આપ્યો હતો. આ સીનમાં હું બહુ જ રડું છું, આ સીન ઈમોશનલ હતો. અંદરથી હું ઘણી જ ખુશ હતી. અમારી પાંચેય છોકરીઓની પહેલી ફિલ્મ હતી. મધુરસરની સાથે કામ કરતાં કરતાં ઘણું જ શીખવા મળ્યું. બિકીની બોડી માટે ડાયટ કરવાનું હતું. મેં કંઈક વધારે જ ડાયટ કરી નાખ્યું હતું અને હું જરૂર કરતાં વધુ પાતળી થઈ હતી. મને મધુરસરે આવીને કહ્યું કે તારા તો હાડકાં બહાર આવી ગયા છે અને મને ડાયટ બંધ કરવાનું હતું. પછી મેં વજન વધાર્યું. 

‘કેલેન્ડર ગર્લ્સ’માં જે બ્લેક સાઈડ બતાવવામાં આવી, તે રિયલમાં પણ છે?

હા, એવું દરેક જગ્યા છે. કાસ્ટિંગ કાઉચ પણ થાય છે. મને કાસ્ટિંગ કાઉચનો અનુભવ ઘણી વખત થયો છે. સામેવાળી વ્યક્તિના એક્શન કે રિએક્શન તમારા હાથમાં નથી. હું કોઈ એક વ્યક્તિને મળી રહી છું, તે મને કંઈ નજરથી જુએ છે અને શું ઓફર કરે છે તે મારા હાથમાં નથી પરંતુ મારે શું રિએક્ટ કરવું તે મારા હાથમાં છે. મારે તે ઓફર સ્વીકારવી કે નહીં તે હું કરી શકું. કાસ્ટિંગ કાઉચ જેવી બાબતતોને વધુ પડતું ચગાવવામાં આવે છે. સારી કે ખરાબ બાબતો દરેક જગ્યાએ હોય છે. તેને આ ઈન્ડસ્ટ્રી સાથે લેવા દેવા નથી. ન્યૂઝ પેપરમાં વાંચીએ છીએ કે સ્કૂલમાં, પ્રાઈવેટ નોકરીમાં છેડખાની થતી હોય છે. છેડખાની તો બહુ આગળની બાબત છે, લોકો તમારી મશ્કરી કરે છે. આ વ્યક્તિગત તથા સબ્જેક્ટિવ છે. આ ફિલ્ડને આ રીતે જોવામાં આવે છે. આ ઈન્ડસ્ટ્રીના લોકો ઘણાં જ અર્બન માઈન્ડ-સેટ વાળા છે. આ લોકો માટે કોઈ પણ સ્ત્રી ટૂંકા કપડાં પહેરીને આવે તે સામાન્ય બાબત છે. બહારના ફિલ્ડ માટે આ નવાઈની વાત છે. બીજા લોકો પાછા વળીને એકવાર જોતા હશે. ફિલ્મ્સમાં આ આકર્ષણનો મુદ્દો નથી. ફિલ્મમાં સારા અને ખરાબ માણસો હોય જ છે. તમારા માટે ના કહેવું એ ઘણું જ સરળ છે. કોઈ જ તમને હાથ પકડીને જબરજસ્તી લઈને જતું નથી. કોઈ તમને ફરિજયાત લઈ જતું નથી. ઈન્ડસ્ટ્રીમાં કોઈ રેપીસ્ટ નથી. તમારી સાથે ખરાબ વર્તન કરે અને કપડાં ફાડી નાખે તેવું થતું નથી. સ્ત્રીઓમાં સિક્સ સેન્સ વધારે હોય છે. સ્ત્રીઓ અન્ય કરતાં સામેની વ્યક્તિની નજર પારખી લેતી હોય છે. આ બહુ જ શરૂઆતનો તબક્કો છે, તમને હિંટ મળે છે અને અનુભવ મળે છે. અહીંયાથી તમે બહાર નીકળી શકો છો. તમારા માટે કેટલીક બાબતો મહત્ત્વની છે. આ દુનિયાનું છેલ્લું કામ નથી કે તમને બીજે ક્યાંય કામ નહીં મળે. આ દુનિયાની છેલ્લી વ્યક્તિ નથી, જે તમારી લાઈફ બનાવી દે. તે ભગવાન નથી કે તમારી લાઈફ બનાવી દે. હું આવા ઘણાં ફાલતુ લોકોને મળી છું. કારણ કે આ તમારા હાથમાં નથી. તેમને મળ્યા વગર તમને ખ્યાલ નથી આવતો કે આ કેવો છે. બીજીવાર મળવું કે નહીં તે તમારી પર છે. ઘણીવાર એવા વ્યક્તિઓ હોય છે, જે તમારી સાથે દૂર્વ્યવહાર ના કરે પરંતુ કામની વાતો પણ હવામાં જ કરે. પ્રોજેક્ટ્સ અંગે માત્ર વાતો જ કરે. વાતોના વડા જ કરે. પ્રોજેક્ટ્સના નામે તમારી સાથે ટાઈમ પસાર કરવા માગતા હોય છે. રાઈટ એપ્રોચ રાઈટ વ્યક્તિને આપવો જરૂરી છે. જે ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, તેમની પાસે ફૂરસદ નથી. ફાલતુની વાત કરવાની, કાસ્ટિંગ કાઉચની, કોઈ પણ સ્ત્રી સાથે દૂર્વ્યવહાર કરવાની. આવા લોકો છે, આવા અનુભવો થતા હોય છે. તમે તમારી જાતને પ્રોટેક્ટ કરવાની તૈયારી રાખતા હોવ તો કોઈ તમારો વાળ વાંકો કરી શકે તેમ નથી. ક્યાં લાઈન ડ્રો કરવી, ક્યાં ના પાડવી તે સમજવું જરૂરી છે. તમે એક મુકામ પર હોવ તો કોઈ તમારી સાથે દૂર્વ્યવહાર કરવાની હિંમત નથી કરતું. મોટી માછલી નાની માછલીને ખાય. તમે નબળા હોવ ને લોકોને ખબર હોય કે તમારે પૈસાની જરૂર છે, કામની જરૂર છે તો લોકો એ તકની શોધમાં હોય છે. તમારી ગરજ દેખાય ત્યારે તમારી પર હાવી થાય અને મીસ યુઝ કરે. તમારે ક્યારેય કામની ગરજ બતાવવાની જરૂર નથી. હું એક્ટર છું અને મને એક્ટિંગ આવડે છે અને મારી ટર્મ્સ પર કામ મળશે તો હું કરીશ. આ અંગે બહુ ક્લેરિટી હોય તે જરૂરી છે. તમારો સાચો એટીટ્યૂડ હશે તો તમને વાંધો નહીં આવે. 

‘કેલેન્ડર ગર્લ્સ’ પછી ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’ કેવી રીતે મળી?

વિપુલ મહેતા એક્ટ્રેસ શોધી રહ્યાં હતાં. તેમણે ફેસબુક મેસેન્જર પર મેસેજ કર્યો કે આ અવની મોદીનું સાચું એકાઉન્ટ છે, તેઓ ગુજરાતી ફિલ્મ માટે એક્ટ્રેસ શોધી રહ્યાં છે. મારા મેનેજરે નંબર આપ્યો અને તેમની સાથે વાત કરી. સુપ્રિયા પાઠક તથા દર્શન ઝરીવાલા પહેલેથી જ ફિલ્મમાં હતાં. તેમણે ફોન પર આ કોન્સેપ્ટ સમજાવ્યો કે લેટ એજ પ્રેગ્નન્સીની વાત છે. મારા મેનેજરે મને સંભળાવ્યું અને મને કોન્સેપ્ટ ગમ્યો. સુપ્રિયા પાઠક તથા દર્શન ઝરીવાલ સાથે કામ કરવાને લઈ ઉત્સુક હતી. થોડાં દિવસ પછી હું ડિરેક્ટર વિપુલસરને મળી. તેમણે મને મારો રોલ સંભળાવ્યો અને મને ઘણો જ ગમ્યો હતો. જો મેં ના પાડી હોત તો તે કોઈ પણ કરી લેત. ના પાડવા માટે મારી પાસે કોઈ કારણ નહોતું. ગુજરાતીમાં આટલો સરસ સબ્જેક્ટ બનતો હોવાથી મેં તરત જ હા પાડી. આ ફિલ્મ માટે રિહર્સલ થયા હતાં. ‘કેરી ઓફ કેસર’ની એન્ની જેવી જ હું મસ્તીખોર છું. મારા કોસ્ચ્યુમ ટ્રાયલ્સ થતાં. ગોંડલમાં શૂટિંગ કર્યું હતું. પહેલાં સીનમાં હું, દર્શનભાઈ તથા સુપ્રિયાબેન હતાં. ફર્સ્ટ સીન એવો હતો કે ઘરમાં બધુ અસ્તવ્યસ્ત કરી નાખું છું. આ પહેલો દિવસ હતો. આ બંને સાથે કામ કરવામાં ઘણું જ સરળ છે અને કો-ઓપરેટ કરે છે. એક્ટર તરીકે ઘણું જ શીખવા મળ્યું. 

ફિલ્મના શૂટિંગ દરમિયાન એવા અનુભવો થયા હોય, જે તમે જીવનભર યાદ કરો?

જ્યારે તમે આઉટડોર શૂટ કરો ત્યારે ‘બિગ બોસ’ના ઘરમાં રહેતા હોઈએ તેવો અનુભવ થાય. રોજ એના એ જ ચહેરા જોવા મળે. થોડાં દિવસમાં જ સેટ પર ગ્રૂપ બની જાય. ડિરેક્શનની ટીમ, પ્રોડક્શનન ટીમ, એક્ટર્સની ટીમ...બધાની અલગ અલગ ટીમ હોય અને ગોસિપ ચાલતી હોય. એકબીજાની ફરિયાદ ચાલે. એક અઠવાડિયા પછી ‘બિગ બોસ’ના ઘરમાં હોવ તેવું લાગવા લાગે. આ આખી પ્રોસેસ દરેક સેટ પર ચાલતી હોય. રસપ્રદ કિસ્સાઓ, કોમેડી બહુ થતી હોય છે. એ કિસ્સા તમે લાઈફટાઈમ યાદ કરતા હોવ છો. ‘કેલેન્ડર ગર્લ્સ’માં અમે મોરેશિયસમાં શૂટિંગ કરતા હતાં, તેમાં કેલેન્ડર મેકિંગનું જે શૂટ છે, તે સીન અમે દરિયાની વચ્ચે યૉટમાં શૂટ કર્યો હતો. મારે યૉટની ટોચ પર ઊભા રહીને પોઝ આપવાના હતાં અને આ ડ્રોન શૂટ હતો. રોહિત રોય ફોટોગ્રાફર છે, એટલે બધા યૉટની અંદર છુપાઈ ગયા હતાં. સામાન્ય રીતે યૉટમાં આટલી ટોચ પર જવા દેતા નથી પરંતુ અમે સ્પેશિયલ પરવાનગી લીધી હતી. ત્યાં સુધી પહોંચવા માટે મારે ત્રણ જણની મદદ લેવી પડી હતી. મને ડર લાગ્યો હતો. આખી યૉટ દરિયાની વચ્ચે ડોલે. મને ડર હતો કે જરા સરખો મારો પગ લપસે તો હું સીધી દરિયામાં જાઉં. પકડવા માટે પણ કોઈ હતું નહીં. મને ઈન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે તારી જાતને સંભાળજે. સાડા ચાર પાંચ મિનિટની સીક્વન્સ શૂટ થઈ. યૉટ પર મેં બિકીની પહેરી હતી અને પવનના સૂસવાટા અને ઠંડી લાગતી હતી. 


ગોંડલમાં ‘કેરી ઓન કેસર’નું શૂટિંગ કરતાં હતાં, ત્યાં પેલેસના છાપરા પર હું સનબાથ લેતી હોઉં તેવો સીન હતો. ગોંડલમાં એપ્રિલ મહિનાની અઢી વાગ્યાની ગરમીમાં હાફ ચડ્ડી પહેરીને સનબાથ લેવાનો હતો. આખું યુનિટ ફૂલ સ્લીવ કપડાંમાં મલમલ ચહેરા પર બાંધીને ગોગલ્સ પહેરીને ઊભું હતું. ટી-શર્ટના રંગ પરથી હું લોકોને ઓળખતી હતી. હું સ્લીવલેસ ટીશર્ટ ને હાફ ચડ્ડીમાં હતી. મને ચક્કર આવી ગયા હતાં. આ પણ ડ્રોન શોટ હતો. મારે આકાશ સામે જોઈને ચક્કર મારવાના હતાં. પાંચ મિનિટ પછી હું બેસી ગઈ હતી. પછી તો સ્પોટબોય્સ પાણી, લીંબુ શરબત, ગ્લુકોઝ લઈને આવ્યા હતાં. 

તમિળ ફિલ્મમાં એક રોમેન્ટિક સોંગ સીક્વન્સ હતી. તેમાં પ્લાસ્ટિકમાંથી આખો ટેન્ટ બનાવ્યો હતો. એમાં મારે શાવર લેવાનો હતો. બિસલરીના કેન મગાવ્યા હતાં અને મારે ન્હાવાનું હતું. આ ઉપરાંત એક ફિલ્મમાં હું સાડીમાં સૂતી છું અને મારી આસપાસ વ્હાઈટ કબૂતરો હોય છે. મારે કબૂતરો સાથે રમવાનું હોય છે. મને કબૂતરોથી ઘણો જ ડર લાગે. તેની ચાંચ ને નખ વાગે. કબૂતરો તમારી બોડી પર બેસતા હોય છે. મને અડધો કલાક કબૂતરો સાથે કમ્ફર્ટ થવામાં થયો હતો.

સાઉથ, બોલિવૂડ અને ગુજરાતી આ ત્રણેય ઈન્ડસ્ટ્રી કઈ રીતે અલગ છે?

સાઉથ ઈન્ડસ્ટ્રીનું કલ્ચર અલગ છે. ત્યાંના લોકો પર્ટિક્યૂલર અને કામના પાક્કા હોય છે. છ મહિનામાં ફિલ્મ બનાવીને રિલીઝ કરે. ત્યાં લોકો શિસ્તબદ્ધ હોય. છ વાગે શૂટિંગ કોલ હોય તો યુનિટ રેડી હોય અને કેમેરો પણ તૈયાર હોય. સાંજે છ વાગે પેકઅપ હોય તો થઈ જ જાય. છના સાડા છ ના થાય. મુંબઈ ઈન્ડસ્ટ્રી પ્રોફેશનલ છે. ત્યાં થોડું ડીલે થતું હોય છે. નવ વાગ્યાની શિફ્ટ 11 વાગે શરૂ થાય. બહુ જ ક્રિએટિવ કામ થતું હોય છે. ગુજરાતીમાં મેં જેટલા લોકો સાથે કામ કર્યું તે તો સારા છે. ઓવરઓલ જોઉં તો હજી ઘણું શીખવાનું બાકી છે. નાના બજેટની ફિલ્મ બને છે, એટલે સારી નથી બનતી એમ નથી કહેતી. કોન્સેપ્ટ વાઈઝ નવું છે. પહેલાં તો અર્બન અને રૂરલનો કોન્સેપ્ટ નથી સમજાતો. દુનિયામાં કોઈ પણ જગ્યાએ આ રીતે બાઈફર્કેશન નથી. ગુજરાતીમાં જ આવું છે. અહીંયા એવું કહે છે કે અમે એક અર્બન ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યાં છીએ. સારી વસ્તુ એ છે કે ફિલ્મ બની રહી છે. વધુ ફિલ્મ બને અને લોકો જુએ તે સારી બાબત છે. જે બીલો એવરેજ, લો ક્વોલિટી કામ થઈ રહ્યું છે, તે બદલાશે.

ગુજરાતી સિનેમાની ત્રણ-ચાર વાત બદલવાની હોય તો કઈ બદલો?

સ્ટાર્ન્ડ ઓફ વર્ક. 75-80 ટકા ફિલ્મ્સનું સ્ટૅન્ડર્ડ મેકિંગ નબળું છે. શીખી-શીખીને શીખશે. મરાઠી, બંગાળી તથા પંજાબીમાં ક્રિએટિવ સેટિસ્ફેક્શન હાઈ છે. એ લોકો વોટ્સએપના જોકમાંથી ફિલ્મ બનાવતા નથી, જે આપણાં ત્યાં ચાલે છે. ફિલ્મમેકર્સનું માઈન્ડ સેટ બદલવા માગીશ. ગુજરાતી ફિલ્મ્સ ઓછી બને છે અને બિઝનેસ પ્રપોઝલ વધારે બને છે. દોઢ કરોડમાં ફિલ્મ બનાવો. 50 લાખ પીએન્ડએમાં (પ્રિન્ટ એન્ડ એડવર્ટાઈઝ) લગાવો. 2 કરોડમાં ફિલ્મ રિલીઝ. સામે ચાર પાંચ કરોડ કમાવ છો. પૈસા ક્યાં આવશે અને કેવી રીતે જશે, તેની ગણતરી પહેલાં થાય છે. પછી નક્કી થાય છે કે હવે આમાં કોને લેવા. કેવી રીતે ફિલ્મ બનાવવી. આ રીતે ફિલ્મ ના બને. પહેલાં ફિલ્મ ડિસાઈડ થાય. મારે શું કહેવું છે. પછી બજેટ ને પછી રીક્વરી પેટન્ટ નક્કી થાય. ગુજરાતી તરીકે આપણે ઉંધુ કરીએ છીએ. આને કારણે ક્વોલિટી પર અસર થાય છે.

ગુજરાતી ફિલ્મ માટે પ્લેટફોર્મ ઓછા છે. અન્ય રિજનલ લેંગ્વેજ માટે વધુ છે. ગુજરાતીમાં ડિજીટલ પ્લેટફોર્મ, ટીવી મીડિયમ નથી. આ રિવોલ્યુશન લાવવાની જરૂર છે. 

75 ટકા ફિલ્મ્સ જે બની છે, તે લોકો ફિલ્મમેકર્સ નથી. તેઓ ફિલ્મ ડિરેક્ટર-રાઈટર નથી. તેમને શું કહેવું એ તેમને ખબર નથી. બસ મન થયું ને વાર્તા લખી નાખી ને કેમેરો લઈને ઉપડી ગયા. આવી ફિલ્મ બને છે. હું સબ્જેક્ટ કે પર્ફોર્મન્સની વાત નથી કરતી. હું પ્રોડક્શન અને ટેકનોલોજીની વાત કરું છું. જેમ રૂરલમાંથી અર્બનમાં આવ્યા, એમ અર્બનમાંથી એલિટ પર આપણે જઈશું. એલિટ ગુજરાતી ફિલ્મની જનરેશન આવશે. 

હિંદી ફિલ્મ્સની જેમ ગુજરાતીમાં જૂની ફિલ્મ્સની સીક્વલ કે રીમેક બને તો તેમાં કામ કરવું ગમે?

જૂની ગુજરાતી ફિલ્મમાં મોટા ભાગે હિરો કે હિરોઈન ગરીબ હોય, એક ને ખાવાના સાંસા હોય અને એક વિલન હોય અને હિરો બચાવે અને હિરો-હિરોઈન ભેગા થાય. આ સેટની બહાર આપણે ગયા નથી. બહુ ઓછી એવી ફિલ્મ છે, જે આજની જનરેશન જોવાની ઈચ્છા થાય. ‘માનવીની ભવાઈ’ આ રૂરલ કોન્સેપ્ટ હતો પરંતુ જે વસ્તુ હતી, વાર્તા હતી, તે એકદમ યુનિક હતી. આપણી પાસે સરળ અને સુંદર ઈતિહાસ છે. થોડા દિવસ પહેલાં ઝેવરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ જોતી હતી અને કીર્તિદાન ગઢવીનો શો હતો અને તે ગાઈ રહ્યાં છે. ચારણ કન્યાને હજી સુધી કેમ આપણે ગુજરાતીમાં વિઝ્યુઅલી લાવ્યા નથી. આમાં વુમન એમ્પાવરમેન્ટની મોટી વાત છે. વર્ષો પહેલાં બેંચમાર્ક સેટ કર્યું છે. ધૂમકેતુની વાર્તા પરથી ફિલ્મની પ્રપોઝલ આવી છે. રમેશ પારેખની કવિતાઓ છે. ઝવેરચંદ મેઘાણીની નવલકથા પરથી પણ ફિલ્મ બની શકે. આપણી પાસે ઘણું જ બહોળું સાહિત્ય છે પરંતુ લિટરેચરના સ્ટૂડન્ટ્સ સિવાય ભાગ્યે જ કોઈએ વાંચ્યું હશે. દિલીપ રાણપુરાની નોવેલ વાંચી છે અને ‘મીરાની મહેક’, ‘અંતરિયાળ’ના રાઈટ્સ લેવાની પણ એક સમયે મેં વાત કરી હતી. 

પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?

એઈ ક્રિએટિવ (આર્ટિસ્ટ એન્ડ એન્ટરટેઈન્મેન્ટ) હેઠળ પહેલી ફિલ્મ બનાવી છે, જે ભારત-પાકિસ્તાન પર સટાયર કરતી કોમેડી છે. આ હજી એક શરૂઆત છે. આ ફિલ્મની વાર્તા મેં લખી છે. મને લખવાનો શોખ પહેલેથી છે. હું કવિતા લખતી હતી પણ મારું ફોકસ એક્ટિંગ હતું. મારા પ્રોડક્શન હાઉસની આ ફિલ્મની વાર્તા મારા ડિરેક્ટર સર એડીને સંભળાવી તો તેમને કોન્સેપ્ટ પસંદ આવ્યો હતો અને તેમણે ફિલ્મ બનાવવાની વાત કરી. તેમણે મને ફિલ્મ લખવાની વાત કરી. પછી મેં આખી વાર્તા ચાર-પાંચ પેજમાં લખી. આખી વાર્તા મેં મેઈલમાં તેમને મોકલી. તેમને વાર્તા પસંદ આવી અને પછી અમે બે-ત્રણ રાઈટર્સ રાખ્યા અને તેમને કોન્સેપ્ટ આપ્યો. તેમણે જે લખ્યું તે મને ગમ્યું નહીં. પછી મેં લખવાની શરૂઆત કરી. હું ફિલ્મ દરમિયાન સ્ક્રીનપ્લે તથા રાઈટિંગ કેવું હોવું જોઈએ તે હું શીખી. હું યુ ટ્યૂબ વીડિયો પરથી શીખી. આઠથી નવ ડ્રાફ્ટ લખ્યા. પછી મેં પ્રોડ્યૂસર શોધવાની શરૂઆત કરી તો બધાને વાર્તા તથા કોન્સેપ્ટ ગમતા અને તેઓ સ્ક્રીપ્ટ ખરીદવા માગતા હતાં. મારી શરત હતી કે ફિલ્મમાં રોલ હું જ કરીશ. પછી મેં નક્કી કર્યું કે આપણે જાતે જ ફિલ્મ બનાવીએ. લોકોને મારી લખેલી ફિલ્મ પર વિશ્વાસ છે તો આપણે બનાવેલી ફિલ્મ પણ લોકો જોશે. ઓડિયન્સને ફિલ્મ કોને બનાવી છે, તેનાથી ફરક પડતો નથી. ફિલ્મ કેવી બની છે, તે મહત્ત્વનું છે. હવે જાતે જ ફિલ્મ બનાવી. હવે આ ફિલ્મ થોડા મહિનાઓમાં રિલીઝ થશે. વિક્રમ કોચર, કવિતા ગાઈ તથા તરુણ ખન્ના મારી ફિલ્મમાં છે. થિયેટર તથા ફિલ્મના એક્ટર્સ છે. રિયલ લાઈફમાંથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવી છે. 

ડિજિટલ પ્લેટફોર્મને લઈ શું માનો છો?

ડિજિટલ પ્લેટફોર્મ બ્લેસિંગ છે. ખૂબ જ જરૂરી છે. લોકોને એટલું બધું કામ કરવું છે કે દરેક વ્યક્તિ ફિલ્મ બનાવી શકતી નથી. દરેક વાર્તા ફિલ્મ બની શકતી નથી. વેબ સીરિઝ, શોર્ટ ફિલ્મ બની શકે છે. આજે આ ઈન્ડસ્ટ્રી ટોચ પર છે. આજે કન્ટેન્ટની જરૂર છે, તમે કંઈ પણ સારું લઈને જાવ તો તેઓ સ્વીકારે છે પરંતુ એક વાત મને નથી ગમતી કે સેન્સર ના હોવાથી ત્યાં ન્યૂડિટી, સેમી ન્યૂડિટી, ઈરોટિઝમનો ટ્રેન્ડ વધી ગયો છે. વર્ષો પહેલાં ઈરોટિક ફિલ્મ્સનો તબક્કો હતો અને પરંતુ તેનો પાંચ વર્ષમાં જ અંત આવી ગયો હતો. અહીંયા દમદાર પર્ફોર્મન્સ અને કલાકારો જોવા મળે છે. 

પહેલાંની અને અત્યારની અવનીમાં કેટલો ફરક?

ઘણો બધો ફરક છે. પહેલાની અવની નિર્દોષ, સિમ્પલ, મહત્ત્વકાંક્ષી હતી. અત્યારે હું વધુ પ્રેક્ટિકલ છું. જીવનના અનુભવો, કામના અનુભવો પરથી ઘણું બધું શીખી. અમુક વસ્તુઓ થાય અને અમુક વસ્તુઓ ના જ થાય. કોલેજના સમયમાં તમે જીદ્દી બની જાવ. ધીમે ધીમે તમને ખ્યાલ આવે કે દરેક વસ્તુ તમારા હાથમાં નથી. તમે પરિપક્વ બનો છો. હું પહેલાં ઘણી જ સોફ્ટ સ્પોકન તથા રિઝવર્ડ હતી. હવે હું શરમાળ નથી. હું આઉટસ્પોકન બની, એકસ્ટ્રવર્ટ બની. મુંબઈ જેવા શહેરમાં એકલા રહેવું અને સંઘર્ષ કરવો એ બધાથી તમે ઘડાઈ જાવ છો. પહેલાં હું સ્ટ્રોંગ નહોતી અને હવે છું. હું ઈમોશનલી એટેચ થઈ જતી. પહેલાં રડવું આવતું કે કેમ કામ ના મળ્યું, કેમ ફિલ્મ ના મળી તો હવે આ બધાથી એમ નથી થતું કે આને લાયક હું નથી. 

અવનીનો ડ્રીમ રોલ?

બાયોપિક કરવી છે. હજી સુધી ગુજરાતી સ્ત્રી પરથી કોઈ બાયોપિક બની નથી. ‘ગાંધી’, ‘ગુરુ’, મોદીસાહેબ, ‘સરદાર’ વગેરે ગુજરાતી લોકોની બાયોપિક પરંતુ કોઈ ગુજરાતી મહિલા પરથી બાયોપિક બની નથી. તે પર બનવી. 

તાજેતરમાં ‘મોદીજી કી બેટી સોંગ’ કર્યું અને તમે મોદીની દીકરી તરીકે ઓળખવાનું પસંદ કરો છો?

મારી પહેલી તમિળ ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ હતી. એક પત્રકારે મને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કર્યો કે તમારું નામ અવની મોદી છે અને તમે ગુજરાતમાંથી આવો છો, તો તમે મોદીના દીકરી છો? મને નવાઈ લાગી હતી. મને જાણી જોઈને આ સવાલ કરવામાં આવ્યો હતો. તે વખતે મોદી ગુજરાતના સીએમ હતાં અને પત્રકાર તરીકે તમને આ વાતની માહિતી હોય જ કે મોદીને પરિવાર છે કે નહીં. એટલે મને આ સવાલ આડકતરી રીતે હેરાન કરવા માટે જ પૂછવામાં આવ્યો હતો. ટેઢી બાત કા ટેઢા જવાબ એ જ રીતે મેં આનો જવાબ આપ્યો કે હા, હું મોદીની દીકરી છું. મેં આ જવાબ આપ્યો તો બધા હસ્યા. મેં ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો અને પછી આના જે રિએક્શન આવ્યાં તેમાં મારો કોઈ જ હાથ નથી. પછી આ વાતનું વતેસર થઈ ગયું. હું આજે પણ કહીશ કે વુમન એમ્પાવરમેન્ટ માટે જેટલા કામો થયા અને મોદી સરકારે જે કર્યું, તેમાં મોદી બાપની ભૂમિકા ભજવી રહ્યાં છે. આમાં કહેવું સહેજ પણ ખોટું નથી કે હું મોદીની દીકરી છું. ‘મોદીજી કી બેટી’ ગીતમાં એક દીકરી તરીકેની ફરજ નિભાવી. દેશની તમામ દીકરીઓ વતી મેં ટ્રીબ્યૂટ આપી છે. તેમાં દેશની દરેક દીકરીઓ છે. દરેક ફિલ્ડની દીકરીઓ છે. દેશના વડાપ્રધાન તરીકે તેમનું માન છે, પિતાની ભૂમિકા છે, તેમને સન્માન આપ્યું છે. દિલથી આપવામાં આવેલી ભેટ છે. 

માતા-પિતાની કઈ બાબતો જીવનમાં મદદરૂપ બની?

મારા પપ્પા સાબરકાંઠાના ઈલોરમાંથી આવ્યા છે. ત્યાં ભણ્યા અને પછી શહેરમાં આવ્યા. મારા દાદા બસ કંડક્ટર હતાં. મમ્મી પહેલેથી જ અમદાવાદમાં જન્મ્યાં અને મોટા થયા. મારા પપ્પા સામાન્ય જીવન જીવીને આગળ આવ્યા છે. મને અત્યાર સુધીની કરિયર પર એટલા માટે ગર્વ છે, કારણ કે મારા પપ્પાનું સપનું ફિલ્મમાં જોડાવાનું હતું. મારા પપ્પાએ કાજોલના પપ્પા સોમુ મુખર્જી સાથે ફિલ્માલયા સ્ટૂડિયોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પાંચથી છ ફિલ્મ્સ કરી. તેઓ ફિલ્મી કરિયર માટે સંઘર્ષ કર્યો હતો પરંતુ ત્યાં સર્વાઈવ કરવું મુશ્કેલ છે. તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેમને સરકારી નોકરી મળી અને તેમણે નોકરી સ્વીકારી. આ નોકરી પણ તેમને મુંબઈમાં તેમની પાસે જે ટેકનિકલ નોલેજ હતું, તેને કારણે મળી હતી. 30 વર્ષની કરિયરમાં તેઓ ફિલ્મમેકિંગના ટચમાં રહ્યાં. સરકારી વિભાગની ડોક્યુમેન્ટ્રી બનતી ત્યારે નાનપણમાં અમે સેટ પર જતા હતાં. અમારા ઘરે કેમેરા આવતા અને અમે ઘરમાં કેમેરાની સાથે રમતાં હતાં. આ બધું એક્સપોઝર નાની ઉંમરમાં મળ્યું અને આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, તેવું વિચાર્યું. એક્ટ્રેસ બનવાનું સપનું મને ગળથૂથીમાંથી મળ્યું છે. મમ્મી ઘણી જ સરળ છે અને હાઉસવાઈફ છે. તે ઘણી જ સેન્સિટિવ તથા ઈમોશનલ છે. મમ્મીના ગુણો મારામાં આવ્યા છે, તે એક્ટર તરીકે મને આગળ લઈ જવામાં ફાયદાકારક રહે છે. હું સરળતાથી કેરેક્ટરને અનુભવી શકું છુ. પપ્પાની બોલ્ડનેસ, સ્ટ્રોંગનેસ તથા મમ્મીના સેન્ટિમેન્ટ્સ મારામાં આવ્યા છે. મારી મમ્મી ખૂબ જ પર્ફેશનિસ્ટ છે. તે હોમ મેકિંગમાં ઘણાં જ સારા છે. મને આજે પણ મારું ઘર સાફ કરવું, ઘર સાચવવું ને રસોઈ બનાવવી મને ગમે છે. મને આ બધું ગમે છે. આલુ પરાઠા, બાજરીના રોટલા, બિરયાની, ખીચડી કઢી..મને બધુ જ બનાવતા આવડે છે. 

પહેલી કેટલી કમાણી હતી?

ઈટીવીમાંથી ‘ગીત ગુંજન’માંથી મને ત્રણ હજારનો ચેક મળ્યો હતો. સાત દિવસ કામ કર્યું અને પછી મને આ પૈસા મળ્યાં હતાં. આ પૈસામાં અમે ઘરના બધા ડિનર માટે ગયા હતાં.

મમ્મી-પપ્પાને એવી કઈ ગિફ્ટ આપી, જે તમારા બંને માટે યાદગાર હોય?

મારા પેરેન્ટ્સે ઘણો જ સંઘર્ષ કર્યો છે અને આર્થિક પરિસ્થિતિ સારી પણ નહોતી. લગ્ન બાદ તેઓ ક્યારેય હનિમૂન પર ગયા નહોતા. અત્યારે ટ્રેન્ડ છે, લગ્ન પછી ફરવા જવાનો. તેઓ ક્યારેય ગયા નહોતા. મારા મમ્મી-પપ્પા એનિવર્સરી પર આ વાત કહેતા કે અમે ક્યારેય હનિમૂન પર નથી ગયા. મેં સાઉથની પહેલી ફિલ્મ સાઈન કરી હતી અને સાઈનિંગ અમાઉન્ટ આવી હતી. તે વર્ષ મારા પેરેન્ટ્સની 25મી વેડિંગ એનિવર્સરી હતી. મેં મારા ભાઈને કહ્યું હતું કે આપણે પેરેન્ટ્સને હનિમૂન પેકેજ ગિફ્ટમાં આપીએ. મેં મારા મમ્મી-પપ્પાને સિંગાપોર-મલેશિયાનું ટૂર પેકેજ ગિફ્ટમાં આપ્યું હતું. 25મી વેડિંગ એનિવર્સરીની પાર્ટી રાખી હતી. હું મુંબઈથી આવી હતી. પછી મેં સ્ટેજ પર જઈને સરપ્રાઈઝ આપી હતી. આંખમાં હરખના આંસુ આવી ગયા હતાં. આ વાત જીવનભર યાદ રહેશે.

કેવી રીતે મેઈન્ટેઈન રહો છો?

રોજ સવારે લીંબુંવાળું ગરમ પાણી પીવું છું. હું શાકાહારી છું. ઘરે હોઉં ત્યારે ઓઈલી તથા સ્વીટ ઓછું લઉં છું. ઘરની બહાર નીકળું ત્યારે બધું જ ખાઉં છું. હું ડાયટ નથી કરતી. હું બહુ જ ફૂડી છું. ટ્રાવેલિંગ દરમિયાન જે-તે જગ્યાની સ્પેશિયાલિટી અચૂકથી ખાઉં છું. હું માર્શલ આર્ટ શીખતી હતી. મારી ફિઝિકલ ટ્રેનિંગ ચાલે છે. જ્યારે શૂટ પર જવાનું હોઉં તેના 7-10 દિવસ પહેલાં હું પ્રોટીન ડાયટ પર આવી જાઉં અને હું સૂપ ને કઠોળ ખાઉં. ફીટ રહેવા માટે યોગ કરું છું. મને જીમ જવાની આળસ આવે છે. કિક બોક્સિંગ કરું છું. 

આગામી પ્રોજેક્ટ્સ કયા છે?

‘બાપુ ક્યા છે’ એ બીજી ગુજરાતી ફિલ્મ છે. તેમાં પંકજ ત્રિવેદી તથા કૌશંબી ભટ્ટ, મિહીર ભૂતા તથા ધર્મેન્દ્ર ગોહિલ છે. આ પોલિટિકલ ફિલ્મ છે. પ્રતિક ગાંધી સાથે ગુજરાતી ફિલ્મની વાત ચાલી રહી છે. આ ઉપરાંત બીજી બે હિંદી ફિલ્મ્સની પણ વાત ચાલી રહી છે.

દેશના પીએમ બનાવે તો શું કરો?

અત્યારે પીએમસાહેબ જે કરી રહ્યાં છે, તે અદ્દભૂત છે. આપણે આત્મવિશ્વાસથી જે કામ સોંપ્યું અને તે કામ કરી બતાવે તો આપણને થાય કે તે સુંદર રીતે કરે છે. હવે જો મોદી સાહેબ પીએમ ના હોય તો દેશની પરિસ્થિતિ પર આધાર રાખે મારે શું કરવું છે. 370 કલમ હટાવી તે અદ્દભૂત કામ કર્યું છે. દેશના વિકાસ માટે સૌથી મહત્ત્વનો નિર્ણય છે. ધીમે ધીમે રિર્ઝવેશન પર પણ વાત થશે. એ પણ ક્યારેક ને ક્યારેક સોલ્વ થશે. આવા ઘણાં મુદ્દા પર કામ થશે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી