આદિત્ય નારાયણે ટીવીમાંથી છ મહિનાનો બ્રેક લીધો, મ્યૂઝિક કરિયર પર ફોકસ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ આદિત્ય નારાયણે ટીવી શોમાંથી છ મહિનાનો બ્રેક લેવાની જાહેરાત કરી છે. તે હવે મ્યૂઝિક કરિયર પર ફોકસ કરવા માગે છે. સિંગર, ટેલિવિઝન હોસ્ટ તથા એક્ટર આદિત્યે હાલમાં જ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડોલ 11’ને હોસ્ટ કર્યો હતો.
આદિત્યે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આદિત્યે પોતાના 9 શોના નામ લખ્યા હતાં અને કહ્યું હતું કે આમાં કામ કરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો હતો. તેણે 350થી વધુ એપિસોડ્સમાં કામ કર્યું છે એટલે કે તેણે 3500 કલાક આ શોને આપ્યા છે. હવે તે સિંગિંગ કરિયર પર ફોકસ કરવા ઈચ્છે છે. જીમમાં વર્ક આઉટ, મિટિંગ્સ તથા રિહર્સલમાં સમય આપશે. 

આદિત્યે કહ્યું હતું કે તેના જીવનનો ઉદ્દેશ વધુમાં વધુ મ્યૂઝિક બનાવવાનો છે. તેને ટીવીમાં કામ કરવું ગમે છે પરંતુ ટીવીમાં કામ કરે છે તો તેને મ્યૂઝિક માટે સહેજ પણ સમય મળતો નથી. આથી જ તેણે ટીવીમાંથી છ મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. આ સમય દરમિયાન તે પોતાના ડેબ્યૂ આલ્બમ તથા મ્યૂઝિક વીડિયો પર ફોકસ કરશે. તેણે ત્રણ ટીવી શો સાઈન કરી લીધા છે. છ મહિના બાદ તે  ટીવી પર કમબેક કરશે. નોંધનીય છે કે આદિત્યે ‘એક્સ ફેક્ટર ઈન્ડિયા’, ‘એન્ટરટેઈન્મેન્ટ કી રાત’, ‘રાઈઝિંગ સ્ટાર 3’, ‘કિચન ચેમ્પિયન’, ‘ઈન્ડિયન આઈડોલ 11’, ‘સારેગામાપા લિલ ચેમ્પસ’ તથા ‘સારેગામાપા’ જેવા શો હોસ્ટ કર્યાં છે. આદિત્ય ‘ફિઅર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 9’નો ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. આદિત્યે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘રામ-લીલા’ના સોંગ્સ ‘તતડ તતડ’ તથા ‘ઈશ્કિયા...’ ગાયા હતાં.