આણંદ / SP યુનિ.ના VC પદે શીરીષ કુલકર્ણીની પુન: પસંદગી, 40 ઉમેદવારોએ અરજી કરી હતી

Shirish Kulkarni elected as a vc of sp university

  • યુનિ.ની પ્રગતિ એ જ મારો ધ્યેય રહેશેઃ શીરીષ કુલકર્ણી, VC,   સરદાર પટેલ યુનિવર્સિટી
  • VC પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા
  • નવા કોર્સ સહિત ઓન ડિમાન્ડ એક્ઝામનો પ્રારંભ 

Divyabhaskar.com

Aug 30, 2019, 08:23 AM IST

આણંદઃ વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 1 મહિનાથી વાઈસ ચાન્સેલરના પદને લઈને ઉત્સુકતા સર્જાઈ હતી. ગુરુવારે સરકાર દ્વારા વર્તમાન કુલપતિ શીરીષ કુલકર્ણી પર મહોર મારી દેવાઈ હતી જ્યારે વિરોધી જૂથનો વિરોધ-વિવાદ અને વંટોળ ઊભો થયો હોવા છતાં એસપી યુનિવર્સિટીની પ્રણાલિ મુજબ સતત ત્રીજા કુલપતિને રિપીટ કરાયા છે.

SP યુનિ.ના વાઈસ ચાન્સેલરની 3 વર્ષની ટર્મ આગામી 31મી ઓગસ્ટે પૂર્ણ થતી હોય તેની શોધ માટે 3 સભ્યોની સર્ચ કમિટી બનાવાઈ હતી. જોકે, સર્ચ કમિટીમાં નામોને લઈને અગાઉ કેટલાંય વિવાદો સર્જાયા હતા. બાદમાં 3 નામ શૈલેષ ઝાલા, કમલેશ જોશીપુરા અને સી.એન. પટેલની એક કમિટી બનાવાઈ હતી. દરમિયાન, બીજી તરફ વાઈસ ચાન્સેલરના પદ માટે અરજીઓ મંગાવાઈ હતી. જેમાં કુલ 40 ઉમેદવારોએ વાઈસ ચાન્સેલર બનવા માટે ઉત્સુકતા બતાવી હતી. કમિટી દ્વારા તાજેતરમાં એક બંધ કવરમાં એક નામ સરકારને મોકલી અપાયું હતું. જેમાં ગુરુવારે બપોરે શિક્ષણ વિભાગ દ્વારા વાઈસ ચાન્સેલરના પદ માટે શીરીષ કુલકર્ણીનું નામ જાહેર કરાયું હતું. નોંધનીય છે કે, યુનિવર્સિટીમાં છેલ્લાં 3 ટર્મથી જે પણ વાઈસ ચાન્સેલર હોય તેમને સેકન્ડ ટર્મ અપાય છે. આ અગાઉ બી.જી. પટેલ તેમજ હરીશ પાઢને પણ રીપીટ કરાયા હતા.

VC પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા
વર્ષ 2016 થી લઈ વર્ષ 2019 એમ ત્રણ વર્ષ દરમિયાન વાઈસ ચાન્સેલર પદ પર શીરીષ કુલકર્ણી રહ્યા હતા. યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે દસ વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ હોવો જોઈએ એમ જણાવી તેઓ પાસે આઠ વર્ષનો જ અનુભવ છે તેમ જણાવી તેમની પાસે લાયકાત નથી એવો પ્રથમ મુદૃો વિરોધીઓ દ્વારા ઉઠાવી તેમને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. એ પછી તેમની પીએચડીની થીસીસમાં પ્લેગેરીઝમ હોવાનો, સિક્યોરીટીના ટેન્ડરીંગમાં રૂા. 1.48 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો, તેમજ પોતાના નિર્ણયોમાં આપખુદશાહી ચલાવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

નવા કોર્સ સહિત ઓન ડિમાન્ડ એક્ઝામનો પ્રારંભ
શીરીષ કુલકર્ણીએ વિદ્યાર્થીઓના હિતમાં ઓન ડિમાન્ડ એક્ઝામથી લઈ તેમણે એલ.એલ.એમ, એમ ફાર્મ, આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, એપ્લાઈડ ફિજીક્સ, રેડિયો જોકી-એનાઉન્સર, હોમ એપ્લાયન્સ રીપેરીંગ જેવા પ્રોફેશ્નલ સર્ટીફિકેટ કોર્સ શરૂ કર્યા હતા. આ સિવાય, નવા ઓડિટોરીયમ-હ્યુમેનીટી, મેથ્સ, સ્ટેટીસ્ટીક્સ, બિઝનેસ સ્ટડીઝ વિભાગો બનાવ્યા હતા.

યુનિ.ની પ્રગતિ એ જ મારો ધ્યેય રહેશેઃ શીરીષ કુલકર્ણી, VC, સરદાર પટેલ યુનિવર્સિટી
સેકન્ડ ટર્મ મળ્યા બાદ આગામી 3 વર્ષ માટે આપનો શો પ્લાન રહેશે ?
- યુનિવર્સિટી મારી પ્રથમ પ્રાથમિકતા રહી છે. સરકારે જે વિશ્વાસ દાખવ્યો છે તેને આગામી સમયમાં પૂરો કરીશ. મારી પ્રાથમિકતા વિદ્યાર્થીનું હિત, યુનિવર્સિટીની પ્રગતિ અને સમાજ ઉપયોગી કાર્ય રહેશે.
તમારી પર સતત વાઈસ ચાન્સેલર તરીકેની તમારી લાયકાત અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરાઈ રહ્યા છે તેમાંથી કેવી રીતે બહાર આવશો ?
- દરેક સિક્કાની બે બાજુ તો રહેવાની જ. બીજું કે મારું કોઈ જ વિરોધી નથી. પરંતુ મારું માનવું એ છે કે જે ત્રૂટિઓ બતાવતો હોય એ હંમેશા પડોશમાં રહેવો જોઈએ. બાકી આક્ષેપ તો બધા થયા કરે, પુરાવા પણ મળવા જોઈએ.

X
Shirish Kulkarni elected as a vc of sp university

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી