ભાસ્કર વિશેષ / શાહરુખ ખાન હવે ગિરમિટિયા મજૂરોનું દુઃખ બતાવશે, આગામી ફિલ્મ ‘જહાજી’ હોઈ શકે છે

Shah Rukh Khan to show grief over Girmitiya laborers

  • શાહરુખે પોતે રસ દાખવ્યો, પોતાની કંપનીની ક્રિએટિવ ટીમ પાસે ડેવલપ કરાવી રહ્યો છે
  • ફિલ્મનું ટાઈટલ ‘જહાજી’ હશે, લાખો ગિરમિટિયા મજૂરોને દેશમાંથી દૂર કરવાની વાર્તા છે

Divyabhaskar.com

Jan 19, 2020, 11:21 AM IST

અમિત કર્ણ, મુંબઈઃ શાહરુખ ખાનની આગામી ફિલ્મને લઈને દિવ્ય ભાસ્કરને એક એક્સક્લૂઝિવ માહિતી હાથ લાગી છે. ટ્રેડ પંડિતોમાં આ મુદ્દે ઘણી ચર્ચાઓ છે. કોઈ કહી રહ્યું છે કે શાહરુખ ડિરેક્ટર રાજકુમાર હિરાણીની સોશિયલ સટાયર કરશે તો કેટલાકનું કહેવું છે કે તે અલી અબ્બાસ ઝફરની એક્શન. જોકે, શાહરુખ ખાનની કંપનીના ઉપરી અધિકારીઓના સૂત્રો તદ્દન અલગ જ વાત કહી રહ્યાં છે.

શાહરુખની હોમ પ્રોડક્શન કંપની રેડ ચિલીઝમાં સ્ટોરી ડેવલપમેન્ટ સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું કે શાહરુખને ‘જહાજી’ નામની વાર્તા ખૂબ ગમી છે. આ વાર્તા દુનિયાના સૌથી મોટા સ્થળાંતર પર આધારિત છે. આ વાર્તા સન 1800ની છે, જયારે અંગ્રેજો અવિભાજિત ભારતમાંથી હજારો-લાખોની સંખ્યામાં મહેનતુ મજૂરોને એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા લઇ ગયા હતા. પાછળથી આ જ મજૂરો ગિરમિટિયા મજૂરો તરીકે ઓળખાવા લાગ્યા.

શાહરુખ ખાનને લાગી લાર્જર ધેન લાઈફ સ્ટોરી

  • સૂત્રોનું કહેવું છે કે શાહરુખને આ ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ સ્ટોરી અનુભવાઈ છે. ફિલ્મની વાર્તામાં કેટલીક વાતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
  • 220 વર્ષ જૂના હિન્દુસ્તાનની વાર્તા છે. ત્યારના લાખો ભારતીયોનું જીવન અને આને કારણે પ્રભાવિત થયું હતું.
  • અંગ્રેજોની ચાલાકીનો પ્લોટ ફિલ્મમાં છે. તેમણે ત્યારની ગરીબી, લાચારી, બેરોજગારી અને ભૂખમરાથી પીડાતા ભારતીયોને એગ્રીમેન્ટ પર કામ અપાવવાના બહાને પોતાના દેશથી દૂર અજાણ્યા દેશોમાં મોકલી દીધા હતા.
  • એ અજાણ્યા દેશમાં ભારતીયોનું પોતાનું કહી શકાય તેવું કોઈ નહોતું પણ એગ્રીમેન્ટના કારણે તેઓ વતન પરત આવી શકતા નહોતા. આખરે તેમણે એ અજાણ્યા વતનને જ પોતાનો દેશ બનાવવો પડ્યો.

વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર્સનું પણ આપવામાં આવ્યું ઉદાહરણ
આ ફિલ્મનું ટાઇટલ ‘જહાજી’ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ પાછળનું કારણ એ છે કે અંગ્રેજ આ ગિરમિટિયા મજૂરોને ભારતથી વિદેશ જહાજથી મોકલતા હતા. જહાજ પર તેમની સફર ત્રણથી ચાર મહિનાની હતી. ત્યાં પણ પડકારો ઓછા નહોતા. તેમ છતાં આજની તારીખે પણ એ મજૂરોના વંશજોએ વેસ્ટ ઇન્ડિઝ, મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા અને બાકીના ઘણાં દેશોમાં પોતાની અલગ શાખ કાયમ રાખી છે. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપૉલ અને ડેરેન ગંગા આ મજૂરોના વંશજ છે. ફિલ્મમાં તેમના ઉદાહરણો પરથી પણ વાર્તા કહેવાશે.

ગિરમિટિયા મજૂરોની દેશભક્તિ જોવા મળશે
શાહરુખને આ વાર્તામાં ગિરમિટિયા વંશજોનું એક અન્ય પાસું પણ પસંદ પડ્યું છે, જેના તાર દેશભક્તિ સાથે જોડાયેલા છે. ગિરમિટિયા પોતાની છ પેઢી પછી પણ સ્વયંને ભારતીય માને છે. શરૂઆતમાં જે સ્ત્રીઓ ગિરમિટિયા મજૂર તરીકે ત્યાં ગઈ, તેમના માટે મુક્તિ મહત્ત્વની હતી પણ પછીથી તેમણે પણ ભારતીય સંસ્કૃતિ બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. સૂરીનામ અને ત્રિનિદાદમાં આજે પણ તે દેખાય છે. કહેવાય છે કે શાહરુખે લાખો લોકોના સ્થળાંતરની દર્દભરી પણ પ્રેરક વાર્તાની પસંદગી કરી છે. આ ફિલ્મ માટે ડિરેક્ટરની શોધ પણ ચાલી રહી છે.

X
Shah Rukh Khan to show grief over Girmitiya laborers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી