ફરમાન / વાઈબ્રન્ટમાં 1500ની થાળી ઓર્ડર કરનારી સરકારનો શિક્ષકોને નવો આદેશ, જમણવારમાં એંઠવાડ વધુ ન થાય તે પણ જુઓ

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • ગામના શૌચાલય ગણો, જાહેરમાં હાજતે જનારા પાસે જઈ થાળી વગાડો અને તીડ ઉડાડવાના ફતવા પછી... 

Divyabhaskar.com

Jan 19, 2020, 03:33 AM IST

ગાંધીનગરઃ ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી અસાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસીકી ગોદમેં પલતે હૈ. મગધના મહામાત્યના આ વાક્યને ગુજરાત સરકારે હાડોહાડ લઇ લીધું હોય એમ શિક્ષકોને બીજી સરકારી કામગીરી સિવાય અત્યાર સુધીમાં ગામમાં સંડાસ ગણવા, જાહેરમાં કોઇ કુદરતી હાજતે જતું હોય તો તેની પાસે જઇ થાળી વગાડવા, ખેતરોમાં તીડ પડે તો તીડ ઉડાડવા, સરકારી જાહેર કાર્યક્રમમાં લોકોને પાણી પાવાથી માંડીને જળસંચય યોજના હેઠળ ખાડા ખોદવાના કામ સોંપાયા. તેમાં હવે એક ઓર જવાબદારી શિક્ષકોને માથે નંખાઈ છે અને એ છે જમણવારોમાં એંઠવાડ ન થાય તે પણ જુઓ.

શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરી રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોના માથે નવી જવાબદારી નાંખી
પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામકે એક પરિપત્ર કરીને તમામ જિલ્લા શિક્ષણાધિકારીને ફરમાન કર્યું છે કે તમારા શિક્ષકોને કહો કે તેમના ગામમાં થતાં જમણવારોમાં એંઠવાડ થતો હોય તો તે અટકાવે. લગ્નો, પાર્ટીઓ કે મિટીંગોમાં થતાં જમણવારોમાં અનાજનો બગાડ ન થાય તે માટે શિક્ષકે લોકોને સમજાવવા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની પ્રસ્તુતિ બનાવવી, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, તથા ગરીબોમાં ખાવાની વસ્તુઓ વહેંચતી સંસ્થાઓનો સંપર્ક કરવો જેવી સૂચનાઓ આપવામાં આવી છે. આ સરકાર દર બે વર્ષે વાઇબ્રન્ટ મેળાવડો યોજે છે તેમાં રૂ. 1500ની થાળી ઓર્ડર કરે છે અને આવાં અનેક મેળાવડા અને બેઠકોમાં અનાજનો બગાડ થાય છે.હવે આ પરિપત્રમાં સંયુક્ત નિયામકે ભારત સરકારના ગ્રાહકોની બાબતોના મંત્રાલયે 14 નવેમ્બરે કરેલાં પરિપત્રના આદેશોને ટાંક્યાં છે. જેમાં અનાજના બગાડની સંયુક્ત જવાબદારી સમજીને શિક્ષકોને આ આદેશ કરાયો છે. પરંતુ આ જ પરિપત્રમાં સરકારી વિભાગો દ્વારા યોજાતાં મેળાવડાઓમાં થતાં જમણવારોમાં અનાજનો બગાડ ન થાય તેવી ભલામણ પણ કરાઇ છે, તે છતાં કોઇ વિભાગને આવી સૂચનાઓ જાણે લાગુ પડતી નથી. અગાઉ આ જ શિક્ષણ વિભાગે પોતાના શિક્ષકો પર અવિશ્વાસ હોય તેમ તેઓને રૂ. 20ના સ્ટેમ્પ પર સોગંદનામું કરી પોતે કોઇ ગુન્હાઓમાં સંડોવાયેલાં નથી તેવું જાહેર કરવાનો આદેશ પણ કર્યો હતો.

અનાજનો બગાડ ન થાય તે સામૂહિક જવાબદારી
અનાજનો બગાડ ન થાય તે સહુની સામૂહિક જવાબદારી છે, પરંતુ સમાજમાં લોકો શિક્ષકને સન્માનની દૃષ્ટિએ જોતા હોઇ તેમનો સંદેશ ચોક્કસ માનશે તેવા આશયથી આ પરિપત્ર કરાયો છે. - ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી