મર્ડર મિસ્ટ્રી / શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ: 4, 11 સંજોગને આધારે પોલીસે તન્વીની ધરપકડ કરી હતી

Sashivadna divetiya murder case part 4

  • ક્રાઇમ બ્રાંચે કેવા સંજોગો અને કેવા પુરાવાના આધારે તન્વી દિવેટિયાની ધરપકડ કરી હતી તે જોવા જેવું હતું...

Divyabhaskar.com

Sep 08, 2019, 11:37 AM IST

જયદેવ પટેલ: તન્વીની ધરપકડ બાદ બંગલાના કમ્પાઉન્ડમાં ગેરેજની ઓરડીમાં રહેતા રમેશ મેણા અને મગન મેણા નામના બે ઘરઘાટીની પણ ધરપકડ કરાઈ હતી. ઘીકાંટા-જૂની સિવિલના કમ્પાઉન્ડમાં આવેલી મેટ્રોપોલીસ મેજિસ્ટ્રેટની કોર્ટો પૈકી 11મી કોર્ટના મેજિસ્ટ્રેટ એમ. જી. ગોર સમક્ષ ધરપકડના બીજા દિવસે તન્વી દિવેટિયાને રજૂ કરીને જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કરાઈ હતી.

ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એન. વી. જાડેજા તથા તેમના મદદનીશ અધિકારીઓની ટીમે સાક્ષીઓનાં નિવેદનો, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, તબીબોના અભિપ્રાય, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સંયોગિક પુરાવા વગેરે એકત્રિત કરવાની કાર્યવાહી પૂરી કરીને ત્રણેય આરોપીની વિરુદ્ધમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું, જેમાં શશિવદનાની હત્યાના કાવતરાને કેવા સંજોગોમાં અંજામ અપાયો હતો, મદદગાર તરીકેની કેવી ભૂમિકા આરોપીઓએ ભજવી હતી, તેની વિગતો રજૂ કરાઈ હતી. ખૂન તથા ગુનામાં મદદગારી અને ખૂનનું કાવતરું ઘડવાના આરોપસર પોલીસે ઈ.પી.કો.ની કલમ 302, 34 તથા 120(બી) હેઠળ રજૂ કરેલા તહોમતનામામાં નીચેના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા.

પ્રથમ મુદ્દો- બનાવની રાતે બંગલામાં પુખ્ત વયની બે જ મહિલાની હાજરી હતી, જેમાં શશિવદનાબહેન તથા પુત્રવધૂ તન્વી દિવેટિયા જ હતાં. બીજો મુદ્દો- બંગલામાં અજાણ્યા શખસે કેવી રીતે પ્રવેશ કર્યો અને કેવી રીતે ફરાર થઈ ગયો તેનો કોઈ સીધો પુરાવો જોવા મળ્યો નથી. ત્રીજો મુદ્દો- બંગલાનું મુખ્ય પ્રવેશદ્વાર અંદરથી બંધ હતું કે પછી અન્ય શખસના માટે ઇરાદાપૂર્વક ખુલ્લું રાખવામાં આવ્યું હતું? તેનો સ્પષ્ટ જવાબ મળતો નથી. ચોથો મુદ્દો- શશિવદનાની હત્યાનું તન્વીએ જ કાવતરું ઘડ્યું હતું અને તેને અંજામ આપવા હત્યારાને તૈયાર કર્યો હશે અને આ શખસના પ્રવેશ માટે મુખ્ય પ્રવેશદ્વાર અંદરથી બંધ કરવામાં આવ્યું ન હતું.

પાંચમો મુદ્દો- અગાશીમાં બંને રૂમ વચ્ચે આવનજાવન કરવા એક બારણું છે. સાસુ તથા પુત્રવધૂ શયનખંડ તરીકે તેનો ઉપયોગ કરે છે. બનાવની રાત્રે તન્વી તેની માસૂમ બાળકી સાથે તથા શશિવદનાબહેન તેમના શયનખંડમાં સૂવા ગયાં હતાં. છઠ્ઠો મુદ્દો- તન્વીના બેડરૂમમાં તિજોરીમાંથી દાગીના તથા કીમતી ચીજવસ્તુઓ પલંગ પર વેરવિખેર હતી. કોઈ પણ ચીજની ચોરી કે લૂંટ થયાની પોલીસમાં રજૂઆત થઈ નથી. આથી એવું અનુમાન થઈ શકે કે તપાસને ગેરમાર્ગે દોરવા આ તરકટ ઊભું કરાયું હતું. સાતમો મુદ્દો- શશિવદનાના શરીર પર 21 ઈજાના ચિહ્નો છે, જેમાંની પાંચ સ્વબચાવનો પ્રયાસ કરતા થઈ હતી. આવી ઈજાઓ બે પ્રકારનાં હથિયારથી કરાઈ હતી, જેમાં એક બોથડ પદાર્થ તથા બીજું ચાકુ હોવાનો તબીબનો અભિપ્રાય છે. આ સંજોગોમાં હત્યાને અંજામ આપવામાં બે શખસે કામગીરી કરી હશે તેવી શક્યતા છે.

(સાસુની હત્યા પોતે ન કરી હોવાનું છુપાવવા તન્વીએ કેવી કેવી પરિસ્થિતિઓ ઊભી કરી હતી. વાંચો આવતા અંકે...)

X
Sashivadna divetiya murder case part 4

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી