ભુજ / શરણાર્થીઓએ પાકિસ્તાનના નામ વાળા જ ગામ કચ્છમાં પણ વસાવ્યાં !

Refugees also set up villages in Pakistan named Kachchh!

  • સરહદ પારની પોતાની સ્મૃતિને અકબંધ રાખવા કચ્છમાં પણ એ નામ સાથે ગામ વસાવ્યા

Divyabhaskar.com

Dec 14, 2019, 09:45 AM IST
ભુજઃ વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેડાયેલા યુધ્ધના કારણે સિંધ છોડી કચ્છમાં શરણાર્થી બનીને આવેલા લોકોએ સરહદની પેલે પાર જે ગામમાં રહેતા હતા તેની સ્મૃતિ અકબંધ રાખવા કચ્છમાં પણ એ જ નામ સાથે ગામ વસાવ્યાં છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના ડિપ્લો તાલુકામાં વેડહાર અને મીઠી તાલુકાના ગોધિયારમાં રહેતા સોઢા સમાજ સહિતના કેટલાક પરિવારો યુધ્ધના કારણે તેમના ગામ છોડીને કચ્છના શરણે આવ્યા હતા. જે તે સમયે આ શરણાર્થીઓ નખત્રાણા તાલુકામ સ્થાયી થયા અને વેડહાર તેમજ ગોધિયાર નામના ગામો વસાવ્યાં છે. હાલે પાકિસ્તાનમાં આવેલા આ નામના બન્ને ગામની સ્થિતિ શું છે તેની વિગતો નથી પણ ચાર દાયકા કરતાં વધુ સમય પહેલા વસેલા કચ્છના આ બન્ને ગામમાં ખેતી અને પશુ પાલન વ્યવસાય સાથે ગ્રામજનો સંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું હતું.
શરણાર્થીઓમાં ખુશી પણ કચ્છમાં અનેક મુદ્દે ઉચાટ
કેન્દ્ર સરકારે પાસ કરેલા સિટિઝન એમેન્ડમેન્ટ બિલને કચ્છભરના સોઢા શરણાર્થીઓએ આવકાર્યું હતુ અને ભુજમાં આ બાબતે ખુશી વ્યક્ત કરી પણ સરહદી વિસ્તાર હોવાના કારણે કચ્છમાં અનેક મુદ્દે ઉચાટ ફેલાયેલો છે. ભારતમાં પાકિસ્તાનથી વિઝા પર આવતા અને છ વર્ષ કરતાં વધારે સમયથી રહેતા હોય તેવા લોકોને નાગરિકતા સુધારા બિલથી ફાયદો થશે પણ કચ્છ જિલ્લો સરહદી હોતાં પાકિસ્તાનમાં રહેતો કોઇ નાગરિક વિઝા માગે તો પણ અપાતા નથી. આમ નવા કાયદાના અમલ બાદ પણ આ મુદ્દો ગુંચવાયેલો જ રહેશે. જો કોઇ પાકિસ્તાન છોડીને કચ્છ સ્થાયી થવા ઇચ્છે તો હજુ પણ તેમ નહીં થઇ શકે.
પાકિસ્તાનમાં હિન્દુઓને ધાર્મિક સ્વતંત્રતા નથી
સિંધ છોડીને ભુજમાં સ્થાયી થયેલા રાજુ સાંઇ બામણિયાએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુઓને ધાર્મિક ઉત્સવો ઉજવવાની સ્વતંત્રતા નથી. હોળી અને દિવાળી જેવા મોટા તહેવારો ઘરની ચાર દિવાલ વચ્ચે ઉજવવા પડે છે. આ ઉપરાંત મહિલાઓની છેડતીના તેમજ ધર્માંતરણના અનેક કિસ્સા બનતા રહે છે. હિન્દુઓ પર ધર્મના નામે ફાસાવીને અત્યાચાર કરાતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
રાપરમાં નાગરિકતા સંશોધન બિલ પસાર થતાં ઉજવણી કરાઈ
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા નાગરિક્તા સંશોધન બિલને રાપરમાં રહેતા શરણાર્થીઓએ આતશબાજી સાથે આવકારીને મીઠાઇ વહેંચી હતી. તાલુકા ભાજપ અને શહેર ભાજપ તેમજ નગરમાં 1965અને 1971 ના યુધ્ધ સમયે પાકિસ્તાન છોડીને આવેલા શરણાર્થીઓએ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલને આવકારીને ખુશી વ્યક્ત કરી હતી. ભાજપ પરિવારના હોદેદારો દ્વારા ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી.
સાંસદના સદાયના સહયોગને બિરદાવાયો
ભારતના નાગરિકત્વ સાથે સ્થાયી થયેલા લોકોને કોઇપણ સમસ્યા હોય તો કચ્છના સાંસદ વિનોદ ચાવડા હમેશાં સહયોગી રહ્યા છે. ખાસ કરીને વહીવટી કે કાયદાલક્ષી કોઇપણ પ્રશ્ન લઇને તેમની પાસે જઇએ તો અંગત રસ લઇને ત્વરિત નિકાલ માટે સક્રિય પ્રયાસ કરતા રહ્યા છે તેમ નાથુસિંહ સોઢાએ જણાવીને સાંસદના સહયોગને બિરદાવ્યો હતો.
સિંધ પ્રાંતમાં અભ્યાસક્રમમાં ઇસ્લામનો વિષય ફરજિયાત છે
ભગુભા આહિર અને જીવણભાઇ રબારીએ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, સિંધ પ્રાંતમાં સિંધિ વાણિયા, કોલી, માલી, ભીલ, રબારી સહિતના હિન્દુ સમાજની વસતી છે. તેમના બાળકો શાળાએ જાય છે તેમને પણ ઇસ્લામનો વિષય ફરજીયાત ભણાવાય છે. સંસ્થાઓના નેજા તળે હિન્દુ મહિલાઓનું ધર્મ પરિવર્તન કરાય છે. છેલ્લા છ માસમાં 18 વર્ષથી ઓછી વયની 47 જેટલી સગીરાનું ધર્મ પરિવર્તન કરાયું છે તેમ આ બન્નેએ ઉમેર્યું હતું.
હવે વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે
એમેન્ડમેન્ટ બિલને આવકારતાં ભુજના નાથુસિંહ લાલજી સોઢા અને બહાદૂરસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અગાઉ સિટિઝનશીપ મેળવવા માટે 10થી 12 વર્ષ જેટલો સમય નીકળી જતો હતો પણ નવા કાયદા બાદ એકાદ વર્ષમાં નાગરિકતા મળી જશે. અગાઉ વ્યક્તિ દીઠ 10 હજાર ફી હતી તે પણ સાવ નજીવી કહી શકાય તેમ 100 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં 7 વર્ષ રહ્યા હોય તેવાને સિટિઝનશીપ અપાતી પણ હવે 5 વર્ષ રહ્યા હોય તેવાને નાગરિકતા મળશે.
‘નાગરિક્તા સુધારા બિલથી દેશની અખંડિતતા જોખમાશે’
નાગરિક્તા સુધારા બિલને મંજૂરી આપીને સરકાર કાયદો બનાવવા જઇ રહી છે પણ જો તે અમલી બનશે તો દેશની અખંડિતતા અને કોમી એક્તા જોખમાશે તેવી ભીતિ અંજારમાં જમીઅત ઉલ્મા એ કચ્છ દ્વારા નાયબ કલેક્ટરને અપાયેલા આવેદનમાં દર્શાવાઇ હતી. રાષટ્રપતિને સંબોધીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, દેશ બિનસાંપ્રદાયિકતા પર આધારિત હોવા છતાં વર્તમાન સરકાર વિવાદાસ્પદ વિધેયક લાવી રહી છે જેનો સંસ્થા ઉગ્ર વિરોધ કરે છે અને આ બિલને મંજૂરી ન આપવામાં આવે તેવી માગ છે. હાજી નૂરમામદ રાયમા, હાજી મોહમદ આગરિયા, જુસબ આગરિયા, શોકત નોડે સહિતના અગ્રણીઓ રજૂઆત કરવામાં જોડાયા હતા.
(પાકિસ્તાન તસવીર સૌજન્ય નાથુસિંહ સોઢા, કચ્છની તસવીરો વાઘજી આહિર)
X
Refugees also set up villages in Pakistan named Kachchh!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી