મન્ડે પોઝિટિવ / રામાનંદી સમાજે બેસણામાં 50 હજારનાં વાસણ આપવાનો કુરિવાજ દૂર કર્યો

નરોડામાં વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટની બેઠક મળી.
નરોડામાં વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટની બેઠક મળી.

  • પરિવારે દરેક જ્ઞાતિજનને રૂ. 200થી 300નું વાસણ આપવું પડતું હતું, હવે કન્યા કેળવણી પાછળ પૈસા વપરાશ
  • 50 વર્ષથી ચાલતા ‘લ્હાણું ’ રિવાજને તિલાંજલિ આપી 2500થી વધુ પરિવારોને આર્થિક બોજમાંથી રાહત આપવા સમાજ ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય

Divyabhaskar.com

Dec 09, 2019, 06:21 AM IST
પ્રતીક ભટ્ટ, અમદાવાદ: શ્રી વૈષ્ણવી રામાનંદી સાધુ સમાજમાં બેસણામાં આવતા પ્રત્યેક જ્ઞાતિજનને પરિવાર તરફથી રૂ. 200થી 300નું વાસણ આપવાની જૂની કુપ્રથા ‘લ્હાણું’ને તિલાંજલિ આપવામાં આવી છે. વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટની બેઠકમાં સર્વાનુમતે આ અંગે નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા, વડોદરામાં વસતા સમાજના આશરે 2500થી વધુ પરિવારો આ આર્થિક બોજારૂપ પ્રથાથી મુક્ત થયા છે. પરિવારના સ્વજનના બેસણામાં આ રિવાજનું પાલન કરવામાં અંદાજે રૂ. 50 હજારનો ખર્ચ થતો હતો. ગયા અઠવાડિયે સમાજના પરિવારના એક બેસણામાં ‘લ્હાણું’ પ્રથાને તિલાંજલિનો અમલ શરૂ કરાયો હતો.
સમાજમાં ટીકાના ડરથી પાલન કરવું પડતું હતું
પ્રાચીન પરંપરાઓને સમાજના શિક્ષિત લોકોએ ટીકાના ભયથી, જ્યારે અશિક્ષિત લોકોને અંધશ્રદ્ધા કે ખોટી માન્યતાના બળે સમર્થન મળતું રહ્યું છે. ‘લ્હાણું’ પ્રથા પણ આ પ્રકારનો રિવાજ છે. આર્થિક રીતે પછાત નબળા વર્ગના કહી શકાય તેવા પરિવારોને ઇચ્છા ન હોવા છતાં સમાજના ડરથી આ રિવાજનું પાલન કરવું પડતું હતું.
સમાજની છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ 40 ટકા
સમાજના લોકો તરફથી લ્હાણું પ્રથા રદ થતા તેનાં નાણાં સમાજના વિદ્યોતેજક ફંડમાં નાણાં જમા કરાવવામાં આવશે, જેના કારણે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે. સમાજમાં કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ 40 ટકા છે, તેમાં નોંધપાત્ર વધારો થશે. સમાજની કન્યાઓ દેશ અને વિદેશમાં આ ભંડોળ થકી ઉચ્ચ શિક્ષણ માટે જઈ શકશે.
સમાજના લોકો રામજી મંદિરમાં સેવાકાર્ય કરે છે
પાંચ જિલ્લાના 2500થી વધુ પરિવારો રામજી મંદિરની સેવા પૂજાના વ્યવસાયમાં કાર્યરત છે. એક કે બે પેઢી અગાઉ પરિવારના જીવનનિર્વાહ માટે મંદિરની જમીનો હતી, પરંતુ આ જમીનો ધાર્મિક સંસ્થા ટ્રસ્ટ હસ્તક લેવાતા જીવનનિર્વાહની આવક મર્યાદિત થઈ હતી. આવક મર્યાદિત હોવાથી પરિવારમાં કન્યા શિક્ષણનું પ્રમાણ પણ ઘટ્યું હતું.
વડીલોના અનુરોધથી આ પ્રથા બંધ કરાઈ
અમારા સમાજમાં 50 વર્ષથી બેસણામાં દરેકને સ્ટીલ કે તાંબાનું વાસણ આપવાનો રિવાજ હતો, જેમાં ઓછામાં ઓછા રૂ. 50 હજારનો ખર્ચ થતો હતો. અમે બેઠકમાં આ બાબતે ચર્ચા કરી પ્રથા રદ કરવાનો ઠરાવ કર્યો છે. લ્હાણું પાછળ થતા ખર્ચનાં નાણાં વિદ્યોત્તેજક ફંડ અને કન્યા કેળવણી ફંડ પેટે અપાશે.-ભૂપેન્દ્રકુમાર મહંત, મંત્રી,ટ્રસ્ટ
X
નરોડામાં વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટની બેઠક મળી.નરોડામાં વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટની બેઠક મળી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી