કચ્છ / નાના પૈયામાં કરા-વરસાદથી 145 ઘરના નળિયા તૂટ્યાં

Rainfall in small wheels broke 145 house roof tiles

  • માંડવી અને ખાવડા પંથકમાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ, પૂર્વ કચ્છમાં ક્યાંક ઝાપટા વરસ્યાં

Divyabhaskar.com

Dec 13, 2019, 08:32 AM IST
ભુજઃ કચ્છના કેટલાક વિસ્તારમાં બુધવારે પલટાયેલા વાતાવરણ બાદ ગુરૂવારે બપોરે ખાવડા વિસ્તારમાં એકાએક આકાશ ગોરંભાયું હતું અને નાના પૈયા ગામમાં કરા સાથે તોફાની વરસાદ પડતાં 145 જેટલા મકાનના નળિયા તૂટી ગયાં હતાં. માંડવી વિસ્તારમાં પણ ગાજવીજ સાથે એક કલાકમાં અડધા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. શિયાળા વચ્ચે પડેલા કમોસમી વરસાદના પગલે કિસાનો ચિંતિત બન્યા હતા તો રોગચાળો વકરવાની દહેશતે લોકોને સતાવ્યા હતા.
બપોરે ખાવડા વિસ્તારના જૂણા, કાઢવાઢ, તુગા, રબવીરી, ધોરવાર, ખાવડા, પૈયા, નાનાપૈયા, રતડિયા,દીનારા સહિતના અનેક ગામોમાં માવઠું થતાં નુકશાન થયું હતું. રતડિયાના સરપંચ નૂરમમામદ અલીમામદે જણાવ્યું હતું કે નાના પૈયા વિસ્તારનો કેડો ન મૂકતો હોય તેમ ભારે વરસાદ અને પવન સાથે કરા પડતા 145 જેટલા મકાનોના નળિયા તૂટી ગયા હતા. અચાનક પડેલા તોફાની વરસાદથી ગ્રામજનોએ ભય મિશ્રિત ચિંતા વ્યક્ત કરી હતી. એક બાજુ બિમારીનો ભરડો છે તેવામાં માવઠું થતાં લોકોની મુશ્કેલી વધી છે તેમ તેમણે કહ્યું હતું. ખાવડા વિસ્તારમાં નદીઓ વહી નીકળી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
બુધવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં પશ્ચિમના લખપત તાલુકાના વર્માનગર, ઘડુલી, દયાપર, મેઘપર, રવાપર, નાગવીરી, ઘડાણી, આમારા, વિગોડી સહિતના ગામોમાં ઝાપટું વરસ્યું હતું. તો અબડાસા પંથકમાં પણ છૂટાછવાયાં વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા. ગુરૂવારે સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. સૂર્યાસ્ત બાદ તેનું જોર વધતાં લોકો વહેલા ઘરભેગા થઇ ગયા હતા. તૈયાર પાકને માવઠાના કારણે ભારે નુક્સાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. નારાયણસરોવર અને કોટેશ્વરમાં પણ ઠંડી વધતાં પ્રવાસીઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.
માંડવી અને આસપાસના 12 કિલો મીટરના વિસ્તારમાં સવારે 11 વાગ્યાના અરસામાં ગાજવીજ અને ઝડપથી ફુંકાયેલા પવન સાથે એક કલાકમાં અડધા ઇંચ જેટલું પાણી પડ્યું હતું. બિદડા, કોડાય, નાના આસંબિયા, નાની ખાખર, પદમપુર, લાયજા, બાયડ, બાડા, જનકપુર, કાઠડા સહિતના વિસ્તારમાં માવઠું થય હતું. ગઢશીશામાં ઝરમર વરસતાં માર્ગો ભીંજાયા હતા. ધુણઇના સરપંચ હિતેશ ગઢવીના કહેવા મુજબ તેમના ગામમાં સવારે ભારે ઝાપટું પડતાં ખેડૂતોને વધુ એક માર ખમવાનો વારો આવ્યો છે. વાડી વિસ્તારમાં વાવેલા બીજ પર માવઠાની અવળી અસર પડશે તેવી ભીતિ કોડાયના કિસાન લાલજી પટેલે વ્યક્ત કરી હતી. ગઢશીશાના ગનીભાઇ મેમણ અને ઝવેરચંદભાઇએ જણાવ્યું હતું કે, ધાબડિયા માહોલના કારણે ખેડૂતો નવું વાવેતર કરતાં અચકાઇ રહ્યા છે.
રાપર તાલુકાના ખેંગારપર ગામે બપોરે 3.30થી 4 વચ્ચે ઝાપટું વરસતાં શેરીમા પાણી વહી નીકળ્યા હતા. આડેસરમાં પણ ભારે ઝાપટું વરસ્યું હતું તો અંજાર તાલુકાના દેવળિયામાં પણ માવઠું થયું હોવાનું જાણવા મળ્યું હતું.
રાપરમાં અડધા ઇંચ જેટલું પાણી વરસતાં માલીચોક, ભૂતિયો કોઠો, આથમણા નાકા વિસ્તારમાં પાણી વહી નીકળ્યાં હતાં.તાલુકાના ભીમાસર (ભૂટકીયા),ખાંડેક, સણવા, મોડા, ફતેગઢ, ખેંગારપર, સુવઇ, ત્રમ્બો, જેસડા, રવ, સુદાના, વગેરે ગામો માં એક દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. હજી સુધી સરકારી સહાય પણ ખેડૂતો સુધી નથી પહોંચી તેવા માં આ કમોસમી વરસાદના કારણે દયનીય હાલતમાં મુકાઈ ગયા હતા. તાલુકાના મોટી રવ ગામમાં કેટલાક દિવસોથી નેટ આવતું ન હોવાથી ઓનલાઇન અરજીઓનું કામ સાવ ઠપ થઈ ગયું છે.
X
Rainfall in small wheels broke 145 house roof tiles
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી