સાબરકાંઠા / ઈડરથી ખેડબ્રહ્મા વચ્ચે 3 વર્ષથી ગેજ પરિવર્તનના નામે રેલવે વ્યવહાર બંધ

  • રેલવે સ્ટેશન તેમજ પ્લેટફોર્મની હાલત બિસ્માર થઈ

Divyabhaskar.com

Nov 04, 2019, 10:33 PM IST

ઇડર: સાબરકાંઠાના ઇડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેજ પરિવર્તનના નામે રેલવે વ્યવહાર ખોરવાયા પછી સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે. હજુ સુધી ગેજ પરિવર્તનની કામગીરી પણ શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ છે.

મીટરગેજ લાઈનના પાટા કાઢી લેવાયા
ઈડરથી ખેડબ્રહ્મા સુધી છેલ્લા ત્રણ વર્ષથી રેલ વ્યવહાર બંધ છે. તેમજ ભારતીય રેલવે દ્વારા ગેજ પરિવર્તનની કાર્યવાહીના ભાગરૂપે હાલમાં મીટરગેજ લાઈનના પાટા ખોલી નાખવામાં આવ્યા છે. જેના પગલે હાલમાં ઇડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઈન પર આવેલા રેલવે સ્ટેશનની હાલત કફોડી થવા પામી છે. આ રેલવે સ્ટેશન તેમજ પ્લેટફોર્મની હાલત બિસ્માર થઈ ચૂકી છે. આ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલ બાદ ઝાડી-ઝાંખરા ઊગી ચૂક્યા છે.

અન્ય સ્થળો માટે બુકિંગ
રેલવે સ્ટેશન ખાતે માત્ર અન્ય સ્થળો માટે ટિકિટ બુકિંગ માટે કેટલાક લોકો આવતા હોય છે. લોકોમાં આ વિસ્તારમાં જલ્દી રેલવે સેવા શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે. સામાન્ય રીતે હિંમતનગર સુધી ઓનલાઇન ક્લિયર થયા બાદ હજુ સુધી આ વિસ્તારમાં ગેજ પરિવર્તન માટે કોઈપણ પ્રકારનો ટેન્ડરિંગ ન થતા હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે.

બ્રોડગેજ સેવા શરૂ થાય તો લોકોને ફાયદો
આ વિસ્તારમાં રેલવે સેવા ફરી શરૂ થાય તો ધંધા, રોજગાર, વેપારીઓ તેમજ રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓની અમદાવાદ મુંબઇ તેમજ દિલ્હી સુધીની સીધી કનેક્ટિવિટી મળી શકે તેમ છે. જોકે હજુ સુધી ત્રણ વર્ષ વીતવા છતાં આ વિસ્તારમાં રેલવેના મુદ્દે કામગીરીનો અભાવ છે જેના પગલે હવે સ્થાનિકો રેલવે લાઈન મુદ્દે કામગીરી કરવા અનુરોધ કરી રહ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી