રાજકોટ / ખાનગી લો કોલેજોએ કરી માર્કની લહાણી, કૌભાંડ છતું થતા ફેકલ્ટીની બેઠક; તપાસની માગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર

  • યુનિ.ના છેલ્લા 4 વર્ષના ગોલ્ડમેડાલિસ્ટમાં ચોક્કસ કોલેજના વિદ્યાર્થીઓના નામો બહાર આવ્યા
  • ઇન્ટરનલમાં 30 અને સેમેસ્ટર-6માં 95 માર્ક મૂકી વિદ્યાર્થીઓને ટોપ ટેનમાં સ્થાન અપાવવાનું કારસ્તાન

Divyabhaskar.com

Jan 24, 2020, 09:49 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ધૃતરાષ્ટ્ર યુનિવર્સિટી કહેવી પડે તેવી એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેમાં તાજેતરમાં ખાનગી લો કોલેજોનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં અડધો ડઝનથી વધુ ખાનગી કોલેજના સત્તાધીશોએ પોતાની કોલેજનું પરિણામ સારું દેખાડવા માટે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના 25 જેટલા પેપરોમાં ઇન્ટરનલ માર્કની લહાણી કરી ગોલ્ડમેડલ અપાવ્યાની અને ટોપ ટેનમાં ચારથી પાંચ વિદ્યાર્થીઓને સ્થાન અપાવી કારસ્તાન આચર્યાની ઘટના બની છે. છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 150થી વઘુ વિદ્યાર્થીઓને માર્કની લહાણી કરાયાની હકીકત પ્રકાશમાં આવી છે. આ બાબત ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા ફેકલ્ટીના સભ્યોએ તાકીદની બેઠક બોલાવી કુલપતિ અને પરીક્ષા નિયામકને ફરિયાદ કરી છે.

છેલ્લા 4 વર્ષનો રિપોર્ટ તપાસતા મળી માહિતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ કુલ 27 લો કોલેજો સંલગ્ન છે. જેમાં ચાર ગ્રાન્ટ ઇન એઇડ અને એક સરકારી લો કોલેજને બાદ કરતા બાકીની 22 ખાનગી લો કોલેજ છે. સરકારી લો કોલેજ અને ગ્રાન્ટેડ લો કોલેજમાં છેલ્લા ચાર વર્ષમાં એકપણ વિદ્યાર્થીને ગોલ્ડમેડલ મળ્યો નથી ત્યારે થોડા સમય પહેલા લો ફેકલ્ટીના એક પદાધિકારીના ધ્યાનમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી લો કોલેજના વિદ્યાર્થીઓના ગુણ વચ્ચે રહેલા જમીન-આસમાનના અંતરની હકીકત આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે તપાસ કરતા છેલ્લા ચાર વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ચોક્કસ ખાનગી લો કોલેજના વિદ્યાર્થીઓ જ ગોલ્ડમેડાલિસ્ટ બનતા હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી.

90 ટકાથી વધુ માર્ક આપી પરિણામ ઊંચુ લાવ્યા
વિશેષ તપાસમાં એવી હકીકત પ્રકાશમાં આવી હતી કે અડધો ડઝનથી વધુ ખાનગી લો કોલેજના સત્તાધીશો પોતાની કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ટરનલ ગુણમાં મોટો ફાયદો કરાવતા હોય છે અને છેલ્લા સેમેસ્ટરમાં પણ 90થી 95 ટકા ગુણ આપી ઊંચું પરિણામ મેળવી બાદમાં પેપરમાં તેની જાહેરાત કરાવી પોતાની દુકાન ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. આવું લગભગ છેલ્લા ચાર વર્ષમાં 150 કરતા વધુ વિદ્યાર્થીઓને ઇન્ટરનલ ગુણ પૂરા આપી અને છેલ્લા સેમેસ્ટરમાં પણ ખુબ જ વધુ ગુણ મૂકી ટોપ ટેનમાં સ્થાન મેળવ્યાનું બહાર આવ્યું છે.

સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ કોલેજ અને ખાનગી કોલેજના વિદ્યાર્થીમાં 3 વર્ષમાં 400 ગુણનું અંતર
લો કોલેજોમાં દરેક પેપરમાં 30 ગુણ ઇન્ટરનલના હોય છે તેમાં સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજના સત્તાધીશો અને પ્રાધ્યાપકો તેમના વિદ્યાર્થીઓને વધુમાં 18 થી 21 ગુણ જેટલા આપતા હોય છે ત્યારે ખાનગી કોલેજના સત્તાધીશો તેમના વિદ્યાર્થીઓને ઇન્ટરનલમાં 30માંથી 30 સુધીના માર્કસ આપી દેતા હોય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓને 28 થી 29 ગુણ આપતા હોય છે. આમ ત્રણ વર્ષમાં 25 પેપરમાં 10 માર્કનું વેરિએશન ગણીએ તો 250 માર્ક ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને વધુ આવે છે. તેવી જ રીતે છેલ્લા સેમેસ્ટરમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં 100 માર્કના પેપરમાં વધુમાં વધુ 65 થી 70 ગુણ આપવામાં આવે છે ત્યારે ખાનગી કોલેજો દ્વારા છેલ્લા સેમેસ્ટરના ચારેય પેપરમાં 90 થી 95 ગુણની લહાણી કરવામાં આવે છે. એટલે કે ખાનગી કોલેજના વિદ્યાર્થીઓના ત્રણેય વર્ષના ઇન્ટરનલ અને છેલ્લા સેમેસ્ટરના પેપરનો સરવાળો કરીએ તો 400થી વધુ ગુણ ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને મળે છે.

જિલ્લાકક્ષાએ અથવા યુનિ. પર પરીક્ષા લેવાનો નિર્ણય
ગુરુવારે લો ફેકલ્ટીની બેઠક યોજાઇ હતી જેમાં પેપરોના ઓનલાઇન માર્ક મુકવાના બંધ કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ ખાનગી કોલેજ જે માર્ક મુકે તેની મોડરેટિંગની સત્તા યુનિવર્સિટીના સત્તાધીશોને આપવાની અને લો ફેકલ્ટીની પરીક્ષા જિલ્લાકક્ષાએ અથવા યુનિવર્સિટી કેમ્પસ પર યોજવા નિર્ણય કરાયો છે. -ડો.મયૂરસિંહ જાડેજા, ડીન

આ સંચાલકોએ માર્કની લહાણી કર્યાની શંકા
મોરબીની બે લો કોલેજ, જસદણ, પડધરી, દેરડીકુંભાજી અને કાલાવડની લો કોલેજોના સત્તાઘીશોએ બેફામ રીતે વિદ્યાર્થીઓને માર્કની લહાણી કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને તે બાબતે યુનિવર્સિટીના સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે.

X
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીરસૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી