સુરત / ભટારમાં ખાડી રોડ પર કાર ચાલકે બે બાળકોને અડફેટે લેતા એકનું મોત, કાર ચાલક ફરાર

કાર ચાલક ઘટના સ્થળના થોડે દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો

  • પૂરપાટ ઝડપે આવેલી કારે માટીના ઢગલા પર બેસેલા બાળકોને અડફેટે લીધા
  • 2 વર્ષના ભાઈનું મોત, 4 વર્ષના ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો

Divyabhaskar.com

Dec 28, 2019, 07:16 PM IST

સુરતઃ ભટાર વિસ્તારમાં ખાડી રોડ પર પૂરપાટ ઝડપે કાર ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેથી 2 વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મોટા 4 વર્ષના ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

કાર ચાલક કાર થોડે દૂર મૂકી ફરાર થઈ ગયો

મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં મૂળ દાહોદના ઝાલોદનો સંગાડા પરિવાર રહે છે. રમેશભાઈ સંગાડા અને પત્ની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભટાર વિસ્તારમાં આઝાદનગરની પાછળ ખાડી રોડ પર છેલ્લા થોડા દિવસોથી પાલિકાના પીવાના પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં રમેશ અને તેની પત્ની મજૂરી કામ કરી રહ્યા છે. આજે તેઓ પોતાના બંને બાળકો 4 વર્ષિય સુનીલ અને 2 વર્ષિય જયદીપ સાથે મજૂરી કામે ગયા હતા. બંને બાળકો માટીના ઢગલા પર બેઠા હતા. દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર(GJ-05-CM-5304) કારના ચાલકે પૂરપાટ ચલાવી બંને બાળકોને અડફેટે લીધા હતા. ત્યારબાદ થોડે દૂર કાર મૂકી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. વાહન પરિવહનની સરકારની વેબસાઈટમાં તપાસ કરતા દિનેશ નામના ઈસમની કાર હોવાનું જાણવા મળ્યું છે.

રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડ્યા

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાના થોડે દૂર જઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. લોકોને જાણ થતા રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી