વડોદરા / હવે 10 હજાર સ્કૂલવર્દી વાહનમાં CCTV લગાવવા ફરજિયાત

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • સ્કૂલવર્દીના વાહનચાલકો દ્વારા વિદ્યાર્થિનીઓની કરાતી સતામણી-દુષ્કર્મના બનાવોના પગલે જાહેરનામું

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 12:59 AM IST

વડોદરાઃ સ્કુલવાનના રિક્ષા ચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓની જાતિય સતામણી અને દુષ્કર્મના બનાવો ઉપરાંત વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી શહેરની તમામ 10 હજાર સ્કુલ કોલેજની સ્કુલ વાન, રિક્ષા અને બસમાં સીસીટીવી કેમેરા લગાડવા અંગેનું શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કેમેરાની ફીડ વેબ લીંક દ્વારા વિદ્યાર્થીના વાલીને તથા જે તે શૈક્ષણિક સંસ્થાના વડાને મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર પર મોકલવાની પણ તાકીદ કરાઇ છે.

લાઇવ ફીડ વેબ લિંક દ્વારા વાલીઓને અપાશે
શહેરમાં અંદાજે દોઢ લાખ કરતા વધુ કેજીથી લઇ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ 10 હજાર સ્કુલવાન, રિક્ષા અને બસનો ઉપયોગ કરે છે. તાજેતરમાં સ્કુલવાનના ડ્રાઇવરો દ્વારા વિદ્યાર્થીઓને જાતિય સતામણી અને દુષ્કર્મના બનાવો બન્યા બાદ પોલીસે વિદ્યાર્થીઓની સલામતી માટે આ તમામ સ્કુલવાન, રિક્ષા અને બસમાં સીસીટીવી લગાડવા પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવાયું હતું કે સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ રિક્ષા, વાન અને બસનો ઉપયોગ કરે છે. આ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વાન રિક્ષા અને બસના માલીકોએ તેમના વાહનોમાં સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. આ કેમેરાની લાઇવ ફીડ વેબ લીંક દ્વારા વિદ્યાર્થીના વાલીને તથા જે તે કોલેજ સ્કુલના આચાર્ય અને મેનેજમેન્ટને મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ પર મળે તે રીતે વ્યવસ્થા કરીને સીસીટીવી લગાડવા પડશે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં છાણી વિસ્તારમાં સ્કુલવાનના ડ્રાઇવરે વિદ્યાર્થીની છેડતી કરી હતી. ભુતકાળમાં પણ આ પ્રકારના બનાવો બન્યા હતા. જેથી પોલીસે હવે વિદ્યાર્થીઓની સલામતી માટે સીસી ટીવી કેમેરા લગાડાય તેવી તજવીજ કરી હતી.

30 દિવસમાં વાંધા અને સૂચનો રજૂ કરી શકાશે
પોલીસ કમિશનરે બુધવારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે, જાહેરનામું સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયાની તારીખથી અમલમાં આવશે. આ અંગે કોઇ વ્યક્તિ કે સંસ્થાનાં સૂચનો કે વાંધા હોય તો 30 દિવસની અંદર પોલીસ કમિશનર કચેરીમાં લેખીતમાં જાણ કરવાની રહેશે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી