• Home
  • International
  • Not afraid of bombings and threats, given treatment in an underground hospital, now the world will know. Amani's story

ભાસ્કર વિશેષ / અનેક વખત બોમ્બમારા અને ધમકીઓથી ડરી નહીં, અન્ડરગ્રાઉન્ડ હોસ્પિટલમાં સારવાર આપી, હવે દુનિયા જાણશે ડૉ. અમાનીની કહાણી

ઘાયલ બાળકોની સારવાર કરતી ડૉ. અમાની.
ઘાયલ બાળકોની સારવાર કરતી ડૉ. અમાની.

  • સીરિયાની મહિલા ડૉક્ટર પર બનેલી ફિલ્મ ‘ધ કેવ’ ઑસ્કર માટેની રેસમાં

Divyabhaskar.com

Feb 09, 2020, 04:40 AM IST
વોશિંગ્ટન: સીરિયામાં ગૃહયુદ્ધ દરમિયાન એક મહિલા ડૉક્ટરે પોતાને માનવતાની સેવામાં તલ્લીન કરી લીધી. બોમ્બમારા અને ધમકીઓ વચ્ચે તેણી અન્ડરગ્રાઉન્ડ હોસ્પિટલ બનાવી બાળકોનો ઇલાજ કરતી રહી. ધરપકડ અને મોતનો ડર પણ હતો પરંતુ તેમના જુસ્સા સામે તે ડર વામણો સાબિત થયો. હવે તેમના પરથી બનેલી ફિલ્મ ‘ધ કેવ’ ઑસ્કર માટે નોમિનેટ થઇ છે.
પહેલાં પરિવાર સામે અને પછી સરકાર-વિદ્રોહીઓ સામે સંઘર્ષ કરનારી 32 વર્ષની ડૉ. અમાનીની કહાણી હવે દુનિયા જાણશે. તેઓ જણાવે છે- 2011માં આરબ સ્પ્રિંગની શરૂઆત થઇ ત્યારે હું મેડિકલનો અભ્યાસ કરતી હતી. હું પરિવારજનોથી છુપાઇને દેખાવોમાં જોડાવા લાગી, કેમ કે 5 ભાઇ-બહેનમાંથી માત્ર મને જ ભણવાની મંજૂરી મળી હતી. સ્થિતિ અત્યંત ખરાબ હતી. આખો દિવસ બોમ્બમારા અને ફાઇટર જેટના અવાજ. ઠેર-ઠેર બાળકોની લોહીથી લથબથ લાશો. મેં વિચાર્યું કે તેમને આ રીતે ન છોડી શકાય. અન્ડરગ્રાઉન્ડ હોસ્પિટલ શરૂ કરી. ઉપર બોમ્બમારો અને ગોળીબાર થતા. મોત ગમે ત્યારે આવી શકતું હતું પણ કોઇ પરવા નહોતી.
2018માં શહેર પર સૈન્યનો કબજો થઇ ગયો. હોસ્પિટલ બંધ કરવી પડી. હું ભાગીને તૂર્કી આવી ગઇ. હવે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં મહિલાઓના અધિકારોની લડાઇ લડી રહી છું. શા માટે કોઇ મહિલા તેણે શું કરવું છે તે નક્કી ન કરી શકે? શું તે પોતાના માટે નિર્ણયો પણ ન લઇ શકે? તેઓ કોઇ પણ બાબતમાં પુરુષોથી પાછળ નથી. પહેલા જેઓ મારી મજાક ઊડાવતા તેમનું વલણ બદલાઇ ચૂક્યું છે. હું સીરિયન હોવાથી અમેરિકાએ પહેલાં મને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. હવે મારી પાસે ઇન્વિટેશન હોવાથી તે વિઝા આપવા તૈયાર છે. હું અમેરિકા જઇ રહી છું.
10 વર્ષમાં 350 હોસ્પિટલ પર 588 હુમલા, 914 લોકોનાં મોત
ડૉ. અમાનીના જણાવ્યાનુસાર શહેર પર સૈન્યનો કબજો હતો. લોકોની અવર-જવર પર રોક હતી. રડતાં-પીડાતાં બાળકો હૈયું હચમચાવી દેતાં હતાં. ઉપરથી બોમ્બમારો. અમે ચોરીછૂપીથી પોતાના માટે અને બાળકો માટે ભોજન-દવાઓ લાવતા હતા. ધરપકડ અને મોતનો ડર પણ હતો પરંતુ તેની કોઇ પરવા નહોતી. સીરિયામાં 2011થી 2019 દરમિયાન 350 હોસ્પિટલ પર 588 હુમલા થયા છે, જેમાં 914 ડૉક્ટર-નર્સનાં મોત થયાં છે.
X
ઘાયલ બાળકોની સારવાર કરતી ડૉ. અમાની.ઘાયલ બાળકોની સારવાર કરતી ડૉ. અમાની.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી