રાજકોટ / નામ બડે ઔર દર્શન છોટે: મનપાએ બજેટમાં 2057 કરોડના વિકાસની વાતો કરી, 9 માસમાં માત્ર 199 કરોડના કામ થયા

રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

 • અંદાજપત્રના નવ માસના સરવૈયામાં 304 કરોડનો મહેસૂલી ખર્ચ થયો, અનેક પ્રોજેક્ટ તો હજુ શરૂ જ નથી થયા
 • અમૃત યોજના હેઠળ પાણીની લાઇન નાખવા રૂપિયા 166 કરોડની જાહેરાત, કામ થયું માત્ર 27 કરોડનું

Divyabhaskar.com

Nov 29, 2019, 11:29 PM IST

રાજકોટઃ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2019-20ના અંદાજપત્ર 2057 કરોડનું જાહેર કર્યું હતું. અંદાજપત્રની જાહેરાત બાદ નવ માસ પૂરા થયા છતાં બજેટમાં જાહેર કરવામાં આવેલા અડધો અડધ કામો હજુ શરૂ થયા નથી. 2057 કરોડના અંદાજપત્રમાં નવ માસમાં 304 કરોડ રૂપિયા પગાર તેમજ અન્ય મહેસૂલી ખર્ચ થયો છે જ્યારે વિકાસકામ પાછળ માત્ર 199 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા છે. બજેટમાં જાહેર કરવામાં આવેલા અનેક પ્રોજેક્ટો માત્ર બજેટની ફાઇલમાં જ રહી ગયા છે.

166 કરોડની જગ્યાએ 27 કરોડની પાઇપલાઇન નાખી
રાજકોટ મહાનગરપાલિકાએ બજેટમાં શહેરમાં નાનામવા, કોઠારિયા સોલવન્ટ પાસે રેલવે ફાટક અને સોરઠિયાવાડી સર્કલ ખાતે બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. અહીં બ્રિજ બનાવવા માટે માત્ર વાતો જ થઇ રહી છે હજુ નક્કર કામગીરી ચાલુ થઇ નથી. આજી રિવફ્રન્ટની છેલ્લા 10 બજેટમાં જાહેરાત થાય છે, પરંતુ આ પ્રોજેક્ટમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ થઇ છે જે ધીમી ગતિએ ચાલે છે. અમૃત યોજના હેઠળ શહેરમાં 166 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની જાહેરાત થઇ અને કામ માત્ર 27 કરોડનું જ થયું છે, 24 કલાક પાણી વિતરણ માટે 100 કરોડની જોગવાઇ સામે નવ માસમાં એક રૂપિયો પણ વાપર્યો નથી. મનપાએ બજેટમાં મોટી મોટી જાહેરાત કરી અને નવ માસ બાદ અડધી રકમના કામો પણ હાથ પર લીધા નથી.

વિકાસ મુરઝાયો - આ પ્રોજેક્ટની જાહેરાત થઇ પરંતુ કામ શરૂ જ થયા નથી

 • શહેરના ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ
 • જ્યુબિલીબાગથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ જોડતો ફૂટ ઓવરબ્રિજ
 • અરવિંદભાઇ મણિયાર હોલનું નવીનીકરણ
 • 3 નવી ગ્રાન્ટેડ હાઇસ્કૂલ
 • ચાર જગ્યાએ માલધારી વસાહત
 • જ્યુબિલી ગાર્ડન નવીનીકરણ
 • પાર્કિંગ માટે મલ્ટિલેવલ બિલ્ડિંગ
 • 24 કલાક પાણી વિતરણ
 • કોમર્શિયલ વિસ્તારમાં મહિલા યૂરિનલ
 • ટી.પી.ના પ્લોટમાં સ્પોર્ટસ એક્ટિવિટી
 • 100 ઇ-રિક્ષા, 200 નવી ઇલેક્ટ્રિક બસ
 • 500 નવી સાઇકલની ખરીદી કરી શહેરમાં 93 સ્થળ પર સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ
 • 150 ફૂટ રોડ પર 2 સ્થળે ફૂટ ઓવરબ્રિજ
 • કોઠારિયા, નારાયણ નગરમાં બે હોસ્પિટલ
 • 90 નવી આંગણવાડી
 • રાંદરડા-લાલપરી ડેવલપમેન્ટ

સ્પોર્ટસ માટેના 164માંથી માત્ર 13 લાખ વપરાયા
મનપાએ સ્વિમિંગ પૂલ, સ્પોર્ટસ એક્ટિવિટી માટે બજેટમાં 164.40 લાખ રૂપિયાની જોગવાઇ કરી હતી. જેની સામે માત્ર 13 લાખ રૂપિયા છેલ્લા નવ માસમાં વપરાયા છે. મનપાએ બજેટમાં દરેક ઝોનમાં ખેલ સંકુલ, હેપી સ્ટ્રીટ, રમતગમત પાછળ નાણાં ખર્ચની જાહેરાત કરી હતી.

કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, વાંચનાલય માટે 730 લાખ સામે 9.29 લાખ વાપર્યા
મનપાએ બજેટમાં બે નવા કોમ્યુનિટી હોલ, કોમ્યુનિટી હોલના નવીનીકરણ, ઓડિટોરિયમ, રીડિંગરૂમ, વેસ્ટ ઝોનમાં વાંચનાલય, ત્રણ નવા પાર્ટી પ્લોટ, એક્ટિવિટી સેન્ટર, વોર્ડ ઓફિસના નવીનીકરણ માટે 730 લાખ રૂપિયાની જોગવાઇ કરાઈ હતી. જેની સામે નવ માસમાં માત્ર રૂ.9.29 લાખનો ખર્ચ કર્યો છે.

X
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીરરાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી